હીરબાઈ લોબીને અભણ કોણ કહે ? 28-8-12

23:24


સૌરાષ્ટ્રના ગીર પંથકમાં વનરાજ સિંહનું રાજ પ્રર્વતે છે. ગીરના સિંહ જેટલા દેશવિદેશમાં પ્રખ્યાત છે તેટલા જ ગીરના જાંબુર ગામના હીરબાઈ લોબી પણ પોતાની આગવી પ્રતિભાને લીધે પ્રસિધ્ધ છે. હીરબાઈ લોબી સિદ્દી જાતિના અભણ અને ગરીબ ઘરમાં જન્મેલા. બાળપણ ઘણી તકલીફો વચ્ચે વિત્યું. ચાર વર્ષની ઉંમરે માતાનું મૃત્યુ થયું અને ચૌદ વરસની વયે પિતાજીની છત્રછાયા ગુમાવી.દાદી પાસે રહીને ઊછર્યા. તેમની સિદ્દી જાતિમાં પુરુષો પણ ભણે નહીં ,ગરીબી, બેરોજગારી અને આલ્કોહોલનું સેવન સામાન્ય બાબત ગણાય. એવામાં હીરબાઈના લગ્ન થયા પણ પરિસ્થિતિમાં કશો જ ફરક ન પડ્યો. હીરબાઈને પિતા તરફથી વારસામાં અડધો એકર જમીન મળી હતી પરંતુ, ગામમાં બીજાની જેમ તેમને માથે પણ એક  લાખ રુપિયાનું દેવુ હતું. પરંતુ, હીરબાઈમાં નામ પ્રમાણે હીર હતું. અભણ હોવા છતાં તેમનામાં દૂરંદેશી બુધ્ધિ હતી એટલે સખત મહેનત કરી ખેતી કરી દેવું વાળ્યું. અને પોતાની જાતને સધ્ધર બનાવી. એટલેથી જ આ હીરબાઈ અટકી નહીં તેમણે સમાજની અનેક બહેનો અને છોકરાઓને સધ્ધર બનાવવાનું બીડું ઝડપ્યું.
દેખાવે પણ સિદ્દી દેખાતા, કહેવાતા અભણ હીરબાઈ આજે 55 વરસની ઊંમરે ભણેલી બહેનોને શરમાવે તેટલા કામ કરે છે. સવારે પાંચ વાગ્યે ઊઠીને ઘરના કચરા પોતા, જમવાનું બનાવવાનું, પોતાની ખેતીના કામ કરવાના પછી શરુ થાય સમાજના કામ... કાઠીયાવડી ગુજરાતીમાં હીરબાઈ કહે છે કે , કામ કરતાં મને ક્યારેય થાક લાગતો નથી. મારા કામ નો થાય તો હાલે પણ મારી પાહે જે કોઈ આવે તેનું કામ થાવું જ જોહે. અને ભગવાનની મહેર છે કે લોકોના કામ તત્કાલ થાય.
જાંબુરગામમાં પહેલાં શાળા નહોતી. અને ખાસ કોઇ કામધંધો ય નહોતો. હીરબાઈની દૂરંદેશી બુધ્ધિથી આજે ગામમાં આંગણવાડી,શાળા અને કોલેજ પણ છે. બીજું કોઇ કામ કરે તેની રાહ જોવામાં હીરબાઈ માનતા નથી. તેમના આદિવાસી મહિલા સંગઠન સાથે આજે 900 જેટલી બહેનો સંકળાયેલી છે. અને તેનાથી વધુ બહેનોને હીરબાઈએ પગભર કરી છે. ગિરનાર પંથકમાં સારામાંની કેસર કેરીનું અભૂતપૂર્વ વાવેતર..કેરીતો એક્સપોર્ટ થાય જ પણ તેનો રસ પણ ડબ્બા પેક કરવાનું કામ કાજ શરુ કરાવ્યું. ઓર્ગેનિક ખાતર બનાવવાનું કામ તો મોટાપાયે બહેનો કરે છે. તેમના ખાતરની ક્વોલિટી એવી કે તેની માગ વધતી જ જાય છે. બિયારણ મોંઘુ મળે તો સસ્તા ભાવે સારું બિયારણ લોકોને મળે તેનું કામ પણ શરુ કરાવ્યું. પશુપાલન,ડેરી ઊદ્યોગ આમ ગામમાં રહીને થઈ શકે એવા અનેક રોજગાર તેમણે બહેનો માટે શરુ કરાવ્યા. ફક્ત જાંબુર ગામ જ નહીં આસપાસના 19 ગામની બહેનો માટે હીરબાઈ કામ કરી રહ્યા છે. આવી અશિક્ષિત ગરીબ હીરબાઈને આવી સમજ કેવી રીતે આવી ? એવું પૂછ્યુ તો હસીને કહે બેન, મારી દાદી પાસેથી... મારી દાદીએ એક વાત મને ગાંઠે બંધાવેલી કે કોકના ભલામાં આપણી ભલાઈ છે. બસ આજે ય એજ વાક્ય મારા મનમાં સતત ઘૂમરાતું રહે છે. અને  સાચું કહું મને અશિક્ષિત રહ્યાનો કોઇ અફસોસ નથી.. કદાચ હું ભણી હોત તો બીજાનો વિચાર કરત કે નહીં તે ખબર નથી. પણ ભણી નથી એટલે મારા છોકરા ભણે , બીજાના છોકરા ભણે એવા વિચાર સતત આવે. પોતાના માટે તો સૌ કોઇ ખાય પણ બીજા ખાયને આપણું પેટ ભરાય ત્યારે ખરું. આ વિચારો મને દાદી પાસેથી મળ્યા અને મારાથી થાય એટલું કામ કરું છું. મને તો ક્યારેક લાગે કે હું કોઇ કામ કરતી જ નથી. તમે ક્યો ત્યારે તમારી સાથે વાત કરવા નવરી. કહેતાં હીરબાઈ સહજતાથી હસી પડે છે.
હીરબાઈ પોતે કોઇ માલિકીભાવથી કે જાતિ,ધર્મના ભેદભાવથી કામ નથી કરતા. તેમની પાસે આવતી બહેનોને તેઓ પોતાની રીતે સધ્ધર બનાવી કામ કરતી કરી વિકાસ માટે મુક્ત કરે. આસપાસના અનેક ગામોમાં સફળ રીતે વ્યવસાય કરતી બહેનોની કહાણી મળી શકે. અને તેમનું પીઠબળ હશે હીરબાઈ લોબી. જીલ્લા સ્તરે તેમની સલાહ લેવાય. કૃષિ હોય કે ડેરી ઊદ્યોગ હોય કે પછી વિકાસના કાર્ય હોય તેમની  પાસે ઉપયોગી માહિતી અને જ્ઞાન હોય જ. ગામમાં સ્વચ્છતા, ફેમિલિ પ્લાનિંગના કાર્યો સાથે કો ઓપરેટીવ સ્ટોર્સ પણ શરુ કર્યો. હીરબાઈના મતે વિકાસ એટલે ફક્ત પૈસા કમાવવા નહીં પરંતુ, તમામ ક્ષેત્રે તમારું જીવન ધોરણ સુધરવું જોઇએ. તેમને દેશ-વિદેશમાં લોકો વક્તવ્ય આપવા માટે બોલાવે છે. અને અનેક એર્વોડોથી તેમનું સન્માન થયું છે. તેમનું સપનું છે કે તેમની સિદ્દી જાતિના બાળકો રમતગમત ક્ષેત્રે  પણ દેશનું નામ રોશન કરે. તાલીમ વર્ગો અને સ્પોર્ટસ સંકુલ ગામડાઓમાં હોવું જોઇએ તેવી એમની ઇચ્છા છે. હીરબાઈની સમાજને માટે કામ કરવાની ધગશ જોઇને એક સ્ત્રી તરીકે માથું ગર્વથી ઊંચુ થાય છે. 

You Might Also Like

0 comments