હું પ્રેરણાત્મક નથી 25-6-14

04:29

31 વરસીય સ્ટેલા યંગ પોતાના પર સહજતાથી હસી શકે છે. એટલે જ તે ઓસ્ટ્રેલિયન કોમેડિયન . લેખક, જર્નાલિસ્ટ, એક્ટિવિસ્ટ, ઇન્ટરવ્યુવર અને એબીસી રેમ્પ અપ નામના  ડિસએબલ માટેના  ઓનલાઈન મેગેઝિનની તંત્રી પણ છે. તે જન્મથી જ ઓસ્ટિયોજેનેસિસ ઇમ્પરફેક્ટા નામની શારિરીક ક્ષતિ સાથે જન્મી છે. તેના હાડકા એકદમ બરડ છે. સહજતાથી તૂટી જઈ શકે છે. 31 વરસે પણ તેની ઊંચાઈ વધી નથી કે ન તો સામાન્ય રીતે ચાલી કે ફરી શકે છે. તે વ્હિલચેરમાં જ ફરે છે.
સ્ટેલા પોતાની ક્રિપ કહે છે. ક્રિપલ એટલે અપંગ જેમ ડોકટરો પોતાને ટુંકા એમ ડોક કહે છે અને આપણે ગુજરાતીઓ ગુજ્જુ કહીએ છીએ જાતને તેમ સ્ટેલા પોતાને ક્રિપ કહે છે. કોઇ દુખ સાથે નહીં પણ ગર્વથી. તેનું કહેવું છે કે લોકોના મનમાં એક જાતની ગ્રંથિ છે અમારા જેવા માટે. જાણે કે અપંગ હોવું તે શ્રાપ નથી. બધા માને છે કે અપંગ હોવું તે ખરાબ છે. અને તમે અલગ રીતે જીવી શકો છો. આ તદ્દન ખોટી માન્યતા લોકોએ ઊભી કરી છે. અપંગ હોવું તે ખરાબ બાબત નથી અને તમે અલગ રીતે જીવી શકતા નથી. અમે એટલા જ નોર્મલ છીએ બીજી બધી જ બાબતમાં જેટલા તમે લોકો છો. અમારે પણ અમારી જીંદગીમાં કશુંક પામવું હોય છે.જુદી રીતે જીવવું હોય છે. અપંગતા એ શરીરની અવસ્થા છે.
સ્ટેલા ઓસ્ટ્રેલિયાના સ્ટાવેલ નામના નાનકડા શહેરમાં 1982માં  જન્મી. તેના પિતા સંગીતકાર અને બુચર (કસાઈ) હતા જ્યારે તેની મમ્મી હેરડ્રેસર હતી. તેના માતાપિતાની તે પહેલું સંતાન હતી. તેના માતાપિતાને સમજાતું નહોતું કે સ્ટેલાને કેવી રીતે ઉછેરવી એટલે તેમણે સામાન્ય છોકરીની જેમ જ ઉછેરવા માંડ્યા. તેને સ્કુલમાં મોકલી અને જ્યારે તે બારમું ધોરણ પાસ થઈ. ત્રણ વરસની ઉંમરથી સ્ટેલા વ્હીલચેરમાં ફરતી હતી. અને શક્ય તેટલું નોર્મલ રિતે વર્તતી. તેના માતાપિતાએ ક્યારેય તેના માટે જુદી સવલતો કે સગવડોનો વિચાર ન કર્યો. એ માટે સ્ટેલા પોતાને નસીબદાર માને છે. તો તેમની કોમ્યુનિટીની વ્યક્તિઓ તેના માતાપિતા પાસે આવી અને કહ્યું કે અમે સ્ટેલાનું સન્માન કરવા માગીએ છીએ તો તેના માતાપિતાએ જે જવાબ આપ્યો તે અદભૂત છે. તેમણે કહ્યું કે સારી વાત છે કે તમે અમારી દીકરીનું સન્માન કરવા માગો છો પણ શેને માટે ? તેણે તો કોઇ એકસ્ટ્રા ઓર્ડિનરી કામ કર્યું હોય એવું અમારા ધ્યાનમાં નથી.
સત્તર વરસની ઉંમરે સ્ટેલા ઘરથી દૂર  ડેકિન યુનિર્વસિટીમાં મિડિયા અને એજ્યુકેશની ડિગ્રી લેવાભણવા ગઈ. ત્યાં સુધીમાં તે સ્વતંત્ર રીતે પોતાના કામ કરતાં શીખી ગઈ હતી.  સ્ટેલાને અપંગો પ્રત્યે લોકોનું ભેદભાવભર્યું વલણ ગુસ્સે કરે છે. પહેલીવાર તેણે એ ભેદભાવ અનુભવ્યો જ્યારે તે સેકન્ડરી શિક્ષિકા તરીકે નોકરી માટે ગઈ. શાળાની પ્રિન્સિપાલે તેને વ્હિલચેર પર બેસેલી જોઇને કહ્યું કે તમે બ્લેક બોર્ડ પર કેવી રીતે લખશો ? સ્ટેલાએ જવાબ આપ્યો કે એકવીસમી સદીમાં ભણાવવાના બીજી ઘણી અનેક ક્રિએટીવ રિતો હોઇ શકે બ્લેકબોર્ડ પર લખ્યા સિવાય. પ્રિન્સિપાલે તેને કહ્યું કંઇ નહીં તમે નીચેના અડધા પાટિયા પર લખી શકો છો. અને તેને ડિસએબલ આર્ટશિક્ષિકાની નોકરી મળી. જે સ્ટેલાને મંજુર નહોતી પણ ત્યારે તેને નોકરીની જરૂર હતી. ત્યારબાદ તો તે ચેનલ 31 અને મ્યુઝિયમમાં કામ કરતાં એબીસી ઓનલાઈન મેગેઝિનના એડિટર તરીકેની તેની ડ્રિમ જોબ મળી. સ્ટેલા ઇચ્છે છે કે બીગ બ્રધર જેનું ભારતીય વર્જન બિગબોસ છે તેમાં અપંગ વ્યક્તિઓને પણ પ્રવેશ આપવો જોઇએ. જેથી ખબર પડે કે તેમની સાથે લોકો કઇ રીતે વર્તે છે અને તેઓ લોકો સાથે કઈ રીતે વર્તે છે. કેમ કોઇ શિક્ષિકા વ્હિલચેરમાં બેસીને ન ભણાવી શકે  કે ડોકટર એન્જિનયર વ્હિલચેરમાં ન હોય ?
સ્ટેલાને અપંગો પ્રત્યે લોકોનું સહાનુભૂતિભર્યું પણ દંભી વલણ ગુસ્સે કરે છે. તે ઇચ્છે છે કે અપંગોને પોતાની મરજી મુજબ સામાન્ય વ્યક્તિની જેમ સ્વીકારો. તેમને પ્રેરણાત્મક કે બિચારા બેમાંથી એકે ન માનો. તેમના સામાન્ય જીવનને ય અપંગ હોવાને કારણે મહાનતામાં મૂકી દઈ સામાન્ય માણસો અહોભાવ વ્યક્તિ કરીને જ્યારે કહે કે આ લોકો આવી પરિસ્થિતિમાં પણ જીવી શકે છે તો તમે કેમ નહીં... આવા સુત્રો સ્ટેલાને ઇન્સ્પિરેશનલ પોર્ન લાગે છે. સ્ટેલા ઇચ્છે છે કે અપંગ વ્યક્તિઓને મહાન બનાવવાને બદલે તેમના માટે એવી શોધો કરો કે જેથી તેઓ સરળતાથી પોતાનું રોજિંદુ જીવન જીવી શકે. મને ફાસ્ટ દોડી શકે, ઊબડખાબડ રસ્તા પર ઢાળ ચઢી ઊતરી શકે એવી વ્હીલચેર જોઇએ છે પણ તે મોટી નહીં પણ નાની હોય. તેવી વ્હીલ ચેર મેળવવું એક સપનું જ છે. અમને અપંગ તરીકે પણ સામાન્ય જીવન જીવવાદો. અમે કોઇ રોગી કે પ્રાણી નથી કે તેને ચિત્રવિચિત્ર નજરે જુઓ કે પ્રશ્નો પૂછો. પણ તે કહે છે કે અપંગ હોવાને કારણે તે ગમે તેવી અપમાનજનક પરિસ્થિતિને પચાવતા શીખી ગઈ છે. 

સ્ટેલા સરસ રીતે સામાન્ય સ્ત્રીની જેમ તૈયાર થવાના શોખ કેળવે છે. પોતાને મનગમતું જીવન જીવે છે. અપંગ હોવાને કારણે સગવડો કે સવલતો કે દયાની માગ નથી કરતી. ગર્વભેર પોતાના પૈસા કમાઈને જીવે છે. અને અન્ય અપંગોની ઓળખ માટે ચળવળ ચલાવે છે. લેખો લખે છે. સાથે જ પોતાના પર જોક કહીને લોકોને હસાવે પણ છે. તે કહે છે એને કોઇ અફસોસ નથી કે તે અપંગ છે. તેને કોઇ ફરિયાદ નથી. જેવું છે તેવું જીવન તેને ગમે છે અને તે ભરપૂર રીતે જીવવામાં માને છે. તે કહે છે કે અપંગ હોવાથી તમે અસાધારણ કે અપવાદરૂપ નથી બની જતાં  પણ તમે ખરેખર તમારે જાતને પુરવાર કરી શકો તો અપવાદરૂપ ખરા. સ્ટેલાને પ્રેરણાત્મકતાના પૂતળાં બનવા કરતાં જીવનને ખરા અર્થમાં સાર્થક રીતે જીવવામાં રસ છે.


You Might Also Like

0 comments