કી મે જૂઠ બોલિયા ..... ! 8-9-15

04:48



હમણાં જ જેનો જન્મદિન ગયો એ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પણ ખોટું બોલતા હતા. પણ તેમનું ખોટું બોલવું વ્રજની દરેક ગોપીઓને ગમતું હતું, કારણ કે એ પ્રિય પુરુષ હતા, પરંતુ સ્ત્રીઓને તેમના પતિ કે પ્રેમી ખોટું બોલે તે ગમતું નથી. જો કે ક્યારેક ઝઘડાં ટાળવા કે કોઈને ખોટું ન લાગે તે રીતે  ખોટું બોલવું સ્વીકારવામાં આવે છે, પરંતુ તેની સીમા ક્યારે ઓળંગાઈ જાય તેનો ખ્યાલ નથી રહેતો ત્યારે તકલીફો ઊભી થાય છે.
સ્ત્રી અને પુરુષો ખોટું બોલે તેમાં ખાસ્સો ફરક હોય છે. યુનિવર્સિટી ઓફ વર્જિનિયાના સાઈકૉલૉજિસ્ટ બેલા એમ. ડીપાઉલોનું કહેવું છે કે મોટાભાગે સ્ત્રીઓ બીજાને સારું લગાડવા માટે જ ખોટું બોલે છે. બીજાને ખરાબ ન લાગે તેનો ખ્યાલ રાખતી હોય છે. ઈન્દ્રાણી મુખરજી જેટલું ખોટું બોલવું એ અપવાદ‚પ છે.
પુરુષો જ્યારે ખોટું બોલે છે ત્યારે મોટાભાગે તેમનો અહમ સાચવવા કે મોટો કરવા માટે ખોટું બોલે છે અથવા કશુંક છુપાવવા માટે ખોટું બોલે છે. સાઈકૉલૉજિસ્ટ માઈકલ લ્યૂઈસે લખેલા ‘લાયિંગ ઍન્ડ ડિસેપશ્ન ઈન એવરી ડે લાઈફ’ પુસ્તકમાં કહે છે કે પુરુષો પોતાની જાતની બડાઈ મારવા માટે ખોટું વધારે બોલશે. પણ જો તે સતત નાની નાની બાબતમાં પણ ખોટું બોલવા લાગે છે તો તેનું લગ્નજીવન કે વ્યવસાયિક જીવન ખોરવાઈ જવાની શક્યતા રહેલી હોય છે. તેના પરથી લોકોનો વિશ્ર્વાસ ઓછો થઈ જાય છે. ધીમે ધીમે સમાજમાં જે સન્માન મેળવવા ખોટું બોલ્યું હોય છે તે ગુમાવવાનો વારો આવે છે.
ખોટું બોલનાર પુરુષો મોટા મોટા બણગાં ફૂંકશે. કારણ કે પુરુષોને હાર સ્વીકારતા તકલીફ પડે છે. કારણ કે સમાજમાં એવી માન્યતા ઊભી કરેલી છે કે પુરુષે સફળ જ હોવું જોઈએ. અસફળ પુરુષનું સ્વમાન પણ જળવાતું નથી.
આમ મોટેભાગે પુરુષો  બીજાને સારું લગાવવા ખોટું બોલવાનું ઓછું પસંદ કરે, પરંતુ પોતાનો ઈગો સાચવવા કે મોટો કરવા માટે જુઠ્ઠું બોલતા અચકાતાં નથી. ગાંધીજી જેવા પુરુષો અપવાદ‚પ હોઈ શકે, પરંતુ આજના યુગમાં મોટાભાગના પુરુષો માને છે કે સફળ થવા માટે થોડું ઘણું ખોટું તો બોલવું જ પડે. અને તે માટે એમને કોઈ ગુનાહિત ભાવ પણ અનુભવાતો નથી. નિર્દોષ જુઠ્ઠાણું પણ હોઈ શકે જે મસ્તી મજાક માટે બોલાતું હોય પણ એમાં ય કદીક હસવામાંથી ખસવું થવાની શક્યતા હોય છે.





બોક્સ-૧

પરિણીત પુરુષો બીજી સ્ત્રીની નજીક રહેવા શું ખોટું બોલે ?

સંશોધન જણાવે છે કે ફક્ત ૩ ટકા પરિણીત પુરુષો પોતાની પત્નીને બીજી સ્ત્રી માટે છોડે છે, પણ તેઓ બીજી સ્ત્રીને દૂર પણ નથી જવા દેવા માગતા એટલે અનેક જુઠ્ઠાણાં ચલાવશે. પતિ પત્ની ઔર વહ ફિલ્મ જો યાદ હોય તો સંજીવ કુમાર તેમાં અનેક અસત્યો બોલે છે, જેમ સ્ત્રીની પૂર્તિઓ પુરુષ વાંચે છે તેમ પુરુષની પૂર્તિ પણ સ્ત્રીઓ વાંચતી હોય તો કેટલીક ટિપ્સ પણ તેમને માટે -( જો કે, આ બાબત હવે આજની નારીને પણ લાગુ પડી જ શકે છે. )

*  મારી પત્ની સારું વર્તન નથી કરતી- અથવા કહો કે મારી પત્નીનો સ્વભાવ સારો નથી. તે મને આદર, માન નથી આપતી. સતત ઝઘડા કરે છે. કર્કશા છે. તેને વાત કરવાની આવડત નથી.
તું ખૂબ સારી છો. બોલે તો થાય કે સાંભળ્યા જ કરું. એટલે જ તો તને વારંવાર ફોન કરું. તારી સાથે હોઉં ત્યારે હાશ થાય. વગેરે વગેરે...
* અમારી વચ્ચે કશું જ નથી રહ્યું- અમે જુદા સૂઈએ છીએ. કેટલાય વરસોથી અમારી વચ્ચે કોઈ દેહ સંબંધ નથી. તેને એમાં રસ જ  નથી. તો વળી કેટલાક કહેશે કે તે સતત માંદી જ રહે છે. સદાય થાકેલી અને ફરિયાદ કરતી. તેને હવે રસ જ નથી સંબંધમાં.
શક્ય છે કે તેની પત્નીમાં પેલા પુરુષને રસ ન હોય તેથી તેમની વચ્ચે સંબંધ ન હોય. કે પછી તેની પત્નીને ખબર પડી હશે કે તેનો પત્ની ચિંટિંગ કરે છે એટલે તેમની વચ્ચે સંબંધો ન રહ્યા હોય એટલે પુરુષ કહે તે વાત માની લેવાની જ‚ર નથી.
* હું તેને ટૂંક સમયમાં છોડી દઈશ પણ - જ્યારે પુરુષને સમજાઈ જાય કે સ્ત્રીને હવે તેના જુઠ્ઠાણાંથી કંટાળો આવ્યો છે તો તે કહે છે કે હું હવે મારી પત્નીથી કંટાળી ગયો છું બસ જેમ તેમ દિવસો વીતાવું છું. બાળકો માટે જ સાથે રહું છું. નહીં તો ક્યારના ડિવોર્સ થઈ ગયા હોત. હું જવાબદાર પુરુષ છું એટલે જવાબદારીમાંથી હાથ ન ધોઈ શકું. તારા માટે પણ એટલે જ જવાબદાર છું . કાશ તું મને પહેલાં મળી હોત તો...વગેરે વગેરે...
આ પુરુષ ક્યારેય પત્નીને છોડી શકે નહીં. તે સતત પહેલાં મળી હોતના જ ગાણાં ગાશે. શક્ય છે તે સ્ત્રી સાથે બસ જરા દિલ બહેલાવતો હોય ટાઈમપાસ કરતો હોય. લાંબા લગ્નજીવનની બોરિયત દૂર કરતો હોય. પોતાની પત્ની પાસે પણ તે એ જ રીતે ખોટું બોલતો હશે.
* ફક્ત સેક્સનો સંબંધ નથી --તેને બીજી સ્ત્રી સાથે સેક્સના સંબંધ કરતાં કંઈક વધુ છે. જો કે તેને સ્ત્રીના શરીર સિવાય કશામાં જ રસ નથી હોતો. જો તેને ફક્તને ફ્ક્ત તમારી સાથે ઈમોશનલ સંબંધ હોય તો તે પત્નીની સાથે ખોટું બોલીને બીજી સ્ત્રી સાથે સંબંધ નહીં બાંધે. તે પત્નીને પણ ખોટું કહેશે અને બીજી સ્ત્રી સાથે પણ ખોટું બોલતો હોય છે. બીજી સ્ત્રી જેની સાથે અફેર હશે એને સતત એમ પણ કહેશે કે તે એને ખૂબ માન-આદર આપે છે. તે ખૂબ સુંદર, સારી, બુદ્ધિશાળી છે વગેરે વગેરે.

બોક્સ
સામાન્યપણે બોલાતું ખોટું

૧. આઈ એમ ફાઈન. આઈ એમ ઓકે...કંઈ થયું નથી.
૨. બસ આ મારું છેલ્લું ડ્રિન્ક છે.
૩. ના તું જરાય જાડી નથી લાગતી.
૪. મોબાઈલમાં સિગ્નલ જ નહોતું.
૫. મારી બેટરી ખતમ થઈ ગઈ હતી.
૬. સોરી, તારો કોલ મિસ થયો.
૭.  હું મિટિંગમાં હતો.
૮. ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો.
૯. બસ હું પહોંચું જ છું.
૧૦. એટલું મોંઘું નથી.

You Might Also Like

0 comments