મેડુસાનું માથું 26-8-14

23:16

મેડુસાની વાર્તા જો યાદ ન હોય તો અહીં વાચકો માટે પ્રસ્તુત છે. ગ્રીક માયથોલોજીમાં શ્રાપિત સ્ત્રી હતી. જે કોઇ પણ તેના મોઢા તરફ જુએ તે પથ્થરનું બની જતું. હકિકતમાં મેડુસા ખૂબ સુંદર વાળ ધરાવતી સ્ત્રી હતી. તે એટલી સુંદર હતી કે દેવોની રાણી એથેના પણ તેના રૂપની ઇર્ષ્યા કરતી. મેડુસાના નસીબ ખરાબ કે એકવાર એથેનાના એક મંદિરમાં તેની છેડતી થઈ. એથેનાથી તે સહન ન થતાં તેને શ્રાપ આપ્યો અને મેડુસાના વાળની જગ્યાએ સર્પોએ લીધી. તેના દાંત રાક્ષસી બન્યા. ટુંકમાં તે કદરૂપી અને હિંસક દેખાવા લાગી એટલું જ નહીં જે કોઇ તેના મોઢાને જોતું તે પથ્થર બની જતું.
આ વાર્તા સાચી હોય કે ન હોય પણ તેનો અર્થ આજે પણ એટલો જ સાચો છે. એથેના આજે પણ દરેક સુંદર, આકર્ષક સ્ત્રીઓને મેડુસા જેવી બનાવી દેવા તત્પર છે. આજના સંદર્ભે આના બે અર્થ નીકળે છે.  સ્ત્રી હોવું, વળી સુંદર અને યુવાન હોય તો તેને કારણે પુરુષોનું મન ચલિત થાય છે એવી માન્યતા આજે ય એટલી જ નક્કર છે.  એટલે તેને મેડુસા બનાવી દેવા માટે આપણો સમાજ એથેનાની જેમ રાહ જોઇ રહ્યો છે. સ્ત્રીના સ્વાતંત્ર્ય અને સુંદરતા પુરુષોને ગમે છે, આકર્ષે છે પણ જો બીજી કોઇ વ્યક્તિ તેને જુએ કે તેને મેળવવાની ઇચ્છા રાખે કે પછી પુરુષોનો સંયમ ભંગ કરે તો વાંક સ્ત્રીઓનો જ જોવામાં આવશે. બીજું કે એથેના જેવી સ્ત્રીઓ આપણી આસપાસ પણ છે જ. શહેરમાં મોલેસ્ટેશન એટલે કે છેડતીના બનાવો બન્યા કે બળાત્કારના બનાવો બન્યા કે તરત જ આપણી આસપાસની સ્ત્રીઓ પોતાની દીકરીઓ કે પુત્રવધુઓને નિયંત્રણમાં રાખવા માટે ઇમોશનલી બ્લેકમેઇલ કરતાં પણ નહીં અચકાય.
અહીં વાત જરા જુદા સ્તરે પણ કરવી છે. છેડતી અને માનસિકતા વિશે તો અનેકવાર લખાયું છે અને લખાતું રહેશે. પણ સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન બનીને શું કામ ઊભી રહી જાય છે? એથેનાએ મેડુસાની છેડતી કરનારને કદરૂપો કે નકામો બનાવી દેવાને બદલે મેડુસાને શ્રાપ આપીને તેને કદરૂપી બનાવી દીધી. સ્ત્રીનો સ્ત્રી માટેનો ઇર્ષ્યાનો ભાવ માતા અને સાસુમાં પણ હોય છે. એવું કહીશ તો કદાચ તમારામાંથી અનેકના ભવાં ચઢે પણ આ હકિકત છે. જે સ્ત્રીને  સ્વતંત્રતા ન મળી હોય કે પોતાના પતિનો પ્રેમ ન મળ્યો હોય તે સ્ત્રીઓ આજે પણ બીજી સ્ત્રીને સુખી, સુંદર કે સફળ જોઇ શકતી નથી. પુરુષના નામે સ્ત્રીઓ બીજી સ્ત્રી પર આડકતરી રીતે જુલ્મ, હિંસા આચરતી હોય છે. માતા દીકરીને પરણીને અન્યાય સહન કરવાની સલાહ ન આપે. અને સાસુ પુત્રવધુને દીકરીની જેમ લાડ લડાવે એવું કેમ ભાગ્યે જ બને છે?  પુરુષોના અન્યાય સામે લડવા માટે પણ સ્ત્રીઓએ એક થવું આવશ્યક છે. અહીં તો સ્ત્રીઓ જ બીજી સ્ત્રીની ટીકા કરશે. જેમકે રાત્રે મોડે સુધી બહાર ન રખડવું જોઇએ, કપડાં પહેરવામાં ધ્યાન રાખવું જોઇએ. પુરુષોની સાથે વધુ રખડવું ન જોઇએ. આપણે મર્યાદામાં જ રહેવું વગેરે વગેરે
માનસિકતા સ્ત્રીઓની બદલાશે તો સમાજ બદલાશે. સ્ત્રીઓ બીજી સ્ત્રીને સફળ થવામાં, આગળ વધવામાં અને સ્વતંત્ર થવામાં મદદરૂપ થઈ જ શકે. સાસુઓ પુત્રવધુને એવું કેમ ન કહી શકે કે હું આ ઘરમાં આવી ત્યારે જમાનો જુદો હતો આજે જમાનો બદલાયો છે. એટલે તને જે ગમે તે કર. પુત્રવધુએ રસોઇ કરવી ન ગમતી હોય અને તે કારર્કિદી બનાવવા માગતી હોય તો તે માટે પ્રોત્સાહિત કરી શકે. દીકરીની જેમ જ તેને સાચવી શકે. પુત્રવધુએ સાસુથી ડરવું પડે તેવું ન હોવું જોઇએ. દીકરાની સામે પુત્રવધુનો પક્ષ લઈને સાસુ કેમ ઊભી ન રહી શકે ?   માતા પણ દીકરીને પોતાનું વ્યક્તિત્વ સાચવીને  કેમ જીવવું તે માટે પ્રોત્સાહિત કરી શકે. અન્યાયનો સામનો પોતે તો ન કરી શકી હોય પણ દીકરીને કહી શકે કે મેં તને ભણાવી ગણાવી હવે તું તારા પગ પર ઊભી રહે કોઇ ઉપર નિર્ભર ન થા.
સ્ત્રી પુરુષ સમાનતાને સ્ત્રી જ અમલમાં મૂકી શકે. એથેના બનીને મેડુસાને કદરૂપી બનાવવામાં તેની શક્તિ વાપરવા કરતાં મેડુસાની સુંદરતાનું જતન કરવામાં તેની શક્તિ અને સત્તા વપરાય તો સમાજ પણ બદલાઈ શકે.



You Might Also Like

0 comments