બીજાને માટે જીવવામાં સાર્થકતા 10-10-12

23:34





રસ્તા પરથી પસાર થતાં આપણે અનેક ગરીબ કે ભિખારીઓને જોઇએ છીએ. ક્યારેક કોઇને તકલીફમાં પણ જોતા હોઇશું પરંતુ, તેમને આપણે નજર અંદાજ કરીને ચાલવા માંડીએ છીએ. કારણ કે આપણી પાસે કરવાના અનેક કામ હોય છે. નોકરી ,ધંધો હોય છે. આપણું સુંદર જીવન હોય છે તેમાં બીજાના દુખદર્દને જોવાની કે જાણવાની જરુર કે ફુરસદ આપણી પાસે નથી હોતા. આપણે કંઇ મધર ટેરેસા થોડા જ છીએ....પણ એવીય વ્યક્તિઓ હોય છે જેઓ આવું કોઇક દ્રશ્ય જુએ છે અને તેમનું જીવન બદલાઈ જાય છે. આજથી લગભગ તેર વરસ પહેલાં મદુરાઈમાં રહેતા એન ક્રિષ્ણન નામના યુવાને મંદિરમાં દર્શન કરવા જતાં પહેલાં એક વ્યક્તિને પોતાની જ વિષ્ટા ખાતા જોયો અને તેનું મન આ દ્રશ્ય પચાવી ન શક્યું. તે પોતે ફાઈવ સ્ટાર હોટલનો શેફ એટલે કે રસોયો છે. તાજ હોટલમાં કામ કરવાના તેના અનુભવે હવે સ્વીટર્ઝલેન્ડની ફાઈવ સ્ટાર હોટલમાં સારી નોકરી અપાવી હતી. અને તે નોકરી માટે સ્વીટર્ઝલેન્ડ શિફ્ટ થતાં પહેલાં તે મદુરાઈના પોતાના કુટુંબીઓને અને મિત્રોને મળવા પહોંચ્યો પણ રસ્તામાં જોયેલા દ્રશ્યએ તેના માનસને હચમચાવી દીધું હતું. અને તેણે પોતાની ઝળહળતી કારર્કિદીને ત્યાં જ તિલાંજલી આપી દીધી. તે કદી સ્વીટર્ઝલેન્ડતો ન જ ગયો પણ તેણે ક્યારેય કોઇ મોટા પગારની નોકરી કરવાને બદલે રસ્તા પર રહેતા કે સમાજથી તરછોડાયેલા માનસિક રીતે રુગ્ણ લોકોને જમાડવાની સેવામાં લાગી ગયો. 2002ની સાલમાં તેણે અક્ષયા નામે ટ્રસ્ટ શરુ કર્યું જેમાં તે રસોઈ બનાવીને તૈયાર ભોજન લઈ  દાનમાં મળેલી મારુતિ વાનમાં મદુરાઈની સડકો પર નીકળી પડતો. પોતાના હાથે આવી માનસિક રુગ્ણ અસહાય વ્યક્તિઓને ભોજન કરાવવાનું શરુ કર્યુ.ધીમે ધીમે તેની સાથે લોકો જોડાતા ગયા. દાન મળતું ગયું. શરુઆતમાં તો તેના માતાપિતા જે કાંઇ અમિરતો નહોતા તેમણે એના આ કામનો વિરોધ કર્યો. કારણ કે ખૂબ પરિશ્રમ કરીને તેમણે નારાયણન ક્રિષ્ણનનને હોટલ મેનેજમેન્ટનું  ભણાવ્યો હતો. નારાયણને પોતાની માતાને કહ્યું કે એકવાર આવીને જો હું શું કરું છું પછી તું કહીશ તે કરીશ. તેની માતાએ તેનું કામ જોયા બાદ ઘરે પાછા આવીને કહ્યું કે તું આ બધાને જમાડ હું તને જમાડીશ...બસ પછી ક્યારેય નારાયણને પાછું ફરીને જોયું નથી. તેનું કામ ફક્ત ખવડાવવા પુરતું જ ન રહેતું પણ તે હવે આવા માનસિક રુગ્ણ લોકોને નવડાવતો , તેમના વાળ,નખ કાપી આપે. સવારના ચાર વાગ્યાથી તેનો દિવસ શરુ થાય તે રાતના મોડે સુધી ચાલે... તેને ક્યારેય થાક નથી લાગતો કે ન તો સેવા કરવાનો તેનો ઉત્સાહ ઓછો થતો.. મદુરાઈમાં લગભગ પાંચસોએક આવા માનસિક રુગ્ણ લોકો રસ્તા પર રહે છે. તેમને રોજ ત્રણ વાર જમાડવાના અને સાફસુથરા રાખવામાં નારાયણને આત્મ સંતોષ મળે છે.  એન ક્રિષ્ણનન હાલમાં આવા લોકો માટે કાયમી શેલ્ટર  બનાવી  રહ્યો છે એંશી ટકા કામ પુરુ થઇ ગયું  છે. પણ પૈસાના અભાવે તેનું કામ ધીમી ગતિએ ચાલે છે.  તેનું કહેવું છે કે  આ રિહેબિલીટેશનનું કામ પૂર્ણ થશે ત્યારબાદ મદુરાઈમાં તમને કોઇપણ વૃધ્ધ કે રુગ્ણ વ્યક્તિ રસ્તા પર જોવા નહીં મળે.  હાલમાં તે નાના પાયે કેટરિંગ સર્વિસ પણ ચલાવે છે અને તેમાંથી મળતો નફો તે અક્ષયાના કામમાં  વાપરે છે. બે વરસ પહેલાં જ તેના લગ્ન થયા અને તેની પત્નિ પણ તેની સાથે કામમાં મદદ કરે છે.  તેને લાગે છે કે જો તે ફાઈવ સ્ટાર હોટલમાં સારા પગારની નોકરી કરતે તો લાખો રુપિયા કમાઈને એશો આરામની જીંદગી જીવી જ શકતે પરંતુ, અત્યારે આ તરછોડાયેલા લોકોની સેવા કરવામાં જે આનંદ અને સંતોષ મળે છે તે લાખો રુપિયાની સામે અમૂલ્ય છે. તેને એશો આરામની જીંદગી ન જીવી શકાયાનો કોઇ અફસોસ નથી.કારણ કે પોતાના માટે જીવવું સહેલું છે પણ કોઇ બીજાને માટે જીવવા માટે હિંમત જોઇએ. અનુકંપા ભરેલું હ્રદય જોઇએ. આજનો યુવાન મોજમજા સિવાય કશું જ નથી કરતો તેવું કહેતા હોઇએ ત્યારે એન ક્રિષ્ણનન જેવા ઉદાહરણ પણ આપણે જોવા જોઇએ. એન.ક્રિષ્ણનની જેમ આપણે સેવાનો ભેખ ન ધરી શકીએ તો કંઇ નહીં પરંતુ જો દરેક વ્યક્તિ આપણી આસપાસ નજર કરે અને એકાદું નાનું પણ સેવાનું કામ ઉપાડી લે તો ચોક્કસ જ સમાજનો ચહેરો બદલાય.
                             

You Might Also Like

0 comments