કપરી જીંદગી વરદાન હોઈ શકે 20-3-13

07:54



ધરમપુરના અમારા પડોશી આભાબહેનના 88 વરસના મા રશ્મિ મઝુમદારને મળવાનું બન્યું. તેમને જોઇને લાગે કે જાણે 70 વરસથી વધુ તેમની ઉંમર ન હોઇ શકે. એકવડું શરીર, ઘરના દરેક કામ કરે. અને ગર્વથી કહે કે ક્યારેય ડોકટરની પાસે જવાની જરુર પડી નથી. આ સાંભળીને સહજતાથી પુછાઈ ગયું તમારા સ્વાસ્થયનો રાઝ શું ? એક ક્ષણના ય વિલંબ વિના જવાબ મળે છે. કપરું જીવન, સખત મહેનત. નવાઈ લાગે કે આ તે કેવો વિરોધાભાસ ! તકલીફો અને હાડમારી સાથે સ્વસ્થ જીવન કઈ રીતે શક્ય હશે. આપણેતો શરીરને કે મનને કોઇપણ તકલીફ ન પડે તે માટે કેટલીય સગવડો ઊભી કરતાં હોઇએ છીએ. પણ અનેક લોકોએ નોંધ્યું છે , તકલીફો કે કપરી પરિસ્થિતિ વરદાનરુપ સાબિત થઈ શકતી હોય છે.  જો કે આ બાબતનું જ્ઞાન ત્યારે જ થાય છે જ્યારે જીવનમાં સરળતા આવે છે અને તકલીફો નથી રહેતી.
આપણું મગજ તકલીફોમાં કે કપરી પરિસ્થિતિમાં વધુ સચેત રીતે કામ કરતું હોય છે તે બાબતે અનેક સંશોધન પણ થયા છે. લોકો વિચારતા હોય છે કે શિક્ષણમાં પાઠ જેટલો સરળ હોય તેટલો જ તે ભણવામાં કે સમજવામાં સરળ હોય છે. આ અંગે કેલિફોર્નિયાની યુનિવર્સિટીના રોબર્ટ જોર્કે સંશોધન બાદ ડિઝાયર ડિફિકલ્ટીજનું નામ આપ્યું છે. અર્થાત કપરી પરિસ્થિતિની ઇચ્છા. ક્લાસરુમમાં જેમ પાઠ વધુ અઘરો હોય તેમ તેને સમજવા માટે વિદ્યાર્થીઓ વધુ પ્રયત્ન કરે છે અને તે પાઠને લાંબા સમય સુધી યાદ રાખી શકે છે. પ્રિસ્ટન યુનિવર્સિટીના સાયકોલોજીસ્ટે શોધ્યું છે કે પાઠ જો ખરાબ અક્ષરોમાં લખાયો હોય તો વિદ્યાર્થીઓને જલ્દી યાદ રહી જતો હોય છે.
વિદેશના જાણીતા  વ્હાઈટ સ્ટ્રાઇપ મ્યુઝિક ગ્રુપના સંગીતકાર જેક વ્હાઈટ સ્ટેજ પર પર્ફોમ કરતી વખતે કે કામ કરતી વખતે દરેક બાબતને અઘરી કરી મૂકતા.ઉદાહરણ તરીકે તેઓ સસ્તામાંનું ગિટાર વાપરતા જે ક્યારેય પોતાના મૂળ શેપમાં કે  ટ્યુનમાં ન હોય.દરેક વાંજીત્રો તે એવી રીતે ગોઠવે કે ગીત દરમિયાન તેણે રીતસરનું દોડવું પડે. તે માનતો કે જે કલાકાર સરળતાની અપેક્ષા રાખે તે ક્યારેય સારું સંગીત પેદા ન કરી શકે. જેટલી વિષમ પરિસ્થિતિ તેટલું વધુ સરસ સંગીતના સુરો રેલાય. જાણીતા મ્યુઝિક ગ્રુપ બીટલ્સે પણ કપરી પરિસ્થિતમાં સારામાં સારું સંગીત પીરસ્યુ હતું. 1966માં તેમની પાસે અમેરિકામાં સારામાં સારી ટેકનોલોજી ધરાવતો રેકોર્ડિગ સ્ટુડિયો લઈ શકવાની ક્ષમતા નહોતી .એટલે તેમણે જુની ટેકનોલોજી ધરાવતો સ્ટુડિયો મળ્યો. હવે આ જુની ટેકનોલોજીની સમસ્યા સમકાલીન મ્યુઝિક રેકોર્ડ કરવામાં પડકારરુપ બની રહી. જુની ટેકનોલોજીને કારણે તેમના એન્જિનયર જ્યોર્જ માર્ટિન અને તેની ટીમે  દરેક સમસ્યામાંથી રચનાત્મકતાથી માર્ગ કાઢવો પડતો. પરંતુ આ કપરી પરિસ્થિતિમાંજ બીટલ્સ બે દાયકા સુધી ટુમોરો નેવર નોઝ, સ્ટ્રોબેરી ફિલ્ડસ ફોરએવર, અ ડે ઇન ધ લાઈફ  જેવા પ્રખ્યાત ગીતો  આપી શક્યા.
જાણીતા અંગ્રેજી કવિ ટેડ હ્યુએ 1960થી લઈને વીસ વરસ સુધી બ્રિટિશ વિદ્યાર્થીઓ માટે યોજાતી કાવ્ય સ્પર્ધાના નિર્ણાયક તરીકે કામગીરી બજાવી. 1980ની સાલમાં તેમણે નોધ્યું કે વિદ્યાર્થીઓ લાંબી લાંબી લગભગ પાનાઓ ભરીને કવિતા સ્પર્ધામાં મોકલતા હતા. કવિતા સરળ રીતે પ્રાસમાં લખાયેલી રહેતી પણ વાંચવામાં તે રસાળ હોવાને બદલે કંટાળાભરી લાગતી. ટેડએ તપાસ કરી કે અચાનક લાંબી અને કંટાળાભરી લાંબી કવિતાઓ કેમ લખાવા માંડી. ખબર પડી કે કોમ્પયુટરના આગમનને કારણે આવી લાંબી કવિતાઓ લખવી સરળ થઈ ગઈ હતી. પેન પેપર લઈને લખવાનું હોય તો લાંબી કવિતાઓ ઓછી લખાય અને જેટલી લખાય તે રસાળ હોઇ શકે કોમ્પયુટર ટેકનોલોજીને કારણે સરળતા થઈ પણ રચનાત્મકતા ન રહી એવું ટેડ હ્યુએ નોંધ્યું. ટેડની નોંધને પૂર્તિ આપે તેવો અભ્યાસ વોશિંગ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર વર્જિનિયા બર્મિન્ગરે કર્યો છે. તેમણે કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કી બોર્ડ કરતાં હાથેથી લખતી વખતે યાદશક્તિ અને વિચારશક્તિ વધુ સક્રિય બને છે. કપરી પરિસ્થિતિ દરમિયાન આપણે વધુ સતર્ક હોવાને કારણે રચનાત્મકતા અને એકાગ્રતા પણ વિકસતી હોય છે. જ્યારે સરળતા આપણને નિષ્ક્રિય બનાવી શકે છે. આજે આપણે દરેક બાબતને સરળ બનાવવાની હોડમાં છીએ ત્યારે સમજવું જોઇએ કે કપરી પરિસ્થિતિને ટાળવા કરતાં આવકારવામાં જ સમજદારી છે. આખરે તે જીવનને કલાત્મક બનાવે છે. 

You Might Also Like

0 comments