થઈ શકે એટલું તો કરીએ...31-10-12

22:27


આપણે જે પરિસ્થિતિમાં જીવીએ છીએ તે જ સત્ય અને તે સિવાયની દુનિયા પ્રત્યે આપણે આંખઆડા કાન કરીએ તે યોગ્ય નથી. શાહમૃગની જેમ રેતીમાં માથું નાખી દેવાથી પરિસ્થિતિ બદલાતી નથી હોતી. આસપાસ જે ચાલે છે તેની સીધી કે આડકતરી અસરો આપણા સુધી વહેલા મોડા પહોંચતી જ હોય છે. આજે એ દુનિયાની વાત કરવાની છે જ્યાં બાળકોના હાથમાં પેન કે પેઇન્ટિંગ બ્રશની જગ્યાએ બંદુક કે મશીનગન પકડાવી દેવામાં આવે છે. જેસન રસેલ નામના ફિલ્મ ડાયરેકટર , એક્ટિવિસ્ટે કોની 2012 નામની શોર્ટ ફિલ્મ બનાવી છે. અને તે ફિલ્મ યુટ્યુબ પર મૂકાઈ બાદ પહેલાં બે અઠવાડિયામાં જ  તેને લાખો લોકોએ જોઈ. આ ફિલ્મ ધ્વારા તેણે આપણને ન દેખાતા બાળકો વિશે વાત કરી છે. જેસન રસેલ અમેરિકાના કેર્લિફોનિયામાં જન્મયો અને ઉછર્યો... તેના માતાપિતા ક્રિશ્ચિયન યુથ થિયેટર સાથે સંકળાયેલા હતા  એટલે બાળપણથી જ તે થિયેટર કરવા લાગ્યો હતો શરુઆત તેણે એકટિંગથી કરી હતી. ત્યારબાદ એણે યુએસસી સિનેમેટિક આર્ટસમાં ગ્રેજ્યુએશન કર્યું. 2003માં તે વિદ્યાર્થી હતો તે સમયે આફ્રિકામાં તે ડોક્યુમેન્ટરી બનાવવા ગયો હતો. જો કે તેને તે વખતે ખબર નહોતી કે ક્યા વિષય પર તે ડોક્યુમેન્ટરી બનાવશે. જેસનના જણાવ્યા મુજબ તે ડેન એલ્ટનથી પ્રભાવિત થઈને આફ્રિકા ગયો હતો.  1993માં ડેન એલ્ટન સોમાલિયાની દુષ્કાળની પરિસ્થિતિ પર ડોક્યુમન્ટરી બનાવવા ગયો હતો પણ તેને ત્યાંની પરિસ્થિતિ અંગે શૂટ કરી રહ્યો હતો ત્યારે માર મારીને મારી નાખવામાં આવ્યો હતો. જેસન જ્યારે પોતાના સાથીઓ સાથે યુગાન્ડા પહોંચ્યો ત્યારે ગુલુ ગામની બહાર ઘણા બાળકો છુપાઈને આશરો લઈ રહ્યા હતા. તેમને કેટલાક મિલિટરી જેવી વ્યક્તિઓ જબરદસ્તીથી ઊઠાવી જવા માગતી હતી. અને જેસનને ડોક્યુમેન્ટરીની સ્ટોરી મળી ગઈ. તેણે આ બાળકોના ઇન્ટરવ્યું લીધા. તેને જાણવા મળ્યું કે યુગાન્ડામાં જ્હોન કોની નામનો વ્યક્તિ રિબેલ ગ્રુપ ચલાવે છે તેઓ નાના બાળકોને ઊઠાવી જઇને તેમના હાથમાં બંદુક પકડાવી દઇને પોતાની જ વ્યક્તિઓને મારી નાખવાનું કહે છે. અને જો બાળક તેવું કરવાનો ઇન્કાર કરે તો તેનું ગળું કાપીને મારી નાખતો. એટલે આ બાળકો ગામની બહાર શહેરમાં દરેક રાતના  ભાગી જતા. સતત ભયમાં જીવતા કારણ કે તેમને ખબર નહોતી કે શું કરવું ? તેણે ઇન્વિજીબલ ચિલ્ડ્રન નામે ફિલ્મ બનાવીને 2004માં લોકોને બતાવી. 2005માં તે ફરી મિત્રો સાથે  યુગાન્ડા ગયો અને બીજા અનેક બાળકોના ઇન્ટરવ્યુ લીધા એમાં જેકબ નામના બાળકનો પણ ઇન્ટરવ્યુ હતો. જેકબ પણ આ રીતે કોનીના ગ્રુપ ધ્વારા તેનું અપરહરણ ન કરવામાં આવે તેથી ભાગી રહ્યો હતો. તેણે પોતાના ભાઈને ભાગતા પકડાઈ ગયા બાદ રિબેલો ધ્વારા તેનું ગળું કાપીને મારી નાખતા જોયો હતો. જેકબ પણ આપણા દરેક બાળક જેવો સામાન્ય બાળક હતો જેની ઇચ્છા ભણી ગણીને વકિલ થવાની હતી. પરંતુ તે જાણતો હતો કે એવું શક્ય બની શકે એમ નથી. કારણ કે તેની પાસે પૈસા અને પરિસ્થિતિ બન્ને નથી. ઇનવિજીબલ  ચિલ્ડ્રન ડોક્યુમેન્ટરી ફિલ્મ 2007માં હાર્ટલેન્ડ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવ. 2006ની તેમની ઇનવિજીબલ ચિલ્ડ્રન રફકટ   ફિલ્મને પાયોનિયરિંગ સ્પિરિટનો એવોર્ડ પણ મળ્યો.   આ ફિલ્મ શૂટ કરતી વખતે જેકબને જેસને વાયદો કર્યો કે તે ગમે તે રીતે કોનીથી યુગાન્ડાના બાળકોને છોડાવવાનો પ્રયત્ન કરશે. ત્યારબાદ તેણે કેમ્પેન શરુ કર્યું. ઇનવિજીબલ ચિલ્ડ્રન નામે સંસ્થા સ્થાપી જ્હોન કોનીને આંતરરાષ્ટ્રિય ક્રિમિનલ કોર્ટમાં લાવવા માટેનું કેમ્પેઇન શરુ કર્યું. તેણે અમેરિકન સરકારને પણ યુગાન્ડામાં જ્હોન કોનીને પકડવા માટે  મિલિટરી સહાય મોકલવા વિનંતિ કરી. જો કે તેની વાત લોકોસુધી અને સરકારને પહોંચડતા કુલ આઠ  વરસ થયા. પરણિત જેસન રસેલ પણ બે બાળકોનો પિતા છે. તેણે સતત યુગાન્ડાના આ બાળકો માટે કામ કર્યું. ત્યાં શાળાઓ ઇનવિજીબલ ચિલ્ડ્રન સંસ્થા ધ્વારા બાંધવામાં આવી. જેકબ અને અન્ય યુગાન્ડાના બાળકોને અમેરિકામાં લાવીને લોકો સમક્ષ તેમના જ મોઢે તેઓ જે આતંકમાં જીવે છે તેમની વાત કહેવડાવી. આમ યુગાન્ડામાં જ્હોન કોનીના  આતંકી ઓછાયા હેઠળ જીવતા બાળકો માટે જેસન રસેલે પોતાની ફિલ્મી કળા ધ્વારા શક્ય હોય તે કર્યું. જો કે જ્યારે તેણે પોતાની કોની 2012 ફિલ્મ યુટ્યુબ પર મૂકી ત્યારે કલ્પના નહોતી કે લાખો કરોડો લોકો તેને જોશે. ફિલ્મ અને કામને વખાણવા લોકો હતા તો ટીકા કરનારા પણ હતા. જાહેરમાં તે નગ્ન થઈને દોડ્યો હતો તેનું કારણ જાણ્યા સિવાય  લોકોએ અને મિડિયાએ તેને વખોડ્યો.   બધું જ એટલું ઝડપથી થયું કે જેસન રસેલને સાયકોલોજીકલ બ્રેકડાઉનના અનુભવમાંથી પસાર થવું પડ્યું. મેન્ટલ હોસ્પિટલમાં સારવાર લઈને તે ઓક્ટોબર મહિનામાં બહાર આવ્યો. તેણે આ સિવાય ટુગેધર વી આર ફ્રી, રેસ્ક્યુ,ટોની અને મુવ જેવી સફળ ફિલ્મો બનાવી છે. સાથે જ આફ્રિકાના  બાળકો માટે તે કામ કરી જ રહ્યો છે. જ્હોન કોની આફ્રિકાના જંગલોમાં છુપાઈને હજી પણ આતંક મચાવી રહ્યો છે. તો જેસન જેવા લોકો પોતાનાથી શક્ય હોય તે કામ ઊપાડી લે છે. જેથી દુષ્ટ કર્મોની સામે સારા કર્મોનું પલ્લુ નમે નહીં તો ય બરોબર રહે.

You Might Also Like

1 comments