સ્ત્રી, વ્યક્તિત્વ અને કલા

21:17



આપણે સૌ પ્રથમ માનવ છીએ પછી તેમાં જાતિ આવે છે. સ્ત્રી કે પુરુષ. પછી તે કયા દેશની છે તે...અને આમ અનેક રીતે વિભાગવાર વાત કરી શકાય. પણ સ્ત્રીને ફક્ત સ્ત્રી તરીકે જ જોવામાં આવે છે. તેનો એક વ્યક્તિ તરીકે સ્વીકાર કરવામાં આવતો નથી. તેને કારણે એટલા બધા બંધનો અને નિયમો સ્ત્રીઓ માટે થયા છે કે સ્ત્રી પોતે પણ વ્યક્તિ છે તે ભૂલી ગઈ છે. સમાજ જેમ આપણને જોવા માગે છે એ જ રીતે આપણે વર્તીએ છીએ.  . ફક્ત એક માનવીય મૂલ્યની વાત પણ  જો સ્ત્રી કરે તો તેને નારીવાદી કહીને ટોણો મારવામાં આવશે. અન્યાય એ અન્યાય હોય છે. સ્ત્રી ઉપર ફક્ત સ્ત્રી તરીકે જન્મવાને કારણે જ જો અન્યાય થતો હોય તો તેના વિશે બોલવાનો અધિકાર સ્ત્રીઓને છે જ.  આપણી વિચારધારાને પણ સમાજે સીધીને આડકતરી રીતે બદલી નાખી છે.  તેનો આપણને જરા સુધ્ધાં અણસાર નથી.
બ્રાઝિલિયન આર્ટિસ્ટ કેરોલ રોસેટ્ટીએ કલર પેન્સિલ સ્કેચ કરીને વિમેન નામે એક સિરિઝ કરી છે. તેમાં ડ્રોઈંગની સાથે જે મેસેજ મૂક્યો છે તે આજે દરેક સ્ત્રીએ પોતાના હ્યદયમાં કોતરી રાખવાની જરૂર છે. આજના નારીદિને વિચારધારાની કુંઠામાંથી મુક્ત થવાની શુભેચ્છા સાથે આ દરેક ભાઈ બહેનો સુધી આ પહોંચાડી રહી છું. જો આ વાંચીને એક સ્ત્રી કે પુરુષના વિચારમાં કે જીવનમાં બદલાવ આવશે તો મારું લખવું સાર્થક થશે. કેરોલ રોસેટ્ટી કહે છે ફક્ત સ્ત્રીઓ માટેની કવિતા, નાટક, કે આર્ટ હોય કારણ કે તે સ્ત્રી ધ્વારા કે સ્ત્રીની વાત કહેવાઈ હોય પણ પુરુષોની વાત એ દરેકની વાત હોય તો આવો ભેદભાવ પણ શું કામ ? એટલે આજનો મારો લેખ પણ દરેક વ્યક્તિ માટે છે.
1)      કેરોલે એક પેન્સિલ સ્કેચમાં ઢીલાઢાલા કપડાં પહેરેલી સ્ત્રીને બેસેલી બતાવે છે. કેરોલ તેમાં લખે છે કે – લોરા એકદમ ઢીલા કપડાં પહેરવાનું પસંદ કરે છે. કારણ કે તેને સ્ત્રીઓ માટે બનેલા ફિટિંગવાળા ડ્રેસીસ કમ્ફર્ટેબલ નથી લાગતા. પુરુષોના કપડાં પહેરવાથી જાતિ બદલાઈ નથી જતી. દરેક વ્યક્તિએ તેને પોતાને જે યોગ્ય અને કમ્ફર્ટેબલ લાગે તે પહેરવું જોઈએ. તમારી સામે આખો સ્ટોર પરફેક્ટ આઉટફીટ શોધવા માટે છે. નહીં કે ફક્ત વિમેન્સ વેઅરનું સેકશન. આપણે શું પહેરવું કે ન પહેરવું એ આપણે જાતે નક્કી કરવાનું છે. પુરુષનું શર્ટ કે પેન્ટ પહેરવું મને કમ્ફર્ટેબલ લાગે તો તે પહેરનારને ટોમબોય કહેવાની જરૂર નથી. આપણે તો હજી પણ સાડી અને સલવાર કમીઝના બંધિયાર વિચારધારામાં પણ આપણે તો અટવાયેલા છીએ.
2)      જ્યારે ઓલિવિયાના વાળ ઊતરી ગયા ત્યારે એને લાગ્યું કે વીગ પહેર્યા સિવાય તે ક્યારેય બહાર જવાની હિંમત નહીં કરી શકે. પણ હવે ઘણા વખતથી ઓલિવિયા પોતાની જાતને પ્રેમ કરવા લાગી છે. વીગ પહેર્યા વિના પણ તે સુંદર દેખાય છે તેવું માની શકે છે. કોઈપણ આવલંબન વિનાના પ્રેમમાં કેટલી મુક્તિ હોય છે તેનો અહેસાસ અદભૂત હોય છે. સાચ્ચે જ કોઈ કારણસર જેમકે કેન્સરમાં કે ઉંમર થતા મેનોપોઝમાં પણ સ્ત્રીઓના માથા પરથી વાળ ઊતરી જતાં હોય છે. વાળ એ જ સ્ત્રીનું સૌંદર્ય છે એવું માની લેવામાં આવે છે. બાહ્ય દેખાવ કરતાં આંતરિક સૌંદર્ય વધુ મહત્ત્વનું હોય છે.
3)      ઉર્સુલાને ક્યારેય મેકઅપ કરવો નથી ગમતો. ઈટ્સ ઓકે... ઉર્સુલા તું જ તારા ચહેરાની માલકણ છે. કેરોલની વાત કેટલી સાચી છે. મેકઅપ કરવો કે ન કરવો તે દરેક સ્ત્રીએ જાતે જ નક્કી કરવાનું છે. બીજાને કેવા દેખાઈશું કે બીજા શું વિચારશે તેના આધારે આપણા ગમા અણગમા નક્કી કરવાના નથી. વાળ લાંબા રાખવા કે ટૂંકા.. આઇબ્રો કરવી કે ન કરવી. લિપસ્ટિક – કાજલ લગાવવા કે નહીં. તે બીજા માટે ન હોવું જોઈએ. કોઈને આકર્ષક લાગીએ તે માટે આપણે મેકઅપ નથી કરવાનો. લગ્ન સમયે પણ મેકઅપ ન કરવો હોય તો પણ શું ખોટું ? દેખાદેખીથી અને પુરુષને આવી સ્ત્રી ગમશે એ વિચારે પોતાની જાતને બદલવી તે યોગ્ય નથી.
4)      એલિસ કેઝ્યુઅલ સેક્સમાં માને છે. તેના મિત્રો કહે છે કે તેણે પોતાનો રિસ્પેકટ –આદર જાળવવા માટે પોતાનું બિહેવિયર બદલવું જોઈએ. એલિસને ખબર છે કે તેની સેક્સુઅલ લાઈફ અને  આદરને કશી જ લેવા દેવા નથી. સેક્સ એ કુદરતી આવેગ છે. સ્ત્રી પોતાની મરજીથી સેક્સ માણે તો તે ખરાબ થઈ જાય તેવી માન્યતામાંથી મુક્ત થવાની જરૂર છે. સેક્સ માણવો કે ન માણવો તે દરેક પુખ્ત વયની વ્યક્તિનો અંગત અભિપ્રાય છે. તેને કારણે કોઈ સારું કે ખરાબ નથી થઈ જતું. વળી સ્ત્રીનું જીવન બરબાદ થઈ જાય છે તે માન્યતા છે હકિકત નહી.
5)      ઇસુરાએ એબોર્શન કરાવ્યું. તે યોગ્ય કારણસર કરાવ્યું કે નહીં તે સૌએ જાણવું હતું. ઈસુરાએ તેના કારણો દરેકને આપવાની જરૂર નથી. ફક્ત તે સેફ એબોર્શન છે તે જ મહત્ત્વનું છે. દરેક સ્ત્રીને પોતે બાળકને  જન્મ આપવા માટે તૈયાર છે કે નહીં તે વિચારની મુક્તિ હોવી જોઈએ. જો તે પહેલાં કે બીજાં કે ત્રીજા કોઈપણ બાળકને જન્મ આપવા માટે તૈયાર ન હોય તો એ નિર્ણય તેનો પોતાનો હોવો જોઈએ. એના એબોર્શન કરાવવાને કારણે તે ટીકાપાત્ર નથી થઈ જતી.
6)      સિલ્વિયાને સફેદ વાળ હતા દરેક લોકો તેને કહી રહ્યા હતા કે તેણે હેરકલર લગાવવો જોઈએ જેથી તે વૃધ્ધ ન લાગે. સિલ્વિયા વાળને કલર કરવો કે નહીં તે દરેકની પસંદગી પર આધાર રાખે છે. વાળ રંગવા એ જરૂરી નથી. જો તને પોતાના સફેદવાળ ગમતાં હોય તો કોઈ કંઈ જ કરી શકે નહી. ઉંમર વધે તે સહજ છે તેમાં શરમાવાનું કે છુપાવવાની જરૂર નથી. તારા વાળ સુંદર છે અને નક્કી તારે કરવાનું છે કે તેને રંગવા કે નહીં. સફેદ વાળ સાથે પણ સ્ત્રી આકર્ષક અને સુંદર લાગી જ શકે છે. આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. વાળ કાળા હોવા કે સફેદ તે ગૌણ બાબત છે.
7)      અમાન્ડાએ નક્કી કર્યું કે તે પોતાના હાથ પગના વાળને શેવ નહીં કરે. અમાન્ડા તારું શરીર તારું પોતાનું છે. બીજા કોઈએ તે નક્કી નથી કરવાનું કે તે આમ જ હોવું જોઈએ કે તેમ જ હોવું જોઈએ. આ બાબત વિશે ખરેખર ખૂબ ગંભીરતા પૂર્વક વિચારવાની જરૂર છે. પુરુષો જ્યારે સ્લીવલેસ ટીશર્ટ પહેરે કે ચડ્ડો પહેરે ત્યારે શેવિંગ કરતા નથી. સ્ત્રીઓએ ટૂંકા વસ્ત્રો પહેરતી વખતે શેવ કરવું જ તેવો નિયમ કોણે બનાવ્યો ?  આ કોઈ ગુનો નથી બનતો.  સ્ત્રીએ પોતાના પગના વાળને કાઢવા માટે પીડાદાયક વેક્સિંગ કરાવવું જરૂરી નથી. તેનાથી એની જાતિયતા ઓછી કે વધી જવાની નથી.
8)      એના પર બળાત્કાર થયો હતો. એના તું એકલી જ નથી દુનિયામાં કે જેના પર બળાત્કાર થયો છે. એમાં તારો કોઈ વાંક નથી. તેને કારણે તું માણસ મટી નથી જતી. જીવન એની આગળ પણ છે. બળાત્કાર માટે સ્ત્રીએ પોતે શરમાવાની કે ગુનાહિતતા અનુભવવાની જરૂર નથી.
9)      વ્હિટનીએ દશ વરસ સુધી પોતાનું વજન ઓછું કરવાની મહેનત કરી જેથી તે ખુશ રહી શકે. પણ પછી તેને સમજાયું કે તેનો દેખાવ આનંદ કરતાં રોકતું નથી. વાત સાચી છે આપણે પાતળા હોઈએ કે જાડાં તેનાથી આનંદની માત્રા ઓછી વધતી નથી જઈ જતી. દરેક વ્યક્તિનું પોતાનું આગવું સૌંદર્ય હોય છે. બંધારણ હોય છે. તેનો સ્વીકાર અને આદર કરવો જોઈએ. સ્ત્રીએ પાતળા, ગોરા દેખાવું તેવો કોઈ કાયદો કે નિયમ નથી. હા સ્વસ્થ હોવું તે ઇચ્છનીય છે. પણ તેને કારણે ગોરા કે પાતળા જ હોવું તે જરૂરી નથી.
આવી અનેક બાબતો છે જે આપણને વ્યક્તિ સ્વાતંત્ર્ય માણતાં રોકે છે. બસ મુક્તિ અને આનંદનો અહેસાસ કોઈપણ પરિસ્થિતિમાં કે દેખાવની સાથે થઈ શકે તો ય અનેક સમસ્યાઓનો હલ આવી શકે છે. નારીદિને મુક્તિના અહેસાસની અનૂભુતિ સાથે શ્વાસ લઈએ એવી શુભેચ્છા
               

You Might Also Like

0 comments