પુરુષ અહંમ ... હેન્ડલ વીથ કેર 15-1013

21:26

વરણાગી રાજા 15-10-13                          પુરુષ અહંમ ... હેન્ડલ વીથ કેર

પુરુષત્વ અને પુરુષ અહમ વચ્ચે પાતળી ભેદરેખા છે. તેને સમજવામાં સ્ત્રીઓતો ઠીક પુરુષો પણ થાપ ખાય છે.


મેલ ઇગો શબ્દ આપણે આજે વારે વારે વાપરીએ છીએ સાંભળીએ છીએ. મેલ ઇગો  અર્થાત પુરુષ અહંમ... આમ તો અહંકારને કોઇ જાતિ નથી જ પરંતુ, પુરુષ કે સ્ત્રી સાથે એ શબ્દ જોડાય કે તેના અર્થઘટનો બદલાય છે. પુરુષ અહંમ શબ્દમાં મિસ્ટીરીયસ પાવરફુલ મશીનનો પડઘો સંભળાય. તો  સ્ત્રીને સમજવી અઘરી છે કહીને તેનો વીંટો વાળી દેવામાં આવે છે.
પુરુષ અહંમની આસપાસ ગેરસમજનાય તાણાવાણા વીંટળાયેલા છે. આ અહંમ ક્યારેક બરડ તો ક્યારેક પથ્થર જેવો બની જતો હોય છે. સ્ત્રીઓને સૌથી વધુ ડર પુરુષો કરતાં પણ પુરુષોના અહંકારનો લાગે છે.  એટલે જ સ્ત્રીઓ પુરુષના અહંમ વિશે  કહેતી હોય છે કે હેન્ડલ વીથ કેર ... કારણ કે પુરુષનો અહંમ ઘવાય,તૂટે કે પથ્થર બની જાય કોઇપણ પરિસ્થિતિ આવકાર્ય નથી હોતી. અને જો સ્ત્રીને પુરુષના અહંકારને જાળવતાં આવડી જાય છે તો તે રાજ કરે છે. આવી શીખામણ અનુભવી સ્ત્રીઓ નવી પરણવા જઈ રહેલી દરેક યુવતીને આપતી હોય છે.
પુરુષનો ઇગો સંવેદનશીલ છે કે કોમ્પલેક્સ તે સમજવું અઘરું બની રહે છે. તમે ગુગલમાં સર્ચ કરો તો મેલ ઇગોને જાળવવા માટે શું કરવું તેની અનેક ટીપ્સ વાંચવા મળશે. વળી તેમાં મોટેભાગે એક બાબત જરૂર દેખાશે કે પુરુષ અહંમ ખૂબ જ કિંમતી છે અને નાજૂક છે તેની સાથે જાળવીને કામ લેવું જોઇએ. જાણેકે પૌરુષત્વ અને અહંમ બન્ને એક જ ન હોય તેવો પણ ભાસ ઊભો થાય છે. કારણ કે આપણને દરેક બાબતો ચોકઠામાં બેસાડીને જોવાની આદત પડી ગઈ હોય છે. પુરુષનું વર્તન આવું હોવું જોઇએ તો જ તે યોગ્ય અને સ્ત્રીએ અમુક રીતે જ વર્તવાનું. આ આચારસંહિતાઓ કોણે ઘડી ? અનલોક યોર કોન્ફિડન્સના લેખક ડૉ. ગેરી વુડસ કહે છે કે પુરુષ અને સ્ત્રીનું વર્તન તેમના જનનાંગોના આકાર ઉપરથી જાણે નક્કી કર્યું છે. પુરુષની પ્રવૃત્તિઓ બાહ્ય હોય અને સ્ત્રીની પ્રવૃત્તિ આંતરિકની હોય.બારમાં બેસીને પેગ ચઢાવીને ગાળો બોલે તે પુરુષ.... અને ઘરમાં બેસીને રોટલી વણે કે સાફસફાઈ કરે તે સ્ત્રી. આ ક્રમ ઊલ્ટો થાય તો શું પુરુષ મટી જશે ? એવું તો નથી જ હોતું. પણ પુરુષ અંગે ખોટી મીથ ઊભી કરવામાં આવી છે. અમુક રંગો પુરુષના અને અમુક રંગો સ્ત્રીના એ કોણે નક્કી કર્યું. એક મિત્ર દંપતીએ નવો મોટો ફ્લેટ લીધો અને તેને જાણીતા ઇન્ટિરિયર ડિઝાઈનર પાસે ડિઝાઈન કર્યો. એમના ઘરે જઈએ એટલે ગર્વ સાથે તમને ડિટેઈલમાં ઘર બતાવે દરેક બાબત ચોકસાઈપૂર્વક નક્કી કરેલી. દરેક વસ્તુની જગ્યા અને રંગોનો મેળ પાડેલો. તેમને એક દીકરી અને દિકરો પણ છે. તેઓ ટીનએજર છે. તેમનો રૂમ બતાવતા દંપતીના ચહેરા પર ગર્વની ઝલક બમણી થઈ જતી. દિકરાનો રૂમ બ્લ્યુ રંગનો અને તેમાં બોક્સિંગ બેગ, ફુટબોલરના ચિત્રો... દરેક બાબત પૌરૂષીય હોય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે તેવું જણાવ્યું. દીકરીનો રૂમ પિંક રંગનો ... સિલ્કની ચાદર, દિવાલ કબાટ તકિયા દરેક વસ્તુ પિંકના શેડમાં અને દરેક વસ્તુમાં ગર્લી ટચ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ત્યારે ક્યાંક વાંચેલું યાદ આવ્યું કે 19મી સદીમાં પિંક – ગુલાબી રંગ તે પુરુષોનો ગણાતો અને બ્લ્યુ રંગ તે સ્ત્રીત્વની ઓળખ હતો. આ વ્યાખ્યાઓ કોણે બાંધી હતી અને કોણે બદલી હતી ? તે આપણે જ વિચારવું રહ્યું ને !
 કેટલીક વખત આ ડિફાઈન્ડ એટલે કે નક્કી કરેલા વર્તનને કારણે ખોટા અહંકારમાં પુરુષ પોતાનું અને અન્યનું અણધાર્યુ નુકશાન પણ કરી બેસે છે. પોતાની મર્દાનગીની જવાબદારી સમજીને સ્ત્રીની રક્ષા માટે લડાઈ કરી શકતો કરતો પુરુષ સ્ત્રી પર બેરહમીથી બળાત્કાર પણ કરી શકે છે.સાયકોલોજીના જનક ફ્રોઇડની દરેક વાત સાથે આપણે સહમત ન થઈએ તોય.. ઇગોની વાત આવે તો ફ્રોઇડને યાદ કરવો જ પડે કારણ કે તેણે જ આ સુપર ઇગોની થિયરી આપી છે.  તેના મતે ઇચ્છાઓનો જન્મ થાય છે તમારા વ્યક્તિત્વમાંથી જે તમારી ઓળખ છે. આ ઓળખમાં સુપરઇગો પણ જેકિલ એન્ડ હાઈડની જેમ છુપાયેલો છે. કોઇ એક જાણીતા સાયકોલોજીસ્ટે કહ્યું છે કે evil man do what, good man  only dream of.  આ ઇવિલ એટલે ઇગો અહંમ એવું ફ્રોઇડનું કહેવું છે.
આ અહંમ ન હોય તો સેલ્ફ કોન્ફિડન્સ આત્મવિશ્વાસની ઊણપ વર્તાય છે તો જો વધુ પડતો હોય તો તેમાંથી ઊધ્ધતાઈની વાસ પણ આવે છે. પુરુષ અહંમમાં વારંવાર આ બન્ને બાબતો જોઇ શકાય છે કારણ કે બાળપણથી પુરુષે આમ જ વર્તવાનું અને આમ ન વર્તાય તેના ચોકઠા પાડી દેવામાં આવ્યા હોય છે. એ ચોકઠાઓ સ્ત્રીઓ માટે ય પાડવામાં આવ્યા જ છે પણ તેને માટે ફેમિનીસ્ટ મુવમેન્ટ શરૂ થઈ. જ્યારે પુરુષને માટે આ ચોકઠામાં ગોઠવાઈને વર્તવા સિવાય છૂટકો જ નથી. તેને સતત પૌરુષત્વની ધારપર ચલાવવામાં આવે છે. તેને બિચારો બાપડો કહેવા માત્રથી તેની હસ્તીને ખતમ કરી નાખવામાં આવી શકે. કહેવાય છે કે પુરુષને મારવો હોય તો હથિયારની જરૂર નથી હોતી. તેના અહંમને વારંવાર ઠેસ પહોંચાડો કે તોડી પાડો બસ પુરુષ ખતમ. આ બાબતનો જાણે અજાણે સ્ત્રીઓ ઉપયોગ કરી લેતી હોય છે. 
બાળપણથી છોકરો તેની માતાને ગર્વ થાય તેવો બાળક બની રહેવા માટે તનતોડ મહેનત કરે છે. અને જ્યારે તે મોટો થાય છે ત્યારે એનો પડઘો  તેને ગમતી સ્ત્રીમાં પણ જોવા ઇચ્છે છે. જો સ્ત્રી પુરુષને સતત ટોક્યા કરે કે બેજવાબદાર છે એવું કહે તો વાત ત્યાં પૂરી થઈ જાય છે. એ પુરુષ એવી સ્ત્રી સાથે કદીય જોડાઈ શકતો નથી.
ધારો કે પત્નિએ પતિને ઓફિસેથી આવતાં કોઇ વસ્તુ લાવવાનું  કામ સોંપ્યું હોય અને સાંજે પતિ તે વસ્તુ લાવવાનું ભૂલી જાય તો પત્નિ ગુસ્સે થઈ તેને કહે કે, “ તમે સાવ બેજવાબદાર છો આટલું પણ કરી નથી શકતા. તો બસ અહંમની આગ ભડકશે. પુરુષને થશે હું આટલું ન કરું તેમાં અત્યાર સુધી મારી કરેલી દરેક બાબત બેકાર..? હું બેજવાબદાર. પુરુષને અમુક  જ શબ્દો સંભળાય છે જે તેના ઇગોને ફ્લેટર કરે પંપાળે યા તો તેના ઇગોને ઠેસ પહોંચાડે. તેને શબ્દોની ભાષા કરતાં વર્તનની ભાષા સ્પષ્ટ સમજાય છે. બે પુરુષો વચ્ચે જ્યારે વાત થાય છે ત્યારે કોઇ બ્લેમ ગેમ કે ઇમોશનલ ગેમ ન રમાય. મેન ટુ મેન સીધીને સટ વાત હોય છે. પુરુષોને સમજવા માટે આ બાબત સ્ત્રીઓએ સમજવાની જરૂર છે.

પુરુષે પણ પોતે જ સાચો છે એવો ખોટો અહંમ રાખ્યા વિના બીજી વ્યક્તિ પણ સાચી હોઇ શકે તેવી દ્રષ્ટિ કેળવે તો અનેક સમસ્યાઓ નિવારી શકાય છે. સાયકોલોજીસ્ટોનું કહેવું છે કે અહંમના પડદા નીચે  સારઅસારના સમીકરણો ખોરવાય નહીં તેના યોગ્ય પ્રમાણભાન સાથે પુરુષ વર્તે તો ઓફિસ હોય કે ઘર તે સુપરહીરો બની શકે છે. 

You Might Also Like

2 comments