રાજ, રાજા અને રાજકારણી 17-2-15

02:16ફેબ્રુઆરી ૨૦૧૪માં અને આ ફેબ્રુઆરી૨૦૧૫માં વરસનું અંતર છે. ફક્ત વરસના સમયના પ્રવાહ બાદ રાજકીય ક્ષેત્રે અનેક પ્રવાહો બદલ્યા છે. ગયા વરસે અરવિંદ કેજરીવાલ ચર્ચામાં હતા અને આજે પણ છે. ગયા વરસે તેઓ રણમેદાન છોડનાર, ચિટર કહીને લોકો તેમને ધિક્કારતા હતા. તો આજે એ જ લોકોએ તેમને સર્વાનુમતે ચૂંટીને ફરી રાજા ઘોષિત કર્યા છે. રાજકારણ અને રાજાની નીતિઓ અંગે સતત અટકળો અને ચર્ચાઓ થતા રહ્યા છે. નાકાનો પાનવાળો પણ રાજકારણ અંગે એકાદ બે પાઠ પાનમાં ચોપડીને તમને ખવડાવી શકે છે.તો ચાય પે ચર્ચાઓ ઓબામાથી લઈને લારીવાળા સુધી થઈ જ રહી છે. રાજકારણએ સારા લોકોનું કામ નહીં એવું સૌ કોઈ માને પણ રાજકારણ જીવનના દરેક પાસા સાથે સંકળાયેલું જ રહે છે. સંબંધથી લઈને કુટુંબ,સમાજ, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રિય સ્તરે રાજ કરવું સૌ કોઈને ગમે જ પણ રાજ કરવાની ક્ષમતા સૌની હોતી નથી. અર્થાત કે નેતાગીરી દરેકના બસની વાત નથી હોતી. એટલે જ રાજ, રાજા અને રાજકારણ એમ ત્રણે બાબતો એક જ ડોરમાં બંધાયેલ મણકા જેવી રહે છે. તેમાં રાજકારણ એ ડોર છે અને રાજ તથા રાજા મણકા છે. 

કૃષ્ણથી લઈને અરવિંદ કેજરીવાલ સુધીનો ઈતિહાસ જોઈએ તો કેટલીક વ્યક્તિઓમાં રાજા થવાનો કરિશ્મા હોય છે. તો કેટલીક વ્યક્તિઓ તેને કેળવવાના પ્રયત્નો કરે છે પરંતુ, તે કેળવી શકાતો નથી. એ કરિશ્મા હોય તો અનુભવની આબોહવા લઈને તે ઓર ખીલે છે. અમેરિકા જેવા રાજમાં જ્યાં રંગભેદ આજે પણ લોકોને ડરાવે છે ત્યાં ઓબામા પ્રમુખ થઈને રાજ કરી શકે. અને આપણે ત્યાં રાજકારણ જેના લોહી અને વંશમાં છે તે રાહુલ ગાંધીને તૈયાર ભાણું મળવા છતાં તે રાજા બની શકતો નથી. 

જીસસના જન્મના ૩૦૦ વરસ પહેલાં ગુરુ ચાણક્યે મૌર્ય સત્તાને સ્થાપિત કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.ચંદ્રગુપ્ત મૌર્ય અને તેના પુત્ર બિંબિંસારના તેઓ રાજકીય સલાહકાર રહ્યા હતા. કૌટિલ્ય નામથી જાણીતા ચાણક્ય કુટિલતામાં પણ પાવરધા હતા. તેમણે ભારતને પ્રથમ અર્થશાસ્ત્ર આપ્યું. તો મુત્સદ્દીપૂર્વક વર્તનારને આજે પણ ચાણક્યબુદ્ધિ કહેવાય છે. તેમના ચાણક્ય નીતિ નામના પ્રસિદ્ધ ગ્રંથમાં જીવનની સફળતાના પાઠ ભણાવ્યા છે. જેમ આજે સેલ્ફ હેલ્પ પુસ્તકોનો જમાનો છે. ચાણક્યના પાઠ વ્યવહારુ, વૈચારિક હોવાને કારણે આજે પણ ઉપયોગી છે. તેમણે સાતમાં અધ્યાયમાં કહ્યું છે કે જીવનના વ્યવહારમાં બહુ સીધા ન બનો. વનમાં જઈને જોશો તો જણાશે કે જે વૃક્ષ સીધા હશે તે કાપી નાખવામાં આવ્યા હશે અને જે આડા અવળા ફેલાયેલા હશે તે ઊભા હશે. 

રાજકારણમાં સીધા રહેવું પોષાય નહીં. મુત્સદ્દીગીરી એ રાજકારણનો પહેલો પાઠ છે. અરવિંદ કેજરીવાલે તે થપ્પડ ખાઈને શીખી લીધો હોય તો તે ચોક્કસ જ પાંચ વરસ રાજ કરશે. અને દિલ્હીથી આગળ વધશે. ઇતિહાસમાં કૃષ્ણ જેવો મુત્સદ્દી બીજો કોઈ જડવો મુશ્કેલ છે. કૃષ્ણના રણછોડવાની નીતિના સ્વરૂપને ય પૂજવામાં આવે છે. કદાચ એટલે જ ભારતીય પ્રજા અરવિંદ કેજરીવાલને માફ કરી શકે છે. હજી નવ મહિના પહેલાં મોદીવેવ હતી ત્યાં કેજરીવાલ જેવી સામાન્ય પ્રતિભા ધરાવતો માણસ જેણે રાજકારણમાં પ્રવેશતાં વેંત અનેક ભૂલો કરી, પ્રજાનો ખોફ વહોર્યો છતાં સુનામીની જેમ મોદીવેવને પ્રંચડ બહુમતીથી પાર કરી ગયો. 

અહીં યાદ આવે આપણા પ્યારા બાપુ, તેમનો દેખાવ પણ સામાન્ય હતો પરંતુ, સત્યાગ્રહના હથિયારનો યોગ્ય ઉપયોગ કરી જાણ્યો. મોહનદાસ કરમચંદ ગાંધીની મુત્સદ્દીગીરીથી અંગ્રેજોને પરસેવો વળી ગયો હતો. તેમની મુત્સદ્દીગીરીથી જ સરદાર પટેલે વડા પ્રધાન પદ જતું કર્યું. અને ભારતના રાજકારણમાં નહેરુ વંશની પરંપરા ઊભી થઈ. રાજાનું રાજ પ્રજા હોય છે. પ્રજાનું માનસ જ નહેરુ વંશને રાજ્ય કરવા પ્રેરતું હતું. લાંબા સમયની ગુલામીની માનસિકતા બદલાતા રાજા બદલાયા. આમ રાજ બદલાતા રાજા બદલાય અને તેને કારણે રાજકારણ બદલાય છે. સરદાર પટેલ પણ ઓછા મુત્સદ્દી ન હતા તેમને કારણે જ આજે ભારતમાં અનેક રાજ્યોને બદલે એક રાષ્ટ્ર સ્થપાઈ શક્યું છે તે ઈતિહાસ આપણને સૌને વિદિત જ છે. લોખંડી પુરુષ પટેલથી લઈને નહેરુ, આઝાદ જેવા અનેક નેતાઓને મુત્સદ્દીપૂર્વક પોતાની સાથે રાખીને પ્રજાના દિલ પર રાજ કરનાર ગાંધીબાપુ પછી કોઈ પાક્યું નથી. 

સ્ત્રીઓ પુરુષોના દિલ અને જીવન પર રાજ કરી શકે એમ છે પરંતુ, રાજકારણમાં તેમની ડાયનેસ્ટી ચાલતી નથી કારણ કે મુત્સદ્દીપણું એ પુરુષનો ઇજારો રહ્યો છે. સ્ત્રીઓનું મુત્સદ્દીપણું હોર્મોનના ચડાવ ઉતાર સામે બેલેન્સ રાખી નથી શકતું તે સ્વીકારવું રહ્યું. હા જો એ સ્ત્રીના હોર્મોનમાં ટેસ્ટેટોરનનું રાજ હોય તો તે રાણીરાજ શક્ય બને છે. પણ છેવટે તો હોર્મોન પણ પૌરુષીય જ હોવો ઘટે. 

૧૮૬૦થી ૧૮૯૦ની સાલ સુધી ઓટ્ટો વો બિસ્માર્કે યુરોપના ઇતિહાસમાં જે કોઈ ન કરી શક્યું તે કરી બતાવ્યું. જર્મનીને એક રાષ્ટ્ર બનાવવાનું શ્રેય રૂઢિવાદી પ્રુસિયન બિસ્માર્કને જાય છે. તે પહેલાં રોમન સામ્રાજ્ય કાળથી અનેક સ્વતંત્ર શહેરો પોતાની નીતિ ધોરણો પ્રમાણે વર્તતા હતા. બિસ્માર્કે તેમને સંગઠિત કર્યા. એટલું જ નહીં સત્તાઓની વચ્ચે વિખવાદો છતાં શાંતિ અને એકતા જળવાઈ રહે તેના સફળ પ્રયત્નો માટે કટ્ટર રાજકારણી તરીકે આજે પણ તેનું નામ યાદ કરવામાં આવે છે. ઓબામાની પહેલાંના અનેક પ્રમુખોમાં અબ્રાહમ લિંકનનું નામ યાદ કરવું ઘટે. તેમની નીરિક્ષણ શક્તિ અને શ્રવણશક્તિ ગજબના હતા. ઓછું બોલતાં અને સમજતા વધારે. 

બ્રિટિશ રાજકારણી વિન્સટન ચર્ચિલ જે બે વાર બ્રિટનના વડા પ્રધાન રહી ચુક્યા છે. જીવનના ૫૦ વરસ તેમણે સક્રિય રાજકારણમાં વિતાવ્યા હોવા છતાં તેઓ કલાકાર લેખક હતા. નોબલ પારિતોષિક મેળવ્યું હોય તેવા એ પહેલાં વડા પ્રધાન હશે. તેમના કાર્યકાળ દરમિયાન હિટલરના જર્મન નાઝીવાદ વિરુદ્ધ લડાઈ સમયે ચર્ચિલનું વક્તવ્ય બ્રિટિશ પ્રજામાં સતત નવું જોમ પુરતું હતું. વિશ્ર્વયુદ્ધ અને અનેક વિટંબણાઓની સામે તેમણે ઝિંક ઝીલવા સાથે ઈતિહાસવિદ્ તરીકેની કામગીરી પણ કરી. એ જ ગાળામાં અમેરિકન પ્રમુખ રૂઝવેલ્ટે પોલિયોને મહાત આપીને પ્રમુખપદ સુધી પહોંચવાની ક્ષમતા દાખવી એટલું જ નહીં વિશ્ર્વયુદ્ધના કઠિન સમયગાળામાં અમેરિકા પર સફળતાથી શાસન કર્યું. 

સ્પેનના રાજા કાર્લોસ એકની રાજકીય મુત્સદ્દી અને કુટિલતાને યાદ કર્યા વિના રાજકારણ અને રાજાની વાત થઈ ન શકે. જ્યારે પ્રથમ વિશ્ર્વયુદ્ધ બાદ યુરોપમાંથી રાજાશાહીનો અંત થઈ ચૂક્યો હતો તે સમયે કાર્લોસે સ્પેનમાં ફરીથી રાજાશાહીનું મહત્વ સ્થાપ્યું એટલું જ નહીં પણ સક્રિય રાજકારણમાં તેમણે પોતાની રાજાશાહીને સક્રિય કરી. ફ્રેન્કોની લશ્કરશાહી ડિકટેટરશિપમાંથી મુક્ત કરીને સ્પેનમાં લોકશાહી સ્થાપવાનો પ્રયત્ન કરવા સાથે પોતાનું મહત્ત્વ પણ સ્થાપિત કર્યું. સ્પેનનો રાજ્ય કારભાર કાર્લોસે સતત પોતાના હાથમાં રાખ્યો. તેણે ક્યારેય પોતાનું આધિપત્ય ઓછું ન થવા દીધું. 

દુનિયાની વાત પરથી વળી દેશમાં આવીએ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાના વિરોધોની સામે પણ પોતાની સત્તા સ્થાપી. તેમનું એક જ લક્ષ્ય હતું. રાજ, રાજા અને રાજકારણ. કોઈપણ અવરોધોને પાર કરી જવાની તેમની ક્ષમતા સાબિત કરી. એ જ રીતે અરવિંદ કેજરીવાલે પણ ફિનિક્સ પક્ષીની જેમ ગયા વરસની હારને પચાવી ફરીથી રાજકારણને બાનમાં લીધું. હજી તેમની સામે અનેક પડકારો છે. એ પડકારોને તેઓ કઈ રીતે પાર કરે છે તેના પર તેમનું રાજ ટકશે કે પડશે તે નક્કી થશે. મુત્સદ્દી બન્યા વિના રાજકારણના પ્રવાહમાં તરીને પાર ઉતરવું અશક્ય છે. મુત્સદ્દીપણું એ ચાણક્યની વ્યવહાર નીતિ છે. તે ખરાબ નથી. રાજકારણ પણ ખરાબ નથી જ્યાં સુધી તેમાં વ્યક્તિગત ખરાબ ઉદ્દેશો ભળતા નથી. તેમાં કોઈ જાતીય ભેદભાવ નથી. બસ એક જ રૂલ ત્યાં ચાલી શકે છે. ટેસ્ટેટોરનનો... આક્રમકતાનો. સંવેદનાઓ ખરી પણ લાગણીવેડા નહીં. 

You Might Also Like

0 comments