ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. 23-10-12

22:18


આજે દશેરા છે અભયનો ભય પર, સત્યનો અસત્ય પર અને અહિંસાનો હિંસા પર વિજયનો દિવસ છે. ત્યારે આપણે અહીં આંતકના રાક્ષશની સામે પોતાના સ્વાતંત્ર્ય અધિકાર માટે હિંમતપૂર્વક લડતી નાનકડી છોકરીની વાત કરવાની છે.
જે તાલિબાનોના આતંકથી આખીય દુનિયા ડરતી હોય તેમને એક પંદર વરસની છોકરીનો ભય લાગે અને તેને મારી નાખવાની પેરવી કરે તે કેવું કહેવાય. પાકિસ્તાનની સ્વાત વેલીના મિંગોરા ગામમાં રહેતી ચૌદ વરસીય  મલાલા યુસુફજાઈ ઉપર ઓક્ટોબરના નવમી તારિખે  તાલિબાને જાનલેવા હુમલો કર્યો. હાલમાં તો દુનિયાના અનેક લોકોની દુઆને કારણે હમણાં તો તે બચી ગઈ છે પણ તાલિબાનો તેનાથી એટલા ડરેલા છે કે તેને મારવાની ધમકી હજી આપી રહ્યા છે. પાકિસ્તાનમાં રહેતી આ ચૌદ વરસની છોકરી મલાલા વિશે આપણે થોડું વધુ જાણીએ.  મલાલા યુસુફજાઈનો જન્મ 1997ની સાલમાં થયો. સ્વાત વેલીની પશ્તુન નામની આદિવાસી જાતિની મલાલાના પિતા ઝિયાદ્દીન પોતે કવિ અને શિક્ષણવિદ્દ છે. મલાલાનો ઉછેર તેના પિતાના વિચારોથી પ્રભાવિત છે તેમ કહી શકાય. મલાલા જ્યારે  ફ્કત બાર વરસની હતી ત્યારે તાલિબાનોએ સ્વાત વેલી પર કબજો જમાવ્યો હતો. તેમણે ટેલિવિઝન,સંગીત, છોકરીઓને શાળામાં શિક્ષણ લેતી રોકવાના પ્રયત્નોમાં શાળાઓ બંધ કરવાની ફરજ પાડી હતી અને સ્ત્રીઓને બજારમાં ખરીદી કરવા નીકળવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. તે સમયે બીબીસી ઉર્દુ એ મલાલાના પિતા ઝિયાદ્દીનનો સંપર્ક કર્યો હતો કે કોઇ છોકરી સ્વાત વેલીની આતંકી પરિસ્થિતિ અંગે શું વિચારે છે અને આતંક હેઠળ જીવવાનો અનુભવ  તે લખી આપે તો... મલાલાના પિતાએ પોતાની શાળાની એક છોકરી આયેશા જે  સારું લખી શકતી હતી તેનું નામ સુચવ્યું પણ તેના માતાપિતાએ તાલિબાનના ડરથી લખવાની સંમતિ ન આપી. એટલે મલાલાને આ ડાયરી લખવાનું તેના પિતાએ સુચવ્યું એવું જાણવા મળે છે. બાર વરસની મલાલાએ લખવાનું શરુ તો કર્યું પણ તાલિબાનનો આતંક ત્યારે એટલો હતો કે બીબીસી ઉર્દુના તંત્રીએ તેને  પોતાના સાચાનામથી નહીં પણ ઉપનામથી બ્લોગ ડાયરી લખવાનું સુચવ્યું. અને મલાલાએ ગુલમકાઈ ઉપનામથી લખવાનું શરુ કર્યું. ગુલમકાઈનો અર્થ થાય છે મકાઈનું ફુલ. મલાલાની બ્લોગ ડાયરીનું  પ્રથમ લખાણ બ્લોગ પર મુકાતા જ લોકોના હ્રદયને સ્પર્શી  ગયું. તે સમયે પાકિસ્તાન સરકારે સ્વાત વેલીમાંથી તાલિબાનના આતંકને ખતમ કરવાનું ઓપરેશન પણ શરુ કર્યું હતું. મલાલાની પ્રથમ બ્લોગ ડાયરી3 જાન્યુઆરી 2009માં લખાણ હતું કે તેને સપનું આવ્યું કે તાલિબાનોની ગોળીઓ અને મિલિટરી હેલિકોપ્ટરના અવાજો સ્વાત વેલીમાં પડઘાઈ રહ્યા છે. મને આવા સપનાઓ સતત આવતા હતા. હવે ઘણી ઓછી છોકરીઓ શાળામાં આવતી. મારા વર્ગમાં 27માંથી 11 છોકરીઓ જ રહી હતી.મારી ત્રણ સખીઓ તો પોતાના પરિવાર સાથે બીજા શહેરમાં જતી રહી હતી.
ત્યારબાદની તેની બ્લોગ ડાયરીમાં  તેણે મિલિટરી ઓપરેશનની ટીકાઓ પણ કરતા લખ્યું કે તેઓ જલ્દી તાલિબાનોને ખતમ કેમ નથી કરતા. તાલિબાનો વિશે લખ્યું કે બંધ થઈ ગયેલી શાળાઓ તેઓ શું કામ બોમ્બબ્લાસ્ટ કરીને ઊડાવી રહ્યા છે. અને જ્યારે તાલિબાનોએ સ્ત્રીઓ અને છોકરીઓ માટે બુરખા પહેરવાનું ફરજિયાત કર્યું ત્યારે મલાલાએ લખ્યું કે હું બુરખો નહીં પહેરું કારણ કે મને બુરખો પહેરીને ચાલતા નથી ફાવતું. સ્વાતિ વેલીની આતંકી પરિસ્થિતને કારણે મલાલાના પરિવારે પણ બીજા શહેરમાં થોડો સમય માટે જવું પડ્યું. લખતાં લખતાં મલાલાના વિચારો વધુ ઊગ્ર અને સ્પષ્ટ થવા લાગ્યા. તેનો બ્લોગ પ્રસિધ્ધ થવા લાગ્યો. તેની નોંધ લોકલ અખબારોમાં પણ લેવાતી. તેની બ્લોગ ડાયરી પુરી થયા બાદ ન્યુયોર્ક ટાઈમ્સે મલાલા યુસુફજાઈ અને તેના પિતાને ડોક્યુમેન્ટરી બનાવવા માટે સંપર્ક કર્યો. આ ડોક્યુમેન્ટરીમાં મલાલાએ કહ્યું કે મારી પાસે હવે નવું સપનું છે. મારે રાજકારણી બનવું છે જેથી મારા દેશને અનેક મુશ્કેલીઓથી બચાવી શકું. મારા દેશને અનેક વિટંબણાઓમાંથી બહાર કાઢી શકું.
આટલી નાની છોકરી માનવીયતાની અને સ્ત્રીઓના  સ્વાતંત્ર્યની વાત દ્રઢતાથી કરી શકતી. તેની હિંમત માટે તેના માતાપિતા પીઠબળ બની રહ્યા હતા. અને તે પણ પાકિસ્તાન જેવા મુસ્લિમ દેશમાં જ્યાં તાલિબાનોનું રાજ ચાલતું હોય ત્યારે એક નાનકડી છોકરી તાલિબાનોની ધમકીની પરવા કર્યા વગર સ્વાતંત્ર્યના અધિકારની  અને શાંતિની વાત કરી શકે તેની હિંમત અને નારીશક્તિને સલામ કરવાનું મન દરેકને થાય તેમાં નવાઈ નથી. મલાલાને 2011માં નેશનલ યુથ પીસ પ્રાઈઝ આપવામાં આવ્યું છે અને તેને આંતરરાષ્ટ્રિય બાલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી હતી. આજના દિવસે તેની પાસેથી આપણે કોઇપણ જાતની હિંસાની સામે અભય,અહિંસા સાથે આપણો અવાજ બુલંદ કરી શકીએ એવું શિખીએ.     

You Might Also Like

0 comments