મારો પ્રથમ હાસ્ય લેખ -પત્નિને પગાર મળશે

03:36


(ઉત્સવ 2012 દિવાળી અંક દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ)
રોજ સવારમાં છાપા આવે કે અમે પતિપત્ની અમને ગમતા સમાચારો વાંચવામાં ચા પીતા પીતા પરોવાઈ જઇએ. ક્યારેક આવે પત્ની પિડીત પતિઓની સંસ્થા વિશે તો પતિદેવ તરત જ એ સમાચાર મોટેથી વાંચે અને ટિપ્પણી કરે કે મારે ય આમાં સભ્ય થઈ જવું છે. આ સંસ્થાનો ફોન નંબર પછી ગોતી દેજે ને.... વાત સાંભળતા જ અમારું ડિફેન્સ મિકેનિઝમ કામે લાગી જાય... સામે તરત જ જવાબ સુઝે ... રહેવા દો તમે અસભ્ય જ સારા છો... તમને હજી સુધી પત્નીપિડનનો ખરો અનુભવ છે જ નહીં એટલે તમને એમાં સભ્યપદ આપશે નહીં. અને જો તમને એટલી જ જરુર લાગતી હોય તો જાતે જ શોધી લો ને....
બીજા એકાદ પ્રસંગે આવ્યું કે નવ્વાણું ટકા પરણેલા પુરુષો સુખી હોય છે. એટલે આ સમાચાર મોટેથી મેં વાંચી સંભળાવ્યા....તો દાઢી કરતાં કરતાં એ બોલ્યા મારો નંબર એક ટકામાં આવે છે. છાપા ધ્વારા અપાતા સમાચારો પતિપત્ની વચ્ચેનું શીત યુધ્ધ કરાવી શકે છે એના પર લેખ કે સંશોધન થઈ શકે. શક્ય છે ભવિષ્યમાં છૂટાછેડા માટે આમાંથી ય એકાદું કારણ મળી રહે.
આ લ્યો હમણાંજ એક સમાચારને લીધે અમારા ઘરમાં સવાર પુરતું જ નહીં બે ચાર દિવસ સુધી યુધ્ધ ચાલ્યું. ઘરમાં ગૃહિણી તરીકે કામ કરતી પત્નિઓને હવે પતિની આવકમાંથી પગાર મળશે. બસ, આંખ સામે સેલના પાટિયા અને મનમેં લડ્ડુ ફુટા.... અમે ઝટ દઇને આ સમાચાર મોટેથી અતિઉત્સાહ સાથે  વાંચ્યા. સાથે જ અંગત ટિપ્પણીઓ પણ કરી... જુઓ અમે રોજ સવાર સાંજ રસોઈ બનાવીએ તેના જ છએક હજાર તો થાય જ. અને વળી બધું લાવવા મુકવાનું કામ જુદું. કામવાળા ન આવે તો કચરા પોતા, કપડાં ધોવા, વગેરે... હિસાબ કરતાં સહેજેય મહિને દશેક હજારતો અમને મળશે જ. વાહ...ચાલો ભગવાને નહીં તો સરકારે તો અમારી મહેનતની કદર કરવાનું બીડું ઝડપ્યું. એટલે ઠંડા કલેજે પતિદેવ બોલ્યા... સારું તો હું જે મારા કામ કરી લઉં તેના પૈસા મારે કાપી લેવાના ને.... સાંભળતા જ અમારો પિત્તો ગયો. તો તો પછી અમારે અઠવાડિયે એક દિવસની સંપૂર્ણ રજા ય લેવાની... એક દિવસ હું રસોડામાં ચા બનાવવા માટે ય પગ નહીં મૂકું. અને વરસની સીક લીવ, મેડિકલ લીવ, પ્રિવિલેઝ લીવ પણ અમે ભોગવીશું. કહેતા અમે મોરચો માંડ્યો.... સામે પતિદેવે છાપું ગડી કરીને બાજુએ મુકતા કહ્યું તો પછી આ ઘરમાં રહેવાનું ભાડું ય તમારે ચુકવવું પડશે કે નહીં., જમવાનું તો માનવતાને નાતે અમે ન ગણીએ પણ.... અમને તમારું કોઇ કામ ન ગમે તો .... બીજી કામવાળી શોધવાની છૂટ કે નહીં.... પતિની વાત સાંભળીને મનમાં ગણતરીઓ શરુ થઈ ગઈ... વાત તો સાલી સાચી  જો અમે બધી માગને મૂકીએ તો સામે પતિદેવ પણ માગણીઓ તો મૂકશે જ ને...અને ઘરનું ભાડું જો આપવાનું હોય તો અમારા પગારમાંથી તો પરવડે જ નહીં , તો તો બીજા ઘરના કામ શોધવા પડે....મજુરી ય કરવી પડે... આ સાડીઓ,ઘરેણાં અને અન્ય ખર્ચાની તો હજી વાત જ નથી નીકળી.... આવા વિચાર આવતાં જ છાપાનો વીટો વાળતાં વાતનો વીટો ય વાળી દીધો... હાય હાય ઘડિયાળ સામેતો જુવો તમારે ઓફિસ નથી જવાનું ટ્રેન છુટી જશે તો વળી મારો જ વાંક કાઢશો કે તારી સાથે વાદવિવાદ કરવામાં મોડું થયું......કહીને અમે રસોડાની વાટ પકડતા હતા ત્યાં પતિદેવે અમારો હાથ પકડીને હસતાં કહ્યું દેવી પણ આપના પગારનીને અમારા ભાડાંની વાતનો તોડ હજી ન આવ્યો. પછી તમે કહેશો કે હું તમારી વાત કાને ધરતો જ નથી...  આજે ઓફિસ ન જઈને ય ફેંસલો કરી જ લઈએ તો.... આ સાંભળીને અમે ય સમજદાર પત્નિની જેમ કહ્યું.... આતો છાપાનીને નારીવાદીની વાતો ...આપણે તો બે ઘડી વાંચીને ગમ્મત કરવાનીને.....બાકી જો આમાં ભેરવાઈ જઇશું તો છુટાછેડા લેવાનો વખત આવે તો નવાઈ નહીં...જવાદો....તમ તમારે બધુ ભૂલીને ઓફિસ જાઓ.
તે દીને આજની ઘડી અમે નક્કી કર્યું કે છાપાના સમાચારો વાંચીને વહી ન જવું.
                                                                                  

You Might Also Like

0 comments