રંગબેરંગી દુનિયાની અજબ કહાણી 26-5-15

01:47


મિડિયાની એક પાર્ટીમાં જવાનું થયું.  સ્ત્રી પુરુષો પોતપોતાના ગ્રુપ બનાવીને હાથમાં પીણાં લઈ  જ્યાં જગ્યા મળે ત્યાં ઊભા હતા કે બેઠાં હતા. એસી બેન્ક્વેટમાં જાણે દિવસ ઊગ્યો હોય તેવો તરવરાટ હતો. કેટલીક છોકરીઓ મોડેલિંગમાં હોય તેવું એમના ફેશનેબલ પહેરવેશ પરથી જણાઈ રહ્યું હતું. આવી પાર્ટીઓમાં યુવાન મોડેલ્સ કે સ્ટ્રગલર સ્ત્રીઓને ખાસ આમંત્રણ આપવમાં આવતું હોય છે. કેટલીક વાર એવું બનતું હોય છે કે વાત ચાલતી હોવા છતાં તમે તમારા જ કોઈ વિચારોમાં ખોવાયેલા હો. મિત્રો સાથે ઊભી હોવા છતાં મારું ધ્યાન આસપાસના વાતાવરણને અને વ્યક્તિઓના હાવભાવને પકડવા મથી રહ્યું હતું. ત્યાં નજીકના ટેબલ પર બેસેલી કેટલીક વ્યક્તિઓમાંથી એક આધુનિકા તરફ ગયું. ટૂંકો સ્લીવલેસ વનપીસ ડ્રેસ, ખુલતું ગળું , પગમાં સ્ટીલેટો. લાંબી આંગળીઓમાં સિગરેટ હતી ને સામે ટેબલ પર ગ્લાસ હતો. ઊંડો સિગરેટનો કસ લઈને ધુમાડાની સાથે તેના કંટાળેલા ચહેરા પરથી  વિચારોને પણ હવામાં ઊડાડી દેવાના પ્રયત્નો કરતી હોય તેમ લાગ્યું. તરત જ મેં વિચારોને વાંચવાનું એપ દબાવ્યું ને.....
શીનાને બોલા નહીં હોતાથા યહાં આતી હી નહી.... બોરિંગ પાર્ટી છે સાલી.... આવી બોર પાર્ટીમાં હાજર રહેવાના  પૈસા લેવા જોઈતા હતા. કોઈ સેલિબ્રિટી મોટો નથી દેખાતો કે ન તો માલદાર પાર્ટી હજી દેખાતી. ઈન્ટેલેક્ચુઅલ વાતોથી પેટ ભરાતું નથી કે ન તો હોટલોના બીલ ચુકવાય છે કે ન તો ગાડીમાં પેટ્રોલ ભરાવાય છે. સ્ત્રીઓ પણ અહીં તો વાતો કરવા આવી છે. રાજકારણ, ફિલ્મનું રાજકારણ, માર્કેટનું રાજકારણ ... ઓહ... ગોડ..અરે દરેક માણસ કપડાં નીચે નાગો જ હોય છે. હા હા હા .... આ બધાને કેમ ખબર પડે સા.... દંભી એકે એક માણસ.... મફતમાં દરેકને ખાવું છે. પીવું છે.... હું પણ તો એ જ માટે આવી છું. શું કરે હવે આદત પડી ગઈ છે. રોજ સાંજે તૈયાર થઈને પાર્ટીમાં જવાની. ગામથી દિલ્હી ભણવા ગઈ ત્યારે તો મનમાં એક જ લક્ષ્ય હતું ભણી ગણીને મોટા માણસ બનવું. વિમાનમાં ઊડવું ... એર હોસ્ટેસ બનવું... પણ એરહોસ્ટેસની જીંદગી સહેલી નથી હોતી તે ક્યાં ખબર હતી... ગ્લેમરની ઝાકઝમાળ મને મુંબઈ ખેંચી લાવી.
પોર્ટફોલિયો બનાવવા ગઈ ત્યાં શીના ન મળી હોત તો ક્યારની ગામ ભેગી થઈ ગઈ હોતને લગ્ન કરીને બોરિંગ જીવન જીવતી હોત.... જો કે આ જીવન કંઈ સહેલું નથી. મુંબઈમાં સર્વાઈવ કરવા માટે અને તે પણ ગ્લેમરસ જીવન જોઈએ તો કોમ્પ્રોમાઈઝ કરવું પડશે એવી શીનાની શિખામણ શીરાની જેમ ઊતારી હતી... ફાઈવ સ્ટાર હોટલમાં ફરવાનું, નવા કપડાં, બસ મોજ કરવાની સા...જીંદગી તો આનું જ નામ... ગામમાં હોત તો મા અને બહેનોની જેમ કપડાં, વાસણ અને ગોબર સાફ કરતી હોત. અહીં તો જીવન સ્વર્ગ છે  બસ ખાઓ, પીઓ ઓર એશ કરો... પેલી ચીબાવલી અલકા કહેતી હતી કે યે ભી એક જાતકા ધંદા હી..... શીટ.... આવા વિચારો આજે કેમ આવે છે ....
સાલું કોણ ધંધો નથી કરતું. દરેક જણ પોતાને વેચે જ છે ને ? આ સ્ત્રીઓ બધી કેટલી મરી મરીને કામ કરે પણ તેમની પાસે કાર સુધ્ધાં નથી હોતી. ફાઈવ સ્ટાર હોટલની બહાર નીકળી રિક્ષા પકડશે. જ્યારે મારી પાસે આજે કાર છે અને સરસ મજાનો ફ્લેટ વરસોવામાં ભલે નાનો પણ મારો પોતાનો. વળી કોઈની કટકટ નહી. મન થાય ત્યારે ઊઠો તૈયાર થાઓ અને ફરવા જાઓ.... મારે મોડેલિંગ કરવું છે અને ફિલ્મમાં ય કામ કરવું છે પણ મારું કૌટુંબિક  બેકગ્રાઉન્ડ નથી એવા બહાના કાઢે અને પછી કોમ્પ્રોમાઈઝ કરવાનું સૂચન કરે ... પહેલાં તો ખરાબ લાગતું ...પણ હવે સ્વીકારી લીધું છે. કામથી મતલબ રાખવાનો...પ્રેમમાં પડવાની કે કોઈ વધારે પડતી અપેક્ષા નહીં રાખવાની શીનાની સલાહ વારંવાર મળ્યા કરે પણ લગ્ન કરીને સંસાર માંડવાની ઈચ્છા ક્યારેક સળવળે છે.


સો બોરિંગ પાર્ટી .... પેલો મારવાડી મને ફોન કરવાનો હતો ... મળવા માટે પણ નથી કર્યો લાગે છે તેની પાસે સમય નહીં હોય. લગ્ન કરીને ય શું ફાયદો... આ બધા પત્નીવાળાઓ તો છે... હિરોઈન જેવી પત્ની હોય તો પણ બહારવાલી તો હોય જ તેમને.... મારવાડીએ મને વાયદો કર્યો છે કે આ વરસે પણ તે વિદેશ ફરવા લઈ જશે. બિઝનેસ ટુરમાં તે હંમેશ મને લઈ જાય છે. તેની પત્નીને તો તે કેવો વઢી નાખે ફોન પર ... ને મારી સાથે ડાર્લિંગ ડાર્લિગ કરીને વાત કરે. સા... આ પાર્ટીમાં ન કોઈ કઈ કશ છે ને ડ્રિન્કસમાં પણ કોઈ ચોઈસ નથી. શીનાને ફોન કરું કે યાર... હવે નીકળું છું. આજે આરામનો દિવસ છે. વહેલી સૂઈ જઈશ... આરામ કરી લઈશ. ઓહો.. મારવાડીનો મેસેજ... ડાર્લિંગ કમિંગ ટુ નાઈટ, લવ યુ... પત્યું આજે આરામ નહી હવે... શીનાનો મેસેજ કાલે પણ પાર્ટી છે તાજમાં.... ઓ કે બટ પાર્ટી ઈન્ટરેસ્ટિંગ ન હોય તો પૈસા તો ઈન્ટરેસ્ટિંગ આપ .... સાલી બસ .... લોલ લખે છે. જવાબ જ નહીં આપે સરખો બીટ્ચ . 

You Might Also Like

0 comments