લોકોની માનસિકતા સમજવાનો મહાવરો હોય છે બાબાઓને

23:11



એક જોક વાંચ્યો ....હાઈટ્સ ઓફ સોશ્યલ મિડિયા... આસારામને રામપાલ કો ફ્રેન્ડ રિકવેસ્ટ ભેજા...
ત્યાં બીજો જોક આવ્યો કે તેમણે વ્હોટ્સ એપ પર ગ્રુપ પણ બનાવી લીધું છે.....
આપણે આજે આ જોક પર હસી શકીએ છીએ. પરંતુ જો તમે કોઇ ગુરુ કે બાપુના ફોલોઅર- અનુયાયી હોવ તો મનમાં કહેશો કે અમે આવા ગાંડા નથી. અમે જેમના પર શ્રધ્ધા ધરાવીએ છીએ તે ખરેખર આધ્યાત્મિક અને સાચી વ્યક્તિ છે. આવું જ કંઇક આસારામબાપુ અને રામપાલના અનુયાયીઓ કે તેમનામાં શ્રધ્ધા રાખનારા માનતા હશે.  ગોડમેન અંગ્રેજી શબ્દ છે પણ તેનો અર્થ એજ થાય છે જ્યારે આપણે બાપુ કે બાબા કહેતા કરીએ છીએ. ભગવાનનો માણસ જે ભગવાનની સાથે તમારો સીધો સંપર્ક કરી  આપે કે ન કરી આપે પણ તમને જીવન માટે સતત આશાવાદી બનાવે. તમારી તકલીફોને દૂર કરવાની કે સપનાઓને સાચા પાડવાની આશા જગાડે. રામપાલ બાબાની કહાણી જોતાં  વિચાર આવ્યો કે,  ભૂતકાળનો બાબાઓનો ઇતિહાસ તપાસતા જણાય કે  દરેક  બાબા કે બાપુઓને સૌથી મોટો અનુયાયી ભક્તગણ વર્ગ છે. અને જેટલી પણ કોન્ટ્રોવર્સી થઈ તેમાં સેક્સ અને સત્તા કેન્દ્ર સ્થાને રહ્યા છે. કેટલીક ગણીગાંઠી સ્ત્રી સંન્યાસીનીઓ કે ધાર્મિક પ્રવચનો કરતી મહિલાઓ છે ખરી  બહોળો ભક્તગણ ધરાવતી પરંતુ,  આંગળીના વેઢે ગણી શકાય તેટલી સંખ્યા પણ એમની નથી. એટલે જ આ વિષયે પુરુષમાં વાત  કરવી છે. વિસ્તારથી દરેક માનસિકતા અને ઘટનાઓને જોઇશું.
 હાલમાં જ બનેલી બાબા રામપાલની ઘટનાએ ભારતીયો અને વિદેશીઓને  શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વિશે ફરી  ચર્ચાના ચકડોળે ચઢાવી દીધા છે. જો કે હજી અઠવાડિયા પહેલાં એટલે કે 19 તારીખ પહેલાં  અનેક લોકોએ રામપાલ બાબાનું નામ પણ સાંભળ્યું નહી હોય તે હકિકત છે. પુરુષો સારા ઓરેટર એટલે કે સારા વક્તા હોય છે તે વિશે આ જ કોલમમાં લખાઈ ચુક્યું છે. જો કે એવાપણ  આધ્યાત્મિક સંત વ્યક્તિઓ ભારતમાં હતા અને છે કે જેમનો મોટો બહોળો ભક્તગણ ન હોય કારણ કે તેમને કશું જ મેળવવું નથી હોતું ન તો કિર્તી, ધન, સત્તા કે સ્ત્રીનો સાથ. તેમને પોતાના અને ભગવાન સાથેના સંબંધમાં જ રસ હોય છે. હા કોઇ સાચા જિજ્ઞાસુ આવે તો તેને પોતે ખેડેલો માર્ગ ચીંધવાનો પ્રયત્ન જરૂર કરશે. પણ તે માટે કોઇ અપેક્ષા કે આગ્રહ નહીં સેવે.
કેટલીક વ્યક્તિઓની પ્રતિભા એટલે કે પર્સનાલિટી, કરીશ્મા એવો હોય છે કે તેમના તરફ સહજતાથી લોકો આકર્ષાય છે. તેમની આસપાસ રહેવું કે તેમની વાત સાંભળવી ગમે છે.જેમ આવા ધાર્મિક કે આધ્યાત્મિક કે જ્ઞાની પ્રવચનકારોની સાયકોલોજી હોય છે તેમ તેમના ભક્તગણ કે તેમનામાં માનનારાઓની પણ સાયકોલોજી અર્થાત માનસિકતા હોય છે. પછી તે જેહાદી મુસ્લિમ હોય કે જૈન હોય કે હિન્દુ હોય કે ક્રિશ્ચયન હોય. ધર્મની વાત એટલે કે ધર્મના નામે જ મોટાભાગની લડાઈઓ કે ઝઘડાઓ કે જેહાદો થયા છે. ધર્મના નામે ભારતમાં કેટલા બળાત્કારો થાય છે તેનું સંશોધન થયું નથી કે તેના આંકડાઓ જુદા ગણવામાં આવ્યા નથી. કારણ કે ધર્મના નામે કોઇપણ દુરાચાર સરળતાથી થઈ શકે  છે અને તેમનામાં અંધશ્રધ્ધા રાખનારાઓ તેની પૂર્તિ કરતા હોય છે.
મોટાભાગના માણસો ભોળા હોય છે. અને આળસુ પણ. તેમને એમ હોય છે કે ચમત્કાર થાય તો તેમની સંસારીક ભૌતિક ઇચ્છાઓ પૂરી થાય. કંઇક એવો ચમત્કાર થાય ને તેમના બધા દુખદર્દો દૂર થઈ જાય. જ્યાં લોભી હોય ત્યાં ધૂતારાઓ ભૂખ્યે નથી મરતા તેવો ઘાટ અહીં પણ થાય છે. કોઇને ભગવાન નથી જોઇતા હોતા પણ સંસારના સુખો જોઇતા હોય છે એટલે જ તેઓ એવા કોઇ બાપુ કે બાબા પાસે જાય છે જે સીધી કે આડકતરી રીતે  કહે છે મારામાં શ્રધ્ધા રાખો. તમારી દરેક ઈચ્છા પૂરી થશે. તો વળી કેટલાક એવા પણ માનનારાઓ છે જેમને નવરાશ જ નવરાશ છે. કે તેમને એકલતાનો ભય હોય છે. એટલે સમૂહમાં રહેવા માટે જાય છે. જેમનામાં આત્મવિશ્વાસ ઓછો હોય છે તેઓ આવી વ્યક્તિઓની પાસેથી ધાર્મિક-આધ્યાત્મિક વાણી સાંભળીને પોતાનામાં વિશ્વાસ જગાવે છે. તેમને વારંવાર એવા વિશ્વાસની કે ખાતરીની જરૂરત હોય છે.  આવા બાબાઓ કે બાપુને કે  ધર્મના વડાઓને સમુદાયની માનસિકતા સમજીને વાત કરવાનો મહાવરો હોય છે. તેઓ એવું જ બોલે જે લોકોને સાંભળવું ગમતું હોય છે.
જેમ આવી વ્યક્તિઓના માનનારા ભક્તગણની સંખ્યા મોટી તેમ તેમાં પણ પોતે એ પ્રસિધ્ધ વ્યક્તિની કેટલી નજીક છે તે માટે હોડ લાગે છે. પૈસાદાર અને વગદાર વ્યક્તિઓ કહેવાતા બાબાઓ અને બાપુઓની નજીક સરળતાથી પહોંચી જઈ શકે છે. બાકીની ગરીબ અને ભોળી પ્રજા જે સખત પરિશ્રમ કરવા છતાં સુખ પામી નથી શકતી ત્યારે સરળ ચમત્કારની આશાએ આવી પ્રતિભાઓની પાસે પહોંચે છે. નહીં તો ગીતામાં ભગવાને કહ્યું જ છે  કે કર્મણ્યે વાધિકારસ્તે... ફળની ઈચ્છા રાખ્યા વિના તું ફક્ત કર્મ કર્યા કર. આ વાત દરેક ભારતીય વ્યક્તિ  જાણતી હોવા છતાં ફળની આશાએ જ મંદિરો કે આવા બાબા,ગુરુ કે બાપુઓની પાસે પહોંચી જતી હોય છે. જો આ ગુરુઓની કોઇ મહત્વકાંક્ષા નથી હોતી તો શા માટે તેમના આશ્રમોમાં કે પ્રવચનોમાં વીઆઈપી અને પૈસા આપનારાઓ પૈસાદારોને બેસવા અલગ વ્યવસ્થા અને સામાન્ય ગરીબોને બેસવા અલગ વ્યવસ્થા હોય છે ? કેમ દરેક માટે સરખી વ્યવસ્થા ન હોય. પણ આપણને સૌને સ્પેશિયલ થવું ગમે છે. પછી તે વ્યાસપીઠ પર બેસેલી વ્યક્તિ હોય કે શ્રોતામાં બેઠેલા આપણે....

એટલે જ  જેમને પૂજે છે માને છે  તેમની ખામીઓ કે ખરાબી જોવા તૈયાર નથી થતા. કારણ કે તેમાં પોતે પણ ક્યાંક ભૂલ કરી છે તે સ્વીકારવું પડતું હોય છે. બાબા રામપાલ કે આસારામ બાપુની કોન્ટ્રોવર્સીની દુનિયામાં પ્રથમ ઘટના નથી જ. વિદેશમાં પણ આવી ઘટનાઓ બનતી રહી છે. એક વિદેશી ક્રિશ્ચિઅન ફાધરને બાળકો સાથે સંભોગ કરવા બાબતે  દોષી ઠેરવ્યા બાદ તેમને અહીં ભારતના ચર્ચમાં મોકલી દેવામાં આવ્યા હતા. અને અહીં પણ તેમણે યુવાનો સાથે સંબંધો વિકસાવ્યા હતા. 

સૌથી મોટી ઘટના જે ગુએનામાં બની હતી. એ ઘટના  1978ના નવેમ્બરની 18મી તારીખે જેમ્સ વોરન ઉર્ફે જીમ જોન્સ  અમેરિકન કોમ્યુનિસ્ટ નેતા હતો અને  પીપલ ટેમ્પલ શરૂ કરનાર ધાર્મિક ગુરુ હતો તેના કહેવાથી 300 બાળકો સહિત (એકી સાથે નવસોનવ) 909 જણાએ સાઈનાઈડ પીને સામૂહિક આત્મહત્યા કરી હતી. તેમાં એક કોગ્રેસમેન સહિત પાંચ જર્નલિસ્ટોની હત્યા પણ તેના ધ્વારા નજીકના હવાઈમાર્ગ પર કરવામાં હતી. ગુએના વિસ્તારના જોન્સટાઉનમાં આ ઘટના બની ત્યારે આખું ય વિશ્વ સ્તબ્ધ બની ગયું હતું. હરિયાણાના હિસ્સાર ખાતે આવેલા રામપાલ બાબાના આશ્રમની અંદર અને બહાર બનેલી ઘટના કદાચ વિશ્વની સૌથી ખરાબ ઘટના બની શકી હોત પણ સારા નસીબે વધુ જાનહાનિ થઇ નહી તેનો પાડ માનવો ઘટે. કારણ કે તે આશ્રમમાં બાબાના પંદર હજાર ભક્તો હાજર હતા. એક ટીવી ચેનલવાળાએ પહેલાં પાંચ હજાર માણસો નીકળી રહ્યા હતા તેમને કેવી તકલીફ થઈ તે જાણવાનો પ્રયત્ન કર્યો પરંતુ, લોકો તો રડતાં કહી રહ્યા હતા કે અમને બાબાના દર્શન કરવા નથી મળ્યા તેનું દુખ છે. પણ પછી તે ચેનલે કે કોઇ ચેનલે આવા ભક્તોના મનોભાવ જાણવાનો પ્રયત્ન ન કર્યો. આ બાબાઓના માનસને સમજવાનો પ્રયત્ન પ્રખ્યાત માનસચિકિત્સક સુધીર ખખ્ખરે કર્યો છે. તેના વિશે અને આવા કેટલાક અન્ય બાબાઓ વિશે વધુ વાત કરીશું આવતા અઠવાડિયે.

You Might Also Like

0 comments