ઉદાસીમાં પરોવાયેલી યાદ....26-11-2008

01:57



26-11નો બોમ્બ બ્લાસ્ટની તસવીરો વારંવાર જોયા બાદ અને તે સમયે એ પરિસ્થિતિનું રિપોર્ટિગ કર્યા બાદ ફરીથી લખવાનું મન નહોતું થતું. પણ આજે યાદ આવે છે એ માહોલ, ભય અને પોતાની ગોળીઓના અવાજ,ગોળીના નિશાન... 26-11ના રાતના લોકોના એસએમએસ અને ફોનથી મુંબઇ એટેકના સમાચાર મળતા ટીવી ઓન કરી લાઇવ રિપોર્ટિંગ જોયું. હેમંત કરકરેના મૃત્યુની ઘટના અને કસાબને પકડવાની ઘટના ઊચ્ચક જીવે જોયા કર્યું. બીજા દિવસે તાજ, ઓબેરોય અને છાબરા હાઉસ જે નરિમાન હાઉસ તરીકે પણ ઓળખાય છે ત્યાં આતંકવાદીઓ હજી ભરાઈ બેઠા હતા. ઊચ્ચક જીવે હું પણ નીકળી ત્યાંની પરિસ્થિતિ  જોવા અને રિપોર્ટિંગ કરવા... ઓબેરોયમાં તો ખાસ્સા દૂર ઊભા રહ્યા... મિડિયાનો જમેલો હતો જ ... વાતાવરણ તંગ હતું પણ ખાસ કશું જ સંભળાય કે દેખાય નહીં. જેમના સગા અંદર હતા તેઓ રડતા ,ચિંતા કરતા ઊભા હતા તો કેટલીક વ્યક્તિઓ ફક્ત કુતુહલવશ આવી હતી. નરિમાન હાઉસ ત્યાંથી ચાલીને ગઈ.... અર્ધો કલાક થયો... પોલીસોએ આખોય કોલાબા વિસ્તાર કોર્ડન કરેલો હતો.રહેવાશી વિસ્તાર અને ગલીકૂચી વટાવતાં જેમતેમ નરિમાન હાઉસ પાસે પહોંચી.ત્યારે દૂરથી બાળક મોસેને તેની નેની બહાર લાવી તે જોયું આસપાસના લોકોએ ત્યારે શું કહ્યું તે સમજાયું નહીં. તેમને તરત જ પોલીસવાનમાં બેસાડીને લઈ જવાયા. આખોય વિસ્તાર મારા માટે નવો હતો તેમાં માહોલ તંગ હતો. આસપાસની ગલીઓમાં થઈને છાબડ હાઉસ જે નરિમાન હાઉસના નામે ઓળખાય છે તેની નજીક પહોંચી.... કેટલાક ટીવી ચેનલની સાથે શક્ય તેટલી નજીક પહોંચી... એક મોટો ધડાકો સંભળાયો અને આખાય વિસ્તારમાં સોંપો પડી ગયો. કલાકો સુધી રોડ પર અટકળો બાંધતા બેસી રહ્યા. કોઇ હિલચાલ નહીં પોલીસોની વાન આવે જાય .... કંઇક સંભળાશે , કંઇક બનશે તેવી અટકળો સાથે રાહ જોવું અઘરું હતું. પણ દરેક પોલીસો , પત્રકારો અને રહેવાશીઓ રાહ જોઇ રહ્યા હતા. કશું જ ન બનતા ... છેવટે તાજ હોટલ પહોંચી રસ્તામાં લિયો પોલ્ડ કેફે જોઇ... ગોળીઓના નિશાન જોયા... ત્યાંની બાજુની ગલીમાં જ્યાં એક ગુજરાતી યુવાન ગોળીથી વિંધાઈ ગયો હતો તે જગ્યાએ ઊભી રહી ત્યારે શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું. એ યુવાન પોતાના મકાનની બહાર જ વિંધાઈ ગયો હતો. સાંજના સમયે ત્યાં કોઇ જ નહોતું.... તાજ હોટલની પાછળની આ ગલી... તાજમાંથી ગોળીઓના અવાજ સંભળાઈ રહ્યા હતા... પત્રકારો જ્યાંથી રિપોર્ટ કરી રહ્યા હતા ત્યાં પહોંચી.... મોટો જમેલો હતો... સામે તાજમાં આગની લપટો દેખાઈ હોહા થઈ... દોડતા દોડતા ફાયરિંગ થઇ રહ્યું હોય તેવા અવાજો....દૂરથી જોતાં ય રુંવાટા ઊભા થઈ રહ્યા હતા ત્યાં અંદર હશે તે લોકોની સ્થિતિ કેવીક હશે તે કલ્પના કરીને ભય અનુભવાતો હતો. 24 કલાકથી રિપોર્ટિગ કરતાં પત્રકારો થાકેલા ભૂખ્યા છતાં ઊત્સાહીત હતા.... વિદેશી પત્રકારોની છાવણીમાં પિઝા અને પાણીની બોટલો દેખાતા હતા..... રસ્તા પર સૂઇ ગયેલા કે બેસીને શું થશે તેની અટકળો અહીં પણ પત્રકારો બાંધી રહ્યા હતા.દરેક જણ કોઇક સ્ટોરી મેળવવાના પ્રયત્નો કરી રહ્યા હતા. ત્રીજા દિવસે પાણીની બોટલ અને થોડાક બિસ્કિટ સાથે ફરી નરિમાન હાઉસ પહોચી. હવે ત્યાંના રસ્તા ખબર હતા. ગમે તેમ કરીને નરિમાન હાઉસની સામેની ગલી અને ત્યાંથી નરિમાન હાઉસની બરાબર સામે આવેલી રાજુચાલીમાં પહોંચી ગઇ. સામે નરિમાન હાઉસના પાંચે પાંચ માળ દેખાતા હતા. વચ્ચે નાનું એક મકાન હતું. રાજુ ચાલના ત્રીજા માળની બારીમાંથી નરિમાન હાઉસના ફોટા પાડ્યા. પાંચમા માળની દરેક બારીઓના કાચ તૂટેલા હતા. ત્રીજા કે ચોથા માળે આતંકવાદીઓ છુપાયા હોઇ શકે. ત્યાંથી ગોળી ચાલે તો સીધી અમને વાગે... ડર લાગતો હોવા છતાં અમે ફોટા પાડવાની લાલચ રોકી ન શક્યા. નરિમાન હાઉસમાં અંદર અંધારુ હતું. પડદા ક્યારેક હલતા હોય તેવું જણાતું પણ કશું જ દેખાતું નહી...  એકાદ બે વખત ગોળીના અવાજ સંભળાયા બાકી લગભગ પાંચેક કલાક અમે ત્યાંજ બેસીને નરિમાન હાઉસની સ્મશાન શાંતિ જોયા કરી.એ સામેના મકાનમાં બે ચાર લાશ પડી હશે... બે દિવસ પહેલાં આ સુંદર દેખાતા મકાનમાં બાળકોની કિલકારીઓ ગુંજતી હશે. મજાનો પરિવાર વિખરાઈ ગયો હતો... ગુસ્સો , ભય અને ઉદાસી સાથે અમે કશુંક બને અને એના સાક્ષી બનીએ તેવી રાહ જોતા બેસી રહ્યા. આતંકવાદીઓ ત્યાંથી અમને જોઇ રહ્યા હશે ? શું પ્લાન કરતા હશે ? તેઓ જીવતા પકડાશે કસાબની જેમ એવી અટકળો અને વાતચીતો સાથે સમય પસાર કરવા સિવાય  કશો જ રસ્તો નહતો.  આતંકવાદીઓ આટલા શાંત કઇ રીતે બેસી રહ્યા હશે તેવો વિચાર પણ આવતો હતો.  સાંજના કેટલાક કમાન્ડો રાજુ ચાલમાં આવ્યા. તેમાંથી ત્રિલોકસિંહ સાથે મેં વાતચીત કરી... ફોટા પાડ્યા. ત્રિલોકસિંહે અક્ષરધામના આતંકી હુમલા વખતે પણ કામગીરી બજાવી હતી. સવારે તેઓ દિલ્હીથી કશું જ ખાધા પીધા વિના નીકળ્યા હતા... અને હવે તો અહીં આતંકીઓને ખતમ કરીને જ જશે ... રાત થતાં અમે જે આઠ દશ પત્રકારો જ ત્યાં હતા. અમને ત્યાંથી નીકળી જવાનું કહેવાયું. કમાન્ડોએ રાજુચાલનો કબજો લઈ લીધો હતો. રાજુ ચાલ લગભગ ખાલી હતી. એક માળ પર ચાર પાંચ એક એક રુમ ધરાવતી આ ચાલ પણ અંધારી અને જુની હતી. પાંચમાં માળે અગાસી પર કોઇ રહેતું હતું. ચાલનો માલિક હોય તેમ લાગ્યું. અમને પાણી પીવાનું ત્યાંથી મળ્યું હતું. જેટલો સમય રહ્યા ત્યાં અમારે હિલચાલ કે વાતચીત કરવાનું ટાળવાનું હતું. કારણ કે સામે જ આતંકવાદીઓ હતા. પછી તો બીજા દિવસે સવારે કમાન્ડોએ નરિમાન હાઉસ પર કબજો કરી લીધો હતો. તાજ હોટલમાં હજી ગોળીઓની રમઝટ સંભળાતી હતી.... હવે આનો અંત આવે તો સારું વારંવાર એવી પ્રાર્થના થઇ જતી. વાતાવરણમાં એક જાતની ઉદાસી છવાયેલી હતી.એ ઉદાસીના ઓળા હજી આજે ય ચાર વરસે અનુભવાય છે. 

You Might Also Like

0 comments