વૈભવી જીવનમાંથી જરુરિયાત પુરતી જીવન શૈલી તરફની યાત્રા 19-9-12

03:19





ટોમ શેડિયાક હોલીવુડનો સફળ  અબજપતિ ડાયરેકટર છે. તેણે બ્રુસ અલમાઈટી , ધ નટ્ટી પ્રોફેસર જેવી બ્લોક બસ્ટર ફિલ્મો બનાવી છે. તેની પાસે એક જમાનામાં 17 હજાર સ્કેવરફીટનો બંગલો, લકઝુરિયસ કાર , પોતાનું ખાનગી વિમાન હતું. કોઈપણ વ્યક્તિની કલ્પનાનું સુંદર જીવન તે વ્યતીત કરી રહ્યો હતો. પણ ટોમનું કહેવું છે કે જીવનમાં દરેક સુખસગવડો છતાંય કશુંક ખુટતું હોવાની લાગણી સતત અનુભવાતી હતી. જીવનમાં સભરતા નહોતી લાગતી. 2007માં તેની બાઈકનો અકસ્માત થયો તેણે મૃત્યુને નજીકથી જોયું અને ત્યારબાદ તેને પોતાનામાં એક બદલાવ આવતો અનુભવ્યો.  અને સાથે જ તેને ન સમજાતા અનેક પ્રશ્નોના ઉત્તર મળવા લાગ્યા. તેણે આઈ એમ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે જેમાં તેણે પોતાના જીવનમાં, વિચારોમાં આવતા પરિવર્તનને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. આ ફિલ્મમાં તે કહે છે કે , મેં જ્યારે મારા મૃત્યુને સન્મુખ જોયું ત્યારથી મને જીવનનો અર્થ સ્પષ્ટપણે સમજાવા લાગ્યો. જો મારે મૃત્યુ પામવાનું જ હોય તો મારે લોકોને છેલ્લે શું કહેવાનું છે તેની સાદી અને સ્પષ્ટ સમજ આવી. મારે કહેવું છે કે જે  દુનિયામાં હું અત્યાર સુધી જીવ્યો તે ખોટું હતું. છેતરામણું હતું.
અકસ્માતના પાંચ મહિના બાદ તેણે આઇ એમ ફિલ્મ ધ્વારા તેને સતત સતાવતા બે પ્રશ્નોના ઉત્તર મેળવવાનો પ્રયત્ન કર્યો એક તો આપણા વિશ્વની તકલીફો શું  છે અને બીજું આપણે તેને માટે શું કરી શકીએ.
હકિકતમાં તો ટોમના મનમાં આપ્રશ્નો વરસોથી ઘોળાઈ રહ્યા હતા પરંતુ, અકસ્માત થયા બાદ તે વિશે વધુ વિચારતો થયો. વિશ્વની તકલીફો વિશે વિચારતા તેને લાગ્યુ કે દુનિયાએ ઠોકી બેસાડેલી સફળતાના માપદંડો જ તકલીફોનું મૂળ કારણ છે. તમારી પાસે સારા પગારનું કામ હોવું જોઈએ. સમાજમાં મોભો હોવો, મિલકત હોવી એ માપદંડો ખોટા છે. ખરું તો તમે કેટલા પ્રેમાળ, સારા , બીજાને મદદરુપ જીવન જીવો છો તે અગત્યનું છે. આ પ્રશ્નના મૂળ સુધી પહોંચતામાં તો ટોમનું જીવન બદલાઈ ગયું. તેણે પોતાનો વૈભવી બંગલો વેચીને 1000 સ્કેવર ફુટનું મોબાઈલ ઘર લીધું, કારને બદલે સાયકલનો ઉપયોગ કરવા લાગ્યો અને પોતાના ખાનગી વિમાનને બદલે કમર્શિયલ વિમાનમાં પ્રવાસ કરવા લાગ્યો. આમ પોતાની જરુરિયાતોને ઓછી કરીને બાકીના પૈસા તેણે પરમાર્થે દાનમાં આપી દીધા. ટોમ કહે છે, આજે હું મારી ઓછી જરુરિયાતમાં પહેલાં કરતાં વધારે આનંદમાં જીવન વિતાવું છું.  હું બધું  જ છોડી દેવાની વાત નથી કરતો એ યાદ રાખો. જરુરિયાત પુરતું જ રાખવાનું કહું છું. હું પણ પહેલાં બધાની જેમ બાહ્ય રીતે દાંભિક જીવન જીવતો હતો. પણ એક અકસ્માતે મારા દંભને ચકનાચૂર કરી દીધો. કારણ કે આપણે એવી રીતે જ જીવીએ છીએ જાણે કે મરવાના જ નથી. સફળતાના નશામાં સતત બીજાઓ પર વટ પાડવાનો પ્રયત્ન કરીએ છીએ.  અને સતત મોટા થવાના, મોટું ઘર , મોટી ગાડી ખરીદવાના સપનાઓ પાછળ દોડીએ છીએ.
ટોમે આઈ એમ ડોક્યુમેન્ટરી બનાવતા પહેલાં વૈજ્ઞાનિકોને વાંચ્યા, ફિલોસોફી વાંચી, સાયકોલોજી, અધ્યાત્મ દરેક વિષયોનો અભ્યાસ કર્યો. અને તારણ પર આવ્યો કે કુદરતમાં દરેક પ્રાણી કે આપણી શરીરની અંદરના કોશો પણ જરુરિયાત જેટલું જ લે છે.જ્યારે માણસ જ એક માત્ર એવો છે કે જેને કોઈ જાતનો ધરવ નથી. તેને વધુને વધુ જોઈએ છે. બધું જ વધારે મેળવવાની ઝંખના આપણને કેન્સરની જેમ ગ્રસ્ત કરી રહી છે. ટોમ વળી કહે છે કે મારે એ કેન્સરના ભોગ નહોતું બનવું એટલે આજે હું મારી જરુરિયાતથી વધારે નથી રાખતો કે વાપરતો. અને તેમાં મને આનંદ આવે છે. હું સેલિબ્રિટીની દુનિયામાં જીવ્યો છું તે છેતરામણી છે. સેલિબ્રિટિના સ્ટેટસને મહત્ત્વ ન આપો એવું હું લોકોને વિનંતી કરી શકું. હા, તમે કોઈની પ્રતિભાને જરુર વખાણો પણ આખરે તે માણસ છે માણસ તરીકે જ
તેની સાથે વર્તો.  બીજું હરિફાઈમાં ન ઉતરો...નંબર વન આવવાની હરિફાઇમાંથી જ ખોટી સફળતાના બીજ ઊગે છે. અને તે તમને નિરાશા, દુખ , રાગદ્વેષ સિવાય કશું જ નહીં આપી શકે. હરિફાઈ કરવી આપણો મૂળભૂત સ્વભાવ નથી તેવું વૈજ્ઞાનિકોએ સાબિત કર્યુ છે. એકબીજા સાથે હળીમળીને રહેવું, સંપીને રહેવું અને લોકશાહીમાં માનવું તે આપણો મૂળ સ્વભાવ છે. અને તે જ આપણા ડીએનએમાં છે. આપણે બીજાને અનુસરવા કરતાં આપણા હ્રદયને અનુસરવું જોઈએ. આપણને પોતાને જીવનમાં શું કરવું છે તે વિશે વિચારશું તો જીવનમાં બદલાવ આવશે જ. મને કોમેડી ફિલ્મો બનાવવી ગમે છે તો હું બનાવીશ જ. કારણ કે હું જે છું તે રહેવા માટે મારે મારું જીવન જીવવાનું છે. બીજાની સફળતા કે વૈભવ જોઈને મારો આજનો આનંદ વેડફવાની મારી ઇચ્છા નથી તે મને સમજાયું અને એ સંદેશ પણ મારે લોકો સુધી પહોંચાડવો હતો અને એટલે જ મેં આઈ એમ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી જે જોઈને દર્શક પોતાના જીવન વિશે વિચારતો થાય. જો બધા જ પોતાની જરુરત કરતાં વધુ ન રાખે તો દુનિયા આજે છે તેનાથી વધુ સારી બનશે જ તેમાં કોઈ શંકાને સ્થાન નથી.   
આઈ એમ નામની ડોક્યુમેન્ટરી વિદેશના થિયેટરોમાંતો રજુ થઈ ગઈ પણ વિદેશી ચેનલ પર  2012માં પ્રિમિયર થવાનું છે. આ ડોક્યુમેન્ટરી મેળવીને જોવા જેવી છે. શક્ય છે આપણી દુનિયા બદલાઈ જાય. 

You Might Also Like

3 comments

  1. બ્લોગ શરૂ કરવા બદલ અભિનંદન. સારી સ્ટોરી છે.

    ReplyDelete
    Replies
    1. જયવંતભાઈ... આભાર, આ મારી કોલમ છે ફુલછાબમાં જેને બ્લોગમાં મૂકું છું.

      Delete
  2. G8. Cardiac congratulations.Let me know from where to get d documentary?

    ReplyDelete