ચપ્પલ મારુંગી

06:53


મુંબઈના વિલ્સન કોલેજના પાંચ વિદ્યાર્થીઓએ મહિલાઓની છેડતી કરતાં રોમિયો પુરુષો વિરુધ્ધ ચપ્પલ મારુંગી નામે એક અભિયાન છેડ્યું છે. આ અભિયાન ફેસબુક સોશ્યલ નેટવર્કિગ ધ્વારા બીજા રાજ્યોમાં પણ પહોચે તેવી એમની ભાવના છે. આ અભિયાનના પ્રણેતા અલીશા શર્માનુ કહેવું છે કે મુંબઈમાં રહેતી દરેક મહિલા ઘર બહાર નીકળતા જ  એક યા બીજા પ્રકારે છેડતીનો અનુભવ કરતી જ હોય છે.મહિલાઓને જોઇને  ગીતો ગાવા, કોમેન્ટ કરવી ઉપરાંત જાણીજોઈને મહિલાઓને ઘસાઈને પસાર થવું કે ગરદીનો લાભ લઈને અણછાજતી હરકતોનો સામનો મુંબઈની મહિલાઓ જ નહીં પણ બીજા રાજ્યોમાં પણ સ્ત્રીઓ આવો અનુભવ  કરતી  જ હોય છે. મોટેભાગે શરમની મારી મહિલા ચુપચાપ સહન કરી લેતી હોય છે. પણ આ કેમ્પેઈન ધ્વારા તેઓ મહિલાઓને આવી છેડતી સામે અવાજ ઊઠાવવાનું કહી રહ્યા છે.
ચપ્પલ મારુંગી એ અભિયાન આવા પુરુષો સામે હિંસક રીતે વર્તવાનું મહિલાઓને નથી કહેતું પણ પુરુષોને આવું ન કરવા માટે સમજાવવું નિરર્થક સાબિત થઈ રહ્યુ છે ત્યારે તેમને જાહેરમાં ભોંઠા પાડવાનું આ અભિયાન ધ્વારા કહેવામાં આવે છે. ધારો કે તમને કોઈ પુરુષ છેડે તો ચુપચાપ નીચું મોઢું કરીને પસાર થઈ જવા કરતા, તેની સામે જાહેરમાં વાંધો ઊઠાવો. બૂમાબૂમ કરો. લોકોને જાણ કરો કે ક્યા પુરુષે તમારી સામે કેવી નીચ હરકત કરી છે. જો કે આવી હરકત જાહેરમાં જ્યાં ગરદી હોય ત્યાં જ થતી હોય છે એટલે તેવે સમયે પોતાનો અવાજ ઊંચો કરીને આવા તત્વોને પાઠ ભણાવવાની હિંમત કેળવવા માટે આ અભિયાન છે. નહીં કે અરધી રાત્રે એકલા તમે ઘર તરફ જતા હો.  આ રીતે છેડતી કરનાર પુરુષોને  જાહેરમાં ભોંઠા પાડવામાં આવે તો બીજીવાર એવી હરકત કરતાં તેઓ ચારવાર વિચાર કરે એ જ હેતુસર આ અભિયાન શરુ કરવામાં આવ્યુ છે.
 આ અભિયાનમાં ચાર યુવતીઓ ઉપરાંત એકમાત્ર યુવાન છે અભિષેક લાંબા તેનું કહેવું છે કે હું જ્યારે આ રીતે પુરુષો ધ્વારા છેડતી થતી જોઉં છું તો મને શરમ આવે છે અને તેની સામે અવાજ ઊઠાવ્યા વિના રહી શકતો નથી.
કેટલીય વાર આવી છેડતીને કારણે યુવતીઓ અનેક માનસિક વિટંબણાઓ સહે છે તો ક્યારેક આત્મહત્યા કરવા પણ પ્રેરાય છે. તો કેટલીક યુવતીઓ પીન, મરચાંની ભૂકી કે બૂમાબૂમ કરી પેલા છેડતી કરનાર પુરુષને લોકઅપ સુધી લઈ જવામાં ય સફળ થાય છે. પરંતુ, છેડતી કરનારાઓની સંખ્યા ઘટતી નથી. પછી તે મુંબઈ હોય કે ગુજરાત કે પછી દિલ્હી. ચપ્પલ મારુંગી અભિયાનમાં મહિલાઓ સાથે પુરુષો પણ અભિષેકની જેમ જોડાય તો ખરેખર ક્યારેય ચપ્પલ મારવાનો વખત નહીં આવે. 

You Might Also Like

0 comments