દરેક સફળ સ્ત્રી પાછળ એક પુરુષ હોય છે.11-3-14

21:25

દરેક સફળ સ્ત્રી પાછળ એક પુરુષ હોય છે.

                                                                             
સ્ત્રી જો સામે આવેલી તક ઝડપતી નથી તો તેના મનમાં ભયની ગ્રંથિ બંધાઈ જાય છે. ત્યારબાદ તે કોઇપણ પડકાર ઊપાડતા અચકાય છે. આ વાક્યો છે એડલગીવ ફાઉન્ડેશનના સીઈઓ વિદ્યા શાહના. આઈઆઈએમના ગ્રેજ્યુએટ વિદ્યા શાહે વધુમાં  એક મુલાકાતમાં કહ્યું છે કે,”જ્યારે મારું પહેલુ બાળક છ મહિનાનું હતું ત્યારે મારે વિદેશમાં એક ડીલ માટે જવું પડે એમ હતું.  કુટુંબ અને કારર્કિદી વચ્ચેની દોડમાં બેલેન્સિગ કરતી સમયે સ્ત્રીઓ ગુનાહિત લાગણીઓથી પીડાતી હોય છે. પણ હકિકતમાં જરૂરત છે યોગ્ય વ્યવસ્થાપન શક્તિ કેળવવાની અને કુટુંબમાં મિત્રતા ઊભી કરવાની.
ખૂબ જ સરળ ભાષામાં વિદ્યા શાહે સ્ત્રીની કારર્કિદીમાં આવતાં પડકારો વિશે કહી દીધું. બહાર કામ કરવા જતી દરેક સ્ત્રીએ એક તો પુરુષ કાર્યકર સામે પુરવાર થવાનું હોય છે. બીજું કૌટુંબિક જવાબદારીઓમાં પણ તેણે પુરવાર કરવાનું હોય છે કે તે જવાબદારીથી ભાગી નથી રહી. કારર્કિદી અને કુટુંબ વચ્ચે બેલેન્સિંગ એક્ટ કરવું કેટલીકવાર એટલું મુશ્કેલ બની જાય છે કે મોટાભાગે સ્ત્રીઓ કારર્કિદીનો અને પોતાની આવડતનો વીંટોવાળીને મૂકી દેતી હોય છે. ખાસ કરીને બાળકને જન્મ આપ્યા બાદ. આનંદો આ વરસે જેન્ડર જાતીયતા વર્લ્ડ ઇકોનોમિક ફોરમના એજન્ડા પર છે. મિટિંગોમાં ચર્ચવામાં આવશે ડિઝાયરેબિલીટી ઓફ એડવાન્સિંગ ધ રાઈટ્સ એન્ડ ઇકોનોમિક પાવર ઓફ વિમેન્સ એન્ડ ગર્લ્સ અરાઉન્ડ વર્લ્ડ.
2008ની વર્લ્ડ ઇકોનોમિક ફોરમની એન્યુઅલ જનરલ મિટિંગમાં બિલ ગેટ્સે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, માનવ સ્વભાવના બે મુખ્ય સ્ત્રોત છે. એક સેલ્ફ ઇન્ટરેસ્ટ અને બે  કેરિંગ ફોર અધર્સ. ( પોતાને શેમાં રસ છે તે અને બીજાઓની કાળજી લેવી)  જો આ શબ્દોને પકડીએ તો સ્ત્રી અને પુરુષને સરખા જ માનવા જોઇએ. દરેક વ્યક્તિને પોતાની પ્રગતિમાં રસ હોય જ. મહત્ત્વકાંક્ષા અને હરિફાઈ એ બન્ને બાબત કારર્કિદીમાં માટે જરૂરી બને છે. સ્ત્રીઓને મહત્વકાંક્ષી બનવાનો અધિકાર ખરેખર આપવામાં આવે છે ? આ પ્રશ્ન આજે પણ એટલો જ મહત્ત્વનો છે. તેનો ઉત્તર સરળતાથી મળી શકે તેમ નથી. વિકસિત દેશ હોય કે વિકાસશીલ દેશ હોય સ્ત્રીની મહત્ત્વકાંક્ષાનો સ્વીકાર સરળતાથી થતો નથી. તે હકિકત છે. અને એટલે જ દરેક સ્ત્રીના જીવનમાં એક એવો તબક્કો આવે છે જ્યારે તેણે વિચારવું પડે છે કે તે  જીવનમાં શું ઇચ્છે છે.
બીજો મુદ્દો આવે છે બીજાની કાળજી લેવાનો. અહીં પણ જેન્ડર બાયસ ન રાખતાં એકવીસમી સદીમાં જો તેમને સમાન ગણીએ તો શું પુરુષો બાળકોની કાળજી, માંદા માતાપિતાની કાળજી, સામાજીક વ્યવહારો અને બીજા અનેક ઘરગથ્થુ કામો સરખે ભાગે રાજીખુશીથી ઊપાડી લેશે ? ના એવું નથી થતું. અને એટલે જ બેલેન્સિંગ એક્ટ કરવાની જવાબદારી સ્ત્રી ઉપર જ આવે છે. કારર્કિદી ક્ષેત્રે પુરુષ સાથે તેની સરખામણી કરવામાં આવતી હોય છે. પણ તે સમયે સ્ત્રીએ બમણી તાકાતથી લડવું પડતું હોય છે. કારણ કે બેલેન્સિંગ સ્ત્રીએ કરવાનું હોય છે પુરુષોએ નહીં.
અનેક મલ્ટિનેશનલ કંપનીઓએ ઉચ્ચ હોદ્દાપર મહિલાઓની નિમૂણક કરીને ઇતિહાસ તોડ્યો છે જેમકે અમેરિકાની જનરલ મોટર્સમાં મેરી બારા પ્રથમ મહિલા સીઈઓ બન્યા છે. અહીં આપણે કેટલીક ઊચ્ચ હોદ્દે પહોંચેલી મહિલાઓની વાત નથી કરતાં. આમાંથી મોટાભાગની મહિલાઓ શ્રીમંત પરિવારમાંથી આવે છે અને તેમની પાસે સપોર્ટ સિસ્ટમ ઊભી કરવાની આર્થિક ક્ષમતા હતી. પણ દુનિયાભરમાં અનેક મહિલાઓ એવી છે જેનામાં આવડત, લાયકાત, મહત્ત્વકાંક્ષા બધું  જ હોવા છતાં કુટુંબની જવાબદારી હળવી કરનાર આર્થિક મદદ પણ નહોતી. એટલે તેમણે પોતાની ઇચ્છા, મહેચ્છાઓને એક કોર મૂકીને બીજાની કાળજી લેવાનું પસંદ કર્યું છે. એટલે જ હજી ઊચ્ચ હોદ્દા પર સ્ત્રીઓની સંખ્યા ઓછી છે.  આશા રાખીએ કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં આ પાસાંઓ ઉપર પણ ચર્ચા થાય અને સફળ વિમેન સીઈઓ આ અંગે ચળવળ ચલાવે.
આ પસંદગી રાજીખુશીથી થઈ હોય તો પણ એ હકિકત છે કે તે સ્ત્રી પાસે પસંદગી નહોતી. જે પણ સફળ સ્ત્રી ઊચ્ચ હોદ્દા પર પહોંચી હોય છે તેની પાછળ બીજાની કાળજી લેનારો પુરુષ હોય છે તે હકિકત છે. અને જે સ્ત્રીમાં આવડત અને લાયકાત હોવા છતાં જો કારર્કિદી ન બનાવી શકી હોય તો પણ તેની પાછળ બેદરકાર પુરુષ જ હોય છે.

હાલમાં જ મહિલા દિન ગયો અને સ્ત્રી એમ્પારમેન્ટ સશક્તિકરણની વાતો થઈ  અને થશે પણ તેની સાથે જ શું પુરુષોને કૌટુંબિક કાળજી લેવાનું શીખવાડવાની જરૂર નથી ?  સમાજની માનસિકતા બદલાવવાની વાત અહીં પણ આવે જ છે. બીજું કંઇ નહીં તો બાળકોના ઉછેરમાં રેડાતી જાતિય ભેદભાવ તો દૂર કરી જ શકાય. 

You Might Also Like

0 comments