ઈજિપ્તમાં સ્ત્રિઓની સ્વતંત્રતા જોખમમાં 4/10/11

06:55


દીના વહાબાએ જ્યારે પ્રથમવાર જાન્યુઆરીની 25મી તારીખે તાહિરી સ્કેવર પર ગઈ હતી ત્યારે તેના ગળામાંથી મુક્તિનો  અવાજ નીકળી નહોતો શકતો. તેણે જોયું કે  આખી જીંદગી જેણે ઈજીપ્ત પર શાસન કર્યુ તે હોશની મુબારકની વિરુધ્ધમાં સુત્રોચ્ચાર કરતી  તેના જેવી અનેક મહિલાઓ પુરુષોની સાથે સ્વતંત્રતા માટે લડી રહી છે.  સ્વતંત્રતા માટેની આ ક્રાંતિમાં પ્રથમવાર મહિલાઓ અને પુરુષોએ ખભેખભા મિલાવીને કામ કર્યુ. ધરપકડ વહોરી અને આખરે નવ મહિના બાદ હોશની મુબારકથી મુક્ત થઈને ઇજિપ્તે મુક્તિના શ્વાસ લીધા.  ઇજિપ્તની ક્રાંતિકારી ઘટનાની  આખાયે વિશ્વએ નોંધ લીધી. તેના વિશે ફેસબુક પર, બ્લોગ પર અને પ્રિન્ટ તથા ડિજીટલ મિડિયામાં પણ ભારોભાર લખાયું.  આ ક્રાંતિની લડતમાં દરેક મહિલા સંગઠનોએ આગળ પડતો ભાગ લીધો હતો. પણ આજે જ્યારે નવેમ્બર મહિનામાં આ દેશમાં લોકશાહીને લક્ષમાં રાખીને નવી સરકાર રચાવાની છે અને નવું બંધારણ લખાવાનું છે ત્યારે  દીના વહાબા જેવી મહિલા સંગઠન સાથે કામ કરતી મહિલાઓને  આંચકો લાગે છે કે કારણ કે મહિલાઓ માટેનું આ નવી સરકારનું વલણ ઓરમાયું છે. એટલું જ નહીં હોશની મુબારકના સમયમાં પાર્લામેન્ટમાં 64 બેઠકો મહિલાઓ માટે અનામત રખાતી તેનું તો નામોનિશાન મટી જ જશે. પરંતુ, પુરુષોનું કહેવું છે કે સ્ત્રીઓનું સ્થાન નિકાબમાં (પગથી માથા સુધી ઢાંકતો બુરખો જે તેમને બહારના જગત સાથે સંવાદથી વંચિત રાખે છે) રહેવાનું છે. અને  એક માત્ર મહિલા વડાપ્રધાનની શક્યતાને તો ત્યાંના પુરુષ રાજકારણીઓએ એમ કહીને નકારી દીધી કે અમે પુરુષ રાજકર્તાઓથી ટેવાયેલા છીએ. અમારા ઘરમાં પણ પિતાનું જ કહ્યું માનવામાં આવે છે. આવું કહ્યા ઉપરાંત કેટલાકે સુચન કર્યુ કે ક્રાંતિની લડત દરમિયાન તાહિતી સ્કેવરમાં પુરુષોની પડખે કામ કરતી કે ધરપકડ કરાયેલી મહિલાઓ કુંવારી છે કે નહીં તેની તપાસ થવી જોઈએ. એક માત્ર મહિલા રાજકારણી, ક્રાંતિકારી ગમીલા ઇસ્માઈલ  ટીવી ન્યુઝ માટે કામ કરતી હતી. તેના પતિ  2005માં અયમન નૂર વડાપ્રધાન પદના દાવેદાર હતા, તેમને પાંચ વરસની જેલ  થયા બાદ તેણીએ રાજકારણમાં જંપલાવ્યુ હતું. પહેલા તે હારી હતી તે મહિલા હોવાને લીધે નહી પણ વિરોધી દળમાં હોવાને કારણે..તે રાજકારણીની ભાષા બોલે છે , તેનું કહેવું છે કે, કશું જ મફતમાં નથી મળતું. ક્રાંતિથી નવી શરુઆત થઈ છે. અમારે અધિકાર મેળવવા માટે પુરવાર પણ થવું જ પડશે. અને મને આશા છે કે ભવિષ્યમાં મહિલાઓ માટેનો પુરુષોનો રવૈયો પણ બદલાશે. પણ  હાલમાં તો  ત્યાંની આરબ મહિલા સંગઠનોને તેમના હક માટે અવાજ ઊઠાવવાની પણ મનાઈ છે. દીના વહાબા જેવી અનેક ઇજિપ્શયન મહિલાઓ પુછે છે કે ક્રાંતિની લડત વખતે પુરુષો મહિલાઓનો સાથ જરુરી લાગ્યો હતો. પણ હવે તેમને મહિલાઓનું વ્યક્તિત્વ ખપતું નથી કે તેમને લીડર તરીકે સ્વીકાર કરવાની હિંમત પણ નથી. જ્યારે ઇજિપ્તની યુનિવર્સિટિઓમાં  પચાસ ટકા મહિલાઓ અભ્યાસ કરી  રહી છે.ત્યારે  આજે પણ પોતાના અસ્તિત્વની લડાઈ મહિલાઓ લડી રહી છે. કારણ કે ઈજિપ્તમાં કન્જર્વેટીવ ઈસ્લામિક ગ્રુપ સક્રિય થઈ રહ્યુ છે અને તેમને હસવાની કે ડ્રાઈવ કરવાની પણ પરવાનગી નહી મળે. બસ ઘરની ચાર દિવાલોમાં તેઓ પુરાઈને રહી જશે. ઇજિપ્ત મુક્તિના હિમાયતીઓ ક્યા છુપાયા છે એ પ્રશ્ન જરુર થાય.

You Might Also Like

0 comments