ડર કે આગે જીત હૈ....10-6-14

00:55


 


 


 

ક્યારેય રડો નહી. પડોશી ક્રૂરમાણસને ખબર પડી જાય છે કે

સહન કરનાર વ્યક્તિ નજીકમાં જ છે. – માયા એન્જલુ

અશ્વેત કવિયેત્રી, લેખિકા અને સૌ પ્રથમ તો પોતાને સ્ત્રી તરીકે ઓળખાવવામાં ગર્વ અનુભવતી માયા 28 મેના રોજ 86 વરસની ઉંમરે તે પોતાના ઘરે  શાંતિથી  મૃત્યુ પામી. આપણામાંથી અનેકે માયાનું નામ નહીં સાંભળ્યું હોય. પણ આ નામ અજાણ્યું નથી આપણી જ કોઇ સખીનું નામ હોય તેવું લાગે. માયાને પણ  એ રીતે જ ઓળખાવું ગમ્યું હોત. કારણ કે એક સ્ત્રી તરીકે અનુભવવા પડતાં દરેક સંઘર્ષમય જીવનના અનુભવોને તેમણે જીવ્યું છે. દરેક પરિસ્થિતિને તેમણે સ્વીકારી પણ છે અને પડકારી પણ છે.

તેમનું ખરું નામ તો માર્ગરેટ હતું પણ તેમના મોટાભાઈ તેમને માયાના નામે બોલાવતાં જે પાછળથી તેમણે અપનાવી લીધું. માયા પર આઠ વરસની ઉંમરે માતાના પુરુષમિત્ર ધ્વારા જાતીય સતામણી થઈ હતી. જાતીય સતામણીના અનુભવો લગભગ દરેક સ્ત્રી અનુભવતી હોય છે. કોઇક પર શારિરીક તો કોઇક પર માનસિક બળાત્કાર થતાં જ હોય છે. અને એટલે જ કોઇ પુરુષને થાય એ કરતાં પણ બળાત્કારના સમાચારોની અસર સ્ત્રીઓ પર વધુ થાય છે. નિર્ભયાનો કિસ્સો હજી માંડ આપણાં મનના ઘાવોને સમય ધ્વારા ભરતો હોય છે કે વળી અનેક કિસ્સાઓ આપણી સમક્ષ આવીને નહોર ભરાવીને તે ઘાવોને તાજા કરે છે. બદાયુંમાં બળાત્કારનો સિતમ ઓછો હોય તેમ છોકરી પર અસહ્ય અત્યાચાર આચરીને તેને જીવતી ફાંસીએ લટકાવી. કદાચ તેનો ગુનો હતો સ્ત્રી તરીકે જન્મવાનો. બરેલીમાં બાળકી પર ગનપોઇન્ટે બળાત્કાર થાય અને મેઘાલયમાં એક માતાને તેના બાળકો સામે બળાત્કાર કરવાનો પ્રયાસ થાયને તેનો વિરોધ કરવાના ગુનારૂપે મારી નાખવામાં આવે.

અઠવાડિયા દરમિયાન મૃત્યુ પામેલ માયાતો સાહિત્ય ધ્વારા જીવીત થઈ પરંતુ, સાથે આ બધા સમાચારોએ મન બધિર કરી દીધું. છાપાઓમાં બળાત્કારના આંકડાઓ અપાય તે સાચા નથી. આ સમાચાર વાંચતી દરેક સ્ત્રીના મનહ્રદય બન્ને બળાત્કાર અને અત્યાચારની વેદના અનુભવતી હોય છે. તેમની ચીસ દબાઈ ગઈ છે. પણ જો એ દરેક સ્ત્રી એક સાથે ચીસ પાડે તો બ્રહ્માંડ પણ હલી જાય. જો રોજ રોજ આ જ ઘટનાઓ બનવાની હોય તો આંકડાઓ અને રાવ કોની પાસે નાખવા. નેતાઓ ફક્ત એકબીજા પર આક્ષેપો કરીને રહી જશે. ગાંધીજીની જેમ વિંધાઈ જઇને કોઇ ઉપવાસ નહીં કરે કે ન તો ત્યાં જઈને પુરુષાતન પર માતમ મનાવશે.

પુરુષોનું પુરુષાતન ખતમ થઈ ગયું હોય ત્યારે જ આટલી બધી ક્રૂરતા અને બળાત્કારો શક્ય બને. શું અન્ય પુરુષો ગામમાં નહોતા ? કે નથી રહ્યા ? ન્યાય માટે આટલો વખત લાગે ? ન્યાય માગવાની વાત હવે મારાથી નથી થઈ શકતી. અને એટલે જ માયાની ઉપરોક્ત વાત ગમે છે. માયાએ લેટર ટુ માય ડોટર્સ નામે અદભૂત પુસ્તક લખ્યું છે. માયાએ તો એક દિકરાને જ જન્મ આપ્યો હતો. પણ તે દુનિયામાં દરેક સ્ત્રી સાથે સહજતાથી જોડાઇ શકતી હતી. પોતાના અનુભવો ધ્વારા તેમણે દરેક યુવા છોકરીઓને સંબોધીને 28  પત્રો લખ્યા છે. એમાં તેઓ કહે છે કે રડો નહીં કે દયામણા બનો નહીં કારણ કે ક્રૂર વ્યક્તિઓને ખબર હોય છે કે તેમને કોનું શોષણ કરવાનું હોય છે. માયાની વાત સાચી લાગે છે કે આપણે શું કામ આપણી જાતને સ્ત્રીત્વને ગુનાહિત ભાવ તરીકે જોઇએ.
સ્ત્રીનો જન્મ મેળવવો એ અદભૂત બાબત છે. શોષણનો ભોગ બનવા માટે આપણે તૈયાર હોઇએ છીએ એવું વાતાવરણ બદલવા આપણે સક્ષમ છીએ. પુરુષ કરતાં વધુ શક્તિશાળી છીએ કારણ કે પુરુષને જન્મ પણ આપણે જ આપીએ છીએ તો પછી એની માનસિકતાને બદલવાની શક્તિ આપણામાં ન હોય તેવું શું કામ માનીએ છીએ ? જાતને બિચારા, બાપડા બનાવીને જીવવાની જરૂર નથી જ. માયાએ બ્લેક અને સ્ત્રી તરીકે સંઘર્ષ કરીને હોટલ ડાન્સર,સિંગરમાંથી 30 ડિગ્રીઓ મેળવી. પુલિત્ઝર ઇનામ માટે પણ  તેમને નોમિનેટ કરવામાં આવ્યા હતા. તેમને કવિતા વાંચતા સાંભળવા માટે અમેરિકન પ્રમુખો પણ તત્પર રહેતા. સંઘર્ષો  અને પરિસ્થિતિઓથી હાર માન્યા સિવાય તેમાંથી સતત આગળ વધવું અને ક્યારેય સ્ત્રી તરીકે દયામણા ન થવું તે એમનો સંદેશ આપણે જીવનમાં ઉતારીને સાચી અંજલિ આપી શકીએ. માયા પ્રેરણારૂપે દરેક સ્ત્રીમાં જીવંત રહેશે.

You Might Also Like

1 comments

  1. ક્યારેય રડો નહી. પડોશી ક્રૂરમાણસને ખબર પડી જાય છે કે

    સહન કરનાર વ્યક્તિ નજીકમાં જ છે. – માયા એન્જલુ

    ReplyDelete