નર થઈ નારીથી હાર્યો!? 13-10-15

03:22


‘છોડ યાર એ નહીં આવે ઘરે તેણે બૈરીને હિસાબ આપવો પડે ?’ ‘ એ તો પત્નીનો ગુલામ છે ?’ ‘ કેટલીવાર ઘરેથી ફોન આવે તારો હિસાબ રાખે છે કે ક્યાં છો? શું કરો છો?’ આ અર્થનાં અનેક વાક્યો તમે કોઈને કહ્યા હશે અથવા કોઈને મોઢે સાંભળ્યા હશે. પૌરુષ હોવાની માન્યતાઓ પુરુષને બૂમરેંગ થઈને ઘણીવાર વાગે છે તેમાંની એક માન્યતા છે કે પુરુષ જ હંમેશાં સ્ત્રીને લીડ કરે. પુરુષ જ હંમેશાં દરેક નિર્ણયો લે અને જો તે સ્ત્રીની વાત માને કે તેને વધુ પ્રાધાન્ય આપે તો તે બૈરાઘેલો કે ડરપોક ગણાય. વળી મોટેભાગે પુરુષો જ બીજા પુરુષને તે બાબતે ટોણાં મારશે. સ્ત્રીને આદર આપવાની વાત તો પુરુષ સ્વીકારશે પણ આદરમાં સ્ત્રી જે કહે તે માનવાની કે તેના હાથમાં બધો દોર આપવાની વાત આવે તો તેના પૌરુષત્વમાં મોટી દરાર પડે છે. દોર આપનાર પુરુષના અહ્મમાં જ નહીં. પણ તેની આસપાસના દરેક પુરુષોના અહ્મ ઘવાઈ જતા હોય છે. 

વારંવાર દોહરાવવામાં આવેલી વાત અહીં ફરી દોહરાવવામાં આવે છે કે સ્ત્રી, પુરુષોના કામ તેની શારીરિક ક્ષમતાને હિસાબે વહેંચી લેવામાં આવ્યા હતા. પુરુષ શિકાર કરીને ખાવાનું લાવતો અને સ્ત્રી તે પકાવીને પુરુષને અને બાળકોને જમાડતી. સંતતિ જન્મ અને ઉછેરને કારણે તથા શારીરિક અક્ષમતાને કારણે તેઓ શિકારે નહોતી જઈ શકતી. પણ જેમ જેમ મનુષ્યનો વિકાસ થતો ગયો એમાં બે જાતિ વચ્ચેનો ભેદ ઘટવાને બદલે વધતો ગયો. શારીરિક ભેદ માનસિક-સામાજિક ભેદ પણ બનતો ગયો. તેનાં પરિણામો બન્ને જાતિ ભોગવી રહી છે. પુરુષની સમસ્યા કદાચ વધુ ગહન છે કારણ કે તે પોતાની પીડા કહી શકતો નથી.

કોઈ પુરુષને પોતે લીડ ન લેવી હોય. અથવા પોતે કોઈ નિર્ણયો ન લેવા હોય અને તેને પોતાની પત્ની કે પ્રેમિકાના નિર્ણયો પર વિશ્ર્વાસ કે શ્રદ્ધા હોય તો તેને પત્નીથી દબાયેલો કહીને ઉતારી પાડવું કેટલે અંશે યોગ્ય છે? શા માટે પુરુષો સહજતાથી સ્વીકારે નહીં કે દરેક મનુષ્ય એક સરખો હોતો નથી. નવાઈ એ લાગે કે ઘણીવાર પુરુષોની સાથે સ્ત્રીઓ પણ આવા પુરુષની ટીકાઓ કરતી હોય છે. કોઈ પુરુષને ફક્ત કમાઈ લાવ્યા બાદ તે પૈસાનું પત્ની શું કરે છે ? તે વિશે શંકા હોય જ નહીં. પૈસાનું મૅનેજમેન્ટ તેને ફાવતું ન હોવાથી તે જવાબદારીમાંથી મુક્ત થવામાં તેને હાશકારો લાગતો હોય. ન તો એમ કરવાથી તેને પોતાનું પુરુષાતન ઓછું થતું લાગે કે ન તો તેને પત્નીથી દબાયેલો લાગતું હોય. એ જ રીતે પુરુષને આખો દિવસ કામ કર્યા બાદ મિત્રો સાથે પબમાં કે બારમાં જઈને બેસવા કરતાં કે ખોટા ગામ ગપાટાં કરવા કરતાં ઘરે જઈને પત્ની સાથે બેસીને ચા પીવી કે બાળકો સાથે ડિનર લેવું ગમતું હોય અથવા તે ઘરે જઈને ટીવી જોવાંમાં આનંદ અનુભવતો હોય, તો તેમાં એને ટોણો મારવો યોગ્ય છે ખરું? અને તે માટે પુરુષે શા માટે ગુનાહિતતા કે નીચાજોણું અનુભવવાનું કે મજાકમાં સામેલ થવાનું ? 

આ જ રીતે જો ક્યારેક પુરુષ કહે કે મારી પત્નીને નથી ગમતું એટલે અમુક વર્તન કે કામ નહીં કરું તો એ બાબત તેના પૌરુષત્વને ઓછું નથી જ કરતું. આ માનસિકતામાંથી પુુરુષ મુક્ત થઈ રહ્યો છે પણ તેને સમય લાગશે. જો કે જે પરિવર્તન આવી રહ્યું છે તે ફક્તને ફક્ત શહેરોમાં અને અપર ક્લાસમાં આવી રહ્યું છે કે પછી નીચલા વર્ગમાં આવી રહ્યું છે. બાકી તો સ્ત્રી કમાતી હોય તો પણ તેના પગારને કઈ રીતે રોકાણ કરવું કે ક્યાં વાપરવો તે પણ ઘરના પુરુષો જ નક્કી કરતા હોય છે. ઘરમાં કેટલા પૈસા ક્યાં વાપરવા અને શું કામ વાપરવા તેના નિર્ણયો પણ પુરુષોએ જ લેવા જોઈએ એવી માન્યતાઓ પ્રચલિત છે. તેમાં જો કોઈ પુરુષ એ બધી જંજાળમાંથી મુક્ત થવા માગે તો પણ આ માન્યતાઓના દાયરામાંથી નીકળવું સહેલું નથી હોતું. 

એ વાત ખરી કે કેટલીક વખત સ્ત્રી જબરી હોઈ શકે પણ દરેક વખતે સ્ત્રી જબરી છે એટલે જ તે નિર્ણયો લે છે તેવું નથી હોતું. શક્ય છે પુરુષને સમજાયું હોય કે તેની પત્ની સહજ કે સારી રીતે કેટલાક કામ કરી શકતી હોય તો પણ તેને આત્મવિશ્ર્વાસ નહીં આવે કારણ કે પુરુષો ક્યારેય તેમને મોકો નહીં આપે ફક્તને ફક્ત પૌરુષીય હોવાની માન્યતાને કારણે. અને દરેક બહારના કે બૅંકના કે ઈન્વેસ્ટમેન્ટના કામ પુરુષોએ જ કરવાનો બોજો ઉઠાવીને ચાલવું પડે છે. સમયનો અભાવ ક્યારેક તાણ ઊભી કરે છે અને એ તાણ શારીરિક તથા માનસિક રીતે પુરુષને જ પીડે છે. સ્ત્રીની જેમ પુરુષ જો સ્ત્રી પર કેટલીક બાબતે નિર્ભર હોય તો કઈ આભ નથી તૂટી પડતું. કે ન તો પૌરુષત્વ ઓછું થઈ જતું. અને જો મિયાંબીબી રાજી તો કાજીઓએ તેને મજાકનું સાધન બનાવતાં ચાર વખત વિચાર કરવો જોઈએ. કારણ કે મજાકનું સાધન ન બનવા માટે જ કેટલાક પુરુષો પત્ની કરતાં સમાજથી વધુ બીતાં હોય છે. તેમાં એમની માનસિકતાને ઘણું નુકશાન પહોંચતું હોય છે. તેમને સમજાતું નથી કે પોતે કેટલીક જવાબદારી ન લેવાની કે ન નિભાવી શકવાની માનસિકતાનું શું કરે ? આખરે તે હતાશા કે એન્કઝાઈટી પેદા કરે છે. જે પુરુષ સ્ટીરિયોટાઈપ પુરુષની ભૂમિકામાં હોય છે તેમનામાં અગ્રેસન એટલે કે ગુસ્સો, ફ્રસ્ટ્રેશન પણ વધુ હોય છે. 

જે પુરુષો સ્ત્રીની સાથે ઘરે કામ કરે છે. ઓફિસમાં પણ સ્ત્રીઓ સાથે કામ કરે છે. સ્ત્રીની ક્ષમતાનો આદર કરે છે તેમને પ્રમાણમાં હતાશા નહિવત હોય છે અને તે પોતાનો વિકાસ કરી શકે છે. જાતિય ભેદભાવ સ્ત્રીને પીડે છે એટલો જ પુરુષને ય પીડે જ છે. પણ તેના વિશે પુરુષો ક્યારેય વિચારતા નથી કે ન તો સ્ત્રી વિચારે છે. એટલે જ સતત સંઘર્ષ થતો રહે છે. વિચારની દિશા બદલાય તો જીવન સરળ થઈ શકે છે. નારીની સામે નર હારે તેનાથી પુરુષાતનમાં કોઈ ફરક નથી પડતો. જીવન રસાતાળ નથી થઈ જતું. યુ કે બેઝ્ડ સ્યુસાઈડ પ્રિવેન્સન સેન્ટર સમારીટન્સના રિપોર્ટમાં પણ કહેવાયું છે કે જાતિય ભેદભાવ સ્ત્રી કરતાં પુરુષને સૌથી વધુ નુકસાન કરે છે. કારણ કે સમાજ પુરુષ પાસેથી ચોક્કસ વર્તનની અપેક્ષાઓ રાખતો હોય છે. પુરુષાતનને સાબિત કરવા માટે પુરુષે ચોક્કસ રીતે પુરવાર થવું પડે છે તેનો ભાર સતત તેમના પર અનુભવાતો હોય છે. 

You Might Also Like

0 comments