અર્થ ટુ ઓરબીટ

02:03

પોતાનો વ્યવસાય કરવો એ કાચાપોચાનું કામ નથી. નાણાકિય અસ્થિરતાથી લઈને અનેક અડચણોને પહોંચી વળવાની હિંમત હોય તો જ પોતાનો વ્યવસાય કરવાનો વિચાર કોઇપણ સ્ત્રીએ કરવો જોઇએ. દરેક સ્ત્રીએ પોતાને જે કામ કરવામાં રસ હોય તે જ કામ કરવાનો વિચાર કરવો જોઇએ. આજની નારીને આ સલાહ આપનાર સુષ્મિતા મોહન્તીએ ભારતની પ્રથમ સ્પેસ કંપની શરુ કરી અર્થ ટુ ઓરબીટ જેમાં સેટેલાઈટ અને સ્પેસ અંગે સર્વિસ અને પ્રોડકટ્સ વેચવામાં આવે છે. પોતાની વયથી ઘણી નાની દેખાતી સુષ્મિતાનો ઉછેર,ભણતર અમદાવાદમાં અને ત્યારબાદ તે પોતાના સપનાઓને આંબવા બોઇંગ અને નાસા સાથે કામ કરવા પહોંચી હતી. 2000ની સાલમાં નાસાની નોકરી છોડી તેણે પોતાનો વ્યવસાય કરવાનું નક્કી કર્યું. લિક્વિફેર નામે વિયેનામાં , મુનફેર નામે સાહસ સાનફ્રાન્સિસકોમાં શરુ કર્યુ. અને અર્થ ટુ ઓરબીટ નામે નવું વેન્ચર તેણે ભારતમાં મુંબઈથી શરુ કર્યું. સુષ્મિતાએ પોતાના સપનાને કઇ રીતે પૂર્ણ કર્યા તે જાણવા જેવું છે. અમદાવાદમાં રહેતી નોકરિયાત પિતાની દીકરી ધારે તો શું ન કરી શકે તેની રોમાંચક કથા છે. જે દરેક નારીને પોતાના સપના પૂર્ણ કરવાની પ્રેરણા આપી શકે છે.
સુષ્મિતાના પિતા અમદાવાદમાં ઇસરોમાં કામ કરતાં હતા. બાળપણથી જ ડે ડ્રીમર એટલે કે દિવાસ્વપનો જોતી સુષ્મિતાને આજે પણ ડે ડ્રીમ કરવું ગમે છે. બાળપણમાં તે અમદાવાદમાં ઇસરો નજીક આવેલ વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં જઇને સ્પેસ અંગેના મેગેઝિનો અતથી ઈતિ વાંચતી. ટેલિવિઝન પર આવતી સ્ટાર વાર્સ,કોસ્મોસ સાયન્સ ફિકશન સિરિયલો જોવી ગમતી. હાઈસ્કુલમાં હતી ત્યારથી સ્પેસમાં જવાના અને રહેવાના સપનાઓ જોતી. તેને આવતાં વૈજ્ઞાનિક વિચારોને તે કાગળ પર લખીને નાસામાં, વોંશિગ્ટનમાં સ્પેસ રિલેટેડ જે લોકો કામ કરતાં હોય ત્યાં મોકલાવતી. ક્યારેક તેને જવાબ પણ મળતો. આગળ ભણવા માટે તેને ફ્રાન્સની ઇન્ટરનેશનલ ફ્રાન્સ યુનિવર્સિટીમાં જવું હતું. તે માટે 35000 ડોલર તેણે આઠ મહિનાના ગાળામાં ભેગા કરવાના હતા. નિરાશ થયા વિના સુષ્મિતાએ દુનિયાભરમાં 100 જેટલી સંસ્થાઓને એજ્યુકેશન ફંડની મદદ માટેના પત્રો લખ્યા. ત્યાંથી મદદ ન મળતા દુનિયામાં ખ્યાતિ ધરાવતાં સાત વ્યક્તિઓને પત્રો લખ્યા. તેમાં બિલ ગેટ્સ , કાર્લ સેગન અને  2001 એ સ્પેસ ઓડિસીના લેખક આર્થર સી. ક્લર્ક નું  નામ પણ  હતું.
એક દિવસ તેને યુનિર્વસિટીમાંથી ફોન આવ્યો કે અમને આર્થર સી. ક્લાર્ક પાસેથી કોરો ચેક તમારા નામનો મળ્યો છે. આમ આર્થર ક્લાર્કે તેના સ્પેસ કોર્સના ભણતર માટે પૈસાતો ચુકવ્યા જ પણ ત્યાર પછી ય તે સુષ્મિતાના પ્રેરણામૂર્તિ બની રહ્યા.
આંતરરાષ્ટ્રિય સ્પેસ યુનિવર્સિટીની ડિગ્રીને કારણે તેને બોઇંગ અને નાસામાં કામ કરવાની સરળતા કરી આપી. બે ત્રણ વરસ બાદ તેને લાગ્યું કે શીખવાનું બધું જ શીખી લીઘું છે એટલે તેણે નોકરી છોડીને સ્પેસ પ્રોડક્ટસ અને સર્વિસનો વ્યવસાય શરુ કરવાનો વિચાર આવ્યો ને બસ જંપલાવ્યું. ત્યારબાદ તેણે પાછું વળીને જોયું નથી. સુષ્મિતા સફળતાને સહજતાથી પચાવીને જીવનને વર્કોહોલિક ન બનાવતા જીવી જાણે છે. એ કહે છે, હું સતત કામ ન કરી શકું. વચ્ચે વચ્ચે બ્રેક લઈ જ લઉં. બારીની બહાર ઊડતાં પંખીઓને જોવા, નીચે ગલીમાંથી પસાર થતાં માનવો ને જોવા કે વૃક્ષને જોયા કરું. કોફી પીઉં. સવારે દિવસ વહેલો શરુ થાય એટલે બપોરે પાવર નેપ લઈ લઉં. કવિતા, પેઇન્ટિંગ, ચાલવું, યોગાસન કરીને ચિત્તને શાંત રાખે. સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવાનું હું ચુકતી નથી. કુદરત વચ્ચે રહેવું મને ગમે છે પક્ષીઓના અને બાળકોના અવાજ મને ગમે છે.
સુષ્મિતાને મન પૃથ્વી અને આકાશ જુદા નથી. તેના મતે અંતરિક્ષમાં આપણે ય એક સ્પેસશીપમાં જ છીએ. મનગમતું કામ હોય તો જીવન જીવવાનો ભાર ન લાગે તે હકિકતને સુષ્મિતા સહજ જીવન ઘ્વારા સમજાવે છે.


You Might Also Like

0 comments