ચોઈસ હોય છે ખરી જીવનમાં ? 5-5-15

05:30



સખત ગરમીમાં કાળા ગોગલ્સ લુક કુઅઅલ પણ ક્યારેક આ ગોગલ્સ આંસુ છુપાવવા માટે સારા કામ આવે છે. ઓફિસ જવાના સમયે ટ્રેનના ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટમાં ગરદી હોવાના કારણે બારણા પાસે ઊભા રહેવું પડ્યું. બાજુમાં ઊભેલી સ્ત્રી અંદાજે ત્રીસેક વરસની હશે. શર્ટ, જીન્સ અને કાળા ગોગલ્સમાં તે બહાર મોં કરીને ઊભી હતી. મારી નજીક હતી એટલે તેના મ્હોં ઉપરના ભાવો સ્પષ્ટ વાંચી શકાતા હતા. તે ખૂબ ગુસ્સાથી વિચારો કરી રહી હતી. સાથે આંસુને ખાળવાના પ્રયત્નો પણ.... પંચાતિયો સ્વભાવ તે મારાથી વિચારો વાંચવાનું એપ દબાઈ ગયું ને જે વિચારોનું બોમ્બાર્ડિંગ થયું છે....
માય ફુટ માય ચોઈસ ..... કાવ્યાને પણ ધંધો નથી. બસ કહેશે કે આ વિડિયો હમણાં જ જો. અને ફરિયાદો કરવાનું બંધ કરી જીવવાનું શરૂ કરી દે. તારી મરજી પ્રમાણે... ગાળ બોલવાનું મન થાય છે.... કાશ બોલી શકતી હોત લત્તાની જેમ તો...  દીપીકા પદુકોણ વાળો કાવ્યાએ મોકલેલો માય ચોઈસ વિડિયો જોઈ રહી હતી તેમાં તો અશેષનો ગરાસ લૂંટાઈ ગયો. શું ફોન લઈને બેઠી રહે છે મોડું નથી થતું ?  અરે થશે તો મને થશેને મોડું... તું શું કામ ચિંતા કરે છે ? પણ ના તેને ચિંતા હોય ક્યાંક કોઈના... ? એનાને ઘરના  કામ સિવાય નવરી બેસું તો સહન ન થાય.....

 આજના જમાનામાં ય ક્યાં સ્ત્રીઓને કોઈ ચોઈસ  છે. દિપીકા પદુકોણની પાસે પણ  ચોઈસ છે ખરી ? તેણે પણ તો પોતાનું કમનીય ફિગર જાળવવું પડે છે નહીં તો તે ઈન્ડસ્ટ્રીમાંથી આઉટ થઈ જાય. જોઈ છે કોઈ જાડી સ્ત્રી મોડેલ તરીકે કે હિરોઈન તરીકે ? પુરુષોને જાડી સ્ત્રી ગમતી નથી એટલે જ પાતળી પોતાની દરેક એસેટ્સ દેખાડતી સ્ત્રીઓ ગમે છે. હા એ સ્ત્રી પોતાની પત્ની ન હોવી જોઈએ.અશેષને જ જો ને... મિડિયામાં કામ કરે તેની સાથે કામ કરતી નિશાના કેટલા વખાણ કરે, બિન્દાસ છોકરી છે. પોતાના પતિને છોડી દીધો... એકલી રહે છે. બોલ્ડ છે મન થાય તેની સાથે ફરે. જીગર જોઈએ આવી રીતે જીવવા માટે. કેટલા વખાણ કરે.. પણ મારા મિત્રોની વાત આવે તો મોઢું ચઢી જાય. તેને ગમે નહીં હું પાર્ટીઓમાં ફરું તેના વિના. સીધું ના નહીં કહે પણ ટોણો જરૂર મારશે કે આજકાલ તું મારા વિના પાર્ટીઓમાં બહુ ફરે છે ને કાંઈ... વ્હોટ ચોઈસ વી હેવ..... ક્યારેય કોઈ જ ચોઈસ સ્ત્રીઓને આપવામાં આવી જ નથી. અને અમે લઈ લઈએ તો બબાલ ઊભો થાય. નિશા ક્લીવેઝ દેખાડતા ડ્રેસીસ પહેરશે અને ફોટા પાડી ફેસબુક પર મુકશે  તો વાંધો નહી પણ હું જો જરાક બોલ્ડ ડ્રેસ પહેરું તો આવી જ બને... કહેશે તો સારી જ રીતે કે ડાર્લિંગ તને કોઈ મારા સિવાય જુવે તો ગમે નહી. અથવા તારું ફિગર એવું નથી રહ્યું ...ઈન શોર્ટ બતાવવા જેવું...  ઘરમાં પહેરને આ ડ્રેસીસ કે પહેર જ નહી... કહી હસતા હસતાં મને જણાવી દેશે કે હું તેની મિલકત છું. પોતે અર્ધનગ્ન ફોટાઓ જોશે તેનો વાંધો નહી. કેમ જાણે એ બીજી સ્ત્રી છે એટલે ? હું જ્યારે આવા સવાલો કરું તો કહેશે કે એ લોકો બતાવે છે તો અમે જોઈએ છીએ ને ? પુરુષોને સ્ત્રી સામે જોતાં રોકી નહી શકાય.... વાહ બેટા... કેટલા ડબલ સ્ટાન્ડર્ડ... અમારે શું પહેરવું ન પહેરવું તે અમે નક્કી કરી જ ક્યાં શકીએ... પુરુષો જ નક્કી કરે. જરાપણ અંગ ન દેખાતું હોય તો પણ એક્સરે જેવી નજરોથી જોશે. ઓફિસમાં પણ કેટલા ભેદભાવ સહેવાના. ઓફિસ અવર્સ પછી બેસી શકે તે તો પુરુષો જ એટલે તેમને જલ્દી પ્રમોશન. પણ ઓફિસ અવર્સમાં કામ ખતમ કરી નાખે તે સારું નહી ? કામ કરવાની આવડત સારી કે સ્ત્રી કામ કરનારને પણ સ્ત્રી તરીકે જ જોવાની.  માણસ તરીકે નહી. દરેક બાબતનો સમય હોય છે. પણ આખો વખત સ્ત્રીઓને સેક્સુઅલ ઓબજેક્ટ તરીકે જ જોવાની ...માય ચોઈસ એ પણ ભારતમાં...તક મળે ગમે ત્યારે સેક્સુઅલ અબ્યુઝ કરશે. દીપીકાને કહે જુહુ બીચ પર ફિલ્મોમાં પહેરે છે એવા કપડાં પહેરીને ફરી બતાવે... એકલી સિક્યુરિટી સિવાય. પોતે કમાય નહી, પોતાનું ઘર ન હોય  અને લગ્ન કરે પછી કહી જુએ માય ચોઈસ.... સ્ત્રીઓ પણ બેવકૂફ હોઈએ છીએ આવી લોભામણી જાહેરાતો અને વાતો જોઈને જમાનો બદલાઈ ગયો વિચારીને બસ ખુશ થયા કરે. હકિકતમાં તો અમારી સ્થિતિ વધારે ખરાબ થઈ છે. ઘરનાને બહારના બેઉ કામ કરો. બન્ને ક્ષેત્રે જે સ્ત્રી બેલેન્સ કરી શકે તે સફળ બાકી નિષ્ફળ. પુરુષોને માટે તો એવો બદલાવ નથી આવ્યો ?  હું પણ આ બધુ વિચારું છું બાકી મેં જીવનમાં શું ઉખાડી લીધું ? પ્રેમ લગ્ન કર્યા પણ બાંધછોડ કર્યા સિવાય છૂટકો નથી. મારી મરજી કહીને  જીવવું કોઈ માટે શક્ય નથી... કદાચ પુરુષ માટે ય નહી... પણ  સ્ત્રીઓ માટેતો સીધી કે આડકતરી રીતે  પહેરવું ઓઢવું, ફરવું ને સેક્સ દરેક બાબતે પુરુષોની મરજી જ ચાલે છે. 

You Might Also Like

0 comments