લુઝર ડાયરી -2

09:57


ડાયરીનું એક પ્રકરણ લખાયા બાદ મને અનેક જણાએ કહ્યું કે નકારાત્મક વિચારવાની આદત સારી નહીં. ફેસબુક ઉપર પણ મને મિત્રોએ સલાહ આપી યાત્રા મહત્ત્વની છે પડાવ નહીં. છેલ્લા બે વરસથી હું મારી જાત સામે હારી ગઇ હતી. બહારથી ગમે તેટલી ઉત્સાહીત રહેતી પણ શરીરથી હારી જતી હતી. બીજા કોઇને બતાવવા માટે નહીં કે લોકોની ચિંતાને કારણે પણ આવું નહોતી અનુભવતી. આપણને સૌદર્ય જોવું ગમે છે. આપણા દેવીદેવતા અને હિરો હિરોઈન અદોદળા નથી હોતા. એ મને સમજાતું. મને જ હું જાડી જોવી નહોતી ગમતી. તેમાં એકવાર મારો ફોટો પાડ્યો અને મને દેખાયું કે કેવી ડલ અને નિસ્તેજ દેખાતી હતી. પણ એ બધાની પાછળ મારામાં હજી જીવંતતા હતી તે પણ જણાયું. મૃત્યુ પહેલાં મારે મરવું નહોતું અને બસ ઓગષ્ટ મહિનામાં મારામાં કશોક  ફેરફાર થયો. શરીરના અનેક દુખાવાને કારણે હું એક્યુપંકચર માટે જતી હતી જસ્મીન મોદી પાસે તેણે મારું મેટાબોલિઝમ બદલવાનું શરુ કર્યું તે સાથે જ મેં પણ રોજ સવારે જુહુ દરિયા કિનારે ચાલવા જવાનું નક્કી કર્યું. શક્ય હોય તેટલું ઇમોશનલ ઇંટિગ ટાળવાનું. ચાલવાનું તો હું રોજ કરતી હતી પણ ગાર્ડનમાં કે જીમમાં ચાલવાની મજા નહોતી આવતી અર્ધો કલાકમાં તો થાકી જતી. સવારે ચાલવા જઉં તો આખોય દિવસ ખરાબ જાય તેવી મનની ધાટી હતી એટલે સાંજે જ ચાલવા જતી.પણ અનેક કાર્યક્રમો કે કામની વચ્ચે ચાલવામાં બંક મારવાનું વારંવાર થતું. ઓગષ્ટ મહિનાથી નક્કી કર્યું કે સવારે ચાલવા જવું જે પણ થાય મહિના સુધી આ નિયમ બદલવો નહીં. મારા આશ્ચર્ય વચ્ચે જુહુ બીચ પર ચાલવા જતા હું વધુ સ્ફુર્તિ અનુભવવા લાગી. શરીરના દુખાવા ધીમે ધીમે ઓછા થતાં જતા હતા એટલે શરીર હળવું લાગતું. મારા ઘરથી જુહુ બીચ અઢી કિલોમીટર દૂર છે. વાહન મારી પાસે છે નહીં રિક્ષા રોજ કરવી મોંઘી પડે તો .... નક્કી કર્યું કે ચાલીને જ જવું બસ પાછા ફરતી વખતે કંટાળો આવે તો રિક્ષા કરવી. નહીં તો પાછા પણ ચાલીને જ આવવું. રોજ સવારે સાડાપાંચની એલાર્મ વાગે ત્યારે કંટાળો આવે... જીવન ત્રાસરુપ લાગે ઓઢીને સૂઈ જવાનું મન થાય ત્યારે મનને બાળકની જેમ પટાવીને કે ખિજાઇને પણ તૈયાર કરતી. એકવાર બૂટ પહેરીને રસ્તા પર આવી જાઉં ત્યાર પછી વાંધો ન આવતો ... આમ રોજ સાતેક કિલોમીટર ચાલવાનું શરુ થયું પણ કેટલું અઘરું હતું તે મારું મન જાણે છે. નજર સામે અનેક ઇન્ટરવ્યુ કર્યા હતા વજન ઊતારનારના તેમના ઊદાહરણ રાખતી. મહેનત કર્યા વિના કશું જ મળતું નથી તેવું મનને સમજાવતી. દરિયા કિનારો અને વાદળોની રમતોએ મને પકડી રાખી એટલે ચાલવાનું તો ચાલ્યું પણ ખાવાનું શું... ખાણીપીણીની કોલમ ચાલુ પણ તે સિવાયના બાકીના દિવસો તો મારા જ છેને... વેજીટેબલ જ્યુસ,અને રોજીંદો સાદો પૌષ્ટિક ખોરાક સિવાય કશું જ કેલેરી વધારે  ન લેવાય જાય તે માટે મેં જ મારા ઉપર નજર રાખવી શરુ કરી. કારણ કે એકલા રહેવાનુ ઘણું થતું ત્યારે જાતને છેતરીને મન ઇમોશનલ ઇટિંગ કરતું જ રહ્યું છે. અઠવાડિયું ધ્યાન રહે ન રહે ત્યાં એક સમયે જાણીજોઇને આઇસ્ક્રીમ,ચીઝ અને બટરથી ભરપુર ખાવાનું મન થાય અને ખાધે જ છુટકો થાય. ખાધા પછી મારું મન મને લુઝર હોવાની ગુનાહિત અનુભૂતિ કરાવે. પણ ખાધા પછી શું થઈ શકે... સારું હતું કે એક્યુપંકચર અને ચાલવા જવામાં કોઇ તકલીફો મન ઊભુ નહોતું કરી શકતું. બે અઠવાડિયામાં ત્રણેક કિલો વજન ઓછું થતું જણાયું અને શરીરમાં ય સ્ફુર્તિ અને ચુસ્તી આવી. ટાઈપ ટુ ડાયાબિટીશમાં એમ કહેવાય છે કે વજન ઓછું થતાં તે કન્ટ્રોલમાં આવી જાય છે. શરુઆતમાં મેં એકાંતરે દવા લેવાનું શરુ કર્યું અને ધીમે ધીમે બંધ કરવાનું નક્કી હતું. ડાયાબિટીશ અને વજન વધારે હોવાને કારણે પણ થાક અને માંદગી રહ્યા કરતી હશે. કારણ કે થોડું વજન ઓછું થતાં જ મને જે આનંદ થયો તે મારા શરીર અને મન પર જોઇ શકતી હતી. લુઝરની વ્યાખ્યા અહીંથી બદલાતી હતી. હવે હું લુઝર નહોતી રહેવા માગતી. પણ વજન લુઝ કરવા માગતી હતી. આમ જોઇએ તો આ કોઇ મોટી બાબત નથી ...વાત સાચી પણ તેને મહત્વ ન આપીને આપણે કેટલું નુકશાન પોતાનું કરીએ છીએ તે બાબત આપણે સ્વીકારવા તૈયાર નથી. કારણ કે આપણી આસપાસ મોટાભાગની વ્યક્તિઓ અમુક ઉંમર બાદ એટલે કે 35 વરસની ઉંમર વટાવ્યા બાદ પોતાના દેખાવ અને સ્વાસ્થય પ્રત્યે લગભગ બેદરકાર થઈ જતાં હોઇએ છીએ. એવું ચોક્કસ કહી શકાય કે પોતાની જાતને કેરી કરતાં આવડવું જોઇએ... જાડા કે અદોદળા હોવ તો પણ આત્મવિશ્વાસ સાથે આપણને શોભે નહીં તેવા કપડાં પહેરીને બિન્દાસ ફરવું જોઇએ. આત્મવિશ્વાસની આડમાં આપણે આપણને છેતરતાં થઈ જઇએ છીએ. ગ્રેસફુલી જીવવું અને અદોદળા થઈ આળસમય જીવવું એ બેમાં ફરક દરેકને અનુભવાતો હોય છે. હિરોઇનોના ઘરમાં તો અનેક સુવિધા હોય એટલે તેઓ સુંદર દેખાઈ શકે તેવું કહેવું સહેલું છે. પણ એમને નજીકથી જોઇએ તો દેખાય કે શિસ્તમાં ગાબડા પાડવા તેમને પણ પાલવે નહીં. સખત મહેનતનો કોઇ પર્યાય નથી તે શરીરની બાબતે પણ એટલું જ સાચું છે. 

You Might Also Like

0 comments