પુરુષોને સેલ્ફી ગમે છે કે નહીં? 18-3-14

22:16

ગયા વરસે એટલે કે ૨૦૧૩ની સાલમાં ઓક્સફોર્ડ ડિકશનરીમાં એક નવો શબ્દ ઉમેરાયો... સેલ્ફી. એટલું જ નહીં તે ખૂબ પ્રચલિત પણ થયો. અહીં બેફામની એક પંક્તિ યાદ આવે છે. 

ગુમ કરી દે તો બની જાજે અરીસો, ઓ જગત !

કે અરીસામાં હું મારી જાતને જડતી જોઉં છું.

સેલ્ફી સ્માર્ટફોનની અને ટેકનોલોજીની પેદાશ છે. સેલ્ફી એટલે પોતાની જાતનો ફોટો ફોન દ્વારા કે વેબકેમથી અરીસામાં કે સીધેસીધો ક્લોઝ અપ લેવો અને ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક, વોટ્સએપ કે અંગત મેઇલ પર બીજા સાથે શેઅર કરવો. આમ જોઇએ તો પોતાની જાતને પ્રેમ કરતાં નારસિસ પ્રવૃત્તિ કહી શકાય. ટેકનોલોજીએ માણસોની માનસિકતા બદલવામાં ખાસ્સો ભાગ ભજવ્યો છે. આપણે વધુને વધુ સેલ્ફ ઓબસેસ થતાં જઈએ છીએ એવું નથી લાગતું ? સ્ત્રીઓ નવા કપડાં પહેરે કે પોતાનો ફોટો પાડીને મિત્રોની વાહ વાહ મેળવવા તરત જ મોકલે. એ સિવાય પણ કંઇક ખાતા, ટ્રેનની રાહ જોતા, ફિલ્મ કે કોઇ ઇવેન્ટમાં કે પછી નવી હેરસ્ટાઈલ બતાવતાં ફોટાઓ સ્ત્રીઓ પાડે અને મિત્રો સાથે શેઅર કરે. આ સેલ્ફી મોટેભાગે સ્ત્રીઓ અને ટીનેજર વાપરે છે એવું સતત કહેવાતું હતું. પણ હવે તો દિનબદિન પુરુષોની સંખ્યા એમાં ઉમેરાતી જાય છે. 

સૌ પ્રથમ નામ લઇ શકાય કિંગખાન શાહરુખનું. શાહરુખ સેલ્ફ ઓબસેસ છે એ જગજાણીતી વાત છે જ. તેને પોતાના સેલ્ફી અપલોડ કરવાની આદત છે. ભારતીય સેલિબ્રિટીઓમાં ઘણી બધી હિરોઈનો સેલ્ફીનો બેધડક ઉપયોગ કરી રહી છે પણ હવે ધીમે ધીમે તેમાંય પુરુષો સ્ત્રીની પાછળ રહેવા નથી માગતા. જ્હોન અબ્રાહમ, રણબીર કપૂર, અભિષેક બચ્ચન, ફરહાન અખતર, શાહિદ કપૂર વગેરે અનેક નામો ઉમેરી શકાય. હકીકતમાં સેલ્ફી એટલે કે પોતાનો ફોટો પાડવાની લાલચ મોટાભાગના રોકી શકતા નથી. પોતાની જાતનું ગૌરવ, પોતાની જાતને સ્થાપિત કરવા માટે, લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે સેલ્ફી છે એમ કહી શકાય. સેલ્ફી વિશે દુનિયાભરમાં ચર્ચાઓ થઈ રહી છે.

વિમેન્સ બ્લોગ જેઝબેલ કહે છે કે સેલ્ફી એ અભિમાનનું નહીં પણ પોતાના અસ્તિત્વનું પ્રતીક છે. તો વિદેશી લેખિકા એરિન ગ્લોરિયા લખે છે કે સેલ્ફી એ ફક્ત કશું જ ન કહેતી સ્ત્રીનું પિક્ચર છે. એ ન તો નોકરી માટેનું એપ્લિકેશન છે કે ન તો ગ્રાન્ટ એપ્લિકેશન છે. આકર્ષક સ્રીએ પોતાના હાથે દોરેલું ચિત્ર માત્ર છે. ઇંગ્લેડના જાણીતા અખબાર ટેલિગ્રાફમાં સ્ટીફન ડુઇંગે લખ્યું છે કે સેલ્ફી એ માત્ર કિશોરીઓ માટે જ છે. ૨૩ વરસથી ઉપરનો કોઇ પુરુષ સેલ્ફી લેતાં પકડાવો ન જોઇએ. 

અમેરિકન પ્રમુખ બરાક ઓબામાને પણ સેલ્ફી લેવાનો જબરો શોખ છે. નેલ્સન મંડેલાની અંત્યેષ્ટિ ક્રિયા પ્રસંગે તેઓ આફ્રિકા ગયા હતા ત્યાં સ્ટેડિયમમાં સેલ્ફી લેતાં મિડિયાની નજરે ચઢી ગયા હતા. અને તેમની ટીકાઓ થઈ હતી. જમાનો બદલાયો છે. પુરુષો ગોરેપનકી ક્રીમનો ઉપયોગ કરી શકે છે તો સેલ્ફી કેમ ના લઈ શકે. ઇન્સ્ટાગ્રામ સેલ્ફીમાં લગભગ ૫૮૦ લાખ ફોટો ટેગ કરેલા છે. તેમાં દર દશમાંથી એક ફોટો પુરુષોના છે. એટલે કે લગભગ ૬૦ લાખ પુરુષોએ પોતાના સેલ્ફી મૂક્યા છે. હોલીવુડનો જાણીતો અભિનેતા ટોમ હેન્ક અને સ્ટીવન માર્ટિનનો સેલ્ફી ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પ્રસંગનો છે. તો પોપ ફ્રાન્સિસને પણ બાળકો સાથે સેલ્ફીનો આનંદ માણતા ઇન્ટરનેટ પર જોઇ શકાય છે. 

પોતાનો ફોટો અને પોતે ક્યાં છે તેવું જણાવવાની જરૂર આ પહેલાં એટલે કે જ્યારે સોશ્યલ મિડિયા ન હતું ત્યારે ક્યાં હતી ? એવો પ્રશ્ન જરૂર થાય. હવે સોશ્યલ મિડિયા અને ટેકનોલોજીને કારણે અનેક મિત્રો સાથે લાઇવ થઈ શકાય છે. ટેકનોલોજીને અને પુરુષને સારું બને એટલે દરેક બાબતે કેન્દ્રમાં પુરુષ તો રહેશે જ. સેલ્ફીનો ઉપયોગ સ્ત્રીઓ વધુ કરે છે તો તેઓ પુરુષનું ધ્યાન ખેંચવા માટે જ તે ય સમજી શકાય છે. લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં આ સેલ્ફી ખૂબ ઉપયોગી થઈ રહ્યું છે. સેક્સી ફોટા એકબીજાને મોકલવા માટે ય સેલ્ફીનો ઉપયોગ ખાનગી રીતે થઈ રહ્યો છે. કારણ કે આવા ફોટા કોઇ ખાસ વ્યક્તિ માટે કે સેક્સ ચેટિંગ સમયે જ મોકલવામાં આવતા હોય છે. સેલિબ્રિટીઓ, મોડેલો પોતાના અર્ધનગ્ન ફોટા પણ મૂકે છે. પુરુષો પણ બેર ચેસ્ટ સાથે બાથરૂમના આયનામાં જોઇને ફોટા પાડીને મોકલે કે પછી ટેટુ કે પોતાના નવા કોઇ ગેઝેટ્સની પ્રાઉડ જાહેરાત. પ્રેમમાં હોય કે સગાઈ થાય તો તરત જ ગર્લફ્રેન્ડ સાથેનો ફોટો ય પુરુષો મૂકે. 

હકીકતમાં તો અહંને પોષવાની જ વાત હોય છે. દેખાદેખી તનિક હોઇ જાયે... પણ એનો વ્યાપ એટલો વધી રહ્યો છે કે ક્યારેક તે મુશ્કેલીમાં પણ મૂકી દઇ શકે છે. સેલ્ફી સંબંધો બાંધી શકે છે તો તોડી પણ શકે છે. ક્વીન ફિલ્મમાં કંગના પોતાના બોયફ્રેન્ડને જલાવવા મોર્ડન આઉટલુકની ટ્રાયલનો ફોટો પાડીને મોકલે છે. ચહેરો જોવો આપણને ગમે છે. વરસો બાદ શાળાનો મિત્ર જો સોશિયલ મિડિયા પર મળી જાય તો અત્યારે તે કેવો દેખાય છે તે જોવું ગમે. રૂબરૂ થયાનો આનંદ સેલ્ફી આપી શકે છે એટલે પણ તેનો વ્યાપ વધી રહ્યો છે.વળી તેનાથી દૂર બેઠેલી વ્યક્તિ નજીક હોવાનો અહેસાસ થાય છે. આજના ઝડપી યુગમાં જ્યારે એકબીજાને મળવાનો સમય નથી ત્યારે સેલ્ફી બે વ્યક્તિઓને રૂબરૂ કરી દે છે. છતાં કોઇ રોજ દિવસમાં બે વાર પોતાના સેલ્ફી પાડતું હોય અને સોશિયલ મિડિયામાં તેનો મારો ચલાવતું હોય તો શક્ય છે કે તે વ્યક્તિ સતત પોતાને કેન્દ્રમાં રાખીને જીવે છે. અને બીજાનું ધ્યાન પોતાના તરફ ખેંચવાના ભરપૂર પ્રયત્નો કરે છે. દરેક અંગત બાબતોની સેલ્ફી લેવી યોગ્ય નથી.તે એક જાતની માનસિક બીમારી છે. 

દરેક બાબતની અમુક હદ હોય છે ને એ હદમાં જ તે યોગ્ય હોય છે. બાકી તે એબનોર્મલ બની જાય છે. ગર્લફ્રેન્ડનો સેલ્ફી પત્ની જોઇ લે તો પતિનું શું થાય તે કહેવાની જરૂર છે. પુર્ુષોને પોતાના સેલ્ફી કરતાં સ્ત્રીઓના સેલ્ફી જોવામાં ખૂબ રસ હોય છે. તો અનેક લોકોને સેલિબ્રિટી સાથે સેલ્ફી પાડવાનો શોખ હોય છે. સેલિબ્રિટી સાથે સેલ્ફી પાડીને મૂકનારાના ચહેરા પર વાઘ માર્યો હોય તેવા ભાવ દેખાય તો સેલિબ્રિટીના હાસ્યમાં દયા, કંટાળો જણાય. સારું છે ચૂંટણીપ્રચારમાં આપણા નેતાઓ સેલ્ફીનો મારો નથી ચલાવતા હજુ સુધી. પણ કંઇ કહેવાય નહીં એ પણ બની શકે કારણ કે હજી દિલ્હી દૂર છે. જો કે સેલ્ફી મોટેભાગે આનંદ શેઅર કરવા જ પાડવામાં આવતા હોય છે એટલે જ તેને લાઈક પણ અનેક મળે છે. તમે એમાં સારા દેખાઈ શકો કે ચહેરાના હાવભાવ દ્વારા મસ્તીના અનેક મૂડ દર્શાવી શકો. ઇટ્સ ફન ... સો ડોન્ટ બી સિરિયસ... એકાદ વાર સેલ્ફીનો આનંદ માણવા જેવો છે. અંગત વ્યક્તિઓ સાથે , મિત્રો સાથે કે સોશિયલ મિડિયામાં પબ્લિક સાથે ચોઇસ ઇઝ યોર્સ

You Might Also Like

0 comments