નારીનો દેખાવ મહત્ત્વનો ખરો ? 4-6-13

18:32


સ્ત્રીઓ કોના માટે સુંદર દેખાવાનો પ્રયત્ન કરે છે ?  આ સવાલ  વિવાદાસ્પદ છે. જવાબમાં  બે ભિન્ન મત હોઇ શકે,  કોઇ કહે કે દેખાવડા હો તો લોકો (પુરુષો)આકર્ષાય છે ને તમને મહત્ત્વ મળે છે.  તમારું કામ પણ  આસાનીથી થઈ શકે છે. તો વળી કેટલાકનું કહેવું છે કે તમે સારા દેખાતા હો તો આત્મવિશ્વાસ વધે છે. એટલે બીજાને માટે નહીં પણ પોતાના માટે જ સ્ત્રીઓ સુંદર દેખાવાનું પસંદ કરે છે. સૌંદર્યની પરિભાષામાં સૌ પ્રથમ નારી દેહ અને ત્યારબાદ તેનો શણગાર અને મેકઅપ આવે. આ વિષય પસંદ કર્યો કારણ કે સેક્સી અભિનેત્રી એન્જિલીના જોલીએ હાલમાં જ ભવિષ્યમાં પોતાને સ્તન કેન્સર હોવાની શક્યતાને લીધે સ્તન કઢાવી નાખવાનો નિર્ણય લીધો અને તેને જાહેર પણ કર્યું. સ્તનએ નારી હોવાનું એક પ્રમાણ છે. તેની સાઈઝ , દેખાવ અંગે  સ્ત્રી પોતે પણ  ખૂબ જ સંવેદનશીલ હોય છે ત્યાં તેને કઢાવી નાખવાનો નિર્ણય કરવો સહેલો નથી. એન્જલિના જોલીએ ખૂબ સરસ બાબત એ કહી કે મારું નારીત્વ સ્તન કાઢી નાખવાથી જરાય ઓછું નહીં થાય. એન્જલિના જોલીનો આગોતરો અગમચેતી રુપે સ્તન કાઢી નાખવાનો નિર્ણય સાચો કે ખોટો. આપણે તેની જગ્યાએ હોઇએ તો એવું કરીએ કે નહીં તે વળી જુદી જ ચર્ચાનો વિષય છે.
નારીનો દેખાવ આટલો મહત્ત્વનો કેમ છે ?  સ્ત્રી જાડી હોય કે પાતળી, ગોરી હોય કે સાંવરી, ઊંચી હોય કે નીચી બાહ્ય દેખાવને કારણે તેનું નારીત્વ બદલાઈ નથી જતું. એપ્રિલ મહિનામાં અમેરિકન પ્રેસિડન્ટ બરાક ઓબામાએ કેલિફોર્નિયાની એટર્ની જનરલ કમલા હેરિસને કરેલી કોમેન્ટ બદલ માફી માંગવી પડી હતી. ઓબામાએ  ક્હયું હતું કે અત્યાર સુધીના તમે સૌથી સુંદર દેખાતા એટર્ની જનરલ છો. લોકોએ આ કોમેન્ટને જાતિય આધારિત ગણાવી વખોડી કાઢી. આમ તો કોઇની સુંદરતાના વખાણ કરવા કંઇ ખરાબ નથી પરંતુ, એવો ઇતિહાસ રહી ચુક્યો છે કે સ્ત્રીની સુંદરતા જ મહત્ત્વની છે તેની બુધ્ધિમત્તા કે આવડત નહીં. એટલે જ સ્ત્રીની સુંદરતાના વખાણ કરવા તેનો અર્થ એવો કરવામાં આવે છે કે તેમનો દેખાવ આકર્ષક કે મહત્ત્વના છે કામ તો ઠીક છે.
જગતની મોટાભાગની સ્ત્રીઓએ પણ તે સ્વીકારી લીધું છે એટલે જ તેઓ સુંદર , આકર્ષક દેખાવાના પ્રયત્ન કરતી હોય છે. તેમાં મોટાભાગનો આશય પુરુષોને આકર્ષવાનો હોય છે. એરહોસ્ટેસ,અભિનેત્રી કે સેક્રેટરી તરીકે પાતળી, યુવાન અને દેખાવડી સ્ત્રીઓને જ પસંદ કરવામાં આવે છે. એરહોસ્ટેસ, અભિનેત્રી કે સેક્રેટરી તરીકેની પહેલી શરત જ એ હોય છે કે તમે યુવાન, દેખાવડા , આકર્ષક હોવા જોઇએ. બાકી ડિગ્રી કે કામ કરવાની આવડત એ સેકન્ડરી બાબત છે. સુંદરતાની આવી વ્યાખ્યાને કારણે કેટલીય સ્ત્રીઓ માનસિક તાણ અનુભવતી હોય છે.

આજે સ્ત્રીઓના એમ્પાવરમેન્ટની (અધિકાર,સત્તા) વ્યાખ્યા તેના દેખાવથી શરુ થાય છે. જેટલું વધુ શરીર બતાવે વળી પાછું તે સેક્સી હોવું જરુરી છે તેટલી જ તેને પ્રશંસા કે સફળતા મળી શકે. સ્પાઈસ ગર્લ, લેડી ગાગા, મલ્લિકા શેરાવત આના થોડાક ઉદાહરણ છે. બાકી આપણી દરેક હિરોઇન પણ આઇટમ ગીતમાં સેક્સી ડાન્સ કરીને શું પુરવાર કરવા માગે છે તે સમજી શકાય છે. પુરુષોના રેઝરની જાહેરાત હોય કે પરર્ફ્યુમ કે પછી કારની  જાહેરાત તેમાં સેક્સી દેખાતો નારી દેહ અનિવાર્ય છે. પછી એ જ નારી દેહને  ઉપભોગની વસ્તુ ગણીને બળાત્કાર કરીને ચુંથી નાખવામાં આવે છે.  સ્ત્રી એટલે સુંદર, સેક્સી, ઉપભોગની વસ્તુ એવી માનસિકતા ઊભી કરવામાં આપણે સ્ત્રીઓ પણ એટલી જ જવાબદાર છે એ કમને ય સ્વીકારવું રહ્યું.  નારીત્વ એટલે માત્ર બાહ્ય દેખાવ નહી. સુંદરતા અને આકર્ષકતાની પરે નારીનું  વ્યક્તિત્વ રહેલું છે. જેને દેખાવ સાથે કોઇ મતલબ નથી. એનો અર્થ એ નથી કે નારીએ સ્વચ્છ , સુઘડ વસ્ત્રો ન પહેરવા કે પોતાને ગમતી રીતે તૈયાર ન થવું. નારીની સુંદરતા અને સેક્સીપણા પાછળ આજની ઇકોનોમી પણ ઉછરી રહી છે ત્યારે દેખાવડાપણાની માનસિક ગુલામીમાંથી મુક્ત થવું ખરેખર અઘરું થઈ રહ્યું છે. બસ જરુરત છે તો એકવાર આયનામાં જોઇને નારીત્વના સાચા રુપને જોવાની.

You Might Also Like

0 comments