નવી કેડી કંડારીએ...23-1-13

09:14



ડિસેમ્બરની 16 તારીખે દિલ્હીમાં ગેન્ગરેપનો ભોગ બનેલી યુવતી અને તેનો  ઘાયલ મિત્ર નગ્ન અવસ્થામાં રસ્તા પર મદદની બૂમો પાડતા રહ્યા પણ અર્ધો કલાક સુધી પસાર થતાં લોકો તેમને જોઇને જતા રહેતા પણ કોઇ મદદ કરવા માટે ઊભું ન રહ્યું. આ કિસ્સો વાંચનારને ભલે બોલે કે પૃથ્વી પરથી માનવતા પરવારી ગઈ છે. પણ પોતે ય જ્યારે રસ્તા પર કોઇ ઘાયલને પડેલો જુવે છે તો આંખ આડા કાન કરીને ચાલતી પકડે છે. પરંતુ, કોઇક વિરલા એવા ય હોય કે માનવતાને નામે આખી જીંદગી લખી આપે છે. દર વરસે ભારતમાં હજારો લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે કારણ કે તેમને મેડિકલ સારવાર ઘણી મોડી મળે છે. અકસ્માત બાદ મેડિકલ સારવાર શક્ય તેટલી વહેલી મળે તો મૃત્યુદર ઓછો થઈ શકે છે. દુનિયાના અન્ય દેશોની સરખામણીએ ભારતમાં રોડ અકસ્માતમાં મરનારની સંખ્યા સૌથી વધારે છે. દરરોજના સરેરાશ 390  લોકો રોડ અકસ્માતમાં મરે છે. વરસ 2011ની સાલમાં દર કલાકે 17 માણસો અને 2010ની સાલમાં 11 માણસો  રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે.
દિલ્હીમાં જ રહેતા પિયુષ તિવારીના 17 વરસના  પિતરાઈ ભાઈને 2007માં  રોડ એકસ્માત થયો ,  યોગ્ય સમયે તેને  મદદ ન મળવાને કારણે તે  મૃત્યુ પામ્યો. આ જોઇને પિયુષ ગુસ્સામાં  ધુંધવાઈ ઊઠ્યો .  તેણે એ ધુંધવાટને ક્ષણજીવી ન રહેવા દેતા યોગ્ય દિશામાં વાળ્યો. પિયુષે નક્કી કર્યું કે આવું ફરીવાર બીજા સાથે ન થાય. ત્યારે પિયુષ એક ખાનગી ઇક્વિટી કંપનીમાં મેનેજીંગ ડિરેકટરના પદે કામ કરી રહ્યો હતો. આટલા સારા પગારની નોકરી છોડીને તેણે સેવ લાઈફ ફાઉન્ડશેનના નામે એક સમાજસેવી સંસ્થા ઊભી કરી. આ સંસ્થા ધ્વારા તેણે એ કામ ઊપાડ્યું જે કામ હજી સુધી સરકારે પણ કર્યું નહોતુ. દિલ્હીના ગેન્ગરેપ બાદ રસ્તા પર તત્કાલ  મદદ ન મળવાને કારણે થયેલ યુવતીના મોત બાદ મોરલ વેલ્યુ એટલે કે બીજાને મદદ કરવાની વૃત્તિમાં આપણે કેટલા નિષ્ફળ ગયા છે તેની ચર્ચાઓ ઠેર ઠેર થઈ રહી છે પરંતુ, નક્કર કામ કોણ કરે છે. પિયુષ જેવા વિરલાઓ કોક જ હોય જે નવી કેડી કંડારવાની પહેલ કરે છે.
પિયુષે આ સંસ્થા ધ્વારા પોલીસ અને લોકોને અકસ્માતના સમયે ત્વરિત યોગ્ય સારવાર કેવી રીતે આપવી તેની તાલીમ આપવાનું કામ શરુ કર્યું છે. અત્યાર સુધીમાં તેણે 3500 પોલીસોને દિલ્હીમાં તાલીમ આપી છે. દરેક પોલીસ સ્ટેશનની હદમાં પોલીસોને જેમના પર વિશ્વાસ હોય તેવા સમાજના લોકો અને  પોલીસોને તે અકસ્માત બાદ વ્યક્તિને સ્ટ્રેચરમાં કઇ રીતે ઊપાડીને મૂકવી જેથી વધુ નુકશાન ન થાય તેનાથી માંડીને હોસ્પિટલ પહોંચતા સુધીમાં શક્ય હોય તેટલી પ્રાથમિક સારવારની તાલીમ આપવાનું કામ તે કરી રહ્યો છે. પિયુષને વિશ્વાસ છે કે તે આ વરસના અંત સુધીમાં 5000 સ્વયંસેવકોને તૈયાર કરી દેશે જેને કારણે અકસ્માત બાદ મદદ કે  સારવારના અભાવે વ્યક્તિ મૃત્યુ ન પામે. આ તાલીમ એકથી ચાર દિવસની પ્રેકટિકલ રીતથી આપવામાં આવે છે. તાલીમ દરમિયાન તેને લાગે કે તાલીમ લેનાર વ્યક્તિ આ કામ માટે ઉપયોગી થઈ શકે તેમ નથી તો તેને સ્વયંસેવક બનાવવામાં નથી આવતો. કારણ કે આ કામમાં કોઇના જીવનમરણનો પ્રશ્ન હોય છે.
પિયુષ એ પણ પ્રયત્ન કરી રહ્યો છે કે રોડ અકસ્માતમાં મદદે જનાર સ્વયં સેવકને પોલીસ સ્ટેશન જઇને સ્ટેટમેન્ટ લખાવવાનું ફરજિયાત ન બને કે મદદ કરનારે પોતાની ઓળખ આપવી પણ ફરજિયાત ન હોય. જેથી કરીને લોકો આવા રોડ અકસ્માતમાં મદદ કરવાનું ટાળે નહીં. આટલા પરથી આપણે એટલો તો સંકલ્પ કરી શકીએ કે રસ્તે ચાલતા ક્યારેક આપણે કોઇ અકસ્માત જોઇએ  આ જફામાં કોણ પડે એવું વિચારીને જતા ન રહેતા શક્ય તેટલી મદદ કરીએ. કારણ કે તે વ્યક્તિની જગ્યાએ ક્યારેક આપણું સ્વજન પણ હોઈ શકે.

You Might Also Like

0 comments