પારાવાર પીડાનો પ્રદેશ 31-3-15

03:37મરિન ડ્રાઈવના દરિયા કિનારે ચાલતા જુદી જ અનુભૂતિ થાય. એક તરફ સમુદ્રનો અફાટ જળરાશિ કુદરતની કરામત. તો બીજી તરફ માનવની ઊભી કરેલી માયાજાળ શહેરીકરણ. સમુદ્રને સિમેન્ટના પથરાઓ અને પાળી ધ્વારા બાંધવાનો વ્યર્થ પ્રયત્ન કરનાર મનુષ્ય પોતાની લાગણીઓના ધોધને રોકી નથી શકતો. એક મહિલા એકલી પાળી પર બેઠી વિચારોના સમુદ્રના ઊંડાણમાં ક્યાંક ગરક થઈ ગઈ હોય તેવું લાગ્યું. ત્યાં તો એની આંખોમાંથી વહેતી આછી આંસુની ધાર કોઈનું ધ્યાન ખેચે  તે પહેલાં જ  લૂછી નાખી. ઉલ્કાપાત મચાવતા તેના  વિચારો સાંભળવા મેં એપનું બટન દબાવ્યું....
શું કામ જીવવું જોઈએ મારે ...?  કોને માટે ? કેટલું સહન કરવું ? નથી થતું ભગવાન .... કેમ તું મને ઈચ્છામૃત્યુ ન આપે ? દરેકને જેને જીવવું ન હોય તેને વિચારતાંવેંત મૃત્યુ આપવું જોઈએ. આ સમુદ્રને સાંજ મારા પ્રિય છે. તેની સાથે હું આહલાદક અનુભૂતિઓ અનુભવી શકતી પણ આજે આ સૂરજ તેની સાથે મને પણ લઈ જઈ શકે તો... ? વિવેકને કેટલો ચાહ્યો મેં... તેની સાથે જોડાયા બાદ બીજે કશે જ જોડાઈ શકી નહી. બસ એક તેની જ બાબતે હું નબળી બની જાઉં છું, બાકી મજાલ છે કોઈ મને ઢીલી પાડે. દરેક સંજોગો સામે ટક્કર લઈ શકી છું અને લેવા હજી તૈયાર છું. પણ ..............( પાંચ મિનિટ શાંતિથી પસાર થઈ ...મને નવાઈ લાગી ક્યાંક એપ કામ કરતું બંધ તો નહોતું થયું ને.. ? હું વિહવળ બની ગઈ... શું પેલી સ્ત્રી આપઘાત કરશે ? પણ તે તો સ્થિર બેઠી હતી કિનારે અથડાતી લહેરોની આવનજાવન જોતી ત્યાં...)
હંમેશ આમ વિચારો રોકી શકાય તો....આ મોજાંની જેમ સુખને દુખ આવેને જાય છે. એ ફિલોસોફી મને ખબર છે છતાં વિવેકની બાબતે કેમ હલી જાઉં છું ? મા બાળપણમાં ગુજરી ગઈ.. તેનો ચહેરો યાદ નથી. પિતાએ બીજા લગ્ન કર્યા .. સાવકી મા ખરાબ નહોતી. પરંતુ તેની સાથે કોઈ માયા બંધાઈ નહી કે ન તો એને પણ મારી સાથે મમતા વધારી. એક ડિસટન્સ સતત અમારી વચ્ચે રહ્યું. ક્યારેય અમે તેને ઓછું કરવાનો પ્રયત્ન ન કર્યો. પ્રેમ અને હુંફની ખોટે મને પોતાનામાં રહેતી કરી. ભગવાનને મેં મારા મિત્ર બનાવ્યા અને તેમની સાથે સંવાદ સાધ્યો. મારી ફરિયાદો, અભાવો બધા જ તેમને આંસુઓ સાથે ધરતી. મારી પાસે જે હોય તે જ તો આપી શકું. આજે હું મારી જાતને ધરાવવા આવી છું. પણ કદાચ હિંમત નહી થાય..... શું કરું તે સૂઝતું નથી. ન તો મારામાં એકલા જીવવાની હિંમત છે ન તો મરવાની હે ભગવાન આ કેવી વિડંબણા.. અને ન તો તે મને કોઈ એવી વ્યક્તિ આપી જીવનમાં કે તેની સામે મારું હ્રદય ખોલી શકું. જેમ મીના, પિંકી કે સ્મિતા મારી સામે પોતાની વાત કહી શકે છે અને તેમને સલાહ, હિંમત આપી શકું છું. શું કરું ? મને જ મારી સલાહ લેવાનું કહું ? વાહ..( તેના ચહેરા પર આછી સ્મિતની રેખા ફરકી ગઈ)  આજે તો સમુદ્ર શાંત છે હું અશાંત છું. કેમ મારા અશાંત મનની અસર કોઈ ઉપર નથી થતી ? કોલેજમાં ગઈને હોર્મોનના બદલાવ સાથે પ્રેમ પણ થયો. એ લાગણીઓના પુરમાં એકલતાનું અંધારુ ઓજપાઈ જતું. પરંતુ, શોધ મારી જાણે શાશ્વત પ્રેમની હતી. મારો રસ બીજી વ્યક્તિમાંથી થોડા જ સમય બાદ ઊડી જતો. પુરુષો મને કંટાળાજનક લાગવા માંડ્યા. નક્કી કર્યું કે બસ હવે પ્રેમમાં ન પડવું. ભણીને ખૂબ કમાવું અને મારી આગવી દુનિયા રચવી. ત્યાં તો વિવેકની ઓળખ થઈ. પહેલી જ નજરે પ્રેમ થયો. અમે બન્ને અનુભૂતિના આગવા પ્રદેશમાં વિચરવા લાગ્યા. પીડાઓ સાથે એને પણ નાતો હતો એટલે અમે એકમેકના પ્રદેશને પામી શકતા. સમજી શકતા. એકમેકમાં પરોવાયેલા ત્રીસ વરસ ક્યાં પસાર થયા તે ખ્યાલ પણ ન આવ્યો.  ત્યાં અચાનક .... શ્વેતાનો પ્રવેશ ક્યાંથી ને કેમ થયો તે સમજાયું નહી.

વચ્ચેના ત્રીસ વરસમાં બાળકો હતા. તેમને પાંખો આવીને ઊડી ગયા. થયું હવે ફરી એકમેકની સાથે ઘુંટર ઘું કરીશું. ફરીને એકમેકમા પરોવાઈને  પ્રેમના પ્રદેશમાં વિહરીશું. અચાનક મને દેખાયું કે હું તો સાવ એકલી છું. વિવેક તો શ્વેતાની સાથે પ્રેમના પ્રદેશને ખેડી રહ્યો છે. ત્યાં હું નથી ...મારો ચહેરો આયનામાં જોયો તો વાળમાં પ્રવેશી રહેલી આછી સફેદી અને મોંઢા પર કાળની કરચલીઓ અને શરીરની સ્ફુર્તિ રહી નહોતી તે અનુભવાયું. શ્વેતા મારા કરતાં યુવાન, તાજગીસભર કદાચ યયાતિની માફક તે વિવેકમાં નવું યૌવન ભરી રહી હતી. નવી માની જેમ નવી પ્રેમિકાએ મને અભાવ અને એકલતાના સમુદ્રમાં ફંગોળી દીધી. ત્યારે તો મારામાં જોમ હતું દુનિયા સામે લડી લેવાનું... હાર ન માનવાનું..  હવે આદત પણ નથી રહી અને હામ પણ.  મારું વાંચન, સમજણ બધું  જાણે બાષ્પીભવન થઈ ગયું. રહી ગયું ખારું ઝેર જેવું જીવતર... શ્વેતામાં સમજણ અને સંવેદનશીલતા ખૂબ છે એવું પ્રોફેસર વિવેક કહેતા હતા ત્યારે ખ્યાલ ન આવ્યો કે તે વિવેકમાં રહેલા પુરુષ મનને સમજી, સંવેદી શકે છે. મારામાં રહેલી સ્ત્રીના મનને નહી. ખેર..... ફિનિક્સ પંખીની જેમ ફરી ઊભી થઈ હું ઊડવાનો પ્રયત્ન કરીશ મારા આગવા આકાશમાં....પીડા સહન નહીં જ થાય તો આ મારો પ્રિય સમુદ્ર છે જ... તેના પાતાળલોકમાં કદાચ પીડા વિનાનો પ્રદેશ જરૂર હશે.... 

You Might Also Like

0 comments