જિંદગીમાં પરાજ્યને પણ પચાવવો જરૂરી છે 29-7-14

03:02




ફૂટબોલની ફાઈનલ મેચ ભારતમાં અનેક લોકોએ ઊજાગરા કરીને જોઈ. એ બધામાં હું પણ સામેલ હતી. બે બળુકી ટીમ રમી રહી હતી. સાથે જ સોશિયલ મીડિયા પર મારા બીજા મિત્રો અને સ્વજનો સાથે ચર્ચા ચાલી રહી હતી. અફકોર્સ રમત બાબતે જ. દૂર બેઠા ય અમે સાથે જ મેચ જોઈ રહ્યા હતા. કઇ ટીમ જીતશે તેનો દરેકને અંદાજો હતો જ તે છતાં ય દરેક નારી મેસ્સીની ટીમ જીતે તેની પ્રાર્થના કરી રહી હતી. કારણ કે સારું રમતો મેસ્સી રુપકડો પણ છે. પરંતુ, મેચ દરમિયાન ધીમે ધીમે સ્ત્રીઓને જર્મનીનો કોચ જોકીમ લો પણ ગમવા લાગ્યો. વોટ્સ એપ પર તેની ચર્ચા ચાલી. ૫૪ વર્ષીય જોકીમ લોની બોડી લેગ્વેંજ અને સિમ્પલિસીટી આકર્ષી રહી હતી. વળી તે જીતી રહેલી ટીમનો રાહબર કોચ હતો. આર્જેન્ટિનાએ એક પણ ગોલ ન કર્યો કે તે હારી તેના કરતાં ય મેસ્સીએ એક પણ ગોલ ન કરી શક્યો તેનો આઘાત પણ લોકોને અને સ્ત્રીઓને વધારે હતો. હાર પછી મેસ્સી પોતે ય હારને સહજતાથી પચાવી નહોતો શકતો એ તેના મોં પરથી સ્પષ્ટ જણાઈ આવતું હતું. મોટાભાગના પુરુષો, છોકરાઓ અને આર્જેન્ટિનાની ટીમના ખેલાડીઓ રડી રહ્યા હતા. પણ મેસ્સી નહોતો રડ્યો. તેણે ચહેરા પર મહોરું પહેરી લીધું પણ મેચની સેરેમની પત્યા બાદ કલાક પછી મીડિયા સામે આખરે કેપ્ટન મેસ્સીએ કબૂલ્યું કે મને મળેલા અંગત એવોર્ડ કે કશું જ મને સાંત્વન આપી શકે એમ નથી. મારે જીતવાનું જ હતું મારા હજારો દેશવાસી ફેન માટે. જેઓ જીતને ઊજવવા માગતા હતા.

સહજતાથી હારવું કોઇપણ પુરુષ માટે અઘરું હોય છે. તો ય મેસ્સીમાં સ્પોર્ટસમેન સ્પિરિટ હતો કે તેણે મેદાનમાં કોઇ નારાજગી કે આઘાત વ્યક્ત ન કર્યો. અગેઇન પુરુષનો ટેસ્ટેટોરોન તેને સરળતાથી હાર સ્વીકારવા દેતો નથી. કારણ કે દુનિયા જીતને જ યાદ રાખે છે, પૂજે છે. હારેલી ટીમને કે હારેલી ટીમના કોચને કોઇ યાદ નથી રાખતું. પણ જીતને સતત યાદ કરીને તેનો નશો મમળાવવામાં આવે છે. જીતનો ય એક નશો હોય છે. તો હાર તમને ખતમ કરી નાખે છે એવું ય નથી. ખરું પૌરુષત્વ એમાં જ હોય છે જે હારે નહીં. જો તમે ફૂટબોલ વર્લ્ડ કપ જોઇ હોય તો... જર્મનીએ એક ગોલ વધારાના સમયની શરૂઆતની ૧૨મી મિનિટે માર્યો અને બાકીની મિનિટોમાં બાજી જીત તરફી ટીમની જ થઈ ગઈ હતી. આર્જેન્ટિનાની ટીમ માનસિક રીતે હારી ગઈ હતી તે સ્પષ્ટ દેખાતું હતું. ગોલ પહેલાં અને પછીની રમતનો ટેમ્પો બદલાઈ ગયો. કોઇપણ હરિફાઈમાં જીતની સામે હાર નક્કી હોય છે. પણ હારને પચાવવી અને આગળ વધે તે જ ખરી સ્પોર્ટસમેનશીપ હોય છે. હારવું અને હારને સ્વીકારવી તે બન્ને બાબતમાં થોડો ફેર છે. હાર સ્વીકારનાર ભવિષ્યમાં પોતાની જીત જોતો હોય છે અને હારી ગયેલ વ્યક્તિ ક્યારેય જીતી શકતો નથી.

કોઇપણ વ્યક્તિ એવું વિચારતી હોય કે પોતે ખોટી જ ન હોઈ શકે કે પોતે હારી જ ન શકે તે નકરી બાલિશતા છે. દરેક પુરુષે પણ જીવનમાં ક્યારેક ને કોઇક જગ્યાએ હારનો સ્વીકાર કરવો પડતો હોય છે. જીતમાં જેમ માનસન્માન અને પ્રશંસા મળે તે ગર્વભેર સ્વીકારીએ છીએ તેમ હારમાં માનઅપમાન અને ક્યારેક ફિટકાર પણ મળે તે પૌરૂષીય છાતી રાખી સ્વીકારવો જ પડે. ક્રિકેટની રમતમાં પણ એવું નથી બનતું જ્યારે યુવરાજ સિંહે એક જ ઓવરમાં છ છગ્ગા માર્યા ત્યારે લોકોએ તેને માથે બેસાડ્યો પણ જેવું આજ વરસે એપ્રિલમાં ટી ૨૦ વર્લ્ડ કપમાં તેની રમતને કારણે શ્રીલંકા સામે હાર મળી તો એ જ લોકોએ તેના પર ફિટકાર વરસાવ્યો. તે સમયે સચીન તેંડુલકરે લોકોને અપીલ કરતાં કહ્યું કે યુવરાજના પાછલા પર્ફોર્મન્સ ન ભૂલી જવા જોઇએ. યુવરાજ સિંહ પણ ખરો મરદ છે તેણે એ વખતે બહુ ખેલદિલીપૂર્વક પોતાના પરાજ્યને સ્વીકારી કહ્યું કે તે આવતા પડકારો માટે તૈયાર છે. એ જ યુવરાજે કેન્સર જેવી બીમારીને પણ ખેલદિલીપૂર્વક સ્વીકારી હાર નહોતી માની. કેમોથેરેપી જેવી શરીર અને મનને તોડી પાડતી થેરેપી બાદ પણ મેદાનમાં એટલા જ જોમ અને જુસ્સાથી પાછો ફર્યો છે. બીજાને નીચા પાડવું તે પણ એક જાતની હાર જ હોય છે. જે પ્રશંસકો યુવરાજ સિંહને પૈસા ખાનાર કે નકામો ખેલાડી કહીને ઊતારી પાડ્યો હશે તે પોતાની જાતને જ ક્યાંક નીચે પાડતો હોય છે. રમતગમતને જોતી સમયે તેને ખેલદિલીપૂર્વક જોવી તે પણ રમતનો ભાગ હોય છે. પણ આપણી અંગત બાયસ માન્યતાઓ અને અહંકારને તેમાં લાવીને ખેલદિલી ગુમાવી દઇએ છીએ.

આપણી આસપાસ અનેક એવી વ્યક્તિઓ જોવા મળશે જે જરા જેટલી તકલીફોની સામે સર્વસ્વ જીવન હારીને જીવતાં હશે અથવા આપઘાત કરીને જીવન જ હારી જતાં હશે. જીતના પાયામાં હાર હોય છે. હાર છે એટલે જ જીત છે. જો હારનું અસ્તિત્વ ન હોય તો જીતનું ય અસ્તિત્વ ન જ રહે એ બાબત સમજવી જરૂરી છે. હારી ગયેલ વ્યક્તિને ય વધાવવો જોઇએ. તમારાથી શેક્યો પાપડ પણ નહીં ભાંગી શકાય કહેતી પત્નિ કે મિત્ર પોતે ક્યાંક નીચા પડતાં હોય છે. દરેક વ્યક્તિની હારએ ઊંચે જવાનું પગથિયું જ હોય છે. દરેક સફળ વ્યક્તિઓ હારના એવા કેટલાય પગથિયાં ચઢીને જ ઊપર પહોંચતી હોય છે.

સંસારમાં કોઇ વ્યક્તિ એવી નહીં હોય જેણે જીવનમાં કોઇ ક્ષેત્રે પણ હાર ન ખમી હોય. એટલે જ્યારે જીવનમાં હાર ખમવી પડે કોઇપણ રીતની પછી તે પરીક્ષામાં, પ્રેમમાં, નોકરીમાં, પ્રમોશન, બિઝનેસમાં કે રમતના મેદાનમાં હોય. તે હારથી નાસીપાસ થઈને દેવદાસની જેમ દારૂની બોટલ કે સિગરેટના કશમાં સમયને અને જીવનને વેડફો નહીં. તેને ખેલદિલીપૂર્વક સ્વીકારો, થયેલી ભૂલમાંથી શીખીને હારને પોતાના પક્ષે પલટવાની તૈયારી કરો. આજે નહીં તો ભવિષ્યમાં કશેક તો જીત મળશે જ. હારી જવાથી ન જીત મળશે કે ન તો જીતવાની ધગશ રહેશે. તમારો એટિટ્યુડ તમને હારમાં પણ હીરો બનાવી શકે છે. પણ જો અહંકાર રાખશો કે હું તો હારી જ ન શકું કે ખોટો હોઇ જ ન શકું તો તે તમારી ઇમેજ હાર કરતાં ય ખરાબ કરશે. પોતાની હારને માટે ક્યારેય બીજાને દોષી ન ઠેરવો. એ ગર્લી બિહેવિયર ગણાય જો કે સ્ત્રી તરીકે આ શબ્દને પસંદ ન કરું. કારણ કે કોઇપણ વ્યક્તિ પોતાની હાર કે ભૂલ માટે બીજા પર દોષનો ટોપલો ઢોળે તે યોગ્ય નથી જ. દરેકે પોતાનો ક્રોસ પોતે જ ઊપાડવાનો હોય છે.

પૌરૂષીય ખોટો અહંકાર છોડીને નમ્રતાયુક્ત ગરવાઈથી(ગરીબાઈથી નહી) દરેક પરિસ્થિતિનો સામનો કરવો જરૂરી હોય છે. તમારી જીત બીજાના હારના પગથિયે ઊભી હોય છે એટલે જો તમે જીત્યા હો તો નમ્રતાથી હારનારને હાથનો ટેકો આપો. તેના તરફ તુચ્છકારભરી નજરે ન જુઓ. શી ખબર કાલે તમારો વારો હોય તેની જગ્યાએ હાર ખમવાનો. તમારું વર્તન દરેક પરિસ્થિતિને બદલી શકે છે. જીતને હારમાં અને હારને જીતમાં.

You Might Also Like

0 comments