નગ્નતા, નારી અને સત્ય 20/3/2012

00:19


નગ્નતા અને સત્ય વચ્ચે સગપણ છે. પરંતુ, સત્ય અને નગ્નતાને સ્વીકારવું સરળ નથી હોતું. બન્ને બાબત આંચકો આપે છે. કલાક્ષેત્રે નગ્નતાને નવો આયામ આપવામાં આવે છે. લગભગ દરેક કલાકાર નગ્ન નારીના સૌંદર્યના સત્યને પામવાનો પ્રયત્ન કરતો હોય છે. પણ સભ્ય સમાજમાં તેનો સ્વીકાર સહજતાથી થતો નથી. એટલે જ આજની નારીઓ નગ્નતાનો ઉપયોગ સમાજ સુધી સત્યને પહોંચડવા માટે કરે છે અથવા પોતાની ઓળખને સાબિત કરવા માટે પણ કરતી હોય છે. હાલમાં જ બે ઘટનાઓ બની જેમાં મહિલાઓએ લોકો સુધી નગ્નતા ધ્વારા પોતાનું સત્ય પહોચાડવાનો પ્રયત્ન કર્યો. સત્યતો કેટલે અંશે પહોંચ્યું તે તો ખબર નહીં પરંતુ, નગ્નતાના સમાચાર લોકો સુધી જરુર પહોંચ્યા. ફેબ્રુઆરીની અંતમાં લંડનમાં યોજાયેલ  ફેશનવીકના એક  શોમાં ગર્ભવતી નગ્ન મોડેલે સ્ટેજ પર કેટવોક કર્યુ તે સમાચાર દુનિયામાં દરેક અખબારમાં છપાયા. ગ્લેમર મોડેલ અને ભૂતપૂર્વ મિસ વેલ્સ સોફિયા કાહિલે મિલિનર રોબીન કોલના હેટ કલેકશનના ફેશન શોમાં ગર્ભવતી હોવા છતાં ફક્ત હેટ પહેરીને નગ્ન વોક કર્યું. મિલિનર રોબીન કોલ નવી ડિઝાઈનર હતી. તેને લોકોનું ધ્યાન ખેંચવું હતું તેથી ફક્ત હેટ પહેરીને નગ્ન મોડેલોનો ઉપયોગ કર્યો. ગર્ભવતી મહિલાનો ઉપયોગ કર્યો કારણ કે તેને મેસેજ પહોંચાડવો હતો કે તેની હેટ દરેક સાઈઝની મહિલાને માટે છે, જો કે આ અંગે અનેક ઊહાપોહ પણ થયો. પરંતુ, વિશ્વભરમાં તેને હેટ ડિઝાઈનર તરીકે પબ્લિસિટી મળી ગઈ. તો મહિલા દિને યુ ટ્યુબ, ફેસબુક અને ટ્વીટર પર ન્યુડ ફોટો રિવોલ્યુશનરી કેલેન્ડરની જાહેરાત થઈ. તેમાં યુરોપમાં વસતી અનેક ઇરાનીઅન મહિલાઓએ પોતાના નગ્ન શરીરને પ્રદર્શિત કરતા કહ્યું કે અમારા અવાજને કે સ્વતંત્રતાને કચડી નહીં શકો. અમારી નગ્નતા એ પોલિટિકલ ઇસ્લામને નકાર છે, મારા વિચારો, મારું શરીર, મારી પસંદગી.
  જાન્યુઆરી 2012માં ઇરાનીઅન અભિનેત્રી ગોલશિટે ફરહાનીએ એક ફ્રેન્ચ મેગેઝિન માટે લગભગ નગ્ન પોઝ આપ્યો હતો તે માટે તેને વખોડી કાઢવામાં આવી હતી તેના વિરોધમાં આ મહિલાઓએ નગ્ન વિરોધ કર્યો હતો. જો કે સાથે ન્યુડ કેલેન્ડરની જાહેરાત હતી જેના અંતે કહેવામાં આવે છે કે આ કેલેન્ડરની કમાણીને વિમેન રાઇટ્સ અને ફ્રિ એક્સપ્રેશન માટે વાપરવામાં આવશે.
મરિયમ નમાઝીને વિચાર આવ્યો કે સ્ત્રીઓ પર સતત લદાતા પ્રતિબંધનો વિરોધ કરવા માટે ન્યુડ કેલેન્ડર કરવું અને તે ધ્વારા મહિલાઓના  ફ્રિડમ ઓફ એક્સપ્રેશન અને માનવીય અધિકાર પર પ્રતિબંધનો વિરોધ કરવો. ઇજિપ્તની આલિયા મગદા એલમાડી નામની મહિલાએ પોતાના બ્લોગ પર પોતાની નગ્ન તસવીર મૂકીને તેણે ટ્વીટર પર લખ્યું કે જાતીયતાના નામે આચરાતો દંભ, હિંસા, રેસિઝમની વિરોધમાં અવાજ ઊઠાવો. આ  કેલેન્ડરમાં આલિયા એલમાડી સાથે અન્ય દરેક વયની મહિલાઓએ આત્મવિશ્વાસપૂર્વક પોતાની  નગ્ન તસવીર મૂકવા દઈને ફ્રિડમ ઓફ એક્સપ્રેશનમાં સાથ આપ્યો છે. તસવીરોની સાથે આજની નારીના વ્યક્તિત્વની ઓળખ આપતો સંદેશ પણ મૂકવામાં આવ્યો છે. મહિલા દિને આ કેલેન્ડર વેચાણ માટે મૂકવામાં આવ્યું છે. ઓનલાઈન તમે તેને જોઈ શકો છો અને ઓર્ડર ક્યા આપવો તેની માહિતિ પણ મેળવી શકો છો.
નગ્નતા ધ્વારા સત્યને સમાજના કાન સુધી પહોંચાડવાના પ્રયત્નો પહેલાં પણ થયા છે, નગ્નતા ધ્વારા રજૂ કરાયેલ સંદેશ તરત જ લોકો સુધી પહોંચે છે તેનો ઇતિહાસ સાક્ષી રહ્યો છે. પ્રાણીઓ માટે કામ કરતી પીટા નામની સંસ્થા ધ્વારા કેમ્પેન કરવામાં આવે છે કે પ્રાણીઓને મારીને તેનું ફર કે ચામડું વાપરવા કરતાં નગ્ન રહેવું સારું. આવા સંદેશ સાથે  વિશ્વ પ્રસિઘ્ઘ મોડેલ નેઓમી કેમ્પબેલ અને ક્રિસ્ટી ટર્લિગ્ટને નગ્ન પોઝ પણ આપ્યા છે. તો ઇરાક યુધ્ધના વિરોધમાં ય અનેક લોકોએ નગ્ન વોક કર્યું છે. બ્રેસ્ટ નોટ બોમ્બ મુવમેન્ટને તો આખાય વિશ્વની મહિલાઓએ પ્રતિસાદ આપ્યો હતો. પબ્લિસિટી સ્ટંટ માટે કપડાં ઊતારતી અભિનેત્રીની નગ્નતાને સત્ય સાથે કશી લેવાદેવા હોતી નથી. પણ જ્યારે સત્ય અને સંદેશ સાથે નગ્નતા પ્રદર્શિત થાય છે ત્યારે તેને તમે નજરઅંદાજ કરો કે વખોડો તો ય નગ્ન સત્ય તમારા હ્રદય સુધી પહોંચ્યા સિવાય રહેતું નથી. પછી ભલે તમે તેનો સ્વીકાર કરો કે ન કરો પણ સત્ય હંમેશા નગ્ન જ હોઈ શકે તેને દંભના વસ્ત્રો ઢાંકી નહી શકે. 

You Might Also Like

0 comments