નર મેં નારી 28-10-14

01:37

દરેક વાચકોને નવા વરસની શુભેચ્છા... તમે આ વરસે મને સતત વાંચતા રહો એવી શુભકામના ... છેલ્લા એક વરસથી આ કોલમ લખતાં હું પુરુષોના વિશ્ર્વને જરા વધારે સંવેદનથી જોતી થઈ. તેને કારણે મારી વિચારધારા બૃહદ બની તેનો આનંદ છે. પુરુષ વિરુદ્ધ જાતિનો વ્યક્તિ નથી પણ એક વ્યક્તિ જ છે મારા જેવો, તેવી સમજ વિકસી. જાતિય ભેદભાવ પિતૃસત્તાક વિચારધારાને લીધે ઊભા ન થયા હોત તો સ્ત્રી પુરુષ વચ્ચે આવા મતભેદ ન હોત. શારીરિક જે ભેદ છે તે આનંદસ્વરૂપ જ છે. તકલીફો ભેદભાવ ભરી માનસિક વિચારધારા ઊભી કરે છે. આ જ વાતને હું સ્પષ્ટ કરું. એક પુરુષ વાચકનો પત્ર આવ્યો હતો. તેમાં એમણે પોતાની ઓળખ અને નામ છુપાવીને લખ્યું કે મને ક્યારેક સ્ત્રીનાં કપડાં પહેરવાની અદમ્ય ઇચ્છા થાય છે. પણ જો એમ કરું તો મારી પત્ની તે સ્વીકારી શકશે એવું લાગતું નથી. હા ક્યારેક એકાંતમાં હું પત્નીના કપડાં પહેરું છું ત્યારે આનંદ અને સંતોષ અનુભવાય છે. શું પત્નીને સમજાવી ન શકાય? આ પત્ર વાંચતા એક બે ઘટનાઓ યાદ આવી. 

અસિત અને હેમાનાં અરેન્જ્ડ મેરેજ હતા. પ્રથમવાર બન્ને કુટુંબો ઓળખાણ માટે મળ્યાં તે સમયે અસિત અને હેમાની આંખો ચાર થઈને ત્યારથી પ્રેમ પણ પાંગર્યો હતો. સગાઈના છ મહિનામાં બન્ને વચ્ચે આકર્ષણ પણ વધ્યું. લગ્નના દિવસની તત્પરતાથી રાહ જોવાઈ રહી હતી. લગ્ન થયાં બાદના બે મહિના હનીમૂન સમય ચાલ્યો. પણ બે મહિના બાદ હેમા અચાનક પિયર રહેવા ચાલી ગઈ. શું થયું તે કોઇ સમજી શકતું નહોતું. હેમા બીજું કશું જ કહેવાને બદલે રડ્યે રાખતી અને સાસરે ન જવાની જીદ લઈને બેઠી હતી. અસિત કે અસિતના ઘરવાળા પ્રત્યે તેને દેખીતી કોઇ ફરિયાદ નથી. બહુ પૂછ્યા બાદ તેણે માતા પાસે પેટછૂટી વાત કરી તો હેમાની માતા પણ આઘાત પામી. અસિતને સ્ત્રીઓનાં કપડાં પહેરવાં ગમતાં હતાં. બાકી અસિત પ્રત્યે હેમાને કોઇ જ ફરિયાદ નહોતી. હેમાની માતાએ પણ હેમાનો પક્ષ લીધો. આ કેવી રીતે સ્વીકારી શકાય ? અસિત સખત ડિપ્રેશનમાં આવી ગયો. અને તેનું લગ્ન જીવન ખતમ થઈ ગયું. 

તમને પણ આ વાંચતા હેમા પ્રત્યે સહાનુભૂતિ થઈ હશે અને અસિત પ્રત્યે એક જાતની ઘૃણા. અને જો અસિત તમારો મિત્ર હોત તો સા... લા બાયલા જેવાં અનેક વિશેષણો લગાવ્યાં હોત. અને તેની મજાક ઉડાવી હોત. 

જ્યારે સામે બીજો પણ એક પ્રસંગ છે. અમેરિકામાં લોસ એન્જલસ ખાતે રહેતો વોટસન એન્જિનયર છે અને એક ક્ધસ્ટ્રશન કંપનીમાં કામ કરે છે. સોમથી શુક્ર તે સુટ, બુટ પહેરીને અન્ય પુરુષોની જેમ ઓફિસે જાય છે. પણ દર શનિ-રવિ સ્ત્રીઓનાં કપડાં પહેરીને તેની પત્ની સાથે ફરવાય જાય છે. પહેલાં તેને એમ કરતાં સંકોચ થતો હતો. વોટસન નખશીખ પુરુષ છે પણ તેને સ્ત્રીઓનાં કપડાં પહેરવામાં આનંદ આવે છે. તેના સારા નસીબે તેની પત્ની લીઝા પોતાના પતિને સમજી શકે છે. તેણે વોટસનને સ્ત્રીઓનાં કપડાં યોગ્ય રીતે પહેરતાં શીખવાડ્યું એટલું જ નહી તેને એ પહેરીને સહજતાથી બહાર ફરવાની પ્રેરણા પણ આપી. આજે તે ખૂબ સુખ અને સંતોષથી જીવી રહ્યો છે. પત્નીની સાથે તેનું લગ્નજીવન પણ સફળ છે. 

દરેક પુરુષમાં સ્ત્રી અને દરેક સ્ત્રીમાં પુરુષ તત્ત્વ વધતાં ઓછાં પ્રમાણમાં હોય જ છે. પણ ક્યારેક આ તત્ત્વો વધારે ડોમિનેટ કરતાં હોય છે. જ્યારે પુરુષમાં આ સ્ત્રીત્વ વધારે જણાય છે ત્યારે તેને મોટેભાગે સમલૈંગિક કે નપુંસક માની લેવામાં આવે છે. જે તદ્દન ખોટું છે. સમાજે નક્કી કરેલા નિયમોની વિરુદ્ધ જે વર્તે તેને માનસિક તકલીફ જ હોય કે તે ખરાબ જ હોય તેવું માની લેવાની માનસિકતાની આપણને આદત પડી હોય છે. 

કોઇ વ્યક્તિ જરા જુદી રીતે વર્તે કે તરત જ એકસરખી રીતે વર્તતા સમાજનું ધ્યાન ખેંચાશે. સ્ત્રીઓનાં અમુક કપડાં અને પુરુષોના અમુક કપડાં તે નક્કી કોણે કર્યું? હજી પચાસેક વરસ પહેલાં કોઇ સ્ત્રી આટલી સહજતાથી પેન્ટ, શર્ટ કે જીન્સ નહોતી પહેરતી. આજે તે યોગ્ય ગણાય છે, પરંતુ, સ્ત્રીનાં કપડાં પુરુષ પહેરે તો તે યોગ્ય નથી મનાતુ. આ ભેદભાવ કેમ તેવો કોઇ વિચાર નથી કરવા માગતું. દુનિયામાં અનેક પુરષો છે જેમને સ્ત્રીઓનાં કપડાં પહેરવાં ગમતાં હોય છે. તમારી આસપાસ અનેક પુરુષો એવા હોઈ શકે જેણે પુરુષના કપડાં નીચે સ્ત્રીઓના આંતરવસ્ત્રો પહેર્યા હોય. આ વ્યક્તિઓ 

માનસિક સમસ્યાઓ કે ગુનાહિત પ્રવૃત્તિ કરતી હોય એવું જરૂરી નથી. આવા પુરુષો બીજી દરેક બાબતે સામાન્ય હોય તેવું પણ શક્ય છે.

આ ક્રોસ ડ્રેસિંગ મોટેભાગે ખાનગીમાં જ થતું હોય છે કારણ કે સમાજ તેનો સહજતાથી સ્વીકાર નથી કરતો. અહીં સવાલ થઈ શકે કે આવું શું કામ? તો તેના અનેક કારણો છે. એક તો કેટલાક પુરુષોને સ્ત્રીના આંતરવસ્ત્રો પહેરવાથી ઉત્તેજના અનુભવાતી હોય છે. તો કેટલાકને સ્ત્રીનાં વિશ્ર્વને સમજવાનો કે અનુભવવાની અદમ્ય ઇચ્છા હોય છે. તો વળી કેટલાક સ્રીનાં વસ્ત્રો પહેરીને પોતાનામાં રહેલા સ્ત્રીત્વને વ્યક્ત કરવા માગતા હોય છે. કારણ કે સમાજ પુરુષને રડવાની, લાગણીશીલ થવાની કે નબળાઈઓને અભિવ્યક્ત કરવાની પરવાનગી નથી આપતો. ભારતમાં તો સ્ત્રીશક્તિને વ્યક્ત કરવા માટે કેટલાક પુરુષો નવરાત્રીમાં સ્ત્રીનાં વસ્ત્રો પણ પહેરતાં હોય છે. તો રામલીલામાં કે નાટકમાં જ્યારે સ્ત્રીઓ કામ કરવા નહોતી ઉતરતી ત્યારે પુરુષો જ સ્ત્રીનાં પાત્ર ભજવતાં હતાં. જયશંકર સુંદરી અને બાલગંધર્વ તેમના ઉત્તમ ઉદાહરણ છે. તેમના દ્વારા અભિવ્યક્ત થતાં સ્ત્રીત્વનો સ્ત્રીઓ પોતે પણ આદર કરતી અને તેમનું અનુકરણ કરતી. 

ખાસ કરીને સાડી પહેરવાની રીત, ઊઠવા, બેસવાની રીત વગેરે. હજી આજે પણ રામલીલામાં પુરુષો જ સ્ત્રીઓનાં પાત્ર ભજવતાં હોય તેમાં નવાઈ નથી લાગતી. પરંતુ, પુરુષો જો સ્ત્રીનાં વસ્ત્રો પહેરે તો તેને આપણે નવાઈની સાથે હાંસીપાત્ર બનાવી દેતા હોઇએ છીએ. 

ફિલ્મોમાં દરેક પ્રસિદ્ધ હીરો એકવાર સ્ત્રીનું પાત્ર ભજવવા ઇચ્છતા હોય છે. કમલ હસન જેમાં સ્ત્રીનું પાત્ર ભજવે છે તે ચાચી ૪૨૦ આજે પણ લોકોને વારંવાર જોવી ગમે છે. અને હાલ તો ટેલિવિઝનમાં પણ ગુથ્થી, પલક અને દાદીમાનું (કપિલ નાઇટ્સ) પાત્ર ભજવતાં પુરુષો જ છે. 

પાકિસ્તાનનો પ્રસિદ્ધ ટીવી ટોક શો જેમાં પ્રસિદ્ધ વ્યક્તિઓના ઇન્ટરવ્યુ લેવાતા હતા બેગમ નવાઝીશ જે પુરુષ જ હતો. ફિલ્મ અને ટીવીમાં આ ક્રોસ ડ્રેસિંગ મનોરંજન માટે કરવામાં આવે છે. અને તેને સ્વીકાર્ય ગણાય છે. પરંતુ જીવનમાં જ્યારે પુરુષો પોતાને વ્યક્ત કરવા કે અંગત પસંદગી, કારણોસર જો સ્ત્રીનાં કપડાં પહેરવાનું ઇચ્છે તો તેનો સ્વીકાર કરવામાં આપણને એટલે કે સમાજને તકલીફો થાય છે. 

૨૦૧૩ની સાલથી સ્વીડનની ટ્રેનના ડ્રાયવરોએ સ્કર્ટ પહેરવાનું શરૂ કર્યું છે. કારણ કે તેમની કંપનીએ શોર્ટ એટલે કે ગરમીમાં પણ ટુંકી ચડ્ડી પહેરીને કામ પર આવવાની મનાઈ કરી હતી. એટલે ડ્રાયવરોએ ગરમીને કારણે ટુંકુ સ્કર્ટ પહેરવાનું શરૂ કર્યું. જેનો રેલ્વે કંપનીને કોઇ વાંધો નથી. 

આ બાબત ત્યાંના અખબારોમાં હેડલાઈન બની હતી. ડ્રાયવરોએ અખબારોને ઇન્ટરવ્યુ આપતાં કહ્યું હતું કે લોકો અમને જોઇ રહે છે પણ કશું કહેતા નથી એટલે અમને કોઇ ફરક નથી પડતો. ગરમીમાં સ્કર્ટ અમને આરામદાયક લાગે છે. 

અમારી સુવિધા માટે અમે સ્કર્ટ પહેરવાનું પસંદ કર્યું છે તેવું દરેક પુરુષ ડ્રાયવરે કબૂલ્યું હતું. આ ક્રોસ ડ્રેસિંગની વાત આપણે આવતા લેખમાં પણ ચાલુ રાખીશું. કારણ કે તેને વિગતે સમજવાની અને સ્વીકારવાની જરૂર છે.

You Might Also Like

0 comments