મહિલા પોલીસ સંવેદનશીલતાથી કામ કરી શકે છે.30-4-13

05:49


ડેપ્યુટી સુપ્રિટેન્ડટ ઓફ પોલીસ  ઉષા રાડાની ઓફિસમાં પ્રવેશો અને આસપાસ નજર કરો તો અન્ય પોલીસ ઓફિસરની કેબિન જેવી જ કેબિન જણાય પણ તેમાં કંઇક જુદું તરી આવે તે છે સાહિત્યના પુસ્તકો.. કનૈયાલાલ મુનશી , ઝવેરચંદ મેઘાણી, મકરંદ દવે અને અશ્વિની ભટ્ટના પુસ્તકો. નવાઈથી ઉષા રાડાની સામે જોવાય જાય છે. આછું હસતાં કહે, સાહિત્ય પ્રત્યે પ્રેમ પહેલાં થયો હતો. પછી પોલીસની ફરજ માટે. ભણવામાં ગુજરાતી સાહિત્ય મારો પ્રિય વિષય હતો. વાંચનનો શોખ મને બાળપણથી જ છે જો કે હવે સમય ઓછો મળે છે. જો હું પોલીસમાં ન આવી હોત તો પત્રકાર કે શિક્ષિકા હોત.
ઇસ્ત્રીટાઈટ ખાખી વરદીમાં આત્મવિશ્વાસથી ભરપુર અસ્તિત્વના સ્વામી ઉષા રાડાને જોતાં જ રબારણની પાણીદાર આંખો, પાતળી દેહયષ્ટિ અને ચહેરા પર કુમાશ સાથે તીખું નાક ધ્યાન ખેંચે. પણ જ્યારે કામની વાત આવે ત્યારે જાતિમાંથી બહાર નીકળીને ફક્ત કડક પોલીસ ઓફિસરની છાપ ધરાવે છે. ગુનેગારોની પાછળ જીપમાં પીછો કરવો , પિસ્તોલ સાથે દોડવું કે પછી દિવાલ ઠેકવા જેવા બધી જ ફરજો પોલીસ ઓફિસર તરીકે બજાવી છે. ઉષા કહે છે, ફિલ્મોમાં જે રીતે બતાવે છે તે રીતે જ પોલીસોએ વખત આવે ગુનેગારોનો પીછો કરવો પડે છે. પોલીસની ફરજ બજાવતાં સ્ત્રી કે પુરુષ જોવાતું નથી.પરંતુ,  સ્ત્રી તરીકે અમારામાં જે સંવેદનશીલતા જન્મજાત હોય છે તે પોલીસની ફરજમાં ઉપયોગી બને છે. કારણ કે પોલીસ પાસે આવનારા લોકો સમાજની વિકૃતિઓનો ભોગ બન્યા હોય છે. ક્યારેક તો ગરીબ માણસ ઉધાર પૈસા લઈને પોલીસ સ્ટેશન સુધી પહોંચતો હોય છે. તેમની સાથે સહ્રદયતાપૂર્વક વર્તન કરવું જરુરી બને છે. બીજું સ્ત્રીઓ ઝટ નિર્ણય લઈ શકે છે. જે આ પ્રોફેશનમાં ખૂબ જ ઉપયોગી છે.. અને સાચું કહું તો મને અહીં આ ફિલ્ડમાં ગ્લાસ સિલીંગ નડી નથી. મને તો આવતે જન્મે ય પોલીસ ઓફિસર તરીકેની કારર્કિદી બનાવવી ગમશે. એવું કહેતાં ઉષાના ચહેરા પર ગૌરવ છલકાતું જોવા મળે છે.
ઉષા રાડા મૂળ જામ જોધપુરના સોરઠિયા રબારી સમાજના. ઉષાના માતા શિક્ષિકા અને પિતા સરકારી અધિકારી એટલે જુનવાણી રબારી સમાજમાં રહેવા છતાં પુત્ર અને પુત્રીને શિક્ષણ અને સંસ્કાર આપવામાં  ક્યારેય ભેદભાવ ન કર્યો. ઉષાએ પીટીસી અને પત્રકારત્વમાં માસ્ટર્સ ડિગ્રી મેળવ્યા બાદ નોકરી કરવી હતી પરંતુ, મોટાભાઈના આગ્રહથી જીપીએસસીની સરકારી અધિકારી માટે પરીક્ષા આપી.સખત મહેનત કરીને પાસ પણ થયા મામલતદાર બનવું કે પોલીસ અધિકારી તે નિર્ણય લેતા  કે તેમના ઘરની સામે પોલીસ લાઈન હતી  તે યાદ આવી. બાળપણથી ત્યાં આવતા પોલીસ અધિકારીઓની છબી મનમાં હતી. તેમનો રોબ જોઇને મનમાં જુદી જ લાગણી થતી. બસ પોલીસ અધિકારી જ બનવું તે નક્કી કર્યું. પુસ્તકનો કિડો ઉષાએ સ્કુલમાં ક્યારેય ફિજિકલ ટ્રેઇનમાં રસ લીધો ન હતો તે અહીં ટ્રેઇનિંગ દરમિયાન સખત મહેનત કરતાં યાદ આવ્યું. ક્યારેક  થતું આના કરતાં મોત સારું... ખેર, જીવનમાં જે કામ કરવું તે દિલોજાનથી કરવું તે ઉષાની તાસીર છે. એટલે કડક તાલીમમાં ય ઉત્તીર્ણ થઈ પોલીસ અધિકારી બન્યા... પણ લગ્ન જુનવાણી વિચારધારા ધરાવતા પતિ સાથે ટકાવી ન શક્યા. એ વાત યાદ કરતાં ઉષા કહે છે કે નાની વયે જ લગ્ન થઈ ગયા હતા. ત્યારે હજી માંડ કોલેજમાં ગઈ હતી. પણ ભણતર આગળ વધતાં વિચારભેદ ઊભો થયો,  લગ્ન બચાવવા પ્રયત્ન કર્યા પરંતુ, શક્ય ન બન્યું. મારા માતપિતાનો પૂરો સહકાર હતો એટલે જ હું તેમાંથી બહાર નીકળીને આજે મારી કારર્કિદી ઘડી શકી છું.  અને હવે તો મેં પોલીસની વરદી સાથે જ લગ્ન કરી લીધા છે.
ઉષા કહે છે કે  પુરુષપ્રધાન સમાજની પરંપરા હવે તૂટી રહી છે અને પોલીસ બનવાના સપના પણ ઘણી છોકરીઓ જુએ છે. એટલું જ નહીં  તે માટે મહેનત પણ કરે છે. પરંતુ, વરસો જૂના ઢાંચાને તૂટતાં સમય તો લાગે જ. જ્યારે હું કોઇ ફંકશનમાં જાઉં ત્યારે અનેક છોકરીઓ મને કહે કે તમને જોઇને અમને ય પોલીસમાં આવવાનું મન થાય છે ત્યારે સૌથી વધુ આનંદ અને સફળતાની લાગણી થાય છે.
હાલમાં તેઓ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં  જ્યારે હતા ત્યારે ડ્રિન્ક પાર્ટીઓમાં દરોડા પાડવા. અપહરણના કેસને સિફતથી સુલઝાવીને ગુંડાઓને ઝબ્બે કરી અપહરણ થયેલ વ્યક્તિને જીવંત પાછી લાવવાનું ગૌરવભર્યું કામ કર્યુ છે. ઉષાને જોઇને લાગે કે આજની નારી કોઇપણ કામ કરવા સક્ષમ છે, તે પરંપરિત ઢાંચાને તોડવામાં નહીં પણ તેને ગૌરવભેર નવો ઓપ આપવામાં માને છે.     


You Might Also Like

0 comments