સ્ત્રીના વ્યક્તિત્વનો સ્વીકાર પુરુષને છે ખરો? 26-5-15

01:34


અઢારમી સદીમાં લગભગ ૧૮૬૦ની આસપાસ કોલકાત્તાના ઠાકુર બારીની જોરાસાંકોની હવેલીમાં ઈતિહાસ રચાવા જઈ રહ્યો હતો. અવરોધ અર્થાત જ્યાં સૂરજ કે હવાની લહેરખીઓ પણ ઘરના મોભી પુરુષોને પૂછ્યા વિના આવન જાવન કરી ન શકે. ત્યાંથી એક શ્યામ પાતળી યુવતી ચાલીને વરંડાઓ પાર કરતી બહાર પોર્ચમાં ઊભી રાખેલી ઘોડાગાડીમાં પતિની બાજુમાં બેસે છે. આખા ઘરની સ્ત્રીઓ પરદાની આડશે સ્ત્રીને અચરજભરી જતી જોઈ રહે છે. બહારની ઓફિસના માણસો પણ પ્રથમવાર ટાગોર કુટુંબની કોઈ સ્ત્રીનો ચહેરો જોઈ રહ્યા હતા. ઘોડાગાડી કોલકાત્તાના બંદર તરફ હંકારી દેવામાં આવે છે કે તરત જ એક પાલખી નીકળીને કલકત્તાની સાંકડી ગલીઓમાં થતી ગંગા તરફ પ્રયાણ કરે છે. ટાગોર કુટુંબમાં કોઈ સ્ત્રી ઘરની બહાર જાય તો પાલખીમાં જ જાય. ગંગામાં ન્હાવા જાય તો પણ પાલખી આખી નદીમાં ડબોળવામાં આવે પણ કોઈ સ્ત્રી બહાર રસ્તા પર પગ ન મૂકે. સરદાદેવી રવિન્દ્રનાથની માતા છે અને પેલી શ્યામ સ્ત્રી જ્ઞાનનંદિની રવિન્દ્રનાથની મોટી ભાભી છે. શ્યામ હોવાને કારણે તેની સાસુને કે ઘરની સ્ત્રીઓને તે રૂપાળી નથી લાગતી. ઘરની સ્ત્રીઓમાં તે આવકાર્ય નથી. જ્યારે તેના પતિ સત્યેન્દ્રનાથને તેના રૂપમાં નહીં પણ નીડર વ્યક્તિત્વમાં રસ છે. 

એકબાજુ જ્ઞાનનંદિની પતિ સત્યેન્દ્રનાથની પ્રેરણાથી પોતાના વ્યક્તિત્વનો સ્વીકાર કરી રહી હતી. તો બીજી તરફ છ વરસની ઉંમરથી જે પતિને દેવની જેમ પૂજતી હતી તેમના દંભને સ્વીકારવાની હિંમત નહોતી સરદાદેવીમાં. સત્યેન્દ્રનાથે સદીઓની પરંપરા તોડી જ્ઞાનનંદિનીને બહાર નીકળીને દુનિયાને જોવાની, અનુભવવાની આશા જગાડી એટલું જ નહીં તેને સ્વતંત્ર વ્યક્તિ તરીકે વિકસવા માટેનું આકાશ પુરું પાડ્યું. જ્યારે સુધારા માટે બ્રહ્મો સમાજનો દેવર્ષિનો ખિતાબ મેળવેલા દેવેન્દ્રનાથે ઘરની સ્ત્રીઓના ઉત્કર્ષ માટે ક્યારેય કોઈ વિચાર નહોતો કર્યો. અરુણા ચક્રવર્તીની જોરાસાંકો નવલકથા વાંચતા વિચાર આવ્યો કે પુરુષોએ જ સ્ત્રીને અજ્ઞાનના અંધકારમાં રાખી અને પુરુષોએ જ તેને મુક્તિની હકદાર હોવાનો અહેસાસ કરાવ્યો. સત્યેન્દ્રનાથ પછી જ્યોતિન્દ્રનાથ, રવિન્દ્રનાથ ટાગોરે પણ સ્ત્રીને વ્યક્તિ તરીકે જ જોઈ. રાજા રામમોહનરાયથી લઈને જ્યોતિબા ફુલે, નર્મદ, ગાંધીજી, નહેરુ, દર્શક વગેરે અનેક પુરુષોએ સ્ત્રીઓના વ્યક્તિત્વનો આદર કર્યો અને તેનો અહેસાસ પણ તેમને કરાવ્યો. તે છતાં એકવસમી સદીમાં ય સ્ત્રીને પોતાનું વ્યક્તિત્વ હોઈ શકે તેની કલ્પના કદાચ આજની નારીમાં પણ છે કે નહીં તે વિચારવું પડે. પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાને આપણે સતત દોષી ઠેરવીએ છીએ પણ તેની સામે પુરુષોએ જ સ્ત્રીને વ્યક્તિત્વનો અહેસાસ કરાવ્યો હોય તેવા પણ દાખલા છે. તેને નજરઅંદાજ કેમ કરી શકાય. સાથે જ વિચાર આવ્યો કે આજનો પુરુષ શું વિચારે છે ? સ્ત્રીને ખુલ્લુ આકાશ આપી શકે છે ? સમાજના પુરુષો શું વિચારે છે એ જાણવું આજે ઘણું સરળ છે. સોશ્યલ મીડિયામાં એટલે કે ફેસબુકમાં આ પ્રશ્ર્ન પૂછ્યો કે શું પુરુષોને સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રી ગમે છે ? લગભગ સાઈઠેક જણાએ ઉત્તર આપ્યા ખૂબ પ્રામાણિકતાથી કે હા તેમને સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતી બુદ્ધિશાળી સ્ત્રી ગમે છે જરૂર પણ તેવી સ્ત્રી પત્નિ તરીકે તેઓ ક્યારેય સ્વીકારી નથી શકતા. એક પુરુષે એમ પણ લખ્યું કે એવી સ્ત્રી હરીફ તરીકે પણ આવકાર્ય છે પણ પત્ની તરીકે નહી. એમાં ફક્ત ત્રણ જ સ્ત્રીઓ હતી. એમના જવાબ હતા કે દરેક પુરુષો એવા નથી હોતા. તેમાં અપવાદ હોય છે. આ લખનાર પણ એવું જ માને છે. આમ તો આ વાતમાં કશું જ નવું નથી, દરેક પુરુષો અને સ્ત્રીઓ આ બાબત જાણે છે. આ પરિસ્થિતિને તેમણે સ્વીકારી પણ લીધી છે. કે સમાજમાં આમ જ હોય. શું કામ ? કારણ કે ઘરેડ આપણને પસંદ છે. નવો રસ્તો બનાવવામાં જે પરિશ્રમ લાગે તેના કરતાં જે રસ્તો છે તેના પર ચાલવું સાવ સરળ છે. વળી સત્તા પણ હાથમાં જતી રહે એવો ભય પણ લાગે. એટલે જે ચાલતું આવે છે એમાં ફેરફાર કરવાનું આપણે ટાળીએ છીએ. અહીં બન્ને જાતિને ઘરેડને ન તોડવામાં સલામતીનો અહેસાસ થાય છે. બદલાયેલી પરિસ્થિતિને સ્વીકારવાની તૈયારી દરેકની હોતી નથી. તેમાં પણ સ્ત્રી અને પુરુષના કોઈપણ સંબંધો બ્લેક એન્ડ વ્હાઈટ હોતા નથી. કેટલોક ગ્રે એરિયા હોય જ છે. અને તે સંવેદનાઓનું, સંબંધોનુંને સત્તાનું રાજકારણ હોય છે. 

એટલે વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રી અંગે જે જવાબ મળ્યા તે પુરુષોએ જ આપ્યા. જેમાં ૧. સ્વતંત્રતા આપવા માટે સ્વતંત્ર બનવું પડે છે. ગુલામ કેવી રીતે કોઈને સ્વતંત્રતા આપી શકે ? પુરુષ પોતે જ ડિપેન્ડટ છે તો એ કેવી રીતે સ્ત્રીને સ્વતંત્રતા આપે. આમ એક માનસિકતાની શૃંખલા રચાય છે. ૨. જે પુરુષ પોતે ભયભીત છે, અસલામતીનો અહેસાસ કરે છે તે સ્ત્રીના મુક્તિના અહેસાસને પચાવી નહિ શકે. એટલે પિતા તરીકે, ભાઈ તરીકે, સમાજ તરીકે પિતૃસત્તાક માનસિકતા પ્રવર્તે છે. પણ તો પછી સ્ત્રીઓ કેમ તેનો વિરોધ જાતે નથી કરતી ? કારણ કે તેને વિચારવાની આદત પાડવામાં જ નથી આવતી. એટલે જ જે પુરુષો સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે તે સ્ત્રીઓને સ્વતંત્ર વિચાર કરવાનો અવકાશ ઊભો કરી આપે છે. આજે મોટાભાગની સ્ત્રીઓ ભણે છે. પણ તેઓ કારકિર્દી બનાવવી કે નહી અથવા બહાર જઈને કામ કરવું કે નહીં તેનો આધાર પતિની ઈચ્છા પર રાખે છે. પુરુષને શું ગમશે નહીં ગમે એ કેન્દ્રની આસપાસ જ તેનું જીવન જીવાય એવી સમજ ગળથૂથીમાંથી માતાપિતા અને સમાજમાંથી મળે છે. એક ભય સતત તેના મનમાં બેસાડવામાં આવે છે કે સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવનાર સ્ત્રીને કોઈ પુરુષ નહીં સ્વીકારે. પછી તે પિતા હોય, ભાઈ હોય કે પતિ હોય. પણ મારું માનવું છે કે જે સ્ત્રી પોતાનું આગવું વ્યક્તિત્વ ઘડે છે તેને એવો પુરુષ પણ મળી જ રહે છે જે તેના વિચારોનો આદર કરતો હોય. પરંતુ, દરેક સ્વતંત્રતાની કિંમત હોય છે. કોઈપણ બાબત મફતમાં નથી મળતી. પુરુષપ્રધાન સમાજ હોવા છતાં આસપાસ નજર કરીએ તો સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રીઓ સફળ લગ્નજીવન કે પુરુષો સાથે સંતુષ્ટ સંબંધો ધરાવતી હોય છે. 

બીજી બાબત એ જણાય છે કે પૌરુષિય તત્વ જ સ્ત્રીને આકર્ષે છે. એ નિયમમાં ક્યારેય ફેરફાર આવી શકે નહી. પુરુષ એટલે જે પોતાના વિચારોના સમર્થન સાથે અડગ ઊભો હોય. જે અગ્રેસિવ હોય. ઈન્ડિપેન્ડટ એટલે કે સ્વતંત્ર મિજાજ ધરાવતો હોય. સત્તાની હરીફાઈમાં ન હોય. પણ તેનું પોતાનું વિશ્ર્વ હોય. એવો પુરુષ જ આગવું વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રીનો આદર કરી શકે. તેને પરંપરિત સમર્પિત વિચારધારાવાળી સ્ત્રી પ્રત્યે આકર્ષણ નહીં થાય. જાતિ લિંગ ધ્વારા નક્કી નથી થતી. તે સ્વભાવ હોય છે. સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રીઓને પૌરુષિય કહેવાનીય ચાલ છે જ. પરંપરિત સ્ત્રી પણ સ્વીકારી નહી શકે કારણ કે તેમને લાગે છે કે પુરુષને જ ફક્ત દરેક અધિકાર હોય છે. સ્ત્રીઓએ અમુક મર્યાદાથી બહાર જવું તે પાપ છે. પાપ પુણ્ય, પવિત્ર અપવિત્રની માનસિકતા આપણા ડીએનએમાં પહોંચી ગઈ છે. 

પુરુષપ્રધાન માનસિકતા માટે ફક્ત પુરુષને જવાબદાર ઠેરવી ન શકાય. બંધનો પુરુષોને પણ નડે છે એ સમજી શકે એટલો બુદ્ધિશાળી તે છે. મેરી કોમનો પતિ ખરો પુરુષ છે જે બાળકો સાચવીને પોતાની પત્નીને બોક્સિંગની કોમ્પિટિશન જીતવા મોકલી શકે છે. બહાર જઈને કોઈપણ કામ કરવા સહેલા નથી એ દરેક પુરુષ જાણે છે. જો સ્ત્રીનું વ્યક્તિત્વ હોય તો તે કોઈના આદરની મોહતાજ નથી હોતી. પરણવા માટે સુંદર, ગોરી , દેખાવડી, ઘરરખ્ખુ છોકરીની જાહેરાત ખરો પુરુષ આપી શકતો નથી. કે ન તો એવી જાહેરાતો સાચા અર્થમાં સુંદર વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રી વાંચે છે કે ન તો એવા પુરુષને તે પરણવા માગે છે. 

અઢારમી સદી હોય કે એકવીસમી સદી હોય ખરા અર્થમાં પૌરુષત્વ હોય એવા પુરુષોની પસંદગી પણ આગવી જ હોવાની. અઢારમી સદીમાં પુરુષોને પણ પસંદગીનો અવકાશ નહોતો. બાળલગ્ન કરી દેવામાં આવતા. વળી તેમની અને પત્ની વચ્ચે ઉંમરનો તફાવત 

પણ ખાસ્સો રહેતો એટલે જે વ્યક્તિ સાથે પરણ્યા હોય તેના વ્યક્તિત્વને ઘડવાનો અવકાશ અથવા તેમને અંધારામાં જ રાખવાની પસંદગી હતી. પરંપરિત પુરુષ સ્ત્રીને ગુલામ, દાસી તરીકે અને સ્વતંત્ર પુરુષ સ્ત્રીને સખી, જીવનસાથી તરીકે પ્રેમ કરી મુક્ત આકાશ આપી શકતો. સત્યેન્દ્રનાથને તેના પિતા દેબેન્દ્રનાથે સલાહ આપેલી કે જ્યાં સુધી તેની પત્ની બાળકીમાંથી સ્ત્રી ન બને ત્યાં સુધી 

શરીર સંબંધ બાંધતો નહીં. આમ આંશિક સમજદારી ત્યારે પણ કેટલાક પુરુષોમાં હતી. 

આજે પણ એ જ પરંપરા પરંપરિત પિતૃસત્તાક માનસિકતા ધરાવતાં પુરુષોમાં જોવા મળી રહી છે. જીન્સ, ટીશર્ટ પહેરી શકે, સ્માર્ટ ફોન વાપરી શકે, જમવા માટે કઈ રેસ્ટોરન્ટમાં જવું કે ફરવા માટે ક્યાં હિલસ્ટેશને જવું એ નક્કી કરી શકે, બપોરે કિટ્ટી પાર્ટીમાં જઈ શકે એટલી આંશિક સ્વતંત્રતા ભોગવતી સ્ત્રી પુરુષને સ્વીકાર્ય છે. પોતે બહાર કારકિર્દી બનાવવી કે નહીં ? એકલા પોતાના મિત્રો સાથે બહાર જવું કે? પોતાના દરેક નિર્ણયો જાતે લેવા જેટલી સ્વતંત્રતા ધરાવતી સ્ત્રી મોટાભાગના પુરુષને સ્વીકાર્ય નથી. આ માનસિકતામાં પુરુષ એકમાત્ર દોષી છે ? તેમની આવી વિચારધારાને સમર્થન આપવામાં સ્ત્રીનો ય સરખો ફાળો ખરો ને ?

You Might Also Like

0 comments