જીવનને જીવવાનો આનંદ માણી શકાય ? 2-6-15

23:16


(photo only for illustration ...not actual)

ટ્રેનની લાંબી મુસાફરી હતી.  અમારા થ્રી ટાયર એસી  ડબ્બામાં ચાર  સિનિયર સિટિઝન બહેનો, પતિ-પત્ની અને  બે બાળકોનો એક પરિવાર અને હું બેઠા હતા. મોડી બપોરે ઊપડેલી આ ટ્રેન બીજે દિવસે સાંજે અમને અમારા ગંતવ્ય સ્થાને પહોંચાડવાની હતી. લાંબી મુસાફરીમાં વાંચવાની સાથે આસપાસની વ્યક્તિઓ સાથે નવી ઓળખાણ પણ થતી હોય છે. પણ દરેક કંઈ મારી જેમ પુસ્તકના કીડા ન જ હોય. પેલા સિનિયર સિટિઝન બહેનો ફરવા નીકળી હતી. પત્તા રમવા સાથે હળવાશથી મસ્તી મજાક કરી લેતી હતી. વારે વારે બિન્દાસ મોટેમોટેથી હસતી હતી. તો ગુજરાતી પરિવારમાં ગૃહિણી પ્રવાસમાં પણ સતત સેવા ચાકરી કરી રહી હતી. થોડી થોડી વારે છોકરાઓને માટે નાસ્તો તેની જાદુઈ બેગમાંથી કાઢતી હતી. તેમાં તેના પતિની ફરમાઈશ હોય તો એ પણ. ફ્રુટ સમારવાથી લઈને, કાકડી ટમેટા, બટેટા નાખીને ભેલ સુધ્ધાં ચટણી સાથે બનાવી આપતી હતી. ઢોકળા અને ચટણી યે હતા. તો ચીઝ- જામ સેન્ડવિચ પણ વ્યવસ્થિત રીતે પેક કરેલા. આ બધું જોઈને સિનિયર સિટિઝન બહેનો જરાવાર ચુપ થઈ જતી. રાત્રે જમવાનું શરૂ થયું તો પેલી બહેનો અને મેં બહારથી ઓર્ડર આપ્યો. પણ પેલી ગૃહિણીએ થેપલા, સુકું બટેટા, ભીંડાનું શાક, શ્રીખંડ, દહી, અથાણું અને બિરયાની કાઢીને પતિ અને બાળકોને પીરસ્યા. જમ્યા બાદ  ડબ્બામાં થોડીવાર શાંતિ ફેલાઈ ગઈ, મારી સામે બેસેલા સિનિયર સિટિઝન બહેન થોડા ગંભીર થઈ ગયેલા અને વિચારોમાં ખોવાઈ ગયેલા લાગ્યા. જીજ્ઞાશાવશ મેં મનના વિચારો વાંચવાનું એપ દબાવ્યું.  
બરાબર ત્રણ મહિના થયા એમને ગયાને ....પાંત્રીસ વરસની લગ્ન ગાંઠ ઉજવીને બે જ દિવસમાં તેમણે આંખ મિચી દીધી. જીવનમાં સુનકાર વ્યાપી ગયો હતો થોડો સમય. શું કરવું સુઝ જ નહોતી પડતી. ભાનુએ કહ્યું કે એવું જ થાય દરેકને. ભાનુએ તો બે વરસ પહેલાં જ... પણ એ તો એક જ મહિનામાં નોર્મલ જીવન જીવતી હતી. મને કહે દક્ષા આમ શું સુમડા જેવી ઘરમાં ભરાઈ રહે છે. અરે , આડત્રીસ વરસે તું ને એ બે ય આઝાદ થયા હવે મજા કર. ચીડ ચડી હતી એના પર શું બોલે છે તેનું ભાન છે ? મને એમના માટે પ્રેમ હતો. સારું જ થયું વહેલા ગયા. નહીં તો કોણ તેમનું ધ્યાન મારી જેમ રાખત ? તેમને ક્યારે શું ખાવું પીવું બધું   જ હું સમય સાચવીને સંભાળતી. સમયના કેટલા પાબંદ હતા. જરા મોડું થાય તો બૂમાબૂમ કરવા માંડતા. તને તો મારી કશી પડી જ નથી. બસ બહેનપણીઓ આ ઉંમરે અને ફોન. દિકરા- વહુ આવ્યા હોય તો  ક્યારેક કહેતા કે પપ્પા શું તમે આમ મમ્મીને આ ઉંમરે પણ આવું કહેતા હશો.

ભાનુ, સરલા અને ઉષા શાળાના સમયથી મારી બહેનપણીઓ. આ  જ શહેરમાં જન્મયા અને અહીં જ ભણ્યા અને અહીં જ પરણ્યા. આટલા વરસો પહેલાં પણ નક્કી કર્યું હતું કે અમદાવાદ છોડીને ક્યાંય જવું જ નહી. એકાદ બે વરસના અંતરે જ અમારા લગ્ન થયા. અને મિત્રતા પણ ટકી રહી. 40 વરસની અમારી મિત્રતાને કારણે  પાંત્રીસ વરસનું લગ્નજીવન સરળતાથી વીતી ગયું. ભાનુડીની વાત સાચી નીકળી...આઝાદીનો અનુભવ મહિનામાં થવા લાગ્યો. એક જાતની હળવાશ... હ્રદય અને મન બન્ને હળવા. જાણે જીવનમાંથી એકી સાથે 35 વરસ ઓછા થઈ ગયા. પહેલાં તો નવાઈ લાગી પણ મને લગ્ન પહેલાંના મારા ગમા અણગમા યાદ આવવા લાગ્યા જે બાંધછોડમાં ભૂલાવી દીધેલા. તેમને ગમતો નહીં એટલે ક્યારેય કાળો અને સફેદ રંગ પહેર્યા નહોતા. તે તરત જ બ્લેક અને વ્હાઈટના કોમ્બિનેશન અને કાળામાં ઓરેંજ બોર્ડર ને સફેદમાં લાલ બોર્ડરવાળી  એકી સાથે ચારપાંચ સાડીઓ લઈ આવી. સવારે નવ વાગ્યા સુધી ચા પણ પીધા સિવાય ગેલેરીમાં બેસી રહી પહેલીવાર ત્યારે કેટલી હળવાશ લાગી હતી. અને પછી મારી આ મૈત્રીણીઓએ મારું મન બહેલાવવા બે-ત્રણ દિવસનો આબુ-અંબાજીનો પ્રવાસ નક્કી કર્યો. અમે નક્કી કર્યું કે કશું જ ખાવાનું લઈને નીકળવાનું નહીં જે મળે તે ખાઈ લેવાનું જો કે આવો આઈડિયા ભાનુડીનો જ. શી ખબર તેને હંમેશા જુદું જ સૂઝે. પહેલીવાર હું કોઈ જ પ્લાનિંગ વગર ફરવાનો આનંદ હળવાશથી લઈ રહી હતી. કોઈ જ જવાબદારી નહીં એમને શું ફાવશે નહીં ફાવે તેની ચિંતા નહી. પુરુષોની જેમ હળવાશથી અમે ફર્યા. ને ભાનુએ કહેલું આઝાદીનો અર્થ સમજાયો. અને પછી તો અમે દર મહિને નાનો પ્રવાસ અને દર છ મહિને મોટો પ્રવાસ કરવાનું નક્કી કરી જ નાખ્યું. સરલાનો પતિ સમજદાર છે, નિવૃત્ત થયા બાદ  તેમણે  પોતે જ રોજ સવારે ચાને નાસ્તો બનાવવાની જવાબદારી લઈ લીધી. ઘરમાં રસોયો રાખ્યો છે. એટલે એ છુટ્ટી જ હોય. વનિતાનો પંદર વરસ પહેલાં અકસ્માતમાં ગુજરી ગયેલો. અમે જાત્રાને બહાને હમણાં તો ફરીએ છીએ. લગ્નજીવનનો આનંદતો આવ્યો જ પણ સાચ્ચે જ જીવનનો શ્રેષ્ઠકાળ આ જ છે. આ બહેનને જોઈને કહેવાનું મન થયું કે બહેન આટલી બધું ધ્યાન રાખીને તેમને ઓશિયાળા ન બનાવ. થોડું તું પણ જીવી લે કોને ખબર તને મોકો મળે કે નહી જીવવાનો ?

You Might Also Like

0 comments