હ્યુમેનિટી હોસ્પિટલ.17-4-13 jivan gulal

00:15


મૃત્યુ બાદ સાથે કશું જ નહીં આવે....આવા શબ્દો આપણે અનેકવાર સાંભળીએ છીએ, વાંચીએ છીએ કે બોલીએ પણ છીએ. પરંતુ, આપણે કોઇપણ માલિકીભાવ જતો કરવા તૈયાર નથી હોતા. બે પાંચ રુપિયા માટે ય આપણે રકઝક કરતાં નથી અચકાતા. પરંતુ, ઉપરોક્ત શબ્દો બંગાળના નાના ગામની ગરીબ સ્ત્રી સુભાષિની મિસ્ત્રી બોલે છે ત્યારે ઠાલા નથી લાગતા. કારણ કે સુભાષિનીએ પોતે કશું જ નથી ભોગવ્યું પણ ગરીબોને માટે કોલકોતા નજીકના એક ગામમાં હ્યુમેનિટી હોસ્પિટલ શરુ કરીને મોટું  કામ કર્યું છે. ટીવી પર કે અખબારોમાં તેના કાર્ય વિશે લખાય તે માટે આ કામ નથી કર્યું. પરંતુ પોતાના પર વીતી તે બીજા પર ન વીતે તે માટે એણે આ સમાજસેવાનું કામ કર્યું છે. પણ હવે દરેક મિડિયામાં તેના કાર્ય વિશે નોંધ લેવાઇ છે.
સુભાષિની બંગાળના અત્યંત ગરીબ પરિવારમાં જન્મી હતી અને અત્યંત ગરીબ ખેત મજુરને પરણી હતી. હંસપુકુર ગામમાં મહિને  ફક્ત બસો રુપિયા કમાતા તેના પતિને  પરણીને આવી ત્યારે તે બાર જ વરસની હતી. આખો દિવસ ઘરકામ કરતી સુભાષિનીના જીવનમાં  ચાર બાળકો અને પતિ માટે રાંધવા સિવાય કોઇબીજો વિચાર નહોતો. 1971ની સાલમાં તેનો પતિ ચંદ્રા બીમાર પડ્યો. સખત પેટની પીડા સાથે તેને તાલુકાના શહેર ટોલિગંજમાં આવેલ મ્યુનિસિપલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરંતુ, પૈસા વગરના દર્દી તરફ અહીં ડોકટરો અને નર્સોએ ત્વરિત ધ્યાન ન આપ્યું અને તે મૃત્યુ પામ્યો.સુભાષિનીએ મૃત પતિ સામે રડતાં મનમાં નક્કી કર્યું કે તે ગરીબો માટે હોસ્પિટલ બનાવશે. ચાર નાના નાના બાળકો અને કોઇ આવક નહીં છતાં આવડું મોટું સપનું જોવાની હિંમત અભણ સુભાષિનીએ કરી. સુભાષિનીએ ફક્ત લાગણીના આવેશમાં આવું સપનું નહોતું જોયું. તેણે પોતાનું અને બાળકનું ભરણપોષણ કરવા માટે લોકોના ઘરે ઘરકામ કરવા માડ્યું. તેમાંથી તેને મહિનાના માંડ સો રુપિયા મળતા હતા. સમય જતાં તેને સમજાયું કે ઘરકામ કરવા કરતાં શાક ઊગાડીને વેચવામાં વધુ પૈસા મળે છે અને તેણે ધાપા ગામમાં શાક વેચવાનું શરુ કર્યું.
તેનો મોટો દીકરો અજય ભણવામાં હોશિયાર હતો પણ તેની પાસે કઇ તેને ભણાવવાના પૈસા નહોતા એટલે તેણે દીકરાને કલકત્તાના એક અનાથાલયમાં મૂક્યો. બાકીના ત્રણ બાળકો માતાને મદદ કરતા. એવું કોઇ કામ નહોતું કે સુભાષિનીએ ન કર્યું હોય. કચરા પોતા, ગાર્ડનિંગ, બુટપોલીસ, રસોઈ, ઘર બાધકામની મજુરી વગેરે.. પણ શાક વેચીને તે મહિને પાંચસોએક રુપિયા કમાવા લાગી. તેણે એટલા રુપિયામાંથી પણ પચાસ, સો બસો જેટલી રકમ બચાવવાની શરુઆત કરી. પોતા પર તે  નહીવત પૈસા વાપરતી તો બાળકોને  સૌથી ઓછી જરુરિયાતમાં ઊછેર્યા. વીસ વરસ સુધી આ રીતે બચત કરી ગરીબો માટે હોસ્પિટલ બાંધવાનું પોતાનું સપનું પુરું કરવા માટે.
 1992ની સાલમાં તેણે પોતાના પતિના ગામમાં રુપિયા 10000માં (દશ હજાર રુપિયા) એક એકર જમીન ખરીદી. પછી ગામવાળાઓને હાકલ કરતાં તેમણે  થોડી વસ્તુઓ અને  નવસોએક રુપિયાની સહાયથી ત્યાં નાનું કાચું મકાન બાંધી ડિસ્પેન્સરી શરુ કરી. તેમાં આસપાસના ગામના ડોકટરોને મફત સેવા આપવા માટે વિનંતી કરી. પહેલાં જ દિવસે અઢીસો જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી. પછી તો તેનો દીકરો અજય ડોકટર થયો અને તે પણ માતાની સાથે સેવા કાર્યમાં જોડાઈ ગયો. ધીમે ધીમે કરતાં આજે બે માળનું મકાન ધરાવતી હ્યુમેનિટી હોસ્પિટલ ગરીબ દર્દીઓને તદ્દન મફત સારવાર આપી રહી છે. તો ગરીબી રેખાની ઉપર જીવતા પરિવારો પાસેથી ટોકન રુપે થોડી રકમ લે છે. પછી તો તેની દીકરી પણ નર્સ બની. દીકરાની વહુ પણ હોસ્પિટલના કામમાં જ જોડાઇ. સુભાષિની ત્યારે પણ શાક વેચવાનું ચાલુ રાખ્યું હતું. અને પોતાની કમાણી હોસ્પિટલ માટે વાપરતી.આજે તો દરેક પ્રકારના રોગોની સારવાર અહીં થાય છે.  
સુભાષિની આજે પણ તેના પતિના ઝુપડાંમાં રહે છે. તે ધારત તો સારું મકાન, ઘરેણાં , સાડી લઈ શકી હોત પણ તેનું કહેવું છે કે એ બધું મરતી વખતે ભૌતિક વસ્તુઓ સાથે નહી આવે પણ હસતાં ચહેરાઓ જોઇને મને જે સુખ,આનંદ અને શાંતિ મળે છે તેનું કોઇ મૂલ્ય નથી. સુભાષિનીની વાત સાંભળીને નત મસ્તક થઈ જવાય છે.




You Might Also Like

1 comments