બે પલ્લે પગ રાખી શકાય ? 29-7-14

23:56


સ્ત્રીએ ઘરમાં રહેવું કે બહાર જઇને પોતાની કારર્કિદી બનાવવી જોઇએ એકવીસમી સદીમાં આજે પણ આ પ્રશ્નો થઈ રહ્યા છે. એક સભામાં ગૃહિણીએ મને સવાલ પૂછ્યો કે ઇન્દ્રા નુયીએ કહ્યું કે સ્ત્રીને બધું જ નથી મળી શકતું તો શું સ્ત્રીઓ કારર્કિદી ઘડીને ભૂલ નથી કરતી ? આ પ્રશ્નનો જવાબ સરળતાથી સમજાવવા માટે પણ આપણે પહેલાં આંતર રાષ્ટ્રિય પેપ્સી કંપનીના સીઇઓ ઇન્દ્રા નુયીએ શું કહ્યું અને શું કામ કહ્યું તે સમજવું જોઇએ.
કોઇપણ કામ કરતી સ્ત્રીઓ માટે ગુનાહિતતાનો ભાવ હોવો જાણે જરૂરી છે. એટલે જ ઇન્દ્રા નુયી જે પોસ્ટ ઉપર પહોંચ્યા છે,  તે પોષ્ટ પર જો પુરુષ હોતતો તેની માતાએ ક્યારેય એમ નહી કહ્યું હોત કે તને બહાર માનઅકરામ મળે તે તો ઠીક છે. ઘરમાં બાળકોને માટે દૂધ છે કે નહીં તે જાણવું વધારે જરૂરી છે. નવાઈ લાગે કે ઇન્દ્રા નુયીની માતાએ તેને મેડલ ગેરેજમાં મૂકી આવીને ઘરમાં ફક્ત માતા બની રહેવાનું સૂચન કર્યું હતું. જુલાઈના પ્રથમ સપ્તાહમાં ઇન્દ્રા નુયીએ  સ્ત્રીના ઘર અને કામના બેલેન્સિંગ એક્ટ અંગે નિખાલસતાપૂર્વક એમ કહ્યું કે, કામ કરતી દરેક સ્ત્રીને બધું જ સરળતાથી મળી જતું નથી. જીવનમાં અનેક વાર કે ક્યારેક તો દિવસમાં ય અનેકવાર કપરાં નિર્ણયો લેવા પડતાં હોય છે. હું ગમે તેટલું કરું તો ય મારી દીકરીને મારે માટે ફરિયાદ હોઇ શકે.  બસ આટલું કહેતાં જ વિશ્વભરમાં ચર્ચાઓ ચાલી ઇન્દ્રા નુયીએ આવું નહોતું કહેવું જોઇતું એવો આક્રોશ પણ સોશ્યલ સાઈટ પર મંડાયો. સાથે જ  ઇન્દ્રાએ જે કહ્યું એ બરાબર છે ? તેવી ચર્ચાઓ પણ શરૂ થઈ.
હું પણ માતા છું અને કામ પણ કરું છું એટલે ઇન્દ્રા નુયીએ જે કહ્યું તેને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજી શકું. જાતીય ભેદભાવ સમાજના માનસમાં હજી પણ પ્રવર્તે જ છે તે સ્વીકારવું જ રહ્યું. અને તેની કસોટીમાંથી પેપ્સી કંપનીની સીઈઓ હોય કે કામવાળી હોય દરેકે પસાર થવું જ પડે છે. આધુનિક જીવનમાં આ અગ્નિ પરિક્ષા દરેક સ્ત્રીએ આપવી જ રહી. બાળકના જન્મ બાદ કામ કરવા જવું કેટલું અઘરું હોઇ શકે  તે દરેક નારીનો અંગત અનુભવ છે. પણ ગૃહિણીને શું પોતાના ફ્રસ્ટ્રેશન નથી હોતા ? પોતાનું બાળક ઉછેરવું તે અદભૂત બાબત છે. અને તે કામ માતા માટે કપરું હોઇ શકે તે માનવું મને અઘરું લાગે છે. દુનિયાનું સૌથી સુંદર અને સરળ કામ હોય તો તે બાળકનો ઉછેર છે. તેમાં ય આજના આધુનિક સમયમાં અનેક સુવિધાઓ સાથે શિક્ષિત નારી માટે તે કામ અઘરું રહ્યું નથી.
બાળક જ્યારે શાળામાં જવા માંડે છે ત્યારે અઢળક સમય મા પાસે પોતાના માટે બચે છે. વળી ભણેલી સ્ત્રીઓ પણ પોતાના બાળકોને ટ્યુશનમાં મોકલતી હોય છે. જો સ્ત્રી પોતાના સમયનો અને આવડતનો યોગ્ય ઉપયોગ કરે અને કામ કરે તો તેમાં ગુનાહિતતા અનુભવવાની જરૂર તેમને જણાતી નથી. અને તે છતાંય દરરોજ નવો પડકાર સામે આવવાનો જ છે. કેટલાક નિર્ણયો કપરાં પણ રહેવાના પરંતુ, તેમાંથી કઇ રીતે માર્ગ કાઢવામાં આવે છે તે મહત્વનું છે. ઇન્દ્રા નુયી જેવી અનેક સ્ત્રીઓ બાળકના જન્મ બાદ પતિ અને કુટુંબની સહાયથી કારર્કિદી ઘડે છે. તો કેટલીક સ્ત્રીઓ જે કોર્પોરેટ કામના સ્ટ્રેસને પહોંચી વળી નથી શકતી તે કામ છોડી દે છે અથવા તેમાંથી બ્રેક લેવાનો નિર્ણય લેતી હોય છે.
એક બાબત સમજી લેવી જરૂરી છે કે પુરુષને ય પોતાના નવજાત બાળક સાથે વધુ સમય ન વીતાવી શકવાનો અફસોસ સતાવતો જ હોય છે. ખાસ કરીને તે ઉચ્ચ હોદ્દા પર હોય ત્યારે. જાતીય ભેદભાવની માનસિકતા હોવા છતાં સ્ત્રી હોય કે પુરુષ દરેકે જીવનમાં અઘરા નિર્ણયોમાંથી પસાર થઈને જ સફળતાની સીડીઓ ચઢવાની હોય છે. સફળતા સરળતાથી કે સહજતાથી કોઇ થાળ સજાવીને તમને આપી શકતું નથી. ઇન્દ્રા નુયીએ પણ જ્યારે તેના બાળકો માંદા હશે કે શાળામાં વાલી મિટિંગ સાથે બોર્ડની અગત્યની મિટિંગ ક્રેશ થતી હશે ત્યારે તાણ અનુભવી જ હશે. પરંતુ, કપરા સંજોગોમાં જે સ્ત્રી માર્ગ કાઢી શકે છે તે જ સફળ થતી હોય છે.
ઇન્દ્રા નુયીએ જે ચર્ચા શરૂ કરી તેમાંથી અનેક સ્ત્રીઓએ પ્રેરણા લેવી જરૂરી છે. ઉચ્ચ હોદ્દા સુધી પહોંચેલી સ્ત્રી કે જે દરેક સુવિધા મેળવી શકે છે. તેને ય માતા અને કારર્કિદીની કશ્મકશ અનુભવી પડી હતી. તો હજી કારર્કિદીના પહેલાં પગથિયા ચઢી રહેલી સ્ત્રીને આગળ આવનારી તકલીફો વિશે વિચારવાનો સમય મળી રહે છે. સાથે રસ્તો પણ મળે છે કે તેમની આગળ સ્ત્રીઓએ કઈ રીતે તેમાંથી માર્ગ કાઢ્યો હતો. પડકાર સાથે જીવવાનો ય એક આનંદ હોય છે. બાકી દરેક સ્ત્રીએ  જીવનને કઇ રીતે જીવવું તેનો નિર્ણય પોતાની તાસીર સમજીને લેવો જોઇએ. કારણ કે દરેકની ક્ષમતા અને સંજોગો અલગ હોઇ શકે છે. ન તો કારર્કિદી માટે બહાર જવું ખરાબ છે કે ન તો માતા બનીને ગૃહકાર્ય કરવું ખરાબ છે. ફક્ત ફરક એટલો જ હોય છે કે તમે જે કાર્ય કરો છો તેમાં કેટલી રચનાત્મકતા લાવી શકો છો.



You Might Also Like

1 comments

  1. Can indra not manages housekeeping arrangement even she is super rich, Why her mother said her following sentence?


    તે પોષ્ટ પર જો પુરુષ હોતતો તેની માતાએ ક્યારેય એમ નહી કહ્યું હોત કે તને બહાર માનઅકરામ મળે તે તો ઠીક છે. ઘરમાં બાળકોને માટે દૂધ છે કે નહીં તે જાણવું વધારે જરૂરી છે. નવાઈ લાગે કે ઇન્દ્રા નુયીની માતાએ તેને મેડલ ગેરેજમાં મૂકી આવીને ઘરમાં ફક્ત માતા બની રહેવાનું સૂચન કર્યું હતું.

    ReplyDelete