પુરુષ અને સ્ત્રી , ઇટ્સ કોમ્પ્લિકેટેડ...31-12-13

21:17

વરસનો આજે અંતિમ દિન અને મને કોમ્પલિકેટેડ પ્રશ્ર્નો સૂઝી રહ્યા છે. પહેલાં મરઘી કે પહેલાં ઇંડું ? આ સવાલ જેટલો જ પેચીદો સવાલ છે શું પુરુષ અને સ્ત્રી ફક્ત મિત્ર બની શકે ? એટલે કે તેમની વચ્ચે પ્લેટોનિક મૈત્રી જેમાં સેક્સનો અણસાર ન હોય તેવી મિત્રતા.... જ્યારે પણ આ વાત નીકળે ત્યારે લાંબી ચર્ચાનો દોર શરૂ થઈ શકે. હાલમાં જ એક આર્ટીકલ અંગે ચર્ચા કરતાં ફેસબુકના વાચકો પ્લેટોનિક ફ્રેન્ડશીપ અંગે વાત કરવા લાગ્યા. કેટલાકે કહ્યું કે એવા કિસ્સા અમે જોયા છે તો એક મૈત્રીણીએ કહ્યું કે અરે મારે પર પુરુષ સાથે પ્લેટોનિક મૈત્રી છે. અને તે અંગે મારો પતિ જાણે છે.

એક ભાઈએ દલીલ કરી કે પોતાની પત્નીને પ્રેમ અને આદર આપતો પુરુષ બીજી સ્ત્રીની સાથે ફક્ત તેના દુખમાં પડખે ઊભો રહે તેવો મિત્ર બની શકે છે. ફાઈન, આ દરેક દલીલો તેની જગ્યાએ ઠીક છે પણ મનમાં શંકાનો કીડો સળવળે જ કે એવું શક્ય છે કે સ્ત્રી પુરુષ ફક્ત ખાસ

મિત્ર હોય અને તેમના મનમાં સેક્સનો કીડો ક્યારેય સળવળ્યો ન હોય. કુદરતી લાગણીઓને કઇ રીતે દાબી શકાતી હશે ?

અનેક લોકો છે જે માને છે કે સ્ત્રી પુરુષ વચ્ચે રોમાન્સ વિનાની મૈત્રી શક્ય નથી. હા કામ અંગે ઓફિસમાં વાત થતી હોય કે ફક્ત કામ પુરતા જ તેઓ મળતા હોય અને તે પણ જાહેરમાં તો એ પ્રોફેશનલ મિત્રતા શક્ય છે. પણ જ્યારે અંગત વાતો બે વ્યક્તિ વચ્ચે થતી હોય વળી જો તે બે વિરુદ્ધ જાતિની વ્યક્તિઓ જે સજાતીય વલણ ન ધરાવતી હોય તો ક્યારેય બન્ને વચ્ચે જાતીય આકર્ષણ ન થાય તેવું વિચારવું મુશ્કેલ છે.

જો કે આજકાલ હિન્દી ફિલ્મોમાં આવી મિત્રતા બતાવવામાં આવે છે. જેમાં આજના યુવાનો અને યુવતીઓ એક સારા મિત્રની જેમ વર્તતા હોય. કેટલાક કોલેજીયન યુવાનો અને યુવતીઓને આ પ્રશ્ર્ન પુછ્યો કે શું તમે માનો છો કે છોકરો અને છોકરી ફક્ત મિત્ર રહી શકે. દરેકનો એક જ જવાબ હતો...યસ્સ... હા ફ્રેન્ડસ વીથ બેનિફીટનો જમાનો છે. વી ડોન્ટ માઈન્ડ હેવિંગ સેક્સ ઇફ વી ફીલ લાઈક. વાઉ..વ. અર્થાત આ લોકો વિજાતીય મિત્રતામાં માને છે અને મૈત્રીમાં ઇચ્છા હોય તો સાથે સેક્સ માણવામાં તેમને કોઇ બાધ નથી હોતો.જો કે તેઓ સ્પષ્ટપણે માને છે કે સેક્સનો વિચાર ન આવે તેવી મૈત્રી સ્ત્રી પુરુષ વચ્ચે શક્ય નથી.

પુરુષો મંગળ ગ્રહના અને સ્ત્રીઓ શુક્ર ગ્રહ પરથી એવી થિયરીમાં જો આપણે માનતા હોઇએ તો પુરુષ અને સ્ત્રી વચ્ચે મૈત્રી શક્ય નથી જ. કારણ કે સ્ત્રી પુરુષની વચ્ચે શારીરિક આકર્ષણની તાણ રહેવાની જ છે. આ સનાતન પ્રશ્ર્ન છે જેનો જવાબ સ્પષ્ટ રીતે મળવો મુશ્કેલ છે. તે છતાંય કેટલાક વિજ્ઞાનીઓ, સમાજશાસ્ત્રી અને માનસશાસ્ત્રીઓએ તેનો જવાબ શોધવાનો પ્રયત્ન કર્યો છે. થોડો સમય પહેલાં વિસકોન્સિન યુનિવર્સિટીમાં ૮૮ સ્ત્રી-પુરુષ યુગલ મિત્રોને લેબોરેટરીમાં ભેગાં કર્યા. તે બન્નેને જુદાં કરી એકાંતમાં બન્નેને એકબીજા માટે થતી લાગણીઓને લગતાં પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા.

અંતે રિસર્ચરને જે તારણ મળ્યું તે સ્ત્રીઓને પુરુષ મિત્ર માટે આકર્ષણ નથી અને તેઓ આ સંબંધને સ્ટ્રિકલી પ્લેટોનિક હોવાનું માને છે. જ્યારે પુરુષ મિત્રને સ્ત્રી મિત્ર માટે રોમેન્ટિક લાગણી હોવાનું અનુભવાયું હતું. આ પુરુષોને ફક્ત તેની સ્ત્રી મિત્ર માટે આકર્ષણ હતું તેટલું જ નહીં તેઓ દ્રઢપણે માનતા હતા કે સામે સ્ત્રી મિત્રને પણ તેવી જ લાગણી છે. તેમને એવું પણ લાગતું હતું કે આ મૈત્રી પ્રેમમાં પરિણમવાની શક્યતાઓ છે. છેવટે દરેક પ્રશ્ર્નોના જવાબ જોતા સંશોધનકારો એવા તારણ પર આવ્યા કે મોટાભાગની સ્ત્રીઓ એવું વિચારે છે કે પુરુષ અને સ્ત્રીઓ જસ્ટ ફ્રેન્ડ હોઇ શકે.જ્યારે પુરુષ સતત એવું વિચારતો હોય છે કે આ સંબંધ મિત્રતાથી કંઇક વિશેષ આગળ જાય તો તેમને વાંધો નથી.

સમાજશાસ્ત્રીઓ એવું માને છે કે પ્લેટોનિક મિત્રતા શક્ય છે પણ કેટલીક શરતો સાથે જ. બન્ને વચ્ચે દરેક સંબંધોની બાબતે સંવાદિતા અને પારદર્શિતા હોય. જો કે સ્ત્રી પુરુષ સાથે હોય તો કોમ્પલિકેશનને નકારી ન શકાય તેવો ભય પણ તેઓ દર્શાવે છે. બીજું તેઓ માને છે કે વિરુદ્ધ જાતિની મિત્રતામાં ફાયદા પણ છે. સ્ત્રીને પુરુષ સાથે કઇ રીતે વર્તવું કે તેમનું મન કઇ રીતે કળવું તે સ્ત્રી મિત્ર કરતાં પુરુષ મિત્ર સારી રીતે જ કહી શકે. અને સ્ત્રી માટે પુરુષ મિત્રને સલાહ મળી શકે ઉફ્ફ ... આ થિયરી પણ મનેતો કોમ્પલિકેટેડ લાગે છે.

યુનિવર્સિટી ઓફ સિનસિનાટી રેમન્ડ વોલ્ટર કોલેજના પીએચડી પ્રોફેસર ડોન ઓમારાએ ક્રોસ સેક્સ ફ્રેન્ડશિપમાં સેક્સરોલ વિષયે એક સંશોધનાત્મક પેપર તૈયાર કર્યું છે. તેમાં એ લખે છેકે ૧૫૦થી વધુ પ્રોફેશનલ સ્ત્રી પુરુષોને પૂછવામાં આવ્યું કે તેમને સ્ત્રી પુરુષની મૈત્રીમાં શું નથી ગમતું ? સ્ત્રીઓનો જવાબ હતો સેક્સુઅલ ટેન્શન. જ્યારે પુરુષોએ જણાવ્યું કે જાતીય આકર્ષણને કારણે જ તેઓ સ્ત્રીની સાથે મિત્રતા કરવા તૈયાર થાય છે એ જ બાબત તેમની મિત્રતાને ગાઢ બનાવે છે. કુલ ૬૨ ટકા સ્ત્રી પુરુષોએ જણાવ્યું કે તેમની મૈત્રીમાં સેક્સુઅલ ટેન્શન હોય જ છે.

બીજું પિતૃસત્તાક માનસિકતાની અસર મૈત્રી પર પડે જ છે. મૈત્રી ત્યારે જ શક્ય છે કે જ્યારે બન્ને સમાન હોય પણ પુરુષમાં ડોમિનેન્સ, પાવર અને પ્રેસ્ટીજ સહજ હોય છે અને પછી મોટેભાગે સ્ત્રી અજાણતા જ પુરુષને સમર્પિત વર્તન કરતી હોય છે. વળી સમાજ પણ બન્નેની મિત્રતાને હંમેશા શંકાની નજરે જ જોશે. અને જો તેઓ બન્ને કે બે માંથી એક પરિણીત હોય તો આ મિત્રતા લાંબી ટકતી નથી. આમે એવું સાબિત થયું છે કે જેમ જેમ ઉમ્મર વધે તેમ સ્ત્રી પુરુષની વચ્ચે મિત્રતા થવી અશક્ય હોય છે. એડલ્ટ ફ્રેન્ડશીપના લેખિકા રોઝમેરી બ્લિઝનેરે નોંધ્યું છે કે માત્ર ૨ ટકા સ્ત્રીઓ જ મોટી ઉંમરે પુરુષો સાથે મિત્રતા કરે છે. કારણ કે સ્ત્રીઓને પુરુષ કરતાં સ્ત્રી મિત્ર સાથે લાગણીથી કનેક્ટ થયાનું અનુભવાય છે. સ્ત્રીઓને લાગણીઓની વાતો કરવી ગમે છે જ્યારે પુરુષોને ટ્રાવેલ, સ્પોર્ટસ અને શેરબજારની વાતોમાં રસ હોય છે. જો કે એટલે જ પુરુષને બીજા પુરુષ કરતાં સ્ત્રી સાથે વાત કરવામાં પોતાના વિચારો વ્યક્ત કરવામાં વધારે આનંદ આવતો હોય છે. અને એટલે જ તેઓ સ્ત્રી મિત્ર પસંદ કરે છે. નાની ઉંમરે ઠીક છે ફ્રેન્ડસ વીથ બેનિફિટ પણ ઉમ્મર વધતાં સ્ત્રીઓને એવું લાગે છે કે બીજી સ્ત્રી જ તેની વાત સમજી શકે છે એટલે તેઓ પુરુષને મિત્ર તરીકે ઇચ્છતી નથી.

અનેક સંશોધનો વાંચ્યા બાદ છેવટે એવું તારણ નીકળી શકે કે ઇટ્સ કોમ્પલિકેટેડ.... બન્ને માને છે કે પ્લેટોનિક મિત્રતા હોઇ શકે પણ પુરુષો વિચારે છે કે આ મિત્રતા પ્લેટોનિક તત્ત્વને પાર કરી શકે તો વાંધો નહીં. એનું કારણ છે મેલ હોર્મોન જેના વિશે પહેલાંના આર્ટિકલોમાં લખી ચુકાયું છે. જ્યારે આજના યુવાનો માટે તો ફ્રેન્ડસ વીથ બેનિફિટ ઓલવેઇઝ વેલકમ. એની વે સ્ત્રી પુરુષ વચ્ચે પ્લેટોનિક મિત્રતા હોઇ શકે ? આ ર્પ્રીંનનો જવાબ તમે પણ તમારી રીતે આપી શકો. અને જો કોઇ નવો વિચાર હોય તો ચોક્કસ અમને વરસના અંત પહેલાં કે નવા વરસની શુભેચ્છા સાથે લખી જણાવશો. બધાને નવા વરસની શુભેચ્છા.

You Might Also Like

0 comments