સર્જનાત્મક વ્યક્તિત્વ કેળવવાના રસ્તા કયા? 16-6-15

00:55
હાલ પરીક્ષાનાં પરિણામોની અને એડમિશનની મોસમ ચાલી રહી છે. આમ જોઈએ તો દરેક વ્યક્તિઓ અલગ છે. એક સરખી દેખાતી વ્યક્તિઓના અંગુઠાની છાપ જુદી હોય. વિચારો જુદા હોય એનો અર્થ કે સર્જનહારે એક જ બીબું નથી રાખ્યું ... હા દરેકને એક સરખા બે હાથ , બે પગ, બે કાન, બે આંખ અને એક ઈન્દ્રિય જે જાતિ નક્કી કરે છે તે આપ્યા છે. એને આપણે મનુષ્ય કહીએ છીએ. અને તે છતાં દરેકના વ્યક્તિત્વો અલગ હોય છે, પરંતુ તેમને એક જ રીતે ભણાવાય છે. ફેક્ટરીની જેમ શાળાઓ, કોલેજો અને સંસ્થાઓ ચાલે છે. તેમણે નક્કી કરેલી યોગ્યતામાં જે વ્યક્તિ ફીટ હોય તે પાસ બાકીની નાપાસ. આમ પાસ નાપાસની ગણતરીઓ દરેક ક્ષેત્રે ચાલતી રહે છે. સતત બીજાની દૃષ્ટિએ પાસ થવાની અપેક્ષાઓ સાથે જીવન જીવાતું રહે છે. વ્યક્તિત્વ પણ એ જ રીતે ઘડાતું રહે છે. વ્યક્તિ પાસે કેટલી ડિગ્રી છે અને કઈ ઇન્સ્ટિટ્યુશનમાંથી છે તે મહત્ત્વનું હોય છે. પછી તેને કોરપોરેટના એક ભાગ તરીકે ફીટ કરાય. અને બસ ચક્ર ચાલતું રહે. 

આમ જ જો દરેકનું એક જ જેવું વ્યક્તિત્વ હોય તો જુદું વ્યક્તિત્વ કઈ રીતે કહી શકાય ? અમિતાભ બચ્ચને પણ પહેલાં રિજેક્ટ થવું પડ્યું. કારણ કે તેઓ બાંધેલી વ્યાખ્યાઓમાં ફીટ નહોતા બેસી રહ્યા. દુબળા, પાતળા વળી લાંબી વ્યક્તિ સારી દેખાઈ શકે કે હીરો જેવું વ્યક્તિત્વ ધરાવી શકે તે કોઈ સ્વીકારવા તૈયાર નહોતું. પણ પછી એ વ્યક્તિત્વ ઝળક્યું એટલે દરેકના માપદંડની લીટીઓ લાંબી થઈને અમિતાભ બચ્ચનને સમાવી લીધા. અમિતાભ બચ્ચને સતત પોતાના વ્યક્તિત્વને જાળવ્યું. દરેક ઉંમરે જાળવ્યું એટલું જ નહીં તેમણે પોતાની ઉંમરના રોલ માટે પણ ફિલ્મો બનાવવી પડે એવું વ્યક્તિત્વ વિકસાવ્યું. તેમણે બદ્ધતામાં બંધાઈ રહેવાને બદલે સતત વિકાસ માટેની તત્પરતા દેખાડી. આજે દાદા બન્યા બાદ ૭૨ વરસની ઉંમરે પણ તેમને ક્યારેય એમ નથી કહેતા સાંભળ્યા કે હમારે જમાને મેં તો..... તેઓ સતત આજમાં જીવે છે. આજની દરેક નવી શોધને તેઓ વિસ્મયતાથી અપનાવે છે. ફક્ત એક્ટિંગ કરીને અટકી નથી જતા. બ્લોગ લખવાની શરૂઆત કરી. ટ્વિટર પણ બખૂબી વાપરે. તેમનું વ્યક્તિત્વ સતત તરોતાજા હોય છે. એમના જ રસ્તે ચાલીને પ૦ વરસે શાહરુખ ખાન, આમિર, સલમાન પણ જુદી રીતે વિચારતા થયા છે. સર્જનાત્મક વ્યક્તિત્વ ફક્ત કલાકારોનું જ હોય એવી માન્યતા છે. વ્યક્તિ કોઈપણ ક્ષેત્રમાં કેમ ન હોય પણ જો તેના વ્યક્તિત્વમાં રચનાત્મકતા એટલે કે કશુંક નવું કરવાની કે જુદી રીતે વિચારવાની ક્ષમતા કે હિંમત હશે તો તે કશુંક ક્રિયેટિવ જ કરશે. એમબીએમાં અને સફળતાના બોધપાઠમાં પહેલું પગથિયું છે આઉટ ઓફ બોક્સ વિચારવાની કળાનું. ધીરુભાઈ અંબાણીએ આઉટ ઓફ બોક્સ વિચાર્યું. મુકેશ અને અનિલ અંબાણીએ પોતાની વિચારધારા જુદી રીતે વ્યક્ત કરી. ટાટા, બજાજ, બિરલા, વાડિયાએ પોતાનો ચીલો ચાતર્યો એટલે તેમના નામ પ્રસિદ્ધ છે. હજારો ડૉકટરોમાં કેટલાંક નામો પ્રસિદ્ધ હોય છે. અબ્દુલ કલામ  વૈજ્ઞાનિક તરીકે આજે પણ આદર મેળવી રહ્યા છે નહીં કે ફક્ત ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ તરીકે. નારાયણ મૂર્તિ, બુફેટ, બિલ ગેટ્સ કે સ્ટીવ જોબ દરેક જણ આમ તો સામાન્ય વ્યક્તિઓ હતા પણ જુદી રીતે વિચારવાની હિંમત કેળવીને તેમણે પોતાનું વ્યક્તિત્વ વિકસાવ્યું. સાયકોલોજી અને મૅનેજમેન્ટના પ્રોફેસર મિહાલી સિકજેનમિહાલવીએ ૩૦ વરસના અભ્યાસ બાદ ક્રિયેટિવિટી - લાઈવ્સ એન્ડ વર્ક્સ ઓફ ૯૧ એમિનેન્ટ પીપલ નામનું પુસ્તક ૧૯૯૬માં લખ્યું છે. તેઓ લખે છે કે , ત્રીસ વરસ મેં રિસર્ચમાં ગાળ્યા કે સર્જનાત્મક વ્યક્તિઓ કેવી રીતે જીવે છે અને નવું સર્જન કરે છે. સતત નવું કરવાની પ્રેરણાનું રહસ્ય જાણવાનો પ્રયત્ન કર્યો. એક જ શબ્દમાં તેમની સફળતાનું રહસ્ય કહેવું હોય તો કહી શકાય કે કોમ્પલેક્સિટી. અર્થાત આમ જ હોય તેવું આવી વ્યક્તિઓ ક્યારેય માનતી નથી. અને સતત પોતાની જાતને પણ તપાસતી રહે છે. 

મિહાલીનું કહેવું છે કે આવી વ્યક્તિઓના વિચારોની પ્રક્રિયા જુદી હોય છે. બાંધેલા માળખામાં વિચારવાનું તેઓ પસંદ નથી કરતા. તેઓ વ્યવહારુ હોય છે અને નથી ય હોતા. તેઓ બહારની દુનિયામાં રહે છે પણ તેમની પોતાની આંતરિક દુનિયા અલગ હોય છે. ક્યારેક તેઓ ઉત્સાહથી તરવરાટવાળા હોય છે તો ક્યારેક એકદમ શાંત થઈને એકાંતમાં બેસે છે. ટૂંકમાં તેઓ વિચારપ્રક્રિયા સંજોગો પ્રમાણે બદલતા રહે છે. તેમના દરેક કાર્ય અને વિચારો હટકે હોય છે. વળી તેઓ દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરે છે અને તેને પોતાની રીતે બદલવાની ક્ષમતા પણ ધરાવે છે. આ શિક્ષણ તેમને આપવામાં આવતું નથી. વિચાર કરીને જીવવું એ શીખવી શકાતું નથી. એ હોય છે. હા જાગૃત વ્યક્તિ તેના વિશે વિચારીને જરૂર પોતાને બદલશે. પણ તેના માટે હિંમત જોઈતી હોય છે. રવીન્દ્રનાથ ટાગોરે પોતાનાં બાળકોને શાળામાં ન મોકલવાનો નિર્ણય કર્યો હતો. કારણ કે તેમણે ઝેવિયર્સ કે કોન્વેટિયા શિક્ષણની પોકળતા સમજાતી હતી. તેઓ પોતે એ શિક્ષણનો ભોગ બન્યા હતા. બાળકોને શાળામાં ન મોકલવાના તેમના નિર્ણય અંગે લોકોએ સવાલ ઉઠાવ્યો તો એમણે એ અંગે વિચાર કર્યો અને શાંતિનિકેતન નામની મુકત શાળાનું નિર્માણ કર્યું. જ્યાં બાળકોને શિક્ષણ પ્રકૃતિ વચ્ચે રમતાં રમતા ભાર વગર અપાય. આજે પણ એવા લોકો છે જે બાળકોને સ્કૂલમાં નથી મોકલતા પણ ઘરે જ ભણાવે છે. પણ તેમની સંખ્યા ઘણી ઓછી છે. વ્યક્તિત્વ ડિગ્રીનું મોહતાજ નથી હોતું પણ વિચારધારા પર અવલંબિત જરૂર હોય છે.

ક્રિયેટીવ પર્સનાલિટી અંગે સતત નવી શોધ થતી રહે છે. સફળતા મેળવવા માટેનાં પુસ્તકો અને વર્ગો પણ ચાલે છે. કલાકારથી લઈને, ઉદ્યોગપતિ કે કોર્પોરેટ્સ જોબ કે પછી કોઈપણ ક્ષેત્ર હોય સફળતા માટે કે પૈસા કમાવા માટે કે પછી પોતાનું વૈયક્તિક વ્યક્તિત્વ જાળવવા માટે સ્પષ્ટ વિચારધારાની જરૂર હોય છે. બે વરસથી દુનિયામાં દા વિન્સી કોડ થિન્કિંગની થિયરી એવરીથિંગ કનેક્ટનો પણ લોકો અભ્યાસ કરી રહ્યા છે. બીબીસીએ તેના પર ફિલ્મ પણ બનાવી છે. લિયોનાર્દો દા વિન્સીના જીવન પર આધારિત છે. લિયોનાર્દો વિશે થોડું જાણીયે. તે પંદરમી સદીમાં ઈટલીમાં અપરિણીત માતાને પેટે જન્મ્યો. જો કે તેના જન્મબાદ થોડા સમયે તેના પિતાએ તેને સ્વીકારી લીધો હતો. પણ તેણે કોઈ ઔપચારિક શિક્ષણ લીધું નહોતું. પણ સતત નિરીક્ષણ દ્વારા એ જીવનભર શીખતો રહ્યો. તે આર્કિટેક્ટ, મૂર્તિકાર, સંગીતકાર, એન્જિનિયર, ચિત્રકાર, વૈજ્ઞાનિક, ગણિતજ્ઞ, સંશોધક તરીકે પ્રસિદ્ધ થયો. મૃત માણસના શરીરને ખોલીને તેનો અભ્યાસ પણ કર્યો હતો. કહેવાય છે કે તેના જન્મને કારણે તેને અભ્યાસ કરવાની અનુમતિ નહોતી મળી. તેના જીવનનો અભ્યાસ કરીને એક્સપર્ટ માને છે કે જો શીખવાની ચાહ હોય અને જુદી રીતે વિચારવાની હિંમત હોય તો તમારું વ્યક્તિત્વ સર્જનાત્મક બનાવી શકો છો. પછી તમે ગમે તે ક્ષેત્રમાં હો. વ્યક્તિત્વ વિચારોની સ્પષ્ટતા અને સતત બદલાતા રહેવાની, જીજ્ઞાસુ બનવાની તૈયારી સાથે સંકળાયેલું છે. સતત ફરિયાદો અને રોદણા રડનારનું વ્યક્તિત્વ ક્યારેય આકર્ષક કે આવકાર્ય નહીં હોય. જ્યારે દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરીને પોતાનો રસ્તો કાઢનાર વ્યક્તિત્વની આભા પ્રતિભામાં પલટાઈ જતી હોય છે. સફળતા નાની કે મોટી નથી હોતી. કે ન તો પૈસાથી કે ડિગ્રીથી ખરીદી શકાય છે. તેને વિચારોથી પ્રાપ્ત કરી શકાય છે. તમે જેવું વિચારો તેવું વ્યક્તિત્વ નિર્માણ કરી શકો છો. કોઈની કોપી કરશો તો કોપી નબળી જ હોવાની. તમારું પોતાનું આગવું વ્યક્તિત્વ ઊભું કરી શકાય છે. બસ જરૂર હોય છે જે પણ કામ કરો તેમાં કંઈક જુદું વિચારો. બધા જે કરે તે કરશો તો દશમાંથી એક જ બની રહેશો. 

આત્મ નિરીક્ષણ કરો અને આસપાસના વાતાવરણનું નિરીક્ષણ કરો કારણ કે છેવટે દરેક બાબત એકબીજા સાથે સંકળાયેલી છે. સચિન તેન્દુલકર કે અમિતાભ એક જ હોય છે, પણ એ સિવાય બીજા પણ પોતાના ક્ષેત્રમાં રાજ કરતાં જ હોય છે.

You Might Also Like

0 comments