કુછ દિન તો ગુજારો ગંદે ગુજરાતમેં...

04:21




ફેસબુક ડાયરી


ચોમાસામાં ધરમપુર સોળે કળાએ ખીલી ઊઠે. સાતપુડાના પહાડો અને ચારે તરફ વનરાજી..લીલારંગનો લહેરાતો સાગર તમને તરબતર કરી મૂકે. અંદરબહારથી લીલાછમ્મ થવાની આ મોસમમાં ચાર દિવસની રજામાં અડધો દિવસ જ ફરવા જવાનું હતું ડુંગરાઓમાં એટલે નજીક આવેલ પિંડવળ અને ખડકી તરફ જવાનું વિચાર્યુ. વિલ્સન હીલ હવે ગુજરાતનું ઓફિશ્યલ પિકનિક સ્પોટ બની ગયું છે. અને મારે જોવાનું બાકી હતું. એટલે રસ્તામાં આવતું હોવાથી ગયા. અઢી હજાર ફીટ પર આવેલી વિલ્સન હીલ લોર્ડ વિલ્સનની યાદમાં નામ અપાયું છે. 1923થી 1928ની વચ્ચે મુંબઈના ગર્વનર હતા. ધરમપુરના રાજાની સાથે મળીને તેઓ પ્રવાસધામ બનાવવા માગતા હતા. જે ત્યારે તો ન થઈ શક્યું પણ અત્યારે ગુજરાત સરકાર તેને વિકસાવવાના પ્રયત્નો કરી રહી છે.

વિલ્સન હીલ પહેલાં અનેક સુંદર દ્રશ્યો મનમાં કંડાર્યા અને વિલ્સન હીલ જોયા બાદ ત્યાં ગયાનો અફસોસ થયો. એક તો પ્રવાસન સ્થળ વિકસાવવાને કારણે ત્યાં પ્રવાસીઓની સંખ્યા રજાને કારણે વધારે હતી. એનો વાંધો નહી પણ વિલ્સનની યાદગાર છત્રીની આસપાસ જે રીતે કચરો વેરાયેલો હતો તે જોઇને અરેરાટી થઈ. અરે છત્રી ઉપર પણ લોકોએ પોતાના નામ અમર કરી દેવાના પ્રયત્નો કર્યા હતા. વિલ્સન એકલો જ અમર થાય તે કેમ ચાલે ? વિલ્સન હીલ પર ખીણના દ્રશ્યો જોવા માટે કેટલાક પોઇન્ટને પાકું બાંધકામ આપીને વોચટાવર જેવું બનાવ્યું છે જેથી વરસાદમાં ય તમને કુદરતી નજારાને ભરપુર માણવા મળે. પરંતુ, એ ટાવરો કચરાપેટીની જેવા અતિશય ગંદા. કેડીઓ ઉપર પણ ફોસ્ટર બિયરના કેન, વેફરના ખાલી પડિકાંઓ... પ્લાસ્ટીકના ગ્લાસ વગેરે વગેરે જોઇને હ્રદય ચચર્યું. પણ લોકો તો મોબાઈલમાં પોતાના ફોટાઓ પાડવામાં વ્યસ્ત હતા. સાથે સતત ખાતાપીતાં આસપાસ કચરોમાં ઉમેરો કરતાં હતા કોઇપણ જાતના અપરાધ ભાવ વગર... શું આ જ આપણું ગુજરાતીપણું ? આટલા સુંદર સ્થળે ફરવા ગયા હતા તે ફોટાઓ પાડીને લોકો સામે પુરવાર કરવાનું અને સાથે આપણાં જીવનનો કચરો ય ઠાલવતાં આવવાનો.  અમિતાભ આવ્યો હતો ત્યારે આ જ હાલત હોત તો અમિતાભે ય પોતાના બ્લોગ ઉપર બળાપો કાઢ્યો હોત. આટલી ગંદી જગ્યા સાથે સંકળાવવા માટે અમિતાભે ના જ પાડી હોત. ગુજરાતી તરીકે શરમજનક ઘટના કહેવાય. તંત્ર કે નાગરિકો બેમાંથી એકના ય પેટનું પાણી નથી હલતું. શું એવું શક્ય નથી કે આ વેફરના પડિકાં વેચનારાઓ પોતાને મળતાં નફામાંથી સફાઈ ઝુંબેશ શરૂ કરે ? આશા રાખું કે આ વાંચીને કંઇક બદલાવ આવે. ફક્ત વિલ્સન હીલ જ નહીં કદાચ મોટાભાગના પ્રવાસન સ્થળો પર કચરો અને પ્લાસ્ટિક ફેંકીએ નહીં અને બીજા ફેંકતા હોય તો તેને રોકીએ શક્ય હોય તો. કારણ કે પિકનિકના સ્પોટ પર આપણે સૌંદર્ય માણવા જઈએ છીએ નહીં તેને બગાડવા માટે. વિદેશમાં આપણે જો કચરો ન ફેંકતા હોઇએ તો આપણું જ ઘર કેમ ગંદુ કરીએ છીએ ? અહીં ફરવા આવનારાઓ મોટેભાગે સુરતના હતા અને દરેક જણ પોતાની અંગત ગાડી લઈને આવ્યું હતું. કંઇ નહીં તો એક થેલીમાં કચરો ભેગો કરીને ગાડીની ડિકીમાં લઈ જઈને કચરા ટોપલીમાં નાખી શકાય. શું આ લોકો પોતાના ઘરમાં પણ આ રીતે જ કચરો ફેંકતા હશે ?   

You Might Also Like

0 comments