હસતાં હસતાં રડી પડે ભૈ માણસ છે. 17-3-15

23:53અરવિંદનો ચહેરો પડી ગયો. તે રૂમ છોડીને જવા માટે ઊભો થયો. કંઇક કહેવા મથી રહ્યો હતો ... તેણે બોલવાનું શરૂ કર્યું પણ વાક્ય પુરુ થાય તે પહેલાં તો તે ભાંગી પડ્યો, ક્યારનો તે આંસુઓ રોકવા મથી રહ્યો હતો પણ તે પણ તેના કહ્યામાં ન રહ્યા અને વહેવા લાગ્યા. હું (આસુતોષ) અને અંજલી (દમણિયા) તેને સાંત્વના આપવા મથ્યા. અંજલી પણ રડવા લાગી અને બોલી, આપણને સૌને શરમ આવવી જોઈએ... શું આ જ આપણે તેને આપી શકીએ ?
આસુતોષ ધ્વારા લખવામાં આવેલા પુસ્તકમાં  ઉપરોક્ત લખાણ છે. વરસ પહેલાં  કેજરીવાલ આમ આદમીની પાર્ટીમાં ભંગાણ થતા પાર્ટી છોડવા તૈયાર હતા એ જ રીતે ગયા અઠવાડિયે અરવિંદ કેજરીવાલ પાર્ટીનું પ્રમુખ પદ છોડવા તૈયાર હતા. તે  જ મિટિંગ દરમિયાન અરવિંદે દુખ સાથે કહ્યું હતું કે હું રોબર્ટ વડેરા, મુકેશ અંબાણી કે નરેન્દ્ર મોદી સામે લડી શક્યો પણ પોતાની પાર્ટીની વ્યક્તિઓ સામે લડી નથી શકતો.  અરવિંદ કેજરીવાલ બે વાર દિલ્હીમાં સરકાર બનાવી શકવાની ક્ષમતા પુરવાર કરી શક્યા પરંતુ, પાર્ટીની અંદરો અંદરની લડાઈમાં કે ભંગાણ પડતાં રોકી નથી શક્યા. તેઓ અનેકવાર રડી પડ્યા હોવાનું હાજર રહેલા નેતાઓ કહે છે.
જયન્ત પાઠકની પંક્તિઓ અહીં યાદ આવી જાય છે.
રમતાં રમતાં લડી પડે ભૈ માણસ છે.
હસતાં હસતાં રડી પડે ભૈ માણસ છે.
વરસ પહેલાં મે મહિનામાં જ્યારે ભાજપ નેતા નરેન્દ્ર મોદીએ ભાજપની બહુમતીથી જીત બાદ પાર્લામેન્ટના ઐતિહાસિક સેન્ટ્રલ હોલમાં પ્રથમ પ્રવચન આપતી વખતે આંસુને રોકવાના પ્રયત્નો કર્યા હતા. તે સમયે મોદી શું બોલ્યા હતા તે કદાચ કોઈને યાદ નહીં હોય પરંતુ, છપ્પનની છાતી ધરાવનાર મોદીની આંખો ભીંજાઈ હતી તે દરેકને યાદ હશે.  એ જ સેશનમાં પહેલાં લાલકૃષ્ણ અડવાણી પણ રડ્યા હતા. પુરુષો પણ રડી શકે છે તેમાં હવે કોઈને નવાઈ નથી રહી. કારણ કે અનેક મહાનુભવોને આપણે રડતાં જોયા છે. પુરુષો રડે નહી તે બાબત હવે મિથ એટલે કે માન્યતા હતી એમ કહેવું પડે. અથવા લખવા માટે આ સારો ટોપિક બની શકે એમ છે. પરંતુ, હજી જાહેરમાં કોઈ પુરુષ રડે ત્યારે તેની ચર્ચા થાય છે. લોકોને કુતુહૂલ થાય છે. કારણ કે જાહેરમાં રડીને પોતાની લાગણીઓ વ્યક્ત કરવી એ હવે સહજતાથી સ્વીકારાય છે. પણ  રડનાર માટે કે તેઓ જે તે સમયના સાક્ષી બને છે તેના માટે પણ ઓકવર્ડ પરિસ્થિતિ કેટલીકવાર પેદા થતી હોય છે.
અમેરિકાનો પ્રથમ બ્લેક રાષ્ટ્રપતિ બરાક ઓબામાની આંખમાંથી  પણ પ્રેસિડેન્સિયલ ઇલેકશનની છેલ્લી સ્પીચ આપતાં  આંસુની ધાર વહી રહી હતી. એટલું જ નહી. તેમની જીત બાદના પ્રથમ વક્તવ્ય સમયે પણ ઓબામાની આંખો ભીની થઈ હતી અને સાથે ત્યાં હાજર કે ટીવી ધ્વારા જોતાં શ્રોતાઓની આંખો પણ ભીની થઈ હતી. દુખમાં જ નહીં સુખમાં મોટાભાગના પુરુષો આંસુને રોકી શકતા નથી.  અરવિંદ કેજરીવાલનું રુદન પીડામાંથી આવ્યું હતું પરંતુ, પીડામાં રડતાં પુરુષની સાથે મોટેભાગે કોઈને સહાનુભૂતિ નથી થતી. કારણ કે મર્દકો દર્દ નહીં હોતા એ માન્યતા જાણે અજાણે ભાગ ભજવતી હશે. પણ ખુશીમાં ભીની થતી આંખો પુરુષની પ્રતિભામાં વધારો કરે છે. ઓબામા પ્રેસિડેન્સિયલ ઇલેકશન જીત્યા બાદ પોતાના કાર્યકરોનો આભાર માનતી સમયે રડી પડ્યા હતા તેની નોંધ દરેક અખબાર અને ટેલિવિઝનવાળાએ લીધી હતી. તો પાર્લામેન્ટના પગથિયે માથું ટેકવીને દાખલ થયા બાદ પ્રથમવાર વક્તવ્ય આપતાં રડવાને ખાળવાના પ્રયત્નો અંગે પણ નોંધ લેવાઈ હતી.
 આજે ભલે આમ આદમી પાર્ટી સાથે કેજરીવાલને યાદ કરવામાં આવે પણ આમ આદમીને મશહુર બનાવનાર કાર્ટુનિસ્ટ સ્વ. આર કે લક્ષ્મણ એક એવોર્ડ સ્વીકારતી સમયે જાહેરમાં ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા હતા. હાલમાં  જ્યોતિન્દ્ર જૈન જે મ્યુઝિયોમોલોજીસ્ટ છે તેઓ પોતાના સ્વ. ભાઈ પવનકુમાર જૈનના પુસ્તક વિમોચન સમયે સ્ટેજ પર રડી પડ્યા હતા. તેમને અફસોસ હતો કે તેઓ ભાઈ જ્યારે જીવતા હતા ત્યારે તેમની નજીક નહોતા શક્યા. તેની સાથે સંવાદ નહોતા સાધી શક્યા. મોટેભાગે  પુરુષો પોતાની લાગણીઓ પ્રદર્શિત કરી શકતા નથી. પ્રેમ કે કાળજી પણ તેઓ એક ડિસટન્સ સાથે કરતાં હોય છે. પરંતુ, જીવનમાં જ્યારે એ વ્યક્તિ ન રહે કે કોઈ આઘાત લાગે ત્યારે એ બાંધ તૂટી પડતો હોય છે. જ્યારે સામે પક્ષે વાત વાતમાં રડી પડતી  સ્ત્રીઓ  આવા પ્રસંગોએ કઠોર થઈ જતી હોય છે.
 આપણે અનેકવાર આસપાસના લોકોની  નિવૃત્તિના સમયે કે કોઈ આભાર માનતા આંખો ભીની થયેલી જોઈ હશે. સારી નરસી દરેક વાતે કેટલાકની આંખો ભરાઈ આવતી હોય છે. એવો પ્રશ્ન થઈ શકે કે   એવું કેમ હશે કે કેટલીક વ્યક્તિઓને વારંવાર રડવું આવી શકે ?  તો કેટલીક વ્યક્તિઓ માટે રડવું સહેલું નથી હોતું. ખાસકરીને જ્યારે તેને રડવાની જરૂર લાગતી હોય. તો વળી ક્યારેક રડવાનું યોગ્ય ન હોય છતાં રડવું આવે ને તેને ખાળવું કેટલું કઠિન બની રહે છે. શા માટે રડવું અને શા માટે ન રડવું ? આ અંગે અનેક સંશોધનો થયા છતાં કેટલાય સવાલોના જવાબો હજી પણ સંશોધનકારોને નથી મળ્યા.
સાન્ટા મોનિકા યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સ્ટાફ સાયકોલોજીસ્ટ ડો. સ્ટિફન સાઈડઓફ્ફનું  કહેવું છે કે રડવું તે લાગણી વ્યક્ત કરવાનો એક પ્રકાર છે, ખાસ કરીને જ્યારે તમે દુખી હો કે કોઈપણ પ્રકારની પીડા અનુભવતા હો. પણ ક્યારેક સૌંદર્ય જોતાં પણ આંખ ભરાઈ આવતી હોય છે. અદભૂત સંગીત સાંભળતા કે દ્રશ્ય જોતાં પણ આંખોમાં પાણી આવી જાય છે. કારણ કે તમે ત્યારે પોતાની જાતને વિસરી ગયા હો છો. તે ક્ષણોમાં વહી ગયા હો છો.  તો કેટલાક સાયકોલોજીસ્ટ સાયન્ટિસ્ટો કહે છે કે  જ્યારે આનંદમાં કે ખુશી વ્યક્ત કરતાં રડી પડીએ છીએ  કારણ કે આપણું  શરીર મનની લાગણીઓની સાથે સંતુલન સાધતું હોય છે. દરેક લાગણીઓ આપણા શરીરમાં કેમિકલ ફેરફાર કરતું હોય છે. એ કેમિકલ ફેરફારની સામે  આપણું શરીર બેલેન્સ  રાખવાની કરામત જાણે છે. એટલે જ ભયમાં આપણા શરીરની ગતિવિધિ બદલાય છે અને આનંદમા પણ બોડી લેગ્વેજ બદલાય છે. એ જ રીતે આંસુ પણ લાગણીઓની પ્રતિક્રિયા છે. પુરુષો રડે નહી એ માન્યતાને કારણે તે લાગણીઓની પ્રતિક્રિયાના વેગને રુંધે છે. બાકી લાગણીઓ પુરુષ કે સ્ત્રી શરીરમાં સરખી જ હોય છે.
 વ્હાય મેન નોટ કમિટ પુસ્તકના લેખક સાયકોલોજીસ્ટ જ્યોર્જ વેઈનબર્ગ સ્ત્રીઓને ચેતવણી આપતાં કહે છે કે પુરુષોના દરેક આંસુને લાગણી માની લેવાની ભૂલ પણ ન કરવી કારણ કે એવું પણ બની શકે કે બીજી કોઈ જ રીતે  લાગણીઓ વ્યક્ત કરી ન શકતા હોવાને કારણે તે ફક્ત કામ કઢાવી લેવા પુરતો આંસુઓનો ઉપયોગ કરતાં હોય છે.  આવા પુરુષો પોતાની રીતે વાત ન બને ત્યારે નાનું અમથું રડી લેતા હોય છે. ટોક્સિક લાગણીઓ આ રીતે શરીર રિલિઝ કરતું હોય છે.  કદાચ  આ જ કારણે આપણે ત્યાં પુરુષોના આંસુને મગરના આંસુ પણ કહેવાતા. આવા પુરુષો સેક્સ અને ક્રોધને આક્રમક રીતે વ્યક્ત કરવો એ પૌરુષિય હોવાનું માને છે.   

દરેક પુરુષ મગરનાં આંસુ નથી વહેડાવતા. સંવેદનશીલ પુરુષની આંખો કરુણ ફિલ્મ જોતાં કે કોઈ ભાવનાત્મક પ્રસંગે કે આનંદના પ્રસંગોએ ભરાઈ આવતી હોય તો જાણજો કે એ પુરુષ પોતાના પૌરુષત્વને યોગ્ય ન્યાય કરી રહ્યો છે.  તે પોતાની લાગણીઓને સંતુલિત રીતે જાળવી શકે છે અને તે પુરુષ સામી વ્યક્તિની યોગ્ય રીતે કાળજી પણ કરી શકે છે. સંવેદના વ્યક્ત ન કરી શકે તે માણસ નહી પણ રોબોટ જ હોઈ શકે.

You Might Also Like

0 comments