પર્સનાલિટીના પ્રશ્ર્નો 4-2-14

20:45

મારાં સાસુ બહુ ભણેલાં નહી તે હંમેશા પર્સનાલિટીને પ્રશ્ર્નાલિટી એવું ઉચ્ચારણ કરતાં. દેખાવમાં સારો હોય કે આકર્ષક હોય તો તે તરત જ કહે કે પ્રશ્ર્નાલિટી સારી છે હોં... સાંભળીને અમને હસવું આવતું. પણ ક્યારેક થાય કે ખરેખર કેટલીક પર્સનાલિટી પ્રશ્ર્નાલિટી જેવી જ હોય છે. રાહુલ ગાંધીની પર્સનાલિટી સારી છે. સફેદ લેંઘા-ઝભ્ભામાં પણ તે કૂલ દેખાય છે. ખાનદાનીમાં મળેલો વાન અને બાહ્ય પર્સનાલિટીને તે હંમેશાં કેરી કરી શકે છે. આજે પણ તે મોસ્ટ વોન્ટેડ બેચલરની યાદીમાં મોખરે છે. આ રાહુલને પણ જ્યારે જ્યારે મારાં સાસુ ટીવીમાં જુએ કે બોલી ઊઠે પ્રશ્ર્નાલિટી સારી છે નહીં ! ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં દરેક પક્ષના નેતાની પર્સનાલિટી સામે કેટલાક પ્રશ્ર્નો લિટી તાણીને ઊભા જ છે. સારી કે ખરાબ દરેક પર્સનાલિટી એટલે કે વ્યક્તિત્વો વધતેઓછે અંશે લોકોને ગમતાં હોય છે. 

અરવિંદ કેજરીવાલની ટોપી, મફલર, ચશ્માં, આછું હાસ્ય સાથે જરાય ઉશ્કેરાયા વિના બોલવું. તેમા એમનું મારવાડીપણું જણાઈ આવે. તોલમોલ કે બોલ. તમે જો જો એ કોઇ પણ સંજોગોમાં ઉશ્કેરાઈને વાત નહીં કરે કે જવાબ નહીં આપે. આમ આદમીની પરફેક્ટ પર્સનાલિટી. તો નરેન્દ્ર મોદીની પીઢ રાજકારણી જેવી પર્સનાલિટી. ટીવી પર ચાલતા લાઈવ ઇન્ટરવ્યુમાંથી ઊભા થઈને જઇ શકે. જે ન બોલવું હોય તે ન જ બોલે. કુનેહપૂર્વક જેને ટાળવું હોય તેને ટાળી શકે. 

રાહુલ ગાંધીનું હજી યુવાન વ્યક્તિત્વ. જેના દેખાવનાં વખાણ થઈ શકે પણ પ્રતિભા અંગે અવઢવ રહ્યા કરે. યુવાનોની જેમ દોડીને ટ્રેન પકડે, મન થાય તો રસ્તા પર ચા પીએ. ઝૂંપડામાં જઈને ભોજન લઈ શકે. ચપળ સહજ વ્યક્તિત્વ. બાહ્ય વ્યક્તિત્વ અને પ્રતિભામાં ફરક છે. જો કે વ્યક્તિની પ્રતિભા જ પર્સનાલિટી એટલે કે વ્યક્તિત્વને ઓપ આપે છે. પણ તે છેતરામણું પણ હોઇ શકે. પુરુષને જોતાં જ તમને તેની પ્રતિભા અને પર્સનાલિટીનો થોડો ઘણો ખ્યાલ આવી જ જતો હોય છે. સ્ત્રીઓ પોતાની પસંદગી અનુસાર જ પુરુષને પસંદ કરતી હોય છે. અગેઇન, દરેક વાતનાં મૂળ હોર્મોનમાં સમાયેલાં હોય છે. હોર્મોન પણ પર્સનાલિટી ઘડવામાં ભૂમિકા ભજવતાં હોય છે. પછી તે પુરુષ હોય કે સ્ત્રી હોય. જાણીતા અમેરિકન એન્થ્રોપોલોજિસ્ટ અને હ્યુમન બિહેવિયરનો ત્રીસ વરસથી અભ્યાસ કરનાર ડો. હેલન ફિશરે ખૂબ જ સાદી સરળ ભાષામાં વ્યક્તિત્વોને ચાર વિભાગમાં વહેંચીને સમજાવ્યું છે. એ વાંચતાં જ આપણને આપણી તથા આસપાસની વ્યક્તિઓની પર્સનાલિટીનો ખ્યાલ આવી શકે છે. 

પ્રથમ છે ધ નેગોશિયેટર - અર્થાત વ્યવહારું દરેક બાબતમાં તડજોડ કરી શકનાર. આ પર્સનાલિટી એસ્ટ્રોજન હોર્મોન સાથે સંકળાયેલી છે. આમ તો આ સ્ત્રીત્વનું હોર્મોન છે પણ પુરુષોમાં પણ આ હોર્મોન ભાગ ભજવતા હોય છે. શાકવાળા કે દુકાનદાર સાથે સ્ત્રીઓને ભાવ માટે સતત તડજોડ કરતી જોઇને પુરુષો મોં મચકોડતા હોય છે. પરંતુ, પુરુષો પણ અનેક બાબતે લેખાંજોખાં કરતા, તડજોડ કરતા હોય છે. તેને ગણતરી કરનારા પણ કહી શકાય. અને વ્યવહારુંં ય કહી શકાય. તેઓ જ્યારે કોઇની સાથે જોડાય છે તો સામી વ્યક્તિની સબળાઈ અને નબળાઈનાં લેખાંજોખાં કરી લે છે. તેઓ માનસિક રીતે દરેક પરિસ્થિતિની સાથે તડજોડ કરવા તૈયાર હોય છે. એટલે જ તેમનો સ્વભાવ મિત્રતાપૂર્ણ, મુત્સદ્દી અને સાચકલો લાગી શકે. તમારી પીઠ પાછળ પણ તેઓ તડજોડ કરી શકે. સંબંધોમાંય તેઓ ગણતરી રાખી શકે. સંબંધોમાં ગણતરીઓ રાખનારી વ્યક્તિઓ વ્યવહારું હોવા છતાં વિશ્ર્વસનીય કેટલી હોય તે વિચારવું પડે. કોઇપણ બાબતે તેઓ સરળતાથી હાથ ખંખેરીને ઊભા થઈ શકે. 

બીજું વ્યક્તિત્વ ધ ડિરેકટર - દિગ્દર્શક, ટેસ્ટોસ્ટેરોનની કેટલીક ગતિવિધિઓને કારણે આ ક્વોલિટી પેદા થતી હોય છે. ટેસ્ટોસ્ટેરોન આમ તો પૌરુષ હોર્મોન છે પણ કેટલીક સ્ત્રીઓમાં પણ તમે આવાં વ્યક્તિત્વો જોઇ શકો છો. આ પર્સનાલિટી ધરાવતી વ્યક્તિ સ્પર્ધાત્મક એટિટ્યુડ ધરાવતી હોય છે. પરિસ્થિતિને સમજીને ઝડપથી નિર્ણય લઈ શકવાની ક્ષમતા તેમનો પ્લસ પોઈન્ટ છે. તેઓ ભાગ્યે જ ક્ધફ્યુઝ થાય. દરેક પરિસ્થિતિનો તાગ પામી તેમાંથી રચનાત્મક રસ્તો શોધી શકે. અનેક ગુણો તેમનામાં હોય છે સાથે તેઓ સ્ટ્રોન્ગ વ્યક્તિત્વ ધરાવતા હોય છે. તેમની પાસે નક્કી કરેલા ગોલ સુધી પહોંચવાની ક્ષમતા હોય છે. જો કે આ જ કારણોસર તેઓ ક્યારેક એકાંગી લાગે. વ્યવહારુતા કે સામાજિક સંદર્ભો અંગે તેઓ બેધ્યાન હોય છે. તેમની પાસે સામાજિક વ્યવહારુતા માટે સમય ન હોય એવું શક્ય છે. એટલે ક્યારેક તેઓ ધૂની કે સ્વાર્થી જણાઈ શકે. 

ક્યારેય કોઇ પરિસ્થિતિમાં તેઓ તડજોડ કરવા તૈયાર નથી હોતા. દરેક પરિસ્થિતિને તેઓ બ્લેક એન્ડ વ્હાઈટમાં જોતા હોય છે, આ કારણોને લીધે તેઓ મિજાજી કે તોછડા લાગી શકે. સાથે જ સમજદાર, વફાદાર અને પોતાની આઇડિયા બીજા સાથે વહેંચી શકતા હોવાને કારણે ગાઢ મિત્રોય મેળવી શકે.

ધ બિલ્ડર- સેરેટોનીન નામના કેમિકલથી પેદા થતા તરંગોને કારણે આ પર્સનાલિટી કેળવાતી હોય છે. શાંત, મળતાવડા, સૌજન્યશીલ અને લોકોની સાથે તાલમેલ સાધી શકતા આ વ્યક્તિત્વો વફાદારી અને ફરજ નામના બે શબ્દોને જીવનનો મંત્ર બનાવીને ચાલતા હોય છે. એટલે જ તેઓ કુટુંબ અને મિત્રોની પડખે પિલરની જેમ અડીખમ ઊભા રહી શકે છે. લોકો સાથેનું તેમનું નેટવર્ક જબરદસ્ત હોય છે. પૈસા, લાગણી કે બીજી કોઇપણ બાબત તેમને માટે મહત્ત્વની નથી હોતી. હા, સુરક્ષિતતા તેમને માટે અનિવાર્ય હોય છે. મૂલ્યો માટે જીવ પણ આપી શકે. એટલે જ ક્યારેક તેઓ જડતાની હદે પોતાની વાત પકડી રાખી શકે. તેમણે નક્કી કરેલો રસ્તો જ સાચો. બીજા કોઇ રસ્તા વિશે વિચારશે કે સાંભળશેય નહીં. પોતાનાં નિયમો , મૂલ્યો અને શિસ્તના કડક આગ્રહી બની શકે. તેમાં ફેરફાર ચલાવી લે જ નહીં. તે છતાંય સામાજિક રીતે મળતાવડાપણું ધરાવતા હોવાને કારણે તેઓ કુટુંબમાં, ઓફિસમાં દરેક જગ્યાએ લોકપ્રિય પણ હોય છે.

ધ એક્સપ્લોરર- આ વ્યક્તિત્વોમાં ડોપામાઈન ખૂબ એક્ટિવ હોય છે. ડોપામાઈનનો એક ગુણ છે નોવેલ્ટી... સતત નવું કરવાનો ઉત્સાહ આ વ્યક્તિઓમાં ગજબનો હોય છે. રવિવારે છાપામાં વોટર સ્પોર્ટ્સની મજા ગણાવતો લેખ વાંચ્યા બાદ તમે એમની સાથે ત્રીજા જ દિવસે ગોવામાં કે દિવમાં વોટર સ્પોર્ટ્સમાણી રહ્યા હો તો નવાઈ નહીં. આવાં વ્યક્તિત્વોમાં બીજાઓ કરતાં પ્રમાણમાં વધારે સ્ફૂર્તિ અને ક્ષમતા હોય છે. એક રીતે તેઓ અજંપ હોઇ શકે. તેમને સતત કશુંક નવું કરવા જોઇએ. સતત નવો રસ, નવી જગ્યા, નવી વ્યક્તિઓ સતત કંઇક નવું શોધવા તેઓ તત્પર રહે. તેમનામાં રચનાત્મકતા પણ ભરપૂર હોય છે. પ્રવાસી, ટિકિટ કે એન્ટિક જેવી અનેક વસ્તુઓના સંગ્રાહકો, કાર રેસર વગેરેમાં ડોપામાઈન એક્ટિવ હોય છે. લોકોને આવાં વ્યક્તિત્વો તરત જ ગમી જતાં હોય છે. પણ તેમને એકની એક વાતનો કંટાળો આવતો હોવાને કારણે કોઇપણ સંબંધોમાં તે ટકી શકતાં નથી. લગ્નજીવન પણ તેમને કંટાળાજનક, રૂટિન લાગી શકે. રમતિયાળ સ્વભાવ અને કોઇપણ જાતના કંટાળાને જીવનમાં પ્રવેશવા ન દે. ટૂંકમાં સદા ઉત્સાહી જીવ.

આ તો હેલન ફિશરના ત્રીસ વરસોના કામનો નિચોડ છે. પણ તેમનું ઓબ્જર્વેશન થોડા શબ્દોમાં ઘણું કહી જાય છે. સોશ્યલ મિડિયા પર ફરતાં આલોકનાથ, રજનીકાંત, અર્નવ, અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી, મોદી અને સોનિયા ગાંધીના જોક્સ વાંચતાં ખાસ વ્યક્તિત્વ આપણી સમક્ષ તાદ્દશ્ય થાય છે. એટલે તેમના પરના જોકમાં પણ તેમની વિશિષ્ટ પ્રતિભા જણાઈ આવે છે. તમે જુઓ જોક તમારા કે મારા જેવા સામાન્ય વ્યક્તિત્વો પર નહીં થઈ શકે. તે માટે પર્સનાલિટીના પ્રશ્ર્નો થવા જરૂરી છે. આવતે અઠવાડિયે સ્ત્રીઓને કેવી પુરુષ પર્સનાલિટીમાં રસ પડે તે વિગતે જોઇશું. કારણ કે વેલેન્ટાઈન ડે નજીક આવી રહ્યો છે.

You Might Also Like

0 comments