મિત્રતામાં મુખવટાને નો એન્ટ્રી 3-6-14

02:27

“મને ખબર છે અમારા વિશે જોક્સ કરવામાં આવે છે પણ મારા પિતા ગયા બાદ તેમની ખોટ મને એણે સાલવા નથી દીધી  એવું કહેવામાં સંકોચ નથી. તે મારો અંતરંગ મિત્ર છે. જે સતત મારી કાળજી લે છે. અમે મહિનાઓ સુધી ન મળીએ તો ય એને સમજાય જાય છે જ્યારે હું એકલતા અનુભવું છું કે માનસિક રીતે દુખી હોઉં છું. અને નવાઈની વાત એ છે કે મને જ્યારે જરૂર હોય તો સામેથી જ એનો ફોન આવ્યો જ હોય કે હું ફોન કરું ત્યારે એ જ ફોન ઉપાડે. તેણે મને કહ્યું હતું કે તને જ્યારે મારી જરૂર હોય ફોન કરજે ફોન હું જ ઉપાડીશ. અને નવાઈ લાગે પણ એવું જ બને છે. મને હતાશામાંથી તે બહાર કાઢી શકે છે. ભીડ વચ્ચે પણ મારો ચહેરો જોઇને સમજી જાય છે મારી માનસિક સ્થિતિ. તરત જ પૂછે ઇઝ એવરીથિંગ ઓલરાઈટ ? અને ન જ હોય ઓલરાઈટ.. હું નસીબદાર છું કે મને આવો મિત્ર મળ્યો છે.  “
ઉપરોક્ત વાતો વાંચીને લાગે કે આ  સ્ત્રી પુરુષની મિત્રતાની વાત હશે. અથવા ગે મિત્રો હશે.  પણ આ વાત કહેનાર છે જાણીતા નિર્માતા, દિગ્દર્શક કરણ જોહર... હમણાં જ કરણ જોહરનો જન્મદિન ગયો. તે અડધી સદીને અડી રહ્યો છે. ત્યારે એક મેગેઝિનને તેણે આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે શાહરુખ અને આદિત્ય ચોપરા તે બે એના ખાસ મિત્રો જ નહી ઇમોશનલ સપોર્ટ છે. શાહરુખ વિશે તો તેણે જે કહ્યું તે વાંચીને સારું તો લાગે જ પણ આવું પુરુષ મિત્રો વચ્ચે લગભગ નહીવત બનતું હોય છે. અને એટલે જ આપણે તેમને ગે હોવાની શક્યતાઓ પહેરાવી દઈએ છીએ. કરણ ખૂબ ઇમોશલ વ્યક્તિ છે અને તે શાહરુખ અંગે કહે છે કે તે ખૂબ સમજદાર, લાગણીશીલ મિત્ર છે.
યે દોસ્તી હમ નહીં તોડેંગે .... તોડેંગે દમ મગર.... શોલેનું આ ગીત આજે પણ એટલું જ આપણા સૌના હ્રદયમાં વસેલું છે પણ મિત્રો એવા મળ્યા છે કે નહીં ? તે વિચારવું રહ્યું. કરણ જોહર અને શાહરુખ ખાન વચ્ચે જે મિત્રતા છે તેવી મિત્રતા પુરુષોમાં મોટેભાગે જોવા મળતી નથી. કારણ કે તેને  સજાતીયતાનું લેબલ લગાવી દેવામાં આવે છે. હા તેમાં આવા અપવાદો હોઇ શકે. પણ સામાન્યત સ્ત્રીઓ જેટલું બોન્ડિગ એકબીજા સાથે બાંધી શકે છે તેટલું બોન્ડીંગ પુરુષ મિત્રોની વચ્ચે જોવા મળતું નથી.
તેના એક કારણમાં આ પણ ખરું કે તેમને સ્ત્રૈણ પ્રવૃત્તિમાં રાચતા માની લેવામાં આવે છે. સ્ત્રીઓ વચ્ચેનું આવું બોન્ડિંગ સહજતાથી શક્ય બનતું હોય છે. અને પુરુષોને પણ એવા બોન્ડિંગની જરૂર જણાતી જ હોય છે. પણ તેનું પુરુષત્વ જ એને એમ કરતા રોકતું હોય છે. તેઓ ભાગ્યે જ પુરુષમિત્ર સાથે અંગત લાગણીઓ વિશે કે પોતાની ફેઇલ્યોરિટી, હતાશા વિશે વાત કરશે. પુરુષો સાથે બેસીને બિયર કે વ્હિસ્કી પીતાં પીતાં કેટલીકવાર ઇમોશનલ થઈ જશે...પણ એમાંય તેઓ  એટલા જાગૃત હોય છે કે કેટલીક વાતો ક્યારેય નહી કહે. હા સ્રીમિત્રો સાથે તેઓ સરળતાથી ખુલી શકતા હોય છે. કારણ કે સ્ત્રીઓને ઇમોશનલ બોન્ડ બાંધતા આવડતું હોય છે. એટલે જ કેટલાક પુરુષો સ્ત્રીઓ સાથે વધારે પડતાં ઇમોશનલ થઈ જતા હોય છે. અહીં સજાતીય સંબંધો ધરાવતાં પુરુષોની વાત નથી. સજાતીય સંબંધોમાં વળી વાત જુદી જ હોય છે.
અમેરિકન ફ્રેન્ડશીપ સ્કોલર જેફ્રી ગ્રીફ કહે છે કે આજનો આધુનિક પુરુષ પણ ફેસ ટુ ફેસ સ્ત્રીઓની જેમ પોતાની લાગણીઓ મિત્રો સાથે શેઅર નથી કરી શકતો. શોલ્ડર ટુ શોલ્ડર મિત્રતા જ પુરુષ સાથે રાખે છે. એ લોકો બડ્ડી બની શકે, સાથે ટ્રેકિંગ કરશે, ફરશે, ખાશે પીશે પણ લાગણીઓના પ્રદેશને અડવાનો નહી એ જાણે કે મ્યુચઅલ અન્ડરસ્ટેન્ડિંગ બની જાય છે. પુરુષોમાં લાગણીઓ  બાબતે અભિવ્યક્ત કરવાનો આત્મવિશ્વાસ ઓછો હોય છે. અને જો હોય તો તેમાં તેમની પત્ની કે ગર્લ ફ્રેન્ડનો ફાળો ઘણો હોય છે. 
તમને થશે આ ધારણાઓ છે. એવું હોતું હશે ? પણ આવી જ શંકા જેફ્રીને ય થઈ હતી. તો નીઓબે વે નામના સાયકોલોજીસ્ટે કરેલું સંશોધન તેમના હાથમાં આવ્યું. નીઓબેએ બાળપણથી અનેક છોકરાઓના ઇન્ટરવ્યુ લીધા.. દર વરસે તે મોટા થતાં જતાં છોકરાઓના ઇન્ટરવ્યુ લેવાતાં. બાળકો સ્કુલમાં હોય આઠ વરસથી લઈને પંદર વરસ સુધી તેઓ છોકરીઓની જેમ જ મિત્રતામાં લાગણીથી જોડાયેલા રહેતા. સોળમાં વરસ બાદ છોકરાઓના આપઘાતના કિસ્સાઓ પણ વધી જાય છે.  મિત્રને તૂટીને પ્રેમ કરતાં પોતાની દરેક વાત એકબીજાને કહે. પણ સોળમાં વરસ બાદ વાતનો સૂર બદલાઈ જાય એ જ છોકરાઓ કહેવા માંડે કે અમે સારા મિત્રો છીએ પણ મને જરૂર નથી લાગતી કે મારી અંગત લાગણીઓ તેની સાથે શેઅર કરું. અમે જોક શેઅર કરીએ. મસ્તી કરીએ. પણ મને ખાસ મિત્રની જરૂર નથી જણાતી. મને મારી લાગણીઓ કોઇની પણ સાથે શેઅર કરવી ગમતી નથી.
પંદર વરસ સુધી જે છોકરો મિત્રતામાં પ્રેમને મરી જવાની વાત કરતો હોય તે અચાનક કેમ બદલાઈ જાય છે ? બને છે એવું કે સોળ વરસ થતાં છોકરો પુરુષ બને છે અને સમાજના સ્લેન્ગ બદલાયેલા અનુભવે છે. ઘરમાં કે બહાર દરેક જગ્યાએ લાગણીઓ વ્યક્ત કરતાં છોકરાને છોકરી જેવો છે એવો ટોણો મારવામાં આવે છે. પૌરુષત્વને પુરવાર કરવાની હોડમાં તે મિત્રતામાં પણ બદલાય છે. એવું નથી હોતું કે તેને હવે લાગણીઓ વ્યક્ત કરવાની ઇચ્છા નથી થતી. પણ તે પોતાની જાતને રોકી રાખે છે. ને બસ પછી તે આદત બની જાય છે. પતિ સાથે ઝઘડો થયો હોય તો પત્નિ તરત જ પોતાની મૈત્રીણી સામે રડીને વાત કરીને હળવી થઈ જશે. જ્યારે પતિ પત્નિ સાથેના અંગત ઝઘડાની કે ગંભીર સમસ્યાની વાત મિત્રોને મોટેભાગે નહીં જ કરે અથવા સો વાર વિચાર કરશે. એવા કેટલાય પુરુષો હશે જેમની અંગત સમસ્યાઓ તેના કોઇ મિત્ર નહીં જાણતા હોય. કારણ કે પોતાના પૌરુષત્વના ગર્વની સામે તેઓ ઝુકી શકતા નથી. વરસોથી પડેલી આદતો, માન્યતાઓ બદલાતા હજી અનેક સદીઓ વીતી જાય તેમ છે.
ખાસ મિત્રો બનાવવા માટે પુરુષે પોતાનો મુખવટો ઉતારીને બાજુએ મૂકવો પડે એમ છે. પોતાની અસલામતીના ભય, ડર્યા વિના કે લાગણીમાં તણાયા વિના પોતે નિર્ણય લઈ શકે એમ છે તેવું ન કરી શકવાનો ભય. પોતાની નબળાઈ બીજા પુરુષ પાસે છતી કરતાં પોતે પુરુષ ન હોવાનો ભય તેમને સતાવે છે એટલે  જ તેઓ મિત્રતાને ઘનિષ્ઠતા સુધી લઇ જવાની હિંમત નથી કરતા. બન્ને પુરુષ  મિત્રો આ બાબતનું ધ્યાન રાખે છે. શાહરુખ અને કરણ જોહરની મિત્રતાની મજાક ઊડાવાય છે તે પણ આ જ કારણે. આપણી માનસિકતા બદલાય તો સમાજની બદલાય.  
મિત્રતા માટે તમારે જ બદલાવું પડશે. મિત્રો સાથે જે ઇમોશનલ બોન્ડિંગ કરી શકે છે તે દરેક સમસ્યાઓને ઉકેલી શકે છે. દિલ તૂટે કે નોકરી જાય કે ધંધામાં નુકશાની થાય કે પછી અંગત વ્યક્તિના મૃત્યુની ખોટ સાલતી હોય તો મિત્રતા તમારો સધિયારો બની રહે છે. તમારે એકલતાના કે ડિપ્રેશનના શિકાર થવું પડતું નથી. તમે જાતે શરૂઆત કરી શકો સારા મિત્ર બનવાની . મુખવટો પહેરીને મિત્રતા ન રાખો તો શક્ય છે તમને પણ નવા વિશ્વની બારીઓ ખુલતી નજરે ચઢે.  


You Might Also Like

0 comments