અલગારી માણસ ની 33 વાર્તાઓ 10-2-15

00:27



બે અઠવાડિયા પહેલાં શિયાળાની એક સુસ્ત રવિવારની સવારે પાર્લામાં સ્વર્ગિય પવનકુમાર જૈનનું પુસ્તક 33 વાર્તાઓનું વિમોચન થયું. ફક્ત ને ફક્ત પવનકુમાર જૈનને ઓળખતા મિત્રો અને તેમના પરિવારજનોની હાજરીમાં. તેમની વાર્તાઓની ગણતરી જેટલા લોકો પણ માંડ હશે. તે છતાં વાતાવરણ પવનકુમાર જૈનના જીવન જેવું સભર હતું. પુસ્તક ખોલતાં જ આપણા પ્રસિધ્ધ સાહિત્યકાર ધીરુબહેન પટેલની પ્રસ્તાવનાનું પહેલું વાક્ય નજરે પડે. એ એક અલગારી માણસ.... અલગારી એટલે સાર્થ જોડણીકોશ પ્રમાણે રંગીલો, મસ્ત, મનસ્વી...આવી વ્યક્તિ સમાજની પુરુષની વ્યાખ્યામાં બંધ બેસી ન શકે(ગુજરાતી પુરુષોની) તેવું અનોખું ,  આગવું વ્યક્તિત્વ.  સામાન્ય જીવન જીવી ગયેલા આ અલગારી માણસ વિશે વાત કરવી છે.  
 અલગારી શબ્દ બોલતાં કે સાંભળતા કે લખતાં આપણી નજર સમક્ષ  આર્ટિસ્ટ, કદાચ દાઢી વધારેલો કે ઝભ્ભો પહેરેલો... બગલથેલો લટકાવેલો, પોતાનામાં જ ખોવાયેલો દેખાતા માણસની કલ્પના જ થાય. ધીરુબહેને  પવનકુમારની આગવી ઓળખ આપતા ખૂબ સરસ લખ્યું છે કે મનથી મુક્ત અને બુદ્ધિની અને લાગણીની અનેક પરતો ધરાવતો માણસ.. મોટેભાગે અલગારી શબ્દ સાથે એવી વ્યક્તિનો અંદાજ બંધાય જે કશે જ બંધાઈ ન શકતી, બેફિકરાઈથી જીવતી વ્યક્તિ. સમાજના વ્યવહારુતાના ચોકઠામાં જે બેસી ન શકે તેને લોકો નવાઈભરી રીતે જોતાં હોય છે. કદાચ તેને નગણ્ય ગણીને પોતાની સુપિરિયારિટી પુરવાર કરવાના પ્રયત્નો ય હોય.  પવનકુમાર એવી જ વ્યક્તિ હતા. તેમના પુસ્તકમાં છેલ્લે તેમની  ઓળખ આપતું લખાણ છે .  
જન્મયો ત્યારે પ્રખર સ્મરણશક્તિ લઈને નહોતો અવતર્યો. તેથી મારા જીવન- પરિચય બાબત અન્યો પર જ આધારા રાખવો પડશે- મારે પણ. અમુકતમુકને ત્યાં એક પુત્ર’ – એ મતલબના બર્થ સર્ટિફિકેટમાં જન્મ તારીખ : જાન્યુઆરી 24, 1947. સ્થળ : મુંબઈ.  દુનિયા જેમને મારા પાલકો બલકે માતાપિતા તરીકે ઓળખાવે છે, તેમણે આપેલ નામ અને અટક પ્રમાણે મારી ઓળખ : પવનકુમાર જૈન. લેખનમાં વપરાતાં મારાં અન્ય નામો : રોશનઅલી,નસીરા અન્સારી,ઇવાન, સ્ટીફન ડેડલસ. અભ્યાસ : સાહિત્ય. વ્યવસાય : સાહિત્ય. ધ્યેય : સાહિત્ય.
ઉપર આપેલી માહિતી મારી જાણ અને માન્યતા મુજબ સાચી છે.  ‘
-સહી પવનકુમાર જૈનની. (ઈપાણનું યૌવન વાર્તામાંથી)
પવનકુમાર જૈનનું નામ અનેકને જાણીતું નહીં લાગે પરંતુ, એમાં પવનકુમારને જરાય  અફસોસ નહી હોય. તમને પણ નહીં હોય પરંતુ, આવા અનોખા વ્યક્તિત્વોને પણ જાણવા જોઈએ. જીવનના કેટલાક રહસ્યો તેમની પાસે હોય છે. તેમની મુલાકાતોમાં ક્યારેય કોઈ અખબારને કે મેગેઝિનને રસ ન પડે એ સ્વાભાવિક છે.  એટલે તેમના વિશે ક્યારેય વાંચવા ન મળે .  લગભગ પ-10ની ઊંચાઈ, ગોરો વાન, એકવડો બાંધો. જીન્સ  કે પેન્ટ,શર્ટ પહેર્યા હોય. શર્ટ હંમેશા ઈન, જાડા કાચના ચશ્મા. ક્યારેક આળસના અભાવે દાઢી ન પણ કરી હોય. તેમનું જીવન તેમનું હતું એટલે તેમને જે યોગ્ય લાગે તે રીતે જ જીવતાં. બીજાને સારું લગાડવા કે બીજા તેમને માટે શું વિચારશે તેવાં  ઢાંચામાં પોતાની જાતને ક્યારેય ઢાળવાનો પ્રયત્ન પણ ન કર્યો.
 હિન્દી સાહિત્યના પ્રસિધ્ધ સાહિત્યકાર વિરેન્દ્ર જૈનના પુત્ર અને તેમના મોટાભાઈ જ્યોતિન્દ્ર ચિત્રકાર અને પછી જાણીતા મ્યુઝિયમોલોજીસ્ટ. તેમની બહેનો દિવ્યાબહેન અને જ્યોત્સના મિલને પણ સાહિત્યસર્જન ક્ષેત્રે પ્રદાન કર્યું છે.  પવનકુમારે ગયા વરસે મૃત્યુ પામ્યા પહેલાં ફક્ત એક કાવ્ય સંગ્રહ આપ્યો, દેશ પરદેશની લોકકથાઓનું એક પુસ્તક આપ્યું  અને મૃત્યુ બાદ એક વાર્તા સંગ્રહ આપ્યો. કહેવી હોય તો ફક્ત આટલી જ ઉપલબ્ધિ.  તેમના મિત્ર નૌશિલ મહેતા કહે છે કે તેઓ ક્યારેય રેટ રેસમાં નહોતા. તેમને પૈસા કે વસ્તુનું ગાંડપણ નહોતું. ડેડલાઈનથી ડરે નહી કારણ કે તેને માને જ નહીં. પરફેક્શનમાં માને પોતાને સંતોષ  થાય ત્યાં સુધી સમય અને પૈસાની કાળજી વિના કામ કરે. કમર્શિયલ મિડિયામાં જ્યાં ડેડલાઈનમાં જ કામ કરવાનું હોય ત્યાં પણ તેઓ  ડેડલાઈનને પાળવી જરૂરી ન માનતા. ડેડલાઈન કરતાં તેમના માટે સંતોષજનક કામ કરવું જ મહત્ત્વનું હતું.  
પવનભાઈ એક જમાનામાં ખૂબ દારૂ પીતા. પછી પોતે જ સમજી વિચારીને તે આદત પર કાબૂ મેળવ્યો. દારૂની દરેક કેમેસ્ટ્રી તેમને સમજાય ને દારૂ પીનારની કેમેસ્ટ્રીનો ય અભ્યાસ કરેલો. દારૂ છોડ્યા બાદ તેમણે બીજા અનેક લોકોને પણ દારૂની અસરમાંથી મુક્ત થવા મદદ કરી. જે પણ દવા લે તેની અસર આડઅસરનો અભ્યાસ એટલી બારિકાઈથી કરે કે ડોકટરો પણ તેમને હાથ જોડે. પૈસા કમાવવા તેવો કોઈ એજન્ડા તેમણે રાખેલો નહીં. ટૂંકમાં પૈસાના ગુલામ નહીં. એવું પણ નહીં કે તેમને વારસામાં ધનના ઢગલા મળેલા... સાદુ જીવન ઊંચા વિચારો તે  એમનો જીવન મંત્ર. કદાચ આજના યુગમાં  વ્યવહારુ નહી. તે છતાં તેમના મિત્ર નૌશિલ મહેતાના કહેવા મુજબ અગવડ હોવા છતાં ક્યારેય તેમણે કોઈની પણ પાસે ઉધાર પૈસા લીધા હોય તેવું યાદ નથી.  લગ્નની જવાબદારી તેમણે નથી ઉપાડી પણ માતાપિતાની લાંબી માંદગીમાં શ્રવણની જેમ સેવા કરી. તો માનસિક વિકલાંગ નાની બહેન લવલીનાને બાળકની જેમ સાચવી છે. પ્રેમ અને સેવા કરવામાં ક્યારેય તેમણે પાછીપાની કરી નથી. કે મનચોરી કરી નથી. એ પણ વ્યવહારુ ન લાગે તેટલી હદે. સૌંદર્યપ્રેમી એટલા કે સારું ચિત્ર કે સુંદર વસ્તુને બાળસહજ ઉત્સુકતાથી જોતા.  ભાષા  માટેની તેમની ઉત્સુકતા અને દરકાર ખૂબ ચોકસાઈપૂર્વકના. એન આઈ ડી.માંથી ડિગ્રી લીધેલી. પણ નોકરી કરવી કે બિઝનેસ કરીને પૈસા કમાવવા કે સો કોલ્ડ સફળતા મેળવવાના કોઈ પ્રયત્ન તેમણે  આ જીવન ન કર્યા. પરંતુ, રસોડાથી લઈને બાથરૂમ સુધીના દરેક કામના ઓજારો તેઓ કુશળતાથી વાપરી શકતા. કોઈપણ કામ માટે તેમને બીજા પર ડિપેન્ડ રહેવું ગમતું નહી.
આપણે ત્યાં સફળ પુરુષ એ જ ગણાય જે ખૂબ પૈસા કમાયો હોય. સમાજમાં નામ હોય. સફળતાની આ વ્યાખ્યાને કારણે પુરુષો ઉપર માનસિક ભારણ બાળપણથી જ નાખવામાં આવે છે. એટલી હદે કે તેને પોતાને પણ આમાં કોઈ અન્યાય નથી અનુભવાતો. પણ પવનકુમાર જૈન જેવા કેટલાક પુરુષો હોય છે જે ક્યારેય સમાજના બાંધેલા બીબાંમાં ઢળવા તૈયાર નહી હોતા. અને એટલે જ તેમને યાદ કરીને કોઈ સ્મૃતિસભાઓ  હકડેઠઠ્ઠ નહીં ભરાય. કે તેમના માટે લેખો નહીં લખાય. પવનકુમાર જૈન જાણવા જેવા વ્યક્તિ હતા. તેમને જાણવા હોય તો તેમનો પ્રગટ થયેલો વાર્તા સંગ્રહ 33 વાર્તાઓ વાંચવો રહ્યો. અલગારીપણાની આગવી અદાઓનો આદર કરવાનું મન ચોક્કસ થશે.
આ અલગારીપણું કેળવી શકાતું નથી. એ હોય જ છે. કેટલાકના ડિએનએમાં બાય ડિફોલ્ટ જ  તે હોય છે. એટલે જ તે વ્યક્તિત્વ કુટુંબમાં અને સમાજમાં  બીજાથી અલગ હોય છે. સાહિત્યમાં કે ફિલ્મમાં તે હીરો હોઈ શકે પરંતુ, જીવાતા જીવનમાં તેને નિષ્ફળ વ્યક્તિ તરીકેનું લેબલ લાગી શકે છે.  કેળવેલું અલગારીપણું ટ્રિમ કરેલા વૃક્ષ જેવું હોઈ શકે જ્યારે સહજ અલગારી અવસ્થા જંગલમાં ઉન્નત મસ્તકે ઉછરેલાં વૃક્ષ જેવું હોય. આવી કોઈ અલગારી વ્યક્તિને તમે જાણતા હો તો તેની વિશિષ્ટતાનો આદર કરજો. કારણ કે તે યુનિક છે.
દ્રષ્ટિ (બોધકથા)
એક વાર સામસામી દિશાઓમાંથી બે આંધળાઓ એક રસ્તા પર આવી રહ્યા હતા. પાસે આવતાં તેઓ એકબીજા સાથે અથડાઈ ગયા.

બેમાંનો એક આંધળો તાડૂક્યો , એય બેવકૂફ, જો હું દેખતો હોતને તો આમ અથડાવા બદલ હું તારી ખોપરી ભાંગી નાખત.

You Might Also Like

0 comments