વ્યક્તિત્વ અને વર્તન 4-3-14

22:02

થોડા સમય પહેલાં એક નાની ડોક્યુમેન્ટરી જોવા મળી, તેમાં ડાયલોગની જરૂરત જ નહોતી. ડોક્યુમેન્ટરી હતી ટ્રેનમાં કે બસમાં બેસેલા કેટલાક પુરુષો જે રીતે સ્ત્રીને જોતાં હોય છે કે અડતાં હોય છે. સ્ત્રી માટે કેટલું ત્રાસદાયક હોઇ શકે છે તે ફક્ત ભાવ અને બોડી લેંગ્વેજ દ્વારા દર્શાવાયું હતું. સ્ત્રી હોવાને નાતે આ સહજ જ યાદ રહી જાય છે. આપણે જ્યારે ટ્રેન, પ્લેન કે બસમાં પ્રવાસ કરીએ છીએ ત્યારે આપણને આસપાસની વ્યક્તિઓ વિશે વગર વાત કર્યે અનેક બાબતો સમજાઈ જતી હોય છે. જેમકે વ્યક્તિ કેરિંગ છે કે નહીં? સ્વાર્થી વ્યક્તિ, બેપરવા અને બેતમા વ્યક્તિત્વો પણ પરખાય છે. તો કેટલીક વ્યક્તિનો આનંદી, મદદરૂપ થવાનો સ્વભાવ કે પછી અસામાજિક વ્યક્તિત્વ વગેરે વગેરે... સમાજમાં ભલે દરેક વ્યક્તિ અંચળો ઓઢીને આવે પણ તેમના વર્તન દ્વારા તે પોતાનો સ્વભાવ વ્યક્ત કરી જ બેસતો હોય છે. 

દરેક વ્યક્તિ શબ્દ બોલે એટલે જ પરખાય એવું હોતું નથી. આપણને સામેની વ્યક્તિને જોતાંવેંત અનેક સિગ્નલ મળતાં હોય છે. બાળક જન્મે ત્યારથી જ બોલતો થઈ જતો હોય છે. પોતાના હાવભાવ દ્વારા, પરંતુ જેમ આપણે બોલતા થઈએ છીએ તેમ હાવભાવને જાણે બહુ મહત્ત્વ આપવામાં આવતું નથી. કે ન તો આપણને સમાજમાં કઈ રીતે વર્તવું જોઇએ તેનું શિક્ષણ આપવામાં આવે છે. હા, નાટક અને ફિલ્મના કલાકારોએ બોડી લેગ્વેંજ એટલે કે શરીરના દરેક અંગની ભાષા શીખવી-જાણવી જરૂરી બને છે. સફળ વ્યક્તિત્વોને જોશો તો પણ ખ્યાલ આવશે કે તેમના હલનચલન, હાવભાવ અને આંખોની ભાષા પણ એક મેસેજ આપતી હોય છે. સામાન્ય રીતે જ્યારે આપણે બીજી વ્યક્તિને મળીએ છીએ ત્યારે સૌ પ્રથમ આપણું શરીર બોલવા લાગે છે. અન્ડરસ્ટેન્ડિંગ હ્યુમન એકશન પુસ્તકના લેખક સાયકોલોજીસ્ટ રોબર્ટ એ બેરન અને ડોન બાયરન સમજાવે છે કે, આપણે આપણા વિશેની માહિતી હંમેશાં શબ્દો દ્વારા નથી આપતા પણ ચહેરાના હાવભાવ, આંખોની મુવમેન્ટ અને શારીરિક હલનચલન દ્વારા આપતા હોઇએ છીએ. આપણી હાલની લાગણીઓ અને મૂડ પણ આ બધા ધ્વારા વ્યક્ત થતાં હોય છે. 

પુરુષો દિવસભરમાં સ્ત્રીઓ કરતાં ૧૩૦૦૦ શબ્દ ઓછા બોલે છે તે હકિકત છે. એટલે પુરુષો મોટેભાગે બોડી લેંગ્વેંજ દ્વારા વ્યક્ત થતાં હોય છે. એવું બોડી લેંગ્વેજ એક્સપર્ટ વેનેસા વેન એડવર્ડનું કહેવું છે. બોડી લેંગ્વેજનું બે ક્લાસિક ઉદાહરણ જોઇએ. એરપોર્ટ પર લોન્જમાં વેઇટ કરતો વ્યક્તિ સતત ઇન્ડિકેટર પર જોતો હોય કે અનાઉન્સમેન્ટ સાંભળતો હોય સાથે તેના હાથ એકબીજામાં ભીડાયેલા હશે અથવા હાથમાં પકડેલી બેગ પર ફરતાં હશે. સાથે તેના પગ અને શરીર ટટ્ટાર હશે. તેને જોતાં જ ખ્યાલ આવી જાય કે વ્યક્તિ પ્લેનમાં પ્રવાસ કરતાં ગભરાટ અનુભવે છે. 

બીજું રોજબરોજ આપણી સાથે બને જ છે. લિફ્ટમાં જ્યારે જઈએ અને વધુ લોકો હશે તો બને તેટલા આપણે પાછળ દીવાલ સાથે ચીપકીશું. જેમ ભીડ વધારે હોય તો આપણે બને તેટલા સમેટાઈ જઈશું. મોટેભાગે દરેક જણ એકબીજા સાથે નજરો મિલાવવાનું ટાળશે. અમેરિકન સાયકોલોજીસ્ટ લેયન લોન્ગફેલો કહે છે કે જેમ લિફ્ટમાં ભીડ વધશે દરેક વ્યક્તિના મોઢા દરવાજા તરફ થઈ જશે અને એકબીજાને અડી ન જવાય એટલે શરીર તંગ થઈ જશે. દરેક વ્યક્તિ લાંબી અને પાતળી દેખાશે. અને જો કોઇ આ વર્તનની વિરુદ્ધ વર્તનારને એટિકેટ તોડી હોય તેમ જોવાશે.

સ્ત્રી અને પુરુષની બોડી લેંગ્વેજ અલગ હોય છે કે નહીં તે વિશે સ્પષ્ટતા હજી નથી થઈ. પણ સામી વ્યક્તિની બોડી લેગ્વેંજનું નિરીક્ષણ કરવામાં પુરુષો પાછા પડે છે. સ્ત્રીએ પુરુષનું ધ્યાન ખેંચવા માટે ત્રણવાર ઓછામાં ઓછું જોવું પડે છે, કારણકે પુરુષ ક્યારેય સ્ત્રીની પહેલી નજરની નોંધ લેતો નથી. એવું સંશોધનકાર મોનિકા મુરનું કહેવું છે. 

સ્ત્રીઓ પુરુષો કરતાં બોડી લેંગ્વેજ નિરીક્ષણમાં વધુ સારી હોય છે, કારણકે બીજાના વર્તનનું નિરીક્ષણ કરતી સમયે તેમનું મગજ ઇવેલ્યુએટ એટલે કે સાથોસાથ પૃથ્થકરણ પણ કરતું હોય છે. એમઆરઆઈમાં જણાયું છે કે સ્ત્રીઓ જ્યારે બીજાના વર્તનનું નિરીક્ષણ કરતી હોય છે ત્યારે તેના મગજના ૧૪ થી ૧૬ વિસ્તારમાં ગતિવિધિઓ ચાલતી હોવાનું જણાયું હતું, જ્યારે તેની સરખામણીએ પુરુષોના મગજમાં ફક્ત ૪ થી ૬ એક્ટિવિટી નોંધાઈ હતી. પુરુષોએ પત્નિ સાથે હોય ત્યારે થોડા સાવધાન રહેવાની જરૂર છે, કારણકે તમે કોને કેટલું જોતા હતા કે શું વિચારતાં હતા તે બધું જ પકડી પાડી શકે છે. 

કોઇ વ્યક્તિ જુઠ્ઠું બોલે છે કે નહીં તે પણ બોડી લેંગ્વેજ ધ્યાનથી જોતાં સમજાઈ જાય છે. વેનેસા કહે છે કે પુરુષો સ્ત્રીઓ કરતાં આઠગણું વધારે જુઠ્ઠું બોલે છે. વળી પુરુષો પોતાના માટે જુઠ્ઠું વધુ બોલશે. મોટેભાગે તેઓ પોતાને વધારે સફળ, સત્તાશાળી અને ઇન્ટરેસ્ટિંગ સાબિત કરવા માટે જુઠ્ઠું બોલતાં હોય છે. તો સ્ત્રીઓ બીજાની લાગણી ન દુભાવવા માટે જુઠ્ઠું બોલતી હોય છે. તમે જોયું હશે કેટલાક લોકો વાત કરતી વખતે કહેશે કે મેં તો પછી આમ કહી દીધું, ને પછી તો મેં આમ કર્યું. પોતાની નાનામાં નાની વાતને ય મલાવીને કહેતાં પુરુષો મોટેભાગે સફળ નથી હોતા. 

રિસર્ચરોએ નોંધ્યું છે કે ડોમિનેટિંગ અને સત્તા મેળવવી ગમતી હોય તેવા પુરુષો બેસવા, સૂવા કે ઊભા રહેવા સમયે વધુ જગ્યા રોકશે. તમે ઘણીવાર પુરુષોને હાથ સાઈડમાં લાંબા કરીને ઊભા રહેતા કે બેસેલા જોયા હશે. પુરુષો મોટેભાગે એવું કરશે, કારણકે તેમને પોતાની સત્તા દર્શાવવી હોય છે. પોતાની હાજરીની નોંધ લેવડાવવી હોય છે. અને પોતાનું ડોમિનન્સ આડકતરી રીતે બીજા સુધી પહોંચાડવાની ખેવના હોય છે. સૂતી વખતે પલંગમાં પણ આવા પુરુષો વધારે જગ્યા રોકતા હોય છે. 

જે દિશામાં જવાનું હોય છે તે દિશામાં આપણા પગનો અંગૂઠો હોય છે તેવી જ રીતે પુરુષને જે વ્યક્તિ કે વસ્તુમાં રસ હશે તેના પગનો અંગૂઠો એ દિશામાં જ હશે. કોઇ રૂમમાં કે મિટિંગમાં જે દિશામાં દરેકના પગના અંગૂઠા જોવા મળે તો સમજજો કે લીડરશીપ ક્વોલિટી તે વ્યક્તિમાં છે. 

લીડરશીપની વાત આવી છે તો આપણા નેતાઓ કઈ રીતે ભૂલી શકાય. નરેન્દ્ર મોદીની બોડી લેંગ્વેજ જોજો તે હંમેશાં આગળ વધવા માટે તત્પર હોય તેવી દેખાશે. આક્રમક અને નિર્ણયાત્મક. બીજી અનેક લાયકાત સાથે આ લાયકાત પણ આગેવાન નેતા તરીકે જરૂરી હોય છે. કેજરીવાલમાં દૃઢતા અને સમતા બે ગુણો દેખાય છે. તો રાહુલ ગાંધીમાં આકર્ષક પ્રતિભા હોવા છતાં નિર્ણયાત્મકતાનો અભાવ જણાઈ આવે છે. મનમોહન સિંહ અને અન્ય નેતાઓ પણ ઇન્ટેલિજન્ટ હોવા છતાં નિર્ણયાત્મકતાના અભાવને કારણે પ્રભાવ પાડી શકતા નથી. સોનિયા ગાંધી પાસે સત્તા એટલે પણ છે કે તેનામાં નિર્ણય લેવાની ક્ષમતા જણાઈ આવે છે. નેતા તરીકે તમારી પાસે કોઇપણ પરિસ્થિતિમાં નિર્ણય લેવાની ક્ષમતા હોવી જરૂરી હોય છે. કેટલીક વ્યક્તિઓ નિર્ણયો લેવા સક્ષમ હોતી નથી. તેથી હંમેશાં તેમના વતી દરેક નિર્ણયો બીજા જ લેતાં હોય છે. આવી વ્યક્તિઓ ઊચ્ચ હોદ્દા પર વરસો નોકરી કર્યા છતાં પહોંચી શકતી નથી.

આપણે જાણતાં અજાણતાં દરેક વ્યક્તિઓના વર્તનનું નિરીક્ષણ કરતાં હોઇએ છીએ. પણ જો તે તરફ વધુ ધ્યાન આપવામાં આવે તો સામી વ્યક્તિ વિશે ઘણું જાણી શકીએ છીએ. વર્તન દ્વારા આપણી આંતરિકતા બદલી નથી શકાતી, પણ આંતરિક વ્યક્તિત્વના બદલાવ સાથે વર્તન જરૂર બદલાય છે. ગુસ્સો અને પ્રેમ એ બન્ને બાહ્ય વર્તનને સમજવા માટે યોગ્ય ઉદાહરણો છે. અહીં દરેક મુદ્દાઓ આવરાયા નથી એનો નમ્ર સ્વીકાર કરું છું... આપણે ત્યાં સામુદ્રિક શાસ્ત્ર છે પણ તેનો અભ્યાસ દરેક માટે શક્ય નથી. પણ બોડી લેંગ્વેજ નિરીક્ષણ દ્વારા કેળવી શકાય છે. સ્ત્રીઓની બોડી લેંગ્વેજ વિશે જાણવાની આતુરતા ય હશે જ... તે માટે રાહ જુઓ આવતા મંગળવારની...

You Might Also Like

0 comments