ઉલમાંથી ચુલમાં તે આનું જ નામ ? 24-2-15 બત્રીસ પુતળીઓની વાર્તા

22:18




અમદાવાદમાં  ટ્રાફિક જામ સમયે બાજુમાં ચાલી રહેલી કારમાં એક માનુની પાછલી સીટમાં આંખો બંધ કરીને વિચારોમાં ખોવાઈ ગયેલી જણાઈ. મેં મનના વિચારો વાંચવાનું એપનું બટન દબાવ્યું...
 આ મિંટિંગો ક્યારે ખતમ થશે. શી ખબર ... નવા આવેલા સાહેબને મિટિંગો કરવાનો શોખ લાગે છે. રોજ સવારે અને સાંજે મિટિંગ. સવારે મિંટિગ આજે કોણ શું કરશે તેની અને સાંજે આખા દિવસનું સરવૈયું... એટલો સમય તો બરબાદ જ કહેવાય ને... મિટિંગના સમયમાં બીજા કામ થઈ શકે તે કોણ એને સમજાવે... અમેરિકા જઈને એમબીએ કરી આવ્યો છે.. મારાથી નાનો હશે ચાર કે પાંચ વરસ ... આજે તેનો બાયોડેટા શાંતિથી જોવો પડશે. અવિનાશ હતો ત્યારે મોજ કરી છે તેની ના નહી. એ મારા પર મરતો હતો. પાગલ... મને કહેતો શ્રુતિમેડમ તમને જોઈને દિવસ સારો જાય છે. તમારે રોજ સવારે ઓફિસમાં આવીને મને મોં બતાવી જવું ... બાસ્ટ... ફ્લર્ટ હતો એક નંબરનો... પણ લુચ્ચો ય ખરો. એ બહાને હું ઓફિસમાં સમયસર આવી છું કે નહીં તે જાણવા માગતો હતો.
સા...દરેક સ્ત્રીઓને એ એવું કહેતો એ પછી જાણવા મળ્યું. જો કે સ્ત્રીઓના પ્રોબલેમ પણ તે સાંભળતો. અને સહાનુભૂતિ પણ રાખતો. તેણે ક્યારેય કોઈ સ્ત્રીને તેની મરજી વિરુદ્ધ ખરાબ નજરે નહીં જોઈ હોય. એકવાર તેણે મને સાડીમાં જોઈને કહ્યું હતું કે શ્રુતિ ખોટું ન લગાડો તો એકવાત કહું. સાડી ન પહેરો... કામમાં ધ્યાન નથી રહેતું... તમને સાડી સરસ લાગે છે. જો જો પાછા સેક્સુઅલ હરેસમેન્ટનો કેસ કરતા... શરૂઆતમાં તે કશું ય ન બોલતો. કામથી કામ રાખતો. પણ એને કારણે ઓફિસનું વાતાવરણ બોર અને બોઝિલ રહેતું. એકવાર મેં જ તેને કહ્યું, સર તમને અવિનાશ જ કહું તો ચાલશે.. તેણે નવાઇથી મારી સામે જોતાં પહેલીવાર પોતાની સેન્સ ઓફ હ્યુમરનો પરિચય આપતા કહ્યું હતું કે હું ગમવા લાગ્યો તમને.... વેલ આઈ ડોન્ટ માઈન્ડ ને પછી ચાલ્યું હતું... સેક્સઅલ હરેસમેન્ટના નિયમોનું  સ્ટીકર નોટિસ બોર્ડ પર લગાવડાવતી હતી ત્યારે બોલેલા ...બાપરે..આ તો મને જ સાણસામાં લેવા માટે .... લાગે છે મારે ફરીથી ગંભીર રહેવાનું શરૂ કરવું પડશે... શ્રુતિમેડમ આપણે રોજ ઓફિસમાં સવારે એક પ્રેયર રાખીએ તો .... ઓફિસમાં કામ કરતાં દરેક સ્ત્રી પુરુષ મારા ભાઈ બહેન છે. તેમના માટે હું ક્યારેય કોઈ જ ખરાબ વિચાર મનમાં નહીં લાવું. વગેરે વગેરે
મારા સહિત દરેક લોકો ખડખડાટ હસેલા... હકિકતમાં અમારી ઓફિસનું વાતવરણ હેલ્ધી હતું. થોડું ઘણું ફ્લર્ટિંગ ઓફિસના બોજને હળવો કરતા હતા. અમે મિત્રો જેમ રહેવા લાગ્યા હતા....
અવિનાશ બીજી કંપનીમાં ગયો ત્યારે મને કહ્યું હતું કે શ્રુતિ વિલ મિસ યુ.... તું પણ ઈચ્છે તો એ કંપનીમાં તારે માટે જગ્યા કરી આપું. પણ મારે આ શહેર છોડીને જવું નહતું. આઈ લવ અમદાવાદ ... સાવ ગુજ્જુ છે કહી અવિનાશે ટોણો માર્યો હતો. પણ ..આઈ એમ લાઈક ધેટ..... મમ્મી પપ્પા અને ભાઈ બહેનો પણ અહીં  છેને તેમને છોડીને જવાની ઈચ્છા નહોતી એટલે તો લગ્ન કરવા માટેની મારી શરતમાં અમદાવાદ પહેલાં હતું. આ ટ્રાફિક... ઓફિસ વહેલા જઈને હજી પૂર્વ તૈયારી કરવી પડશે... મિટિંગની. નહીં તો પેલો એમબીએ ટોણો મારશે... જો કે લાગે છે સ્માર્ટ... અને તેના પરફ્યુમની સુગંધ... સેક્સી છે. પેલી એડર્વટાઈઝ યાદ આવી ગઈ.... અને મારાથી હસી પડાયું... ત્યારે પૂછી બેઠો હતો... ઈઝ ધેર એનીથિંગ રોન્ગ ? ને મારે બહાનું શોધવાની કેટલી તકલીફ થઈ હતી. કંઈક યાદ આવ્યું ...એમ જ... કે જોક ... નવાઈથી મારી સામે તેણે જોયું હતું... તેની આંખોમાં અનાયાસે આંખો પરોવાઈને... કંઈક થયું... અમે બન્ને વળી કામમાં પરોવાઈ ગયા. તેના પરફ્યુમની સુગંધ મને વિચલિત કરી દે છે. લાગે  છે જીમમાં પણ જતો હશે. હાથના બાવડાંને કારણે  શર્ટ તેના પર શોભી ઊઠે છે. મિટિંગમાં તેને જોયા કરું છું તે એના ધ્યાન બહાર નથી. એને કહેવું છે કે પ્લીઝ આ પરફ્યુમ ન છાંટીને આવો. અથવા ક્યું છે એ પૂછી લેવું છે. તેની સુગંધ શ્વાસે શ્વાસમાં ફરી વળે છે. ને બે ક્ષણ તો ભાન ભૂલી જવાય છે. એવું ન હોત તો આ મિટિંગો સાવ જ બોર લાગત... ફક્ત તેની ઉપસ્થિતિ અને તેની સુગંધને કારણે મિટિંગની બોરિયત ઓછી થાય છે. પેલી ચિબાવલી ખૂબ નવા બોસની આગળ પાછળ ફરે છે. સર સર કહીને મસ્કા મારે છે કે નજીક જાય છે તે સમજાતું નથી. દિવસમાં દશવાર તેની કેબિનમાં જાય છે. સારું છે કેબિન ટ્રાન્સપરન્ટ કાચની છે. મારે કેબિન બદલવી પડશે જેથી તેની કેબિન દેખાઈ શકે. એને ત્યારે જ જોઈ શકું જ્યારે કેબિનની  બહાર એ  કે હું નીકળીએ... કામ વિના બહાના બનાવીને તેને જોવાની ઈચ્છા દબાવી રાખવી પડે છે. અવિનાશ સાથે મસ્તીભરી વાતચીત થતી એટલું જ બાકી તેને જોવાની ક્યારેય ઈચ્છા નહોતી થતી. વળી ક્યારેક તેના મોંમાંથી આવતી દુર્ગંધને કારણે દૂર રહેવાનું જ મન થતું. એ જ સારું હતું... આવા સ્માર્ટ સુગંધી બોસ ન હોવા જોઈએ......



You Might Also Like

0 comments