સેક્સ,સત્તા ને શાણપણ 28-4-15

22:38



એક પાર્ટીમાં ચર્ચા ચાલી રહી હતી દુનિયાના રાજકારણની અને તેમાં મને ચુપ જોઈને એક મિત્ર બોલ્યા સ્ત્રી પુરુષની માનસિકતાની કોલમ સિવાય બીજા વિષયો લખવામાં ય હાથ અજમાવવો જોઈએ જો ફાવે તો ? અને મન ચકરાવે ચઢ્યું કે પુરુષ અને સ્ત્રીને બાકાત રાખીને  કોઈ વિષય છે ખરો ? મન સામે એક દ્રશ્ય ભજવાયું.
ચિલ્ડ બિયરનો ગ્લાસ ઉપાડતાં એણે કહ્યું, -- શું રોજ રોજ એની એ જ વાતો .... સ્ત્રી પુરુષના ઝઘડા.... ઓરભી ગમ હૈ જમાનેમેં.....
અદાથી ચિલ્ડ બિયરના ગ્લાસની બહાર જામેલા ટીપાંઓ પર રમત રમતા તીરછી આંખે જોતાં તેણીએ પુછ્યું,  જેમ કે ?” (સાથે જ ટીશર્ટને આગળથી  જરા નીચે ખેંચ્યું ને સ્કાર્ફને હટાવ્યો ગળા પરથી)
પુરુષની નજર ક્લિવેઝની ગહરાઈઓમાં અટવાઈ ગઈને વિચારો વાણી થઈને બહાર ન આવી શક્યા. તેણીએ ફરીથી પૂછ્યું, જેમકે ? અને પછી તેણી જ બોલવા લાગી સિગરેટના ધૂમાડાંને વેખરતી,  ખેડૂતોની આત્મહત્યા,  કિશોરી પર બળાત્કાર, નવા પક્ષોનું ગઠબંધન, જુના પક્ષોનું એ ગઠબંધનને વખોડવું, એક પાર્ટીના નારાજ સભ્યો બીજી પાર્ટીમાં જોડાયા, આપણા વડાપ્રધાન હાલમાં કેટલામાં દેશના પ્રવાસે ગયા છે?,  યમનમાં કે સિરિયામાં કે અફઘાનિસ્તાનમાં બોમ્બમારામાં કેટલા નાગરિકો માર્યા ગયા, કેટલા બાળકો અનાથ થયા, પાકિસ્તાને શું કહ્યું ને કાશ્મીરમાં અલગતાવાદીઓની સભા વગેરે વગેરે... અને મારકણી અદાઓથી તેને જોઈ રહી. એ મૂંગા મૂંગા શબ્દ અને સમસ્યાઓને  ક્લિવેઝની ગહરાઈમાં ખોવાતા જોઈ રહ્યો.
એસીમાં કુશાંદે બેસીને ચિલ્ડ બિયર કે વ્હિસ્કીના ગ્લાસ પીતાં, પાસેથી પસાર થતી શોર્ટ સ્કર્ટ પહેરેલી છોકરીના સેક્સી પગની લંબાઈ માપતાં કે ક્લિવેઝની ગહરાઈને પ્રમાણતા  કેટલાય પુરુષો દુનિયાભરના ગંભીર વિષયોની ચર્ચા કરી શકે છે. કરવી જ જોઈએ પણ બેઝિક – મુખ્ય મુદ્દાની વાત  છે , આપણી અનુકૂળતા અને રસ ખરેખર શેમાં છે. તેનું પ્રામાણિક સંશોધન થવું જોઈએ.  
સામાન્ય રીતે દરેક સ્ત્રીને સલામતીમાં રસ હોય  છે તો  દરેક પુરુષને સત્તાને સેક્સમાં રસ છે. પછી તે ગાંધીજી હોય કે રજનીશ. ઉપ્સ,  સોરી મોહનને રસ હતો સેક્સમાં એવો  રસ મહાત્મા ગાંધીજીને નહતો.  સતત તેમણે બ્રહ્મચર્યની વાત કરી, પ્રયોગો કર્યા. પણ સ્ત્રીઓ ત્યારેય તેમની આસપાસ હતી.  સિત્તેર વરસ બાદ  બાપુએ બ્રહ્મચર્યના પારખા કર્યા હતા. તેમાં સફળ થયા કે અસફળ થયા તેના વિશે અનેક વાદવિવાદ થયે રાખે  છે. તેમની સાથેના નેતાઓ તેમના સેક્સના વિરોધની સાથે સહમત નહોતા. જવાહરલાલ નહેરુ પણ ગાંધીજીના બ્રહ્મચર્યની વાત સાથે સહમત નહોતા જ.
ટૂંકમાં ભારત પાકિસ્તાનના ભાગલા, સ્વતંત્રતાનો સંગ્રામ જેવી અનેક સમસ્યાઓ હતી છતાં, મહાત્મા બાપુએ   સ્ત્રીની સાથે નગ્ન સુવાના પ્રયોગ કર્યા.  માનીએ કે ન માનીએ સ્ત્રી અને  પુરુષ જીવનના  સિક્કાની બે બાજુઓ છે. જન્મ વખતે બાળકની જાતિ જાણવાની ઇંતેજારી દરેકને હોય છે. અને જો બાળકને જાતિ ન હોય તો ?  કલ્પના કરી શકો છો .... જાતિના નામે તો અનેક કાગારોળ મચી છે દુનિયાભરમાં. આઈએસઆઈએસ હોય કે બોકો હરેમ હોય દરેક ત્રાસવાદી સંગઠનનો પહેલો ભોગ સ્ત્રી જાતિ બને છે. આ પુરુષો સ્ત્રી અને બાળકીઓને તાબામાં લઈને બળાત્કાર કરે છે. બળાત્કારનો ભોગ બનીને પાછી આવેલી મહિલાઓને જો ગર્ભવતી ન હોય તો સ્વીકારવામાં આવશે તેવી શરત સિરિયા અને ઇરાકમાં બૌદ્ધિક પુરુષોએ મુકી છે. આ રીતે જન્મેલા હજારો આફ્રિકન બાળકોને ઘેટાંબકરાની જેમ ઉછેરવામાં આવે છે. આ બધી વાતો જાણીને ચર્ચીને કેટલાં બુદ્ધિવાદી પુરુષો કામ કરવા આવા કોઈ વિસ્તારમાં ગયા.
અરે એ છોડો ચેનલોમાં એસી સ્ટુડિયોમાં બેસીને ખેડૂતોની ચર્ચા કરતા લોકોમાંથી કેટલાએ બીજા રાજકિય પુરુષોને વખોડવા સિવાય નક્કર પગલાં લેવાની  પહેલ કરી ? કોણે એમ કહ્યું કે હવેથી હું એસી લકઝરી કારમાં નહીં ફરું એટલા રૂપિયા જરૂરતમંદ ખેડૂતોમાં વહેંચી દઈશ. એમ ન થાય તે તો સમજ્યા પરંતુ, જો દરેક વ્યક્તિ  મોંઘા દારૂના ખર્ચાનો એક દિવસ જતો કરીને પણ ભંડોળ ભેગું કરે તો અનેક સમસ્યા હલ થઈ શકે. રજનીશના સેક્સના  પ્રયોગો વિશે અનેક વિવાદો સર્જાઈ ચૂક્યા છે અને અનેક પુસ્તકો લખાઈ ચુક્યા છે. પણ તેને ભગવાન કહેનારો મોટો વર્ગ હતો. આશારામબાપુથી લઈને અનેક બીજા બાપુઓ વિશે અહીં લખાઈ જ ચૂક્યું છે તેઓ સેક્સ કૌંભાડોમાં જ પકડાયા.
નોબેલ વિજેતા પચૌરીથી લઈને તહેલકો મચાવનાર તરુણ તેજપાલ ઉપર સેક્સુઅલ અબ્યુઝના કેસ ચાલી રહ્યા છે. સાચા ખોટા રામ જાણે પરંતુ, કોઈ પુરુષને સ્ત્રીમાં રસ ન હોય કે સ્ત્રીને પુરુષમાં રસ ન હોય તો તે પણ સ્વીકારવા આપણે તૈયાર નથી.
મહાભારતમાં સ્ત્રી ન હોત કે પુરુષ ન હોત તો ? વાહિયાત સવાલ છે નહીં ?  તો મહાભારત જ નહોત કદાચ. સ્ત્રી પુરુષ વિરુદ્ધ જાતિ છે એટલે જ દુનિયા ટકી છે.  અને એટલે જ દુનિયામાં પ્રશ્નો છે. બન્નેની માનસિકતા એક છે એવું નારીવાદી અભિગમ ધ્વારા સાબિત કરવાના પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ, કોઈપણ વાદ અહીં નકામો સાબિત થાય છે. પુરુષોનું પુરુષાતન સેક્સ અને સત્તાને સાબિત કરવામાં પુરવાર થતું હોય છે. દરેક સત્તાશાળી પુરુષો પ્રત્યે સ્ત્રી આકર્ષાય છે. અને દરેક સત્તાશાળી પુરુષોની આસપાસ સ્ત્રી હોય જ છે. પુરુષને જન્મ આપનાર સ્ત્રી છે તો પુરુષ વિના સ્ત્રીનું અસ્તિત્વ ન હોઈ શકે. માનવજાતિ આખી સ્ત્રી પુરુષના પાયા પર ઊભી છે.  તેમની માનસિકતાને કારણે સમાજ છે. અને સમાજને કારણે સમસ્યા છે. કેમ કોઈ સ્ત્રી ખેડૂત આત્મહત્યા નથી કરતી. કે આત્મહત્યા કરનાર પુરુષની સ્ત્રી આત્મહત્યા નથી કરતી ?
પુરુષપ્રધાન સમાજમાં પુરુષોની હિંમત ઓછી પડે છે. ખેડૂતોના આત્મહત્યાની ચર્ચાઓ કરનારા ક્યારેય જઈને જુએ છે કે તે દરેકના પરિવારની સ્ત્રી,બાળકોનું શું થયું ? આત્મહત્યા કરનાર પુરુષ કે બળાત્કાર કરનાર પુરુષ અને પબમાં બેસીને આ પ્રકારની બૌદ્ધિક ચર્ચા કરનાર પુરુષોની માનસિકતામાં ફરક છે ખરો ? આવા કેટલાય પ્રશ્નો મારા ચિત્તને ઘમરોળવા માંડ્યા. સ્ત્રી  કે પુરુષ ને બાકાત રાખીને વિચારવાના અનેક પ્રયત્નો દંભને પોષતા આવ્યા છે.
સેક્સ અંગે કે સમાનતા વિશે વાત કરવી આપણને બૌદ્ધિક નથી લાગતી. સાંજની નવરાશે છાંટોપાણી કે ચાપાણી કરતાં રાજકારણની ચર્ચાઓ કરવી બૌદ્ધિક હોઈ શકે પણ ઘરમાં રસોઈ કરવી કે શાકભાજી લેવા જવું તે નકામાં સ્ત્રીએ કરવા જેવા કામ કહી શકાય. કારણ કે તેમાં બૌદ્ધિકતા નથી. વિશ્વની સમસ્યાઓની ઠાલી ચર્ચા કરવા કરતાં સાંજની રસોઈ બનાવી જમાડે તે વધુ રચનાત્મક ગણી ન શકાય ? રાજસ્થાનના ખેડૂતે આત્મહત્યા કરી ત્યારે ત્યાં મંચ ઉપર પણ પુરુષો જ હતા અને સભામાં પણ પુરુષોની બહુમતી  જ જણાઈ આવતી હતી. આત્મહત્યાને લાઈવ કચકડામાં જડનારા પણ પુરુષો જ હતા. અને એકબીજા પર આક્ષેપ કરનાર દરેક પક્ષના સભ્યો પણ પુરુષો જ હતા. આઈએસઆઈએસ અને તાલિબાનો પણ પુરુષો જ છે. કેમ સ્ત્રીઓના આતંકવાદી સંગઠન નથી ? પત્નિને ત્રાસવાદી કહીને હસી લેતાં પુરુષોની સંખ્યા પણ ઓછી નથી. પુરુષે હવે પોતાના વિશે ખૂબ તટસ્થતાથી વિચારવાની જરૂર છે. દુનિયાની ચિંતા કરવા કરતાં પોતાની જાતિની, સ્ત્રી જાતિની માનસિકતા સમજવી પડશે. તો કદાચ સમાજની સમસ્યાનો હલ ટૂંક સમયમાં મળે ય ખરો. નહીં તો સરળ છે એસીમાં બેસીને બિયરના ગ્લાસમાંથી સ્ત્રીના અંગોને માપતાં સમાજની સમસ્યાઓની ચર્ચા કરી નપુંસકતાને પોષવી.


You Might Also Like

0 comments