તમારા વિચારો બદલો શાંતિ પ્રાપ્ત કરો. 26-9-12

22:32



હાવર્ડ મેડિકલ સ્કુલમાં મગજની રચના અને તેની કાર્ય પધ્ધતિ પર સંશોધન કરનાર ડૉ જીલ બોલ્ટે ટેલરને કલ્પના પણ નહોતી કે તેઓ મગજની રચનાને ફક્ત બહારથી જ નહીં પણ અંદરથી પણ સમજી શકશે. અનુભવી શકશે.વર્કોહોલિક , મગજના એક્સપર્ટ ડૉ જીલ બોલ્ટ ટેલરે એક સવારે પોતાના મગજને પોતાની વિરુધ્ધ વર્તતું જોયું ત્યારે એક એવા વિશ્વનો પરિચય થયો. જીલ ટેલર એ બાબતે પોતાને ભાગ્યશાળી માને છે કે  બ્રેઇન સાયનિટિસ્ટ તરીકે બ્રેઇન સ્ટ્રોકના અનુભવમાંથી પસાર થવું તે અદભૂત અનુભૂતિ છે. જો એવું ન બન્યુ હોતતો મગજના વિશ્વને આજે તેઓ જે રીતે સમજી શકે છે તે રીતે ક્યારેય તેને સમજી શક્યા ન હોત. જીલ ટેલરનો એક ભાઈ ક્રિશ સ્ક્રિઝોફેનિક હતો. એટલે જ જીલ ટેલરે સ્ક્રિઝોફેનિક મગજ અંગે સંશોધન કરવાનું બીડું ઝડપ્યું હતું. પણ હાર્વડ મેડિકલ સ્કુલમાં પણ તેણે જોયું કે સ્ક્રિઝોફેનિક મગજ સંશોધન માટે ઉપલબ્ધ નહોતા. તેણે સ્ક્રિઝોફેનિકના દર્દીઓના સગાવ્હાલાનો સંપર્ક કરી જાગૃતિ આણવાનો પ્રયાસ કર્યો. 37 વરસીય ડૉ જીલ ટેલર લગભગ વર્કોહોલિકની જેમ કામ કરતા હતા. ત્યાં અચાનક એક દિવસ 1996ની ડિસેમ્બરની એક સવારે તેમને પથારીમાંથી ઊઠતા માથામાં દુખાવાનો અનુભવ થયો. ગણકાર્યા વગર રોજના રુટિન મુજબ ટ્રેડમીલ પર ચાલવાની કસરત કરવા લાગ્યા.... દુખાવો વધતો હતો..કંઈક અજુગતુ થયાનો અણસાર આવતા ચાલવાનું બંધ કરી ન્હાવા ગયા. ટ્રેઇન્ડ બ્રેઇન સાયન્ટિસ્ટ હતા એટલે તેમણે પોતાના મગજની ગતિવિધિઓની નોંધ લેવા માંડી. દ્શ્યો બદલાતા હતા... પોતાનો હાથ જાણે કોઇ બીજાનો હોય તેવું લાગતું હતું. ધીમે ધીમે આખુંય દ્શ્ય એકાકાર લાગતું હતું. કશુંજ જુદુ નહોતું... ભય તો હતો જ નહીં. આ જોતા તેમને અચાનક લાગ્યું કે તેમને સ્ટ્રોક આવ્યો છે. અને મહાપરાણે મદદ માટે પ્રયત્નો શરુ કર્યા. તેમના ડાબા મગજમાં હેમરેજ થયું હતું. ડાબા મગજ સાથે  ભાષા અને જીવનની યાદો સંકળાયેલી હોય છે. ડૉ જીલે તે ખોઈ નાખી હતી. તેમને આખી દુનિયામાં ક્યાંય સીમા જણાતી નહોતી. આખું જગત એકાકાર અને સંઘર્ષમુક્ત શાંતિ અનુભવતા ડૉ જીલ ટેલરની દુનિયા હેમરેજને કારણે બદલાઈ ગઈ હતી. પથારીવશ અને પોતાની જીંદગીથી બેખબર જીલ ટેલર પોતાના મિત્રો અને માતાને સહારે હતી. તેમના મગજનું ઓપરેશન કરીને નસ ફાટવાને કારણે જે લોહીની ગાંઠ થઈ હતી તેને દૂર કરવામાં આવી. હવે ડૉ જીલ ફક્ત જીલ ટેલર હતા. જમણા મગજના આધારે શાંત દુનિયામાં જીવી રહી હતી. તેની મિત્ર કેલી અને માતાએ ફરીથી તેને ભાષા શીખવાડી...ચાલતા શીખવ્યું અને ભૂલાઈ ગયેલી દુનિયા તેની સમક્ષ મૂકી. પણ ડાબા મગજ કરતાં જમણા મગજના તાબામાં જીવતી જીલ ટેલરે એક સાયન્ટિસ્ટ હોવાને કારણે નોંધ્યું કે જીવનમાં ફક્ત કામ અને વ્યવહાર મહત્ત્વના નથી. આસપાસનું  કુદરતી વાતાવરણ અને કલાને જ જીવનમાં વધુ મહત્ત્વ આપવું જોઇએ. જીવન સુંદર છે. તેને ભરપુરતાથી સંઘર્ષમુક્ત જીવવું જોઇએ. સ્ટ્રોકને કારણે વિસરાઇ ગયેલી તેમની યાદો પાછી આવી ત્યારે એમણે સભાનતાપૂર્વક નક્કી કર્યું કે તે પોતાના મનની શાંતિને ખોવા નથી માગતા એટલે પીડાદાયક કે નકારાત્મક યાદોને તેમણે મનમાં ન સંઘરવાનું નક્કી કર્યું. તેઓ કહે છે કે તમે ખરેખર કેવું જીવવા માગો છો તે નક્કી કરી શકો છો. તમારા વિચારોને ધ્યાનપૂર્વક જુઓ. વિચારોની દિશા બદલીને તમે જીવનને સરળ અને સહજ બનાવી શકો છો. સંઘર્ષમુક્ત જીવન જ તમને શાંતિમય જીવન આપી શકે છે. નકારાત્મક લાગણીઓના બોજાઓ ઊંચકીને ચાલવાની જરુર નથી. સ્ટ્રોકના પાંચ વરસ બાદ ડૉ જીલ ટેલરને જે અનુભૂતિ થઈ તેમાંથી એક પુસ્તક રચાયું માય સ્ટ્રોક ઇનસાઈટ જેમાં તેમણે વિગતે એક વ્યક્તિ તરીકે એક વૈજ્ઞાનિક તરીકે અને એક દરદી તરીકે શું લાગ્યું તે લખ્યું છે. તેમાં એમણે નોંધ્યું છે કે તેમને જ્યારે ભાષા અને યાદો ભૂલાઈ ગયા હતા ત્યારે પણ અનુભવાતું હતું કે જો કોઇ પ્રેમથી , સહાનુભૂતિપૂર્વક વર્તે તો તેમને સારું લાગતું હતું જ્યારે કોઇ ડોકટર કે નર્સ રુક્ષ્તાથી વર્તતાતો પોતાનામાં બંધ થઈ જવાતું હતું. ઉષ્મા,સહાનુભૂતિ અને લાગણીસભર સ્પંદન-સ્પર્શ દર્દીને સાજા કરવામાં ખૂબ મહત્ત્વના હોય છે. બીજી વાત કે આખીય દુનિયામાં સંવાદિતા છે, ક્યાંય જુદાપણું છે જ નહી. જે અલગતા દેખાય છે તે આપણા ડાબા મગજની કરામત છે જેમાં ભાષા, યાદો અને ગમાઅણગમા જેવી લાગણીઓ છે જે સાચું ચિત્ર આપણી સમક્ષ રજુ થવા દેતું નથી. ડાબા મગજને વધારે મહત્ત્વ ન આપતા જમણા મગજની અલૌકિક દુનિયા જે સંઘર્ષમુક્ત,શાંત અને સુંદર છે તેને જોવાનો પ્રયત્ન કરવો જોઇએ. શાંતિ એક વિચાર જેટલી જ છેટી છે. તેમના પુસ્તકે અનેક તબીબો અને નર્સના અભિગમ અને જીવન બદલી નાખ્યા. તો અનેક વ્યક્તિઓને જીવનમાં નવી દિશા સુઝાડી.

You Might Also Like

0 comments