મારા સપનાનું જીવન જીવી – મેજર પ્રિયા જિંગન

20:19


હું નસીબદાર છું કે દશ વરસ સુધી  મારા સપનાનું જીવન જીવી શકી. ખૂબ જ  ગર્વ સાથે નિવૃત્ત મેજર પ્રિયા જિંગન ઉન્નત મસ્તક સાથે વાત કરે છે. આજે ગેંગટોકમાં પોતાના પતિ અને દીકરા સાથે રહેતા પ્રિયા પ્રથમ મહિલા હતી જેમણે ભારતીય લશ્કરમાં ઓફિસર તરીકે પ્રવેશ કર્યો હતો. ફક્ત પુરુષોનું ક્ષેત્ર ગણાતી લશ્કરની રફટફ જીંદગીમાં મહિલાઓના પ્રવેશ માટે વિચાર કરવામાં નહોતા આવતો. પોલીસ ઓફિસરની દીકરી પ્રિયા કંઇક જુદી માટીની બની હતી. તેને લશ્કરમાં જોડાવું હતું પરંતુ, તેમાં સ્ત્રીઓને ભરતી કરતા ન હોવાથી પિતાની જેમ પોલીસ ઓફિસર બનવાનું સપનું સેવવા લાગી હતી. દશમાં ધોરણમાં ભણતી હતી ત્યારે તેણે ત્યારના આર્મી ચીફને પત્ર લખીને સ્ત્રીઓને માટે લશ્કરના બંધ બારણા ખોલવાની વિનંતી કરી હતી. આર્મી ચીફ ત્યારે જવાબ આપ્યો હતો કે ટૂંક સમયમાં એવું શક્ય બનશે. બસ એ જાણીને તેણે એકમાત્ર સપનું જોયું ભારતીય લશ્કરી પોષાક પહેરવાનું. તેણે કાયદાનો અભ્યાસ કર્યો. અને 1992ની સાલમાં જ્યારે પ્રથમ વાર તેના હાથમાં જ્યારે જનરલનો સહી કરેલો ઓફિસર ટ્રેઇનિંગ એકેડમીનો પત્ર આવ્યો તે દિવસ તેની જીંદગીનો સૌથી  યાદગાર દિવસ હતો. એ પત્ર આજે ય તેને માટે અમૂલ્ય છે. પ્રિયાની સાથે બીજી 25 મહિલાઓ ચેન્નાઈ ખાતે ઓફિસર ટ્રેઇનિંગ એકેડમીમાં પહોંચી ત્યારે આર્મી લાઈફનું ગ્લેમર તેમની આંખોમાં હતું તે કબૂલ કરતાં પ્રિયા કહે છે કે, અમે બધા ફેન્સી કપડાંઓ ભરીને ગયા હતા જેથી સોશ્યલ ફંકશનમાં પહેરી શકાય, એ સાથે અમારી માગણીઓનું લિસ્ટ ગરમ પાણી,ટ્યુબ લાઈટ,સલુન વગેરે  જોઇને કમાન્ડિગ ઓફિસરેનું માથું ફરી ગયું હતું. ત્યારબાદ અમારી પાસે સખત ટ્રેઇનિંગ શરુ થઈ. લશ્કરી તાલીમ ખૂબ જ કડક હોય તેનો વાંધો ન હતો પરંતુ, ત્યારે પુરુષ જવાન સાથે અમારે સતત તાલીમ લેવાની હતી. એક જ સ્વિંમિંગ પુલમાં અમારે તરવું પડતું, એ કેટલીક સ્ત્રીઓ માટે એટલું સહજ કે સરળ નહોતું. જો કે હવે મહિલા કેડેટ ઓફિસરો માટેની તાલીમ એટલી સખત નથી રહી તે જોઇને મને દુખ થાય છે.
એક મહિલા ઓફિસર માટે શું મુશ્કેલીઓ ઊભી થઈ શકે તે અંગે વાત કરતાં તેમણે કહ્યું કે ટ્રેઇનિંગ બાદ પ્રિયાની પહેલી પોસ્ટિંગ અમદાવાદમાં થઈ. અમદાવાદમાં તેમણે પુરુષ ઓફિસર સાથે એક જ ટોઇલેટ વાપરવું પડતું. એટલે બારણું ઠોકીને અંદર કોઇ છે કે નહીં તેની ખાતરી કર્યા વગર ટોઇલેટમાં પ્રિયા કે અન્ય કોઇ ઓફિસરે ઘુસી ન જવું તેવો નિયમ પ્રિયાએ બનાવવો પડ્યો. જો કે  એકવાર પણ તેને એવો વિચાર ન આવ્યો કે એક મહિલા તરીકે તેને વધારાની સગવડ મળવી જોઇએ. કારણ કે લશ્કરમાં કોઇ જ પ્રકારની સુવિધા મેળવવાનો આશય સાથે જવાનું નથી હોતું. તમારે ગમે તે સંજોગોમાં દેશની સેવા કરવાની  તત્પરતા કેળવવાની હોય છે. એક વાર રાત્રે પીધેલો એક જુવાને જબરદસ્તીથી તેના રુમમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો, કોઇપણ ડર વગર પ્રિયાએ તેને બરાબર પદાર્થ પાઠ ભણાવ્યો પછી તો તે જુવાનને લશ્કરમાંથી કોર્ટમાર્શલ કરી ઘરે મોકલી દેવામાં આવ્યો. પ્રિયાને એ સારું લાગે છે કે લશ્કરમાં ન્યાય જલ્દી તોળાતો હોય છે. શરુઆતમાં કેટલાક પુરુષોને એવું લાગતું હતું કે મહિલાઓના પ્રવેશથી લશ્કરમાં ગ્લેમરનો રંગ ઊમેરાતો હતો પણ ધીમેધીમે જાતિ સંબંધી માન્યતાઓ દૂર થવા લાગી. મહિલાઓને પણ લશ્કરમાં સર કે ઓફિસર તરીકે જ સંબોધવામાં આવે છે નહીં કે મેડમ તરીકે આમ સંબોધનમાંથી જ જાતિનું  જુદાપણું દૂર કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ દશ વરસમાં ક્યારેય તેમને કે તેમની સાથેની મહિલા ઓફિસરોને લશ્કરમાં જોડાયાનો અફસોસ નથી થયો કે ન તો કોઇ ફરિયાદ હતી. હા એટલો અફસોસ જરુર હતો કે તેમને સીમા પર જઈને કામ કરવા નહોતું મળ્યું. પણ તે માટે  હવે આજની નારીએ વધુ રાહ નહીં જોવી પડે એટલો સંતોષ પ્રિયાને છે. મેજર પ્રિયા માર્ચ 2002ની સાલમાં ચેન્નાઈમાં જજ એડવોકેટ જનરલના પદ પરથી નિવૃત્ત થયા બાદ આજે ય એ લશ્કરી યુનિફોર્મ, બ્રાસોની વાસ, શિસ્તબધ્ધ ડ્રીલ અને લશ્કરી  સેલ્યુટ ખૂબ મીસ કરે છે. આજે પણ તે લશ્કરી શિસ્ત જીવનમાં રાખવાનો પ્રયત્ન કરે છે. રોજ નવ કિલોમીટર ચાલે છે. અને ઇચ્છે છે કે વધુમાં વધુ સ્ત્રીઓ લશ્કમાં જોડાવાનું સપનું જુએ અને તે સપનાને જીવે.
            

You Might Also Like

0 comments