ચલો આજ તુફાની કરતે હૈ...20-5-14

22:08



ચલો આજ તુફાની કરતે હૈ...


એકવાર ટ્રેનમાં રાજકોટથી મુંબઈ આવતાં બાજુમાં બેઠેલી એક ગૃહિણી વાતે વળગે છે. માતાની માંદગીને કારણે  તે પહેલી જ વાર એકલી પ્રવાસ કરી રહી હોવાથી થોડી ઉચ્ચક હતી. તેણે મને પૂછ્યું કે એકલા પ્રવાસ કરતાં ડર ન લાગે ?  મેં કહ્યું ના... પછી તો અમે ઘણી વાત કરી. સાંજનો સૂરજ જોવા હું થોડીવાર દરવાજા પાસે ઊભી રહી તો મને કહે અરે સ્ત્રીઓથી આવી રીતે દરવાજામાં ઊભા રહેવાય ? હાસ્તો ચલ તું પણ મારી સાથે...અને તેણે જીવનમાં દરવાજા પર બહાર પગ લટકાવીને બેસવાનો આનંદ લીધો. એટલી આનંદમાં આવી ગઈ કે તે પગ ઊંચાનીચા કરવા લાગી હવામાં ને તેનો એક ચપ્પલ પડી ગયો.
મને અફસોસ થયો. પણ તે કહે બેન અફસોસ ન કરો ચપ્પલ તો બીજી ખરીદી લઈશ.. પણ મને જે આનંદ આજે મળ્યો છે તેની કોઇ કિંમત નથી. પતિ સાથે જાઉં તો આ રીતે દરવાજામાં ઊભા રહેવાની વાતેય ન વિચારી શકુ. અને પછી તો તે બહેન રાત્રે પણ દરવાજા પાસે ઊભા રહ્યા. કંઇક હટકે કરવાની થોડી તૈયારી હોય તો જીવન જીવવાનો નજરિયો બદલાતો હોય છે. વિદેશથી અનેક યુવતીઓ મહિલાઓ ભારતમાં જ નહીં વિશ્વમાં ફરવા નીકળી પડતી હોય છે. આપણે ત્યાં પણ પ્રિતી સેન ગુપ્તા અને વર્ષા પાઠક જેવી મહિલાઓ છે જે એકલા ફરવાનો આનંદ માણતી હોય છે.
આપણે શું કામ ફરવા જતાં હોઇએ છીએ ? આપણામાં રહેલા નવા વ્યક્તિને મળવા માટે કારણ કે પ્રવાસમાં આપણે એ જ નથી રહેતા જે ઘરમાં હોઇએ છીએ. નવા પ્રદેશમાં લોકો ય આપણને નવી દ્રષ્ટિએ જુએ છે. અને જયારે આપણે પાછા ફરીએ છીએ ત્યારે આપણું જ શહેર, ઘર નવું લાગે છે. આપણે જે છોડીને ગયા હોઇએ છીએ તે જ વાતાવરણ નથી હોતું. કારણ કે આપણી ભીતર પણ બદલાવ આવ્યો હોય છે.
બે મહિલાની અહીં વાત કરવી છે જે આખી દુનિયા ફરવા એકલી જ નીકળી પડી છે. કીમ નામ હી નામની 34 વરસીય કોરિયન મહિલાએ પોતાની કાયમી નોકરીમાંથી રાજીનામું આપી દીધું ફક્ત પ્રવાસ કરવા માટે. તેને સમજાયું કે પ્રવાસમાં તેને જે આનંદ મળે છે તે અદભૂત છે. એટલે તે છેલ્લા દશ વરસથી પ્રવાસ કરી રહી છે. કીમ સાવ જ એકલી પ્રવાસ કરે છે તો એકલતા પણ ક્યારેક અનુભવાય જ. કીમ માને છે કે એકાંત અને એકલતા તેને જીવનના સાચા પાઠ ભણાવે છે. લોકો તેને નવાઈથી જોઇ રહે છે. તેમને ગાંડપણ પણ લાગે છે પણ હું એકલતા અનૂભવું ત્યારે લોકોની સાથે મિત્રતા કરું છું. તેમને ધ્યાનથી સાંભળું છું. મારી સાથે સતત નોટબુક રાખું છું. બસસ્ટોપ પર રાહ જોતાં કે કોફી શોપમાં કે પછી રાતના આકાશ નીચે... હું લખું છું. એકલતાએ તેને માનવીયતાના અનેક રહસ્યો ખોલી આપ્યા છે. કીમને ક્યારેય પ્રવાસ માટે બધુ છોડવાનો અફસોસ નથી થયો. તે કહે છે કે દુનિયામાં કેટલું વૈવિધ્ય છે તે સમજાય છે. એ વૈવિધ્યની સાથે તમે દુનિયાને જુદી રીતે સમજવાનો પામવાનો પ્રયત્ન કરો છો. બાહ્ય પ્રવાસ તમારા અંદરનો પ્રવાસ ક્યારે બની જાય છે તેનો ખ્યાલ પણ નથી રહેતો. એકવિધતામાં જીવીએ છીએ ત્યારે જે તકલીફો પડે છે તેના કરતાં પ્રવાસમાં ઓછી જ તકલીફો હોય છે.
નવાઈ એ છે કે કીમ શક્ય તેટલો પ્રવાસ ચાલીને કરતી હોય છે.અત્યાર સુધી તે 80 દેશો ફરી છે. અને તે હવે પ્રવાસ લેખિકા તરીકે પ્રખ્યાત છે.   તે દરેક નવા સ્થળને ખરેખર માણવા માગે છે. તમે કાર કે બસમાં પસાર થઈ જાઓ તો તે સ્થળને તમે પામી નથી શકતા. અને મારી પાસે તો ભરપુર સમય લઈને જ નીકળી પડું છું. જેથી દરેક સ્થળને ધીમે ધીમે ચાલતાં જોઉં, સમજું,  વળી મારી યાદદાસ્ત સારી નથી એટલે જે નાની ડાયરી પણ ખિસ્સામાં રાખું જેટલી નવી વ્યક્તિઓને મળું, કંઇક જાણું તો એ તરત જ નોંધી લઉં. પછી તેને વિગતે લખું. કીમ કહે છે આપણે બધા દુનિયામાં પ્રવાસી જ છીએ ને... હું સતત પ્રવાસમાં રહીને તે યાદ રાખું છું.  ભવિષ્યની ચિંતા થતી નથી. પ્રવાસે મને પોઝીટીવ રહેવાની પ્રેરણા આપી છે. હવે એવું  જ જીવીશ જે મને ગમે. કીમને હવે પ્રવાસી વક્તા તરીકે પણ બોલાવે  છે.
આવતે અંકે બીજી નારીની વાત કરીશું. એની સ્ટોરી પણ અનોખી છે. તમારી પાસે ય આવી સ્ટોરી હોય તો મને ચોક્કસ મેઇલ કરજો. કંઇક તુફાની કે અલગ કરવાનો આનંદ એકાદવાર માણવા જેવો છે. 

You Might Also Like

0 comments